આયો કહાંસે ઘનશ્યામ..??

(રીડગુજરાતી.કોમ દ્વારા  આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધા (૨૦૦૯) ની ઘોષણા થઈ ત્યારે જ આ વાર્તા મારા મનમાં એ સ્પર્ધા માટે આકાર પામી હતી. હું ગયે વરસે વિજયી થયેલ હોઉં,  નિયમાનુસાર ૨૦૦૯માં ભાગ લઈ ન શક્યો. એટલે હવે મારી આ વાર્તા આયો કહાંસે ઘનશ્યામ?’ ની આપની સમક્ષ રજુઆત કરી રહ્યો છું અને મારી સ્પર્ધાના નિર્ણાયકો છો આપ સહુ. સાચા નિર્ણાયકો…!

આપ સહુના નિર્ણયનો મને ઈંતેજાર રહેશે…!

આ વાર્તા વિશે આપના પ્રતિભાવ/કોમેન્ટનો પણ  મને ઈંતેજાર રહેશે.એ માટે આગ્રહભરી વિનંતી છે. આ માટે વાર્તાની નીચે વોટિંગ બાદ “પ્રતિભાવ” લખેલ છે ત્યાં ક્લિક કરવાથી કોમેંટ કરી શકાશે.

વિશેષ, મારી વાર્તા ‘સરપ્રાઈઝ’ માહે જુલાઈ ૨૦૦૯ માં  જાણીતા માસિક ‘અખંડ આનંદ’માં પ્રકાશિત થઈ છે. તદઉપરાંત, ‘બહારે ફિર ભી આતી હૈ…’ જુલાઈ ૨૦૦૯થી તિરંગામાં હપ્તાવાર પ્રગટ થઈ રહી છે.  છે ને આનંદની વાત યારો…!!

તો…. હવે માણો આયો કહાંસે ઘનશ્યામ…?? )

આયો કહાંસે ઘનશ્યામ..??

ઘનુ ઘનચક્કર ‘બજેટ ઈન’ મોટેલના એ રૂમમાં દાખલ થયો ને એને લાગ્યું કે એને ઊલટી થઈ જશે!! એક ઊબકો તો આવી જ ગયો! ઊબકાનો ઉછાળો રોકી, દોડીને એ ઝડપથી બાથરૂમમાં ગયો તો પડતાં પડતાં માંડ બચ્યો. બાથરૂમની હાલત નિહાળી એને ચક્કર આવી ગયા. આખા બાથરૂમની ફરસ પર પાણી જ પાણી હતું.

-ઓ ભગવાન!! એનાંથી એક ભારેખમ નિઃસાસો નંખાય ગયો.

હજુ તો આ આજે બીજો જ રૂમ હતો. ઘનુ મોટેલમાં હાઉસકિપિંગનુ કામ કરતો હતો. મોટલના રૂમ સાફસુથરા કરી નવા મહેમાનો માટે  તૈયાર કરતો! બાથરૂમમાંથી એ ફરી રૂમમાં આવ્યો. જુગુપ્સિત દુર્ગંધથી રૂમ છાક મારતો હતો! કારપેટ પર એક મસમોટો ધાબો પડ્યો હતો! કદાચ, ત્યાં કોઈએ ઊલટી કરી હતી. ખુરશી ટેબલ પર ચઢાવી દીધી હતી. દીવાલ પર જડેલ મોટા અરીસા પર લાલ લિપ્સટીક વડે બિભત્સ ચિતરામણ કરેલ હતું. અંગ્રેજીમાં ગંદી ગંદી ગાળો ચિતરેલ હતી.

-મારા બેટા આ ધોળિયાઓ…..!! જેટલાં ઊજળા દેખાય બહારથી એટલાં જ મેલા અંદરથી…! નામ બડે ઓર દર્શન ખોટે…!! ઘન્યાએ મનોમન ગાળો દીધી. એણે રૂમમાં એક નજર કરી સાફ-સફાઈ કરવાની ક્યાંથી શરૂઆત કરવી એ વિચાર્યું. એક રૂમ સાફ કરવાના એને બે ડોલર મળતા. આજે સવારે એને મેનેજર ફિલિક્સ વીસ રૂમના નંબરો આપી ગયો હતો. જે એણે બાર વાગ્યા પહેલાં સાફ કરીને તૈયાર કરી દેવાના હતા…!! અ…ને આ એક રૂમ સાફ કરતાં જ એના બાર વાગી જવાના હતા.

-ક્યાં આવી પડ્યો અહિં આ અમેરિકામાં….!?

દરરોજ હર પળ સતાવતો સવાલ એના મનમાં ખદબદ્યો. ફ્લોર પરથી બોક્ષસ્પ્રિંગ અને મેટ્રેસ ઉંચકી એણે પલંગ પર ગોઠવી. મેટ્રેસમાં વચ્ચોવચ મોટો ધાબો હતો: સા……એ પેશાબ કર્યો હોય એમ લાગે છે…! એણે એ ધાબો ફરી તપાસ્યો. ને ઇંટરકોમથી મેનેજરને ફોન કરી નવી મેટ્રેસ માટે વાત કરી. બ્લેન્કેટ અને ચાદરોના ડુચા વાળી એણે એની કાર્ટ પર ફેંક્યા. રૂમની બારીઓ ખોલી નાંખી જેથી દુર્ગંધ થોડી ઓછી થાય. દીવાલ પર જડેલ મસમોટા અરીસા પર એણે નજર કરી. ચિતરામણની પાછળ સંતાયને એનું પ્રતિબિંબ એને નિહાળી રહ્યું હતું. જાણે એને કહેતું હતું: ઘનુ ઘનચક્કર!! ચઢ જા બેટા શૂલી પર..! બહુ અમેરિકા અમેરિકા કરતો હતો ને…?? લે,  લેતા જા….!એનું પ્રતિબિંબ જાણે એને ઓળખવાની ના પાડતું હતું.

આયનાઓએ ઓળખવાની ના પાડી  છે
ન જાણે કોણે મને બુરી નજર લગાડી છે.

કઈ રીતે બુઝાવું હું આ આગ કોઈ તો કહો
જે ખુદ મેં જ મારા  જીવનમાં લગાડી છે.

ઘનુ ઘનચક્કરને ઘણા વખત પહેલાં ક્યાંક વાંચેલ ગઝલના શેર યાદ આવી ગયા. કેટલો બદલાય ગયો હતો એ આટલા દશ-બાર વરસોમાં!!

ઘનુને રડવાનું મન થઈ આવ્યું. આંખમાં તરી આવેલ ભીનાશને ખાળી એણે અરીસા પર વિંડેક્ષનો સ્પ્રે કર્યો. આવા તો કેટલાંય આસુંઓના સરવરિયા એણે સંતાડ્યા હતા એની સ્વપ્નિલ આંખોમાં કે જેનાં સરોવરના સરોવર એ છલકાવી શક્યો હોત…!

– આવડો મોટ્ટો અરીસો આ દીવાલ પર લગાવવાની શી જરૂર હશે?

પેપર નેપકિનના રોલમાંથી થોડાં નેપકિન અલગ કરી એણે અરીસા પરની અશ્લિલ ચિતરામણો સાફ કરવાની શરૂઆત કરી. પરંતુ, એ એમ જલ્દી સાફ થાય એમ લાગતું ન્હોતું. એ સાફ કરતાં એનો દમ નીકળી ગયો. ટેબલ પર વ્હિસ્કીની ખાલી બાટલી અને એક સિરિંજ પડી હતી.

-મારા બેટા ચરસીઓ…!!

ઘનુ મનોમન સતત ગાળો દેતો હતો. કારપેટ પર પડેલ ધાબા પર એણે કારપેટ ક્લિનરનો ઘણો સ્પ્રે કર્યો. પછી હાથ મોજાં પહેરી એ ધાબાને સાફ કર્યો. મેનેજરે નવી મેટ્રેસ મોકલી હતી તે પલંગ પર વ્યવસ્થિત ગોઠવી. નવી ચાદરો પાથરી, બ્લેંકેટ બિછાવી પલંગ તૈયાર કર્યો. મોપથી બાથરૂમનના ફ્લોર પરથી પાણી સાફ કરી બાથટબ, કમોડ સાફ કરી નવા સાબુ-શેમ્પુ અને ટુવાલનો સેટ વ્યવસ્થિત મુક્યા અને બાથરૂમમાં ડિઓડરંટનો સ્પ્રે કરી બાથરૂમ બંધ કર્યો. આખા રૂમમાં વેક્યુમ ફેરવી એની ટેવ મુજબ છેક છેલ્લે એ ડસ્ટબીન પાસે આવ્યો અને તેમાંથી કચરો બહાર કાઢ્યો. થોડાં કાગળિયા હતા. ચિપ્સની એક ખાલી બેગ હતી અ…ને લોટરીની એક ટિકિટ હતી. કંઈક વિચારી લોટરીની ટિકિટ એણે એના જીન્સના પાછલા ગજવામાં ખોસી! અન્ય કચરો ગાર્બેજ બેગમાં ભરી રૂમમાં એક નજર દોડાવી દરવાજો બંધ કરતાં પહેલાં ફરી ડિઓડરંટનો સ્પ્રે કર્યો અને જરા જોરથી દરવાજો બંધ કર્યો.

– આપણા દરેક રૂમ દર વખતે એકદમ સાફ-સુથરા હોવા જોઈએ! એકદમ નવા જેવા! મારે કસ્ટમરની કોઈ ફરિયાદ આવવી ન જોઈએ. મેનેજર ફિલિક્સ રોજ એને એકની એક સુચના આપતો હતો. સનીભાઈ ફિલિક્સનું જ સાંભળતા. સનીભાઈ…સુનિલ શાહ… મોટેલના માલિક હતા. દેશી હતા. પણ મેનેજર એમણે ધોળિયા જ રાખ્યા હતા. ડેસ્ક ક્લાર્ક પણ મોટે ભાગે ધોળિયા જ!! એ કહેતા કે, ડેસ્ક ક્લાર્ક દેશી હોય તો કસ્ટમર ઓછા આવે…!! દેશી તો અંદર જ સારા…હાઉસકિપિંગ માટે…!!

– આપણા જ માણસો આપણુ શોષણ કરે….!!

બપોરે બે વાગ્યે ઘનુ એના રૂમ પર આવ્યો ત્યારે થાકીને લોથપોથ થઈ ગયો હતો. મોટેલના મકાનના એક ખુણામાં સનીભાઈએ એક રૂમ એને ફાળવી આપ્યો હતો. જે એનું ઘર હતું છેલ્લાં થોડાંક વરસોથી. રૂમમાં રાખેલ નાનકડું રેફ્રિજરેટર ખોલી ગઈ કાલે લાવેલ પિઝાની સ્લાઈસ ઈલિક્ટ્રિક ઓવનમાં ગરમ કરવા મુકી. એ ઓવન પણ હવે તો બરાબર કામ કરતું ન્હોતું. એ ગરમ થયું કે નહિં એ તપાસી જોયું. પેટમાં બિલાડા બોલતા હતા. માથું ભારે થઈ ગયું હતું.

-શું કામ હતું અહિં આમ દુઃખી થવા આવવાનું!?

એને મનોમન વાતો કરવાની ટેવ પડી ગઈ હતી. સાવ એકલો થઈ ગયો હત ઘનુ. એની સાથે જો કોઈ હતું તો એક એનું મન કે જે હંમેશ એને ટપારતું રહેતું!! ઠપકો આપતું રહેતું.

પિઝા ગરમ થાય ત્યાં સુધીમાં શાવર લેવાઈ જશે એમ વિચારી એ બાથરૂમમાં ભરાયો. ગરમ હુંફાળા પાણીના ફુવારા નીચે સાવ નિર્લેપતાથી એણે એના શરીરને ભીંજાવા દીધું…પણ અંદરથી એ સાવ કોરો હતો…એની લાગણીઓ કોરી હતી…માંગણીઓ કોરી હતી! ક્યાં સુધી એ શાવર લેતો રહ્યો.  બાથરૂમની બહાર આવ્યો ત્યારે એને એકદમ પિઝા યાદ આવી ગયા. ટુવાલ સહિત એ દોડીને ઓવન પાસે ગયો. પિઝાનો એ ટુકડો બળી ગયો હતો. જલ્દી જલ્દી ટ્રેમાંથી એ ટુકડો લેતાં એ દાઝ્યો.

-ઓ….પ્રભુ…!!

દીવાલ પર લટકતાં કેલેંડરમાં સ્વામીબાપજી મરકતા હતા. એમના તરફ ઘનુથી રોષભાવે જોવાય ગયું.

-આ બધું આપના પ્રતાપે …બા…પ…જી!!!

પ્રમુખસ્વામીજીના ફોટા સાથે એ વાતો કરવા લાગ્યો.

-આપ આમ શું જોયા રાખો છો…??

-ક્યાં વહી ગયા આપના આશીર્વચનો…!? આશીર્વાદો….!?

પિઝાના ટુકડાનો બચી ગયેલ ભાગ આરોગી ઉપર એક કેન પેપ્સીનું પી એ પલંગ પર આડો પડ્યો. ક્યારે આંખો મિંચાય ગઈ એ જાણ પણ ન થઈ અને એ પહોંચી ગયો બીજી જ દુનિયામાં……

જય સ્વામીનારાયણ…. નારાયણ…. નારાયણ…નારાયણ…. જય સ્વામીનારાયણ……!!!

એને અવાજો સંભળાવા લાગ્યા..ધૂનો ગુંજવા લાગી… એ પહોંચી ગયો હતો ઉત્તરસંડા…!! સ્વામીનારાયણ સત્સંગમાં…!!

દર ગુરવારે સત્સંગ સભા થતી. સ્વામીનારાયણ મંદિરમાં. સાધુ-સંતો આવતા. ઉપદેશો આપતા. સ્વામીનારાયણ પ્રભુનો મહિમા સમજાવતા. ને સુખડી કે ક્યારેક મહાપ્રસાદી રૂપે ભોજન કરી સહુ છુટા પડતા. ઘનુએ આ સત્સંગ સભામાં જવા માંડ્યુ. એથી એના માત-પિતાને પહેલાં તો થોડી નવાઈ લાગી…ઘનુ એમનું એકનો એક સંતાન હતો.

ઘનશ્યામ પિતા ચતુરભાઈએ કહ્યું, ‘હવે તો તું બીએ પણ થઈ ગયો. નોકરી કંઈ એમ મળવાની નથી. એનાં કરતાં તો તું દુકાને આવીને બેસ તો મને પણ થોડી રાહત રહે.’

ચતુરભાઈની બીડીની દુકાન હતી અને એની સાથે સાથે જ બીડી બનાવવાનું નાનકડું કારખાનું હતું. ચતુર બકોર છાપ બીડીની ખેડા અને આજુબાજુના જીલ્લાઓમાં ભારે માંગ રહેતી. સિઝનમાં ચતુરભાઈ જથ્થાબંધ તમાકુ ખરીદી લેતા. ટીમરૂના પાન જંગલ ખાતાની હરાજીમાં જઈ ખરીદતા. એમનો બીડીનો ધંધો દિનપ્રતિદિન વધતો જતો હતો. એમને મદદની ખાસ જરૂર હતી. પરંતુ ઘનુને એ ધંધામાં જરાય રસ ન્હોતો. ક્યાં આખી જિંદગી તમાકુની ગંધ સહેવી ?! ખેતરે ખેતરે ફરી જોઈ સુંઘી તપાસી તમાકુ ખરીદવો..!! ક્યાં એનો ભુકો કરવો અને એના પર મોલાસિસ-ગોળ અને પોશડોડાંનું પાણી છાંટી બીડી માટે કસદાર તમાકુ બનાવવો….!! પિતા બહુ દબાણ કરતાં ત્યારે એ કોક વાર દુકાને-કારખાને જતો…! પરતું એનું મન બેચેન બની જતું. તમાકુની ગંધ એનાથી સહન ન થતી. ઘનુને લાગતું કે એના નસીબમાં તો પરદેશ જવાનું જ લખાયું છે!! ગમે તેમ કરીને બસ એક વાર અમેરિકા પહોંચવું જોઈએ…!! અમેરિકા પહોંચી જઈએ તો પછી બસ જલસા જ જલસા…!!

-પણ અમેરિકા જવું કઈ રીતે

-એમ તો ઘણા રસ્તા હતા અમેરિકા જવા માટે…!

-કોઈ છોકરી સાથે…અમેરિકન સિટિઝન કે ગ્રિન કાર્ડ હોલ્ડર છોકરી સાથે લગ્ન કરીને….!!

-પરતું એ રસ્તો ઘનુ માટે નકામો હતો. કારણકે, અમેરિકાથી આવતી છોકરીઓ ડોક્ટર, એંજીનિયર, સોફ્ટવેર-કમ્પ્યુટર નિષ્ણાત કે પછી ફાર્માસિસ્ટ શોધતી….ને પછી જ પરણતી….! ભલેને એ દેશથી ગયેલ હોય અને દશમી ફેઈલ હોય….!! ઘનુ તો બાપડો બીએ થયેલ…!! બીએ વિથ ઈંગ્લિશ..!! અને ઈંગ્લિશ તો અમેરિકામાં બાળક જન્મે ત્યારથી જ બોલે…!!

-બીજો રસ્તો હતો અમેરિકામાં એને કોઈ નોકરી આપે….!એચ-૧ વિઝા!! પણ એના માટે પણ કોઈ ઊચ્ચ ડિગ્રી જોઈએ…!! એનું એવું કોઈ ભણતર ન્હોતું કે એને એચ-૧ વિઝા મળે…!!

-એનો એક મિત્ર કાંતિ અમેરિકા પહોંચી ગયો હતો!! એક અજીબ રસ્તે…! એ એક ગરબા મંડળમાં ગરબા ગવડાવતો હતો…! એનો અવાજ મધુરો હતો અને થોડું શાસ્ત્રિય સંગીત પણ જાણતો હતો. એ એક ઓરક્રેસ્ટામાં જોડાયો હતો….નવરંગ ઓરક્રેસ્ટા….!! અમેરિકા નવરાત્રિમાં ગરબાના પ્રોગામો લઈને એઓ ગયા હતા ને મારો બેટો કાં….તિ ત્યાં જ રહી પડ્યો હતો…!! કાંતિ કબૂતર બની ઊડી ગયો હતો અમેરિકા…!! આજની ઘડી ને કાલનો દી….!!! ચાર વરસ થઈ ગયા હતા. કાંતિ અમેરિકાથી પાછો ન આવ્યો…મજા પડી ગઈ હશે મારા બેટાને….!! પણ ઘનુને ન તો ગરબા આવડતા હતા કે ન શાસ્ત્રિય સંગીત…!!

-બીજો રસ્તો હતો. એમાં થોડું જોખમ હતું. ટ્રાવેલ એજંટને પંદર-વીસ લાખ રૂપિયા આપતા એ મેક્સિકો કે બીજે કશે લઈ જતો અને પછી રાત્રે અમેરિકાની બોર્ડર પાર કરાવી દેતો. એક વાર અમેરિકા ગરી ગયા પછી તમે છુટ્ટા અને એજંટ પણ છુટ્ટો!!! પણ પંદર-વીસ લાખ કાઢવા ક્યાંથી….! ચતુરભાઈ એટલા પૈસા આપવા રાજી ન્હોતા. એમણે તો ઘનશ્યામને ધંધામાં જોતરી દેવો હતો…! જામેલો ધંધો હતો…! ચાલુ ગાડીએ બેસી જવાનું હતું.

-પણ ઘનુ એમ કંઈ માને…??

-એક ઝનુન સવાર થયું હતું એના મગજ પર…ગમેતેમ કરી  બસ અમેરિકા જવાનું..!!!

બાપુજી દબાણ કરતા હતા ધંધામાં જોડાવા માટે…! માતા શાંતાબેન પણ સમજાવતા હતા. પણ એઓને કોણ સમજાવે કે ઘનુના ઈરાદા શું હતા…!!!

એટલામાં આશાનું આછું આછું એક કિરણ દેખાયું ઘનુને…!! એ કિરણનો માર્ગ પકડી રાખતાં અમેરિકાનો દરવાજો ખુલવાની એક તક હતી….ખુલ જા સિમસિમ….!! પરંતુ એમાં ખુબ જ સાવચેતી રાખવી પડે એમ હતી. કોઈને જરાય એના ઈરાદાની જાણ થવી ન જોઈએ…! નહિતર સિમસિમના દરવાજ સદાને માટે વસાય જાય….!!

-એ મારગ હતો હરિનો મારગ!!

-કહેવાયું છે ને કે હરિનો મારગ છે શૂરાનો નહિં કાયરનું કામ જોને…..!!

-ના, ઘનુ ઘનચક્કર કાયર ન્હોતો…!! અવશ્ય કાયર ન્હોતો..!!

ઘનુએ જવા માંડ્યું સત્સંગ સભાઓમાં…!! પ્રાર્થના કરવા માંડી ભગવાન સ્વામીનારાયણની…!! સેવા કરવા માંડી સાધુઓની…સ્વામીઓની… સંતોની….!!

-જય સ્વામીનારાયણ….નારાયણ… નારાયણ…નારાયણ…. જય સ્વામીનારાયણ……!!!

કંઠી પહેરી લીધી. માથે તિલક લગાવવા માંડ્યુ…વાળ ટુકાવી નાંખ્યા..એનો મોટા ભાગનો સમય મંદિરમાં પસાર થવા લાગ્યો. એણે શિક્ષાપત્રીનું પઠન કરવા માંડ્યુ. વચનામૃતનું પાન કરવા માંડ્યું. વહેલી સવારે…મળસ્કે…મળસ્કે એ ઉઠી જતો…!! કિર્તન-આરાધનામાં જવા લાગ્યો…સત્સંગી બની ગયો…!! અ……ને એક શુભમુર્હતમાં ભગવા પહેરી લીધા એણે…!! થઈ ગયો એ સાધુ ઘનશ્યામદાસ….!! ગુરુ હરિચરણદાસનો શિષ્ય બની ગયો…!! આ પહેલું કદમ હતું એનું અમેરિકા જવા માટેનું….!! ચતુરભાઈએ બહુ રોક્યો…માતા શાંતાબેન તો રડી રડીને કરગરીને રહી ગયા…!!! ઘનુ…ઘનશ્યામ સ્વામીનારાયણ સંપ્રદાયમાં સમર્પિત થઈ ગયો…!! ભગવા રંગે રંગાય ગયો…!!એણે ગૃહત્યાગ કર્યો…!! હરિને મારગે હાલી નીકળ્યો ઘનુ ઘનચક્કર સાધુ ઘનશ્યામદાસ બનીને….!! ગામેગામ ફરવા લાગ્યો એ સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રચાર માટે…પ્રસાર માટે…!! ગ્રામસભાઓ, ગૃહસભાઓ ગજાવવા માંડી સાધુ ઘનશ્યામદાસજીએ!! ગુરુકુલમાં પ્રવચનો આપવા માંડ્યા…સ્વામીનારાયણ ભગવાનની જય હો… જય હો…જય હો…!! જય જય જય સ્વામીનારાયણ… નારાયણ… નારાયણ..!!!

અંગ્રેજીમાં તો એ પાવરધો હતો જ. સેવા એ મનથી કરતો ગુરુની. ગુરુ વિના જ્ઞાન નહિં ! ગુરુને પ્રસન્ન રાખવાના હતા. પ્રમુખ સ્વામીજી મહારાજ સાથે ગુરુ હરિચરણદાસજીને સીધા સબંધો હતા. એમના પ્રિય હતા એ…! અને એમને પ્રિય હતા સાધુ ઘનશ્યામદાસ!! પ્રમુખસ્વામી મહારાજને સ્વામીનારાયણ મંદિરો બાંધવાનું મહાત્મય સમજાયું હતું…!! દેશ દેશાવરમાં…! એક ઝુંબેશ ઉપાડી હતી એમણે…!! દુનિયામાં એક આધ્યાત્મિક ચળવળ શરૂ કરી હતી એમણે….!! આધ્યાત્મિક આંદોલનના પ્રણેતા હતા એ…!! અને એ આંદોલનની એક લહેરના રૂપમાં દરખાસ્ત આવી હ્યુસ્ટન ટેક્સાસથી…!! અને ત્યાં આલિશાન સ્વામીનારાયણ મંદિર બાંધવા માટે જગ્યા લેવાઈ ગઈ હતી…વિશાળ, વિસથી પચ્ચીસ એકરમાં પચ્ચીસ હજાર સ્ક્વેરફુટનું અસલી ઈટાલિયન આરસપહાણનું પંચશિખરી સ્વામીનારાયણ મંદિર બનવાનુ હતું. આ એક તક હતી સાધુ ઘનશ્યામદાસજી માટે અમેરિકા જવા માટેની…!!

‘બાપજી…!’ ગુરુના ચરણ દબાવતા દબાવતા સાધુ ઘનશ્યામદાસજીએ કહ્યું, ‘દાદા સ્વામીએ હ્યુસ્ટન મંદિર માટે મોટે પાયે ઝુંબેશ ઉપાડી છે…!’

‘દાદા સ્વામી તો દિવ્ય પુરુષ છે…!! દિવ્યચક્ષુ છે…!! દીર્ઘદૃષ્ટા છે  એઓ…!! બહુ આગળનું નિહાળી રહ્યા છે કે જ્યાં મારા-તારા જેવા પામર માનવની દૃષ્ટિ પણ ન પહોંચે ત્યાનું નિહાળે છે એઓ…!!’ ગુરુજીએ ગૌરવથી સહેજ અટકીને કહ્યું, ‘પરદેશમાં જ્યારે સંસ્કૃતિનો દુષ્કાળ પડશે….પશ્ચિમમાં વિકૃતિ માઝા મુકશે…વિકારનો વિકાસ થશે…ત્યારે સહુ ધર્મને શરણે આવશે..!! અને ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાયનો વ્યાપ વધશે..!! એક સ્પિરિચ્યુલ રિવોલ્યુશન થશે…!! આધ્યાત્મિક ક્રાંતિ થશે….!! દેશદેશાવર ભગવાન સ્વામીનારાયણની જય જય થશે…!! ગુણાતિતાનંદ સ્વામીને યાદ કરાશે…!! અક્ષરબ્રહ્મનો વ્યાપ થશે….!! જે રીતે ભગતજી મહારાજે દેશમાં ગામેગામ ફરીને અક્ષર પુરુષોત્તમ જ પરબ્રહ્મ છે ની ચળવળ ઉપાડી હતી અને શાસ્ત્રીજી મહારાજે જે રીતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાનો દેશમાં પાયો નાંખ્યો એ રીતે યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામીજીએ દુનિયાભરમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસારની  મહાઝુંબેશ ઉપાડી છે…!! બહુ દિર્ઘ દ્રષ્ટા છે બાપજી તો….!!’

ઘનશ્યામદાસજીએ ગુરુચરણને વંદન કરતા કહ્યું, ‘મહારાજ! મારે આપના આશિર્વાદ જોઈએ છે. આપના અને બાપજીના…!!’ ઘનશ્યામદાસજી સહજ અટક્યા. ગુરુ સાશ્ચર્ય એમના તરફ જોતા હતા. ‘આપની આજ્ઞા થાય તો અને આશિર્વચનો મળે તો મારે હ્યુસ્ટન જવું છે. મારે મારો પરસેવો સિંચવો એ મહામંદિરના પ્રાંગણમાં…પાયામાં!’

‘ઘનશ્યામ…..!! ઘનશ્યામ…..!! તો પછી મારી સેવા કોણ કરશે!?’ ગુરુ હરિચરણદાસજીએ ઘનશ્યામદાસના બોડાં માથા પર પ્રેમથી હાથ પસવારતા કહ્યું, ‘ભક્તિ તો અહિં પણ થાય…!!’

‘બાપજી ક્ષમા કરશો મને…!!’ થુંક ગળી ઘનશ્યામદાસજીએ કહ્યું, ‘જો હું વધુ બોલતો હોઉં તો…!! પણ મારે મારા અંગ્રેજીના જ્ઞાનનો સદુપયોગ કરવો છે. એ પશ્ચિમિ અંગ્રેજી સંસ્કૃતિ ધરવતા દેશમાં….!! ત્યાંની કુમળી ઉછરતી પેઢીને એમની ભાષામાં જ સ્વામીનારાયણ સંપ્રદાયનું મહાત્મય સમજાવવું છે અંગ્રેજીમાં!! જ્ઞાનયજ્ઞની સાથે સાથે શ્રમયજ્ઞ પણ કરવો છે…જો આપના આશિર્વચનો મળે તો….!!’

‘અતિ ઉત્તમ છે તારા વિચારો…!!’ હસીને ગુરુજીએ કહ્યું. એઓ એના તરફ પ્રેમથી જોતા રહ્યા. જાણે એને નાણી રહ્યા ન હોય! સાધુ ઘનશ્યામદાસનું ધર્મનું જ્ઞાન, નમ્રતા, તપસ્યા, એની સેવાભાવના અને એની સંમોહક વકૃત્વશક્તિથી એઓ પરિચિત હતા. એનો પ્રવાસ જરૂર સંપ્રદાયને ઉપયોગી થશે એમ એમણે વિચારી કહ્યું, ‘વત્સ…,તારા પાસપોર્ટ માટે હું ભગવાનજીને વાત કરીશ…!!’

ભગવાનજીભાઈ સંસારી સત્સંગી હતા કે જેઓ સંપ્રદાય માટે પાસપોર્ટ, વિસા, ઈમિગ્રેશનનું કામ સેવાભાવથી કરતા હતા. પછી તો  સાધુ ઘનશ્યામદાસજીનો પાસપોર્ટ ફટાફટ તૈયાર થયો. દશ સાધુ અને બે ગુરુસ્વામીઓના ગ્રુપ વિસા માટે અમેરિકન કોન્સ્યુલેટને અરજી કરવામાં આવી. સ્વામીનારાયણ સંપ્રદાયનું નામ હતું. પ્રમુખસ્વામીજીના આશિર્વાદ તો સાથે જ હતા ને…. ઘનશ્યામદાસજીને પણ વિસા મળી ગયા અમેરિકાના!! એક વરસ માટે…!! સમુહ અને ગુરુજી સાથે સાથે ઘનશ્યામદાસજી પણ આવી પહોંચ્યા હ્યુસ્ટન…!!

સાધુ ઘનશ્યામદાસજી તો અમેરિકાની વિશાળતા જોઈને દંગ જ રહી ગયા. પહોળા સાફસુથરા રસ્તાઓ… પવનવેગે દોડતી કારોની હારોની હારો….મોટાં મોટાં બગીચા ધરાવતા મહેલ જેવાં બંગલાઓ…!! ગોરી-ચિકણી ત્વચા ધરાવતી લલનાઓ…!! જય સ્વામીનારાયણ!!

સાધુ ઘનશ્યામદાસજી પોતાના પ્રથમ ધ્યેયમાં સફળ થઈ ગયા હતા. કોઈને જરાય શક ન આવવો જોઈએ…!! શક ન પડવો જોઈએ…!! હવે દરેક કદમ સાચવી સાચવીને મુકવાનું હતું. કાચની સપાટી પર ચાલવા જે રીતે કદમ મુકવું પડે એમ…!!

મંદિર બાંધવાનું કામ પુરજોશમાં ચાલુ થઈ ગયું હતું. મંદિરની નજીક જ એમનો ઉતારો હતો. ઘનશ્યામદાસજી સવારે વહેલા ઉઠી જતાં. સેવા-આરાધના પછી એઓ વિક ડેઈઝમાં  શ્રમયજ્ઞ કરતાં. પથ્થરો ઉંચકતા…!!રેતી ધોતા…!!દેશથી આવેલા કારીગરોને મદદ કરતા ને વિકએંડમાં સત્સંગીઓના ટોળાંને ટોળાં આવતા. એમના સંતાનોને અગ્રેજીમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું જ્ઞાન આપતા. સત્સંગીઓ સ્વામી-સાધુઓને અહોભાવથી નિહાળી રહેતા. એઓને ઘરે પધરાવતા.ગૃહ સત્સંગ થતો. ધર્મનું-સંપ્રદાયનું મહાત્મય સમજાવવા, પ્રચાર કરવા પ્રવાસો થતા. ઓસ્ટિન…ડલાસ…તો એક વાર ટેનેસી અને ન્યુ જર્સી પણ ગુરુજી સાથે જઈ આવ્યા ઘનશ્યામદાસજી!! ધીરે ધીરે એઓ સંપર્કો વધારતા હતા. ટેલિફોન નંબરો મેળવતા હતા. પછી તો સમય મળ્યે એ નંબરો ડાયલ કરવા માંડ્યા!! વાતો થતી..! પણ એમનાથી કહેવાય કઈ રીતે કે એઓ શા માટે આવ્યા છે અહિં અમેરિકા…..!! વળી દરેક સાધુઓના પાસપોર્ટ હતા ગુરુજી પાસે…!એ મેળવવા કઈ રીતે…!! સમય તો સરકી રહ્યો હતો હાથમાંથી સરી જતી રેતી કરતાં પણ વધુ ઝડપે!! હવે ધર્મનો…સંપ્રદાયનો ભાર લાગવા માંડ્યો હતો…!ભગવા પહેરવા સહેલાં હતા પણ આમ ઉતારવા કઈ રીતે…! દિક્ષાની એક પુરી પ્રક્રિયા હતી….!! પણ સંસારી બનવાની કોઈ પધ્ધતિ ન્હોતી…!! ભારત પાછા આવવાની તારીખ નજીક આવી રહી હતી. સાધુ ઘનશ્યામદાસજીની મુંઝવણ વધી રહી હતી…!! એક-બે સત્સંગીઓ સાથે સારો મનમેળાપ થઈ ગયો હતો. એમના લિકર સ્ટોર હતા. ગેસ સ્ટેશનો હતા….ગ્રોસરી સ્ટોર હતા… પણ એ બધા હ્યુસ્ટનની આજુબાજુ રહેતા હતા અને ભગવા ઉતાર્યા પછી તો હ્યુસ્ટનની આજુબાજુ તો રહેવાય જ નહિ…!!

-તો પછી…

સાધુ ઘનશ્યામદાસજી ભારે વિમાસણમાં હતા…કિનારે આવીને વહાણ ડૂબી ન જાય તે જોવાનું હતું. એઓ સ્વામીનારાયણ સંપ્રદાયમાં જોડાયા હતા તે ધ્યેય આટલી આકરી તપસ્યા બાદ મેળવ્યું હતું એ ખોઈ નાંખવાનો ડર લાગવા માંડ્યો હતો એમને…! ધરમ પ્રત્યે એમને લગાવ હતો પણ ધરમ કરતાં ધ્યેય મહાન હતો. એ ધ્યેય હતો અમેરિકા ટકી જવાનો!!

એક વિકએંડમાં ગુરુજી કેલિફોર્નિયા ગયા હતા ધર્મસભામાં. ત્યારે એ રાત્રીએ ઘનશ્યામદાસજીએ ગુરુના ઓરડામાં તપાસ કરી પાસપોર્ટ માટે….આખો ઓરડો ખુંદી નાંખ્યો પણ પાસપોર્ટ ન મળ્યો એ ન જ મળ્યો…!!

-હવે…?? એ ડોસલા પાસે પાસપોર્ટ માંગવો કઈ રીતે…??

ઘનશ્યામદાસજીના વિચારો બદલાય રહ્યા હતા…!! જો એની પાસે પાસપોર્ટ માંગે તો એને શક તો પડવાનો જ!! અને પછી તો નજરબંધી લાગી જાય ઘનશ્યામદાસજી પર!! નિંયત્રણો લદાઈ જાય…!!

-ઓ પ્ર…..ભુ….!! તું કોઈ રસ્તો બતાવ…!!

પણ પ્રભુજીએ તો કોઈ રસ્તો ન બતાવ્યો તે ન જ બતાવ્યો..!!

દિવસો ઓછા થઈ રહ્યા હતા…!! સંપ્રદાયના માણસો બદલાવાના હતા….!! નવા સાધુ-સંતો દેશથી આવવાના હતા..!! મંદિરના કારીગરો આવવાના હતા. એની તૈયારી ચાલુ થઈ ગઈ. સ્વામી બાપા કહેતા કે બધું આયોજન મુજબ જ થવું જોઈએ…!! કંઈ પણ કાયદાની મર્યાદાની બહાર જઈને કરવાનું ન્હોતું…!! વળતા પ્રવાસની તૈયારી શરૂ થઈ ગઈ હતી…!! અ….ને….સાધુ ઘનશ્યામદાસજી તો પાછા વળવા માંગતા ન્હોતા. એમના પામર મનની મુંઝવણ વધતી જતી હતી…!!

અ……ને…..

એક રાત્રે જ્યારે સહુ પોઢી ગયા હતા ત્યારે… સાધુ ઘનશ્યામદાસજીએ ભગવા ત્યાગ્યા…!! એક ભક્તમિત્ર પાસે મંગાવી રાખેલ જીન્સ–ટી શર્ટ પહેરી લીધાં…!! છેલ્લાં થોડાંક સમયથી દાન-પેટીનો હવાલો એમની પાસે હતો એટલે દાન માટે મળતી રકમમાંથી થોડાં ડોલર એમણે અલગ રાખવા માંડેલ એટલે સાથે સત્તરસો ડોલર હતા રોકડા…!! બસ એ જ મુડી હતી…!! બંધાઈ જવા આવેલ મંદિરની એક છેલ્લી પરિક્રમા કરી ઝડપથી એ મધ્યરાત્રીએ સાધુ ઘનશ્યામદાસજીએ ફરી ઘનશ્યામ….ઘનુ ઘનચક્કર બનવા મહાભિનિષ્ક્રમણ કર્યું!! ભગવાન બુધ્ધના મહાભિનિષ્ક્રમણ કરતાં અવળું ભિનિષ્ક્રમણ!! સાધુત્વથી સંસારી બનવાનું…!! એક સાવ નવી જ દુનિયામાં કદમ માંડવાનું..!! પોતાના ધ્યેયને  હાંસલ કરવાનું…!! બાપજી કહેતા ને કે મનને મારીને જીવે એ જીવતર ન કહેવાય!!

બે માઈલ દુર બસ ડીપો હતો…ત્યાં ગ્રેહાઉન્ડ બસ સર્વિસની બસ ઉભી જ હતી…ઘનુ ઘનચક્કર બેસી ગયો એ બસમાં. એ પણ જાણ ન હતી એને કે એ બસ ક્યાં જઈ રહી છે!! એ બસ જતી હતી ન્યુ જર્સી!! હ્યુસ્ટનથી ખાસે દુ…..ર…..!! બસ દોડવા માંડી આલ્સફાટના લીસા સપાટ રસ્તા પર…!! ઘનુનું દિલ ધડકતું હતું…!! શું થશે…???

ન   મારી કોઈ મંઝિલ, ન કોઈ રસ્તો
નથી કોઈ શખ્સ  હવે મને ઓળખતો.

બસ   નીકળી  પડ્યો છું હું અહિં ક્યાંક
કોણ જાણે કેવો હશે જિંદગીનો તખતો!

સંતનો અંચળો ઉતરી જતાં એનામાં જીવી રહેલ કવિ જાગી ગયો. ઘનુના મનની દશા ડામાડોળ હતી. રસ્તામાં બસ કોઈક જગ્યાએ ઉભી રહી. એણે બહાર નજર કરી…સામે  જ ‘બજેટ ઈન’ મોટેલનું બોર્ડ જોયું… ડ્રાયવરને કહી એ ઉતરી પડ્યો. ગામના નામની ય ખબર ન્હોતી અને હોય તો ય શું ફરક પડવાનો હતો હવે એની જિંદગીમાં!!??

બસની બહાર નીકળી કોલ્ડ ડ્રિંકના સ્ટોલ પર એણે શહેરનું નામ પુછ્યું. તો એ હતું રૉનક…!! વર્જિનિયા સ્ટેટમાં આવેલ…!!રળિયામણુ રૉનક…!!

મોટેલના ડેસ્ક પર બુલેટપ્રુફ કાચની પાછળ એક ક્લર્ક ઊંઘરેટો ઊંઘરેટો બેઠો હતો.

‘આઈ નીડ વન રૂમ…!!’ ઘનુ ઘનચક્કરે ક્લર્ક તરફ નિહાળી કહ્યું, ‘ગુજરાતી લાગો છો..!?’

‘હા….!’ સહેજ ચિઢાઈને એ બોલ્યો, ‘કેટલા દિવસ માટે રોકાવું છે…?’

‘જિંદગીભર…!!’ ઘનુએ સહજ હસીને કહ્યું, ‘ક્યાંક કામ મળી જાય તો…..!!’

‘કા…..મ….?? વ્હોટ ડુ યુ મિન….!’

“કા…..મ એટલે કા….મ…!! યુ નો વર્ક…!! આઇ એમ લુકિંગ ફોર વર્ક….!!’ ઘનશ્યામે હસીને કહ્યું.

‘ક…દા…ચ… મળી પણ જાય….!! હું પણ તમારા જેવો જ છું!! આઇ એમ ઓલ્સો એ વર્કર…!! નોકર છું!! બે દિવસ પછી સનીભાઈ આવશે ! સુનિલ શાહ…! સહુ એમને સનીભાઈ કહે છે. મોટેલ એમની છે. એમની સાથે વાત કરવી પડશે…!!’

‘બે દિવસ સુધી રૂમ મળશે…?!’

‘મળે, પણ એક દિવસના એંસી ડોલર..!! પણ તમે આપણા વાળા છો એટલે સાંઠ લઈશ…!!’

ઘનુ ઘનચક્કર તો રોકાય ગયો…!!

બે દિવસ પછી સનીભાઈ આવ્યા. ડરતો ડરતો એ સનીભાઈને મળ્યો.

‘હા…, તો તમને કા…મ જોઈએ છે….!’ સનીભાઈ પચાસેક વરસના, બટકા, ટાલિયા સહેજ ફાંદ વાળા ખંધા માણસ હતા.

‘જો…..મોટેલમાં…!’

‘પેપર છે…??’

‘……………….!!’ ઘનશ્યામ મૌન.

‘….તો…ઓ…ઓ…પેપર નથી…!!’ ઊંડો શ્વાસ લઈ સનીભાઈ બોલ્યા, ‘બરાબરને…?? સોરી….!! હું ઈલિગલ કંઈ કરતો નથી!! નોટ ફોર દેશીસ…! નો….વે.., દેશી માટે તો નહિ જ….!!’

‘પ્લિ…..ઈ…ઈ…..સ….!! આઈ વીલ નોટ ગીવ યુ ચાંસ ફોર એની કમ્પલેઈન….!!’ ઘનુએ વિનંતી કરતા કહ્યું, ‘અહિં મારૂં કોઈ જ નથી…!! આ તો આપણા દેશી ભાઈને ડેસ્ક પર બેઠેલાં જોઈ રોકાય ગયો. ને એમણે આપને મળવાનું કહ્યું…!!’

‘પ…ણ…!!’

‘પ્લિ…..ઈ…ઈ…..સ…!!’ ગળગળા થઈ ઘનુ ઘનચક્કરે સનીભાઈના હાથ પકડી લીધાં, ‘બસ, થોડો સમય…!મહિનો બે મહિના…કામ આપી દો…!! પછી હું મારૂં ફોડી લઈશ…!!’

‘ચરોતરના લાગો છો…?’

‘હા…!’

‘ચરોતરનું પા…ણી…!’ સનીભાઈ એમની ટેવ મુજબ શ્વાસ લેવા માટે રોકાયા…સેલ ફોન પર કોઈ સાથે થોડી વાતો કરી. પછી કહ્યું, ‘ઓ…ઓ…..કે…..!! આઈ ડોંટ

વોંટ એની કમ્પલેઈન…! ડુ યુ અન્ડરસ્ટેન્ડ….?! અધરવાઈજ આઈ વિલ કિક યુ આઉટ ઈમિડિએટલી….!!’

‘ય….સ…સર…!!’ ઘનશ્યામે આભારપુર્વક સનીભાઈનો હાથ પકડી લીધો.

ને ઘનશ્યામને કામ મળી ગયું… આશરો મળી ગયો..!!  સાધુ ઘનશ્યામદાસજી ફરી બની ગયા ઘનુ ઘનચક્કર!! હાઉસકિપર….!! રૂમો સાફ કરવાના….!! હા, રહેવા માટે એક દશ બાય બારની એક રૂમ મળી હતી તે એનું ઘર હતું…! પણ ફક્ત રહેવા માટે જ! રસોઈ-પાણી માટે નહિ!! એક રૂમ સાફ કરવાનો શરૂઆતમાં મળતો ફક્ત દોઢ ડોલર…!!કયારેક પાંચ તો ક્યારેક પચ્ચીસ-ત્રીસ રૂમ મળતા….!! ડોલર જમા થતા હતા… પણ જે રીતે થવા જોઈએ તે રીતે તો નહિં જ…! એને ફક્ત દોઢ ડોલર મળતો કારણકે એની પાસે પેપર ન્હોતા…એ ઈલિગલ એલિયન હતો…ગેરકાયદે વસતો વસાહતી…!! એની કોઈ આઇડેન્ટટી ન્હોતી !! એની પાસે સોશ્યલ સિક્યુરિટી નંબર ન્હોતો…!! હતો તો એ ઘનશ્યામ….!!બટ હી ઇસ નોબડી….!! એની કોઈ જ ઓળખ ન્હોતી….!!

ધીરે ધીરે ઘનુએ પોતાની જાતને સંભાળી લીધી. પરતું છેક આવી જિંદગી જીવવા માટે એ ઉત્તરસંડાથી અહિં આવ્યો ન્હોતો…ભગવા પહેર્યા ને ઉતાર્યા ન્હોતા…!!

-તો…!!

ઘનુ પાસે કોઈ જવાબ ન્હોતો. અભિમન્યુ એનો આઠમો કોઠો વિંધી શક્યો ન્હોતો. ઘનુ ઘનચક્કરનું આ આઠમું ચક્કર હતું કે જેનો કોઈ દરવાજો એને જડતો ન્હોતો…!!

‘સનીભાઈ મને ડેસ્ક પર…!’

‘નો…વે…!! હું દેશીને ડેસ્ક પર રાખતો જ નથી…! ને તું તો પાછો ઈલિગલ દેશી!! ઈલિગલ ઈન્ડિયન…!’ સનીભાઈ શ્વાસ લેવાં અટક્યા, ‘અ…રે…! તને મેં કામ પર રાખીને કેટલું મોટું જોખમ ઊઠાવ્યું છે તે તને ખબર નથી. શું સમજ્યો…!? હાઊસકિપિંગ કરવું હોય તો કર નહિતર ચાલતી પકડ…ગેટ ધ હેલ આઉટ ફ્રોમ હિયર…!!બાકી ડેસ્ક ક્લર્કના સપના તો જોઈશ જ નહિ….!!’

-શું કરે ઘનશ્યામ…શું કહે ઘનશ્યામ…!?

દિવસો વિતવા લાગ્યા. હ્યુસ્ટન ખાતે ખુબ જ શોધખોળ થઈ એની. સર્વે સત્સંગીઓને જાણ કરી દેવામાં આવી કે સાધુ ઘનશ્યામદાસજી સાથે કોઈએ પણ સબંધ ન રાખવો. ગુરુજી હરિચરણદાસનો ગુસ્સો ફાટીને સાતમા આસમાને પહોંચી ગયો હતો. એમના પ્રિય શિષ્યે જ એમને દગો દીધો હતો. પીઠ પાછળ ખંજર ખોસ્યુ હતું!! સરકારી તપાસ ન થાય એની ય તકેદારી રાખવાની હતી. નહિંતર સંપ્રદાયની આબરૂનું લિલામ થાય એટલે તેરી ભી ચુપ અને મેરી ભી ચુપ…! ભવિષ્યમાં આવું ન થાય એની ય કાળજી રાખવાની હતી.

ઘનુ ઘનચક્કર રૂમો સાફ કરતો…!! જાણે દુનિયાભરની ગંદકી એને સાફ કરવાની આવતી હતી. થાકીને લોથપોથ થઈ જતો. ક્યારેક માંદો પડતો…! તો ટાયલેનોલ કે એડવીલની ટિકડીઓ ગળતો… એક વાર ફ્લ્યુની સિઝનમાં એને જબરદસ્ત તાવ ચઢ્યો..૧૦૩…માંડ ઊતર્યો. સનીભાઈએ થેરાફ્લ્યુના પડીકા લાવી આપ્યા તે પીધાં એણે…! જાણે ઝેર તો પીધાં જાણી જાણી!! બહુ નબળાઈ આવી ગઈ હતી… એક અઠવાડિયા સુધી કામ ન થયું….!! મહેનત કરીને બચાવેલ બધા જ ડોલર વપરાઈ ગયા…!! રાંધતા તો એને આવડતું ન્હોતું. ડોલર મેન્યુની સેંડવિચોના ડૂચા મારી પેપ્સી કે કોકનું ટીન પી એ પેટ ભરતો. સંપ્રદાય યાદ આવતો. એના પકવાનો યાદ આવતા..લાડુ…મગજ…કાજુ કતરી…!!દાળ-ભાત…!! ક્યારેક પુજાતો હતો એ હવે દર દરની ઠોકરો ખાતો હતો…!! જુવાનીની જ્વાળા તન-બદનમાં સળગતી…!! કોઈની સાથે દિલ ખોલીને વાતો કરવાનુ મન થતું…!! પણ કોણ એની વાતો સાંભળે…!? કોણ એને સમજે….!? કોણ એને બહેલાવે….!?

ફોન કાર્ડ લાવી મહિને બે મહિને એ ફોન કરતો ઉત્તરસંડા…

‘દીકરા…., તું આવી રહે…!!’ બા કાયમ કહેતી, ‘તારા માટે મેં છોકરીઓ જોઈ રાખી છે. તું આવે તો….’

‘બા….!! હું આવીશ…એક વખત…’

બાના હાથમાંથી પિતા ચતુરભાઈ ફોન ખુંચવી લીધો, ‘ઘન્યા…!! તેં ભગવા ઉતારી દીધા….!?’ પિતાના ગુસ્સાનો આટલે દુરથી પણ એને અહેસાસ થતો હતો, ‘કેવી કેવી વાતો આવે છે તારા માટે….!?’

‘બાપુજી…, મેં કંઈ ખોટું નથી કર્યું…! મને જે યોગ્ય લાગ્યું તે કર્યું…!! મારે આવવું હતું અહિં અમેરિકા…!! એ એક રસ્તો હતો જેના પર હું ચાલ્યો. જ્યાં સુધી સંપ્રદાયમાં રહ્યો ત્યાં સુધી વફાદાર રહ્યો છું…!! હ……વે……’

‘હ….વે…એ…એ… તું આવી રહે અહિં!’ ચતુરભાઈ એની વાત કાપી ગુસ્સે થઈ બોલ્યા, ‘મારી આખેં મોતિયા આવી ગયા છે. ધંધો સંભાળવા પણ તારી જરૂર છે. છોડ બધી માયા…!! જે થયું તે થયું!! પારકા દેશમાં તું આટલે દુર સાવ એકલો…!! અહિં અમે ઝુરીએ છીએ તારા વિના…!!’ ગમેતેમ પણ ઘનુ ઘનચક્કર એમનું એકનું એક સંતાન હતો….!!

‘બાપુજી, એક વાર મને અહિં બરાબર સેટ થઈ જવા દો…!! પ….છી હું ચોક્કસ આવીશ…!!’

-પણ કેવી રીતે….?? ઘનુના મને એને તીક્ષ્ણ સવાલ પુછ્યો…કેવી રીતે સેટ થવાશે અહિં….?

-સહુ સારાવાના થશે…! એ એના મનને બહેલાવતો…સહેલાવતો…ટપારતો..!!

પણ કોઈ જ રાહ જડતો ન્હોતો એને. એણે પોતની ઓળખ મેળવવી જરૂરી હતી. કોઈપણ રીતે લિગલ થવું જરૂરી હતું…! એકવાર લાયસંસ મળી જાય, સોશ્યલ સિક્યુરીટી નંબર મળે તો કંઈક રસ્તો મળે…!! પાસપોર્ટ મેળવવો જરૂરી હતો…!! એકવાર હિંમત કરી એણે ગુરુજી હરિચરણદાસજીને ફોન જોડ્યો કે જેઓ હ્યુસ્ટન રોકાય ગયા હતા, ‘બા…પ..જી…!! જય સ્વામીનારાયણ….!!’

‘કોણ ઘનશ્યામ…!?’ ઊંડો ભારે શ્વાસ લઈ ગુરુજીએ સાધુત્વને ન શોભે તેવી એક ગાળ દીધી, ‘….તું….?? તા….રી હિંમત કેવી રીતે થઈ મને ફોન કરવાની…સા……નીચ્ચ…!!’

‘મને ક્ષમા કરજો….બાપજી…!!’

‘ક્ષમા ને તે પણ તને…..!? તારા નામના તો અમે અગ્નિસંસ્કાર કરી નાંખ્યા છે!! ને તારા નામનું નાહીં નાંખ્યું છે ઠંડા પાણીએ….!!’

‘બા…પ…જી….!! મારો પાસપોર્ટ….!??’

‘સળગાવી દીધો છે….!!બાળી નાંખ્યો છે તારો પાસપોર્ટ અને તારા નામનો રેડ એલર્ટ બહાર પાડી દીધો છે…ઘન્યા…!!ઘનચક્કર…!! હું પણ જોઈશ તું કેવી રીતે જીવે તે…!! લાંછન લગાવ્યું છે તેં મને ને સંપ્રદાયને…!! તને તો નરકમાં પણ સ્થાન મળશે કે કેમ…!!તારૂં તો ધનોતપનોત નીકળી જશે. સમજ્યો…?? જો ફરી ફોન કર્યો છે તો!! અહિં તો શું પાતાળમાંથી શોધીને પણ ફાંસીએ લટકાવી દ..ઈ…શ…. તને!!’ ને ગુરુજીએ ગુસ્સે થઈ ફોન કાપી નાંખ્યો.

સ્તબ્ધ થઈ ગયો ઘનુ!!! શ્રાપ આપ્યો હતો ગુરુજીએ…!!

-હવે…??

-એક માત્ર એની ઓળખ હતી એનો ઈન્ડિયન પાસપોર્ટ…!! એ પણ હવે બળી ચુક્યો હતો..! એના નામે રેડ એલર્ટ જાહેર કરાયો હતો…!! નાઉ, હી ઇસ નોબડી…! કોઈ પણ ન્હોતો એ…! ક્યાંયનો પણ ન રહ્યો ઘનુ ઘનચકકર…!! ખરે જ ઘનચક્કર બની ગયો એ…!!

મોટ્ટેથી ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો ઘનશ્યામ..!! નયનમાં વરસોથી સંઘરી રાખેલા આંસુઓના સરોવરોના સરોવરો છલકાય ગયા…!! બંધનો બધા તૂટી ગયા….!! એ આંસુઓ લુંછવા કોઈ  જ ન્હોતું આજે ઘનુ સાથે..!! સાવ એકલો પડી ગયો હતો ઘનુ!!

-ટ્રી…ઈ…ન .. ! ટ્રી…ઈ…ન ..!!  ટ્રી…ઈ…ન …!!!

ફોનની અવિરત રીંગ વાગતા ઘનુ એકદમ ઝબકીને જાગી ગયો…!! એની આંખો ભીની ભીની હતી…! ગાલ પર આંસુઓના ઝરણાં વહી નીકળ્યા હતા…!! કેટલાંય સ્વપ્નાઓ એ આંસુઓમાં ધોવાય ગયા હતા. તકિયાના ગલેફ ભીનાં થઈ ગયા હતા!! એને અહેસાસ થયો કે એ ઊંઘમાં ય રડતો હતો ધ્રૂસ્કે ધ્રૂસ્કે…!! ને અર્ધ જાગૃત અવસ્થામાં ય ડૂસકાં ચાલુ જ હતા…!

-ટ્રી…ઈ…ન..ટ્રી…ઈ…ન…ટ્રી…ઈ…ન…

નાક સાફ કરી આંખમાં આવેલ આસું લુંછી રૂદન રોકી એણે રિસિવર ઉપાડ્યું

‘હ…લ્લો…ઓ…ઓ !!’

‘એ…ઈ….મે…ન..!! કમ ઓન…!!વ્હોટ આર યુ ડુઈન….!!’ સામે છેડે મારિયા હતી.

મારિયા એની સાથે મોટેલમાં જ કામ કરતી હતી. આજે લોન્ડ્રી ડે હતો! દર શુક્રવારે લોન્ડ્રી કરવાની હોય એણે મારિયાને મદદ કરવાની હતી. એને એ કામ માટે કલાકના બે ડોલર મળતા. મારિયા સ્પેનિશ હતી જે મોટેલમાં દશેક વરસથી કામ કરતી હતી. રમતિયાળ હતી. સુંદર હતી. યુવાન હતી. ઘનુને એ બહુ ગમતી…! મનોમન એ મારિયાને ઘણી વાર માણી ચુક્યો હતો.ક્યારેક તક મળતી તો એ મારિયાને સ્પર્શી પણ લેતો…!! ક્યારેક એના સુવાંળા ગુલાબી ગાલો પર ચુંબનો કરતો!! એના બદનમાં ઉઠતી યુવાનીની આગને નજરોથી સંતોષતો…!!

‘ઓ….હ…!! મારિયા ડાર્લિંગ….!! આઈ એમ કમિંગ…!!’

પલંગ પરથી ઘનુ ઉભો થયો. બાથરૂમમાં જઈ એણે મ્હોં ધોયું…ઊંઘમાં ય રડી રડીને એની આંખોમાં ગુલાલ અંજાય ગયો હતો…!! એ પોતાના પ્રતિબિંબને નિહાળતો જ રહ્યો…!! ક્યાં સુધી આમ રડવાનું લખાયું છે…!? જાગતા ઊંઘતા હવે તો રહ્યું બાકી રહ્યું છે રડવાનું….ન જાણે હજુ કેટલું ય દુઃખ બાકી રહ્યું છે પડવાનું…!?  ભીની આંખે પણ એના ચહેરા પર આછું હાસ્ય ફરી વળ્યું…! હારે-થાકેલ ઘનુ ઘસડાતાં પગલે લોન્ડ્રી રૂમમાં ગયો. મારિયાના ગાલ પર એક ચુંબન કરી એણે ચાદર, તકિયાના ગલેફ, ટુવાલ વગેરે અલગ કરી વોશિંગ મશીનમાં નાંખી લોકોની ગંદકી ધોવાની શરૂઆત કરી.

લોન્ડ્રી કરી મારિયાને ગુડબાય કિસ કરી લગભગ રાત્રે આઠ વાગ્યે એ એના રૂમ પર આવ્યો. જીન્સ કાઢી પાયજામો ચઢાવી રેડી ટુ ઈટ નુડલનું ટીન કાપી એણે બાઉલમાં ઠાલવ્યું અને બાઉલ માઈક્રોવેવમાં બે મિનિટ માટે મુક્યું.

-શું જીવન છે આ…!?

-સંપ્રદાય છોડવાની સજા તો નથીને….આ….!!

એનાથી એક નજર પ્રમુખ સ્વામીજીના ફોટા પર નંખાઈ ગઈ…એ મ્લાન હસ્યો. પણ એ હાસ્યમાં દર્દ હતું…!! પીડા હતી…!! અ…ને…એક અજાણ્યો સંતાપ હતો…!!

ગમેતેમ કરીને એક વાર કાયદેસરનું થવું જરૂરી હતું….!!એક વાર લિગલ સ્ટેટસ મળી જાય તો……!! એક વાર ડ્રાયવિંગ લાયસંસ મળે તો…..!!

-તો કંઈ બાત બને…

-પણ કેવી રીતે….??

-સપ્ટેમ્બરના આંતકવાદી હુમલા પછી તો ગેરકાયદે વસાહતીઓ માટે અહિં જીવવાનું કઠિન થઈ ગયું હતું. એ કારણે એને કોઈ સાથ-સહકાર પણ આપતું ન્હોતું. દેશીઓ, ભારતિય તો વાત કરતાં ય અચકાતા. એક તુચ્છ નજરે જોતાં એને…! સનીભાઈને ય ગરજ હતી કારણ કે એ સાવ ઓછા પૈસે કામ કરતો હતો મોટલમાં એટલે એમને ય ફાયદો હતો. બાકી સનીભાઈ તો….!!

મોટેલ છોડી દેવી હતી પણ જો મોટેલ છોડે તો માથેથી છાપરું જતું રહે…!! ગમેતેમ એ એક આશરો હતો…! ડેસ્ક પર કામ ન કરવાને કારણે એને લોકો સાથે સંપર્ક પણ સાવ ઓછો થતો…!

સાવ એકલો પડી ગયો હતો બિચારો ઘનુ…ઘનશ્યામ…!! રાતોની રાતો એ જાગતો રહેતો!! દીવાલોને તાકતો રહેતો…!! ક્યારેક તો એને લાગતું કે એ એક જીવતી લાશ બની ગયો છે…!! અને પોતાના ખભે પોતાની જ લાશ લઈને એ ફર્યા રાખે છે….!! ક્યારે થશે એનો છુટકારો…!!

પી….ઈ….ઈ….પ…!! પી….ઈ….ઈ….પ…!! પી….ઈ….ઈ….પ…!!

બે મિનિટ થઈ જતાં માઈક્રોવેવે અવાજ કર્યો. એમાંથી બાઉલ બહાર કાઢી કાંટા વડે થોડી નુડલ ચાખી… જીવવા માટે ખાવું પણ પડતું હોય છે! સાવ ફીક્કી ફીક્કી હતી એ નુડલ એની બાકી રહી ગયેલ જિંદગી જેવી જ!! એમાં થોડો મરીનો ભુકો ઉમેરી, પલંગ બેસી એણે રિમોટથી નાનકડું ટીવી ચાલુ કર્યું. સનીભાઈએ ટીવી આપેલ પણ એમાં માંડ ચઉદ ચેનલો આવતી કે જે સાવ મફતમાં ટેલિકાસ્ટ થતી હતી….!! મોટે ભાગે ન્યુઝ ચેનલ અને વેધર ચેનલો…!! ક્યારેક એ ટીવી જોતો. ખાસ કરીને સાંજે સુવા પહેલાં..!

ચાંપલી ટીવી એનાઉંસર ચીપી ચીપીને બોલતી હતી. વેધર, ટ્રાફિક રિપોર્ટ બાદ…એ જરા ઉત્સાહિત થઈ બોલી, ‘ના…..ઉ……! ધ રિઝલ્ટ ઓફ મેગામિલિયન ડ્રો….!! વા…..ઉ….!! ધેર ઈસ ઓન્લી વન લકી નંબર હેસ વોન ધ મેગા મિલિયન જેકપોટ ઓફ ટુ હંડ્રેડ ટેન મિલિયન ડોલર….!! ધ લકી નંબર આર…..’

ઘનુને લોટરીની પેલી ટિકિટ એકદમ યાદ આવી કે જે એણે આજે સવારે ગંદો રૂમ સાફ કરતી વખતે કચરાપેટીમાંથી ઉપાડી હતી અને જીન્સનાં પાછળના ગજવામાં ખોસી હતી. દોડીને એ ઉભો થયો. બાથરૂમના બારણા પાછળ ખીંટી પર લટકાવેલ પેન્ટના ગજવામાંથી એણે ચુંથાયેલ ટિકિટ કાઢી. એનાઉંસર બોલતી હતી, ‘ધ લકી નંબર આર ૩૫ ૪૭ ૫૨ ૦૧ ૫૮ એંડ મેગા બોલ નંબર ઈસ ૧૩!! વીચ વોન ધ…. ટુ હંડ્રેડ ટેન મિલિયન ડોલર….!! આઈ રિપીટ ધ નંબર…..!!’

ઘનુ ઘનચક્કરે એનાં નંબરો…જોયા..!!

-૩૫ ૪૭ ૫૨ ૦૧ ૫૮…..૧૩….

-ઓ…હ…! માય ગો…ઓ….ડ….!! ઘનુને લાગ્યું કે એ કોઈ સપનું જોઈ રહ્યો છે….!!

-ઓ…ઓ..ઓ….!! એણે આંખો ચોળી….એ જ નંબરો હતા…!!

-ઓ….ઓ…ઓ…!!ઘનુ માની જ શકતો ન હતો…!! એને લાગ્યું કે, એ પા…ગ…લ થઈ જશે…!!

એ ક્યારેક ટીવી તરફ જોતો હતો તો ક્યારેક લોટરીની ટિકિટ તરફ….!!

‘હા….હા….હા…હા…હા…!’ એ મોટ્ટેથી હસી પડ્યો….આનંદથી કુદકા મારવા લાગ્યો…ટીવી પર આવતી એનાઉંસરના હોઠો સાથે હોઠ મેળવી એને એક ચુંબન કર્યું!! કેલેંડરમાં મરકતા પ્રમુખસ્વામીના ફોટાને ભેટીને એ મોટ્ટેથી પોક મુકીને રડી પડ્યો: બા….આ…આ…પ….જી….ઈ…..ઈ….ઈ…..!! ઓ…ઓ…ઓ…બા….પ….જી…..ઈ….ઈ….ઈ…!

-ટુ હંડ્રેડ ટેન મિલિયન ડોલર….!!

-ઓ માય ગો….ડ…!! ઓ….પ્રભુ…..!! ઓ સ્વામીનારાયણ ભગવાન…!!

એ માની જ શકતો ન હતો કે ઠાલી અમસ્તી જ ઉપાડેલ લોટરીની એ ટિકિટે એને કરોડપતિ બનાવી દીધો હતો. રૂમમાં કુદકા મારી એ મોટ્ટે મોટ્ટેથી ગાવા લાગ્યો…

– જય સ્વામીનારાયણ…. નારાયણ… નારાયણ…. નારાયણ… સ્વામીનારાયણ…!!

એની આંખો વહેતી હતી…આનંદના આસું હતા એ કે જેમાં ભારોભાર ગમગીની છુપાયેલ હતી. આનંદના આ અતિરેકને વહેંચવા એની પાસે પોતાનું કોઈ ન હતું….અરે….!! પારકું ય કોઈ ન્હોતું…!!

ગંધાતી કચરાટોપલીમાંથી ઉપાડેલ લોટરીના કાગળના એ ટુકડાને ઘનુ ચુંબનો પર ચુંબનો કરવા માંડ્યો…!! એમ કરતાં એના પર એનું થુંક લાગ્યું જે એણે જલ્દી જલ્દી સાફ કરી નાંખ્યુ!! રાત્રે દશ વાગે ફરી સમાચાર આવ્યા અને એને ખાતરી થઈ ગઈ કે એ કરોડપતિ બની ચુક્યો હતો….!! એનું હ્રદય ધડક ધડક થતું હતું….જાણે ઊછાળા મારતું હતું…!! હ્રદયના પિંજરામાં સપ્તરંગી પતંગિયાઓ ઉડવા લાગ્યા!!

હવે….!!??

લોટરીને ટિકિટ એણે બરાબર સાચવીને શિક્ષાપત્રીની ચોપડીમાં મુકી અને એ શિક્ષાપત્રી એણે તકિયા નીચે સંતાડી. કેટલાં લાં…બા સમય બાદ એ શિક્ષાપત્રીને અડક્યો હતો!  શું કરવું એને કંઈ સમજ પડતી ન્હોતી. એણે એના ટેબલમાં ફોન કાર્ડ માટે તપાસ કરી. ખાના ફંફોળ્યા. પણ ફોન કાર્ડ ન મળ્યો. ઝડપથી દોડીને કનવિનિયન સ્ટોરમાંથી એ ફોન કાર્ડ લઈ આવ્યો અને ઉત્તરસંડા પિતાશ્રી ચતુરભાઈને ફોન જોડ્યો…

ઉત્તરસંડામાં સવાર પડી હતી. ચતુરભાઈ ધંધે જવાની તૈયારી કરતા હતા.

‘બા…પુ…જી….ઈ….ઈ…!’ ઘનુથી વાત થતી ન્હોતી.

‘બો…લ….!! કો…..ણ….? ઘનશ્યામ…?!’ ચતુરભાઈને ચિંત્તા થઈ, ‘બો…લ…તો…કેમ નથી..?!!’

-શું કહેવું બાપુજીને….? સહેજ શ્વાસ લઈને એ બોલ્યો, ‘બાપુજી, તમે મારી ચિંત્તા છોડો..!!મેં હાલે જ મોટેલ ખરીદી છે!’ લોટરીની વાત કહેતાં એનો જીવ ન ચાલ્યો, ‘હવે તમારે બધાએ અહિં આવી રહેવાનું છે. તમારે-બાએ, બન્નેએ…!!’ ડૂંસકુ દબાવી એ બોલ્યો, ‘તમે તૈયારી કરો…!! હું જલ્દીથી ટિકિટ, એર-ટિકિટ મોકલાવું છું !! બીડીનું કારખાનુ કાઢી નાંખો….!!’ અટકીને બોલ્યો, ‘કાઢી નાંખવાની તૈયારી કરવા માંડો…!!’

‘શું વા…ત કરે છે…!!’ ચતુરભાઈને વિશ્વાસ પડતો ન્હોતો, ‘તેં ફરી પાછા કંઈ આડા-અવળા ધંધા તો ચાલુ નથી કર્યાને….?!’

‘ના….બાપુજી ના…!! તમે વિશ્વાસ રાખો તમારા સપુત પર….!!’

‘માંડીને વાત કર…!’ જે રીતે ઘનુએ ભગવા પહેર્યા હતા અને ઉતાર્યા હતા એટલે એમને સંશય થાય એ વ્યાજબી જ હતું…

‘માંડીને જ વા…ત કરૂં છું!!’ ઘનુએ પ્રિયતમાના ગાલ પર હાથ ફેરવતો હોય પ્રેમથી લોટરીના કાગળિયા પર હાથ ફેરવતાં કહ્યું, ‘બાપુજી, હવે તમારો ઘનશ્યામ બો…સ બની ગયો છે… બો…સ!! માનો કે ભગવાન સ્વામીનારાયણની કૃપા થઈ છે આપણા પર…!!’

‘તું પહેલાં અહિં આ….વ…!!’ ઘનુ શું કહેતો હતો, કહેવા માંગતો હતો એ એમને સમજમાં આવતું ન્હોતું, ‘પછી બધી વાત….!!’

‘આવીશ….!! બાપુજી, જરૂરથી આવીશ…!! મારૂં, આપણું…પોતાનું નાનકડું…વિમાન લઈને આવીશ…!! ઉડીને આ..વી..શ….!!’

-મારો બેટો ગાંડો થઈ ગયો લાગે છે…! વિચારી ચતુરભાઈએ ફોન ઘનશ્યામની બાને આપ્યો.

‘દીકરા….તું કે…મ છે…?’ એ રડી પડ્યા

સામે છેડે ઘનુ ઘનચક્કર પણ રડી પડ્યો…બન્ને છેડે બસ ધ્રૂસકાં જ સંભળાતા હતા.

-યુ હેવ વન મિનિટ લે..ફ્ટ…!! ફોન કાર્ડની મિનિટ પુરી થઈ ગઈ હતી…

‘બા….આ…આ…ઓ…બા…!! તું અહિં આ…વ…! મને તાઆઆઅરી જરૂર છે….બા..ઓ…!! બા..આ..આ..આ.!!’ ને મિનિટ પુરી થઈ ગઈ….ક્યાં સુધી લોટરીની એ ટિકિટ હાથમાં પકડી ઘનુ રડતો જ રહ્યો..!! માંડ માંડ  મળસ્કે ચાર વાગ્યે એની આંખો મળી….!!

મેનેજર ફિલિક્સે જોર જોરથી બારણું ઠોક્યું…ખખડાવ્યું ત્યારે સવારે સાત વાગ્યે જ એની આંખો ખુલી, ‘કમઓન ઘનુ….વ્હોટ ધ હેલ યુ ડુઈન….!!’ જરા ગુસ્સે થઈ એણે ખાલી થયેલ રૂમનું લિસ્ટ ઘનુને પકડાવ્યું, ‘વ્હોટ હેપન મેન…? યુ લુક સિક!!’

શૂન્યમનસ્ક ઘનુ એને જોતો રહ્યોઃ સાલાને એક દિવસ આમ જ હું ઠપકારીશ…!! રૂમનું લિસ્ટ પકડાવીશ…! મારા બેટાને ત્યારે ખબર પડશે..!!

‘કમ ઓ….ન, યુ આર ગેટીંગ લેઈટ…!’ આજે શહેરમાં બેઈઝબોલની મોટી મેચ હોવાને કારણે મોટેલમાં ધસારો રહેવાનો હોય ફિલિક્સને ઉતાવળ હતી. ઘનુએ રૂમોના લિસ્ટ તરફ નજર કરી. કુલ સત્તાવિસ રૂમો સાફ કરવાના હતા. ટુ હંડ્રેડ ટેન મિલિયન ડોલર મિલિયન ડોલર હજુ મળ્યાં ક્યાં હતા!? એ લોટરી હજુ એક કાગળનો એક ટુકડો જ હતો…!! અને એ હજુ ઘનુ ઘનચક્કર જ હતો…!!

આખો દિવસ કામ કરી, રૂમો સાફ કરી સાંજે એ એના રૂમ પર ગયો. સહુથી પહેલાં લોટરીની ટિકિટના દર્શન કર્યા અને પછી ઘણા દિવસો બાદ પ્રમુખસ્વામીજીને બે હાથ જોડી મસ્તક નમાવી નમસ્કાર કર્યાઃ જય સ્વામીનારાયણ…બાપજી….!!

-હવે આ પૈસા કઈ રીતે મેળવવા…??

-એણે આજ સુધી કદીય લોટરી ખરીદી ન્હોતી. એવા વધારાના પૈસા જ ક્યાં હતા…!!

કપડાં બદલી એ બહાર નીકળ્યો. વાતાવરણ ખુશનુમા હતું. મેકડોનાલ્ડમાં સેંડવિચ ખાધી. પછી એ લોટરી વેચતી એક દુકાન પર ગયો. એક લોટરી લીધી. દુકાનદાર ભારે વાતોડિયો હતો. એની પાસે લોટરી જીતે તો એ ઈનામ કેવી રીતે મેળવાય એ અંગે માહિતી મેળવી. નાની રકમ હોય તો, સોની અંદર, તો તો લોટરીના ડિલરો જ પૈસા આપી દે…! પણ મોટ્ટું ઈનામ હોય લાઈક એ મેગામિલિયન તો તો પછી સ્ટેટ લોટરી કમિશન એ ઈનામનો ચેક ટેક્સ કાપીને આપે…!! એ માટે ફંકશન થાય!! ન્યુઝ પેપરમાં ફોટાઓ આવે…!!ટીવી પર પણ મેગા મિલિયન વિનરના ઈન્ટરવ્યુ-મુલાકાત આવે…!! અ….ને એ ચેક બેંક એકાઉંટમાં જમા કરાવવો પડે…!

‘બે……સ્ટ લક…!’ લોટરીના એ દુકાનદારે હસીને કહ્યું, ‘યુ આર ફર્સ્ટ ટાઈમ બાયર…!! આઇ નો યુ વિલ કમ નેક્સ્ટ ટાઈમ…!!’

-તો…!! બેંકમાં ખાતું હોવું જરૂરી હતું…! ચેક-ઈન કે પછી સેવિંગ્સ…! અને મારા બેટાઓ પછી જ પૈસા આપે…!! ઘનુ ગુંચવાયો!! બરાબરનો ગુંચવાયો. એનું તો બેંકમાં કોઈ એકાઉન્ટ ન્હોતું. ખાતું ન્હોતું. હવે આ બેંક એકાઉન્ટ કેવી રીતે ખોલાવવું…!? એને માટે તો આઈડી જોઈએ…!! ઓળખપત્ર જોઈએ કે જેમાં એનો ફોટો હોય!! એનું નામ-સરનામું હોય!!  ગ્રીન કાર્ડ જોઈએ…!!સોશ્યલ સિક્યુરીટી નંબર જોઈએ…!! અરે…!! વર્ક પરમિટ હોય તો ય ભયો ભયો…!! વિઝા પેપર હોય તો પણ ચાલે…! ઈંડિયન પાસપોર્ટ હોય તો પણ કદાચ ચાલી જાય…!!

-પણ એ..તો બળી ચુકેલ હતો…!! ગુરૂજીએ ઈંડિયન પાસપોર્ટ તો બાળી મુકેલ…!! પાછું કહ્યું હતું કે તારા નામનો તો રેડ એલર્ટ બહાર પાડેલ છે…!! આ રેડ એલર્ટ એટલે શું…!? એ ડોસલાંએ ભારે કરી હતી.

-હ….વે…!? ઘનુને રડી પડવાનું મન થઈ આવ્યું. લાખો ડોલરની હુંડી લખી હતી ઉપરવાળા ઘનશ્યામે પણ ઘનુ ઘનચક્કર માટે તો એ હજુ ય કાગળનો એક ટુકડો જ હતો…!! એની આંખો ભરાય આવી..!! લોટરીના એ કાગળને એક ચુંબન કરી એણે ફરી પાછો શિક્ષાપત્રીમાં સાચવીને મુક્યો.

ટીવી પર મેગા મિલિયન જેકપોટ માટે કોઈએ દાવેદારી નોંધાવી નથીના સમાચાર વારંવાર આવતા હતા. એક વરસ સુધી એ ઈનામના પૈસા અનામત રાખવામાં આવશે એવી માહિતી મળી. ત્યારબાદ, સ્ટેટ ફંડમાં એ ફરી જમા થઈ જાય! તો હજુ એક વરસ છે…!! ઘનુએ વિચાર્યું…!!

-આટલા વરસોમાં કંઈ ન થયું તો એક વરસમાં શું થશે…!? સમયને કોણ રોકી શકે!? બાંધી શકે…!?

-લિગલ સ્ટેટ્સ હોય તો જ બેંક એકાઉન્ટ ખોલાવી શકાય…!

-સનીભાઈને વાત કરૂં…!?

-ના…ના…!!મારો બેટો સનિયો…તો…મારા ડોલર લઈને…મ..ને…જ લાત મારી દે!! શિયાળ કરતાં ય વધુ લુચ્ચો છે એ તો…!!

-હ…વે એક જ રસ્તો બચ્યો હતો…!

-કોઈ અમેરિકન સિટિઝન છોકરી-સ્ત્રી સાથે લગ્ન કરે તો…!! એક વાર લગ્ન થઈ જાય તો આપોઆપ લિગલ સ્ટેટસ મળી જાય અને ગ્રીનકાર્ડ માટે, સોશ્યલ સિક્યુરિટી નંબર માટે એપ્લાય થવાય…!! ઘનુએ વિચારવા માંડ્યું. પણ એમ કોની સાથે પરણી જવાય….!? કોઈ દેશી છોકરીને તો એ ઓળખતોય ન્હોતો…!!

-આટલા બધાં પૈસા છે….!! કોઈ પણ પરણવા તૈયાર થાય…! એક વાર પરણી જવાનું…! લિગલ થઈ જવાય પછી દહીંનો ઘોડો પાણી પીતો રમતો ભમતો છુ..ઊ…ઊ..ટ્ટો…!!

-પણ આ કંઈ રમત ન્હોતી…!! આજ સુધી એ જે કંઈ રમત રમ્યો હતો એ એમાં મોટેભાગે હાર્યો જ હતો…!! મોટે ભાગે એણે જ દાવ આપ્યો હતો….!! દાવ લીધો ન્હોતો….!!

હવે દાવ લેવાનો વારો હતો. અને એ હારવા માંગતો ન્હોતો…!! પરંતુ, એને કોઈ રસ્તો દેખાતો ન્હોતો. એ રાતોની જાગતો રહેતો. જ્યારે ઊંઘ આવી જતી ત્યારે બિહામણા સપનાઓ આવતા. પણ આજે આવેલ સ્વપ્ન જરા અલગ હતું…!! સપનામાં આવી હતી મા…રિ…યા….!! સ્વપ્ન સંવનનથી એ મધરાતે જાગી ગયો. સવાર સુધી વિચારતા એણે નક્કી કરી લીધું હતું….!! ય….સ…!! મારિયા…!! કુંવારી હતી…! પહેલાં એનો કોઈ બોયફ્રેન્ડ હતો…પણ એની સાથે તો બ્રેકઅપ થઈ ગયેલ…!! આમ પણ મારિયા એને ગમતી હતી. એ સિટિઝન હતી. અમેરિકન…!! બોર્ન સિટિઝન…!! મારિયાને જ પટાવવી પડશે. દાઢી કરતાં કરતાં એણે વિચાર્યું. એક વાર નક્કી થઈ ગયા પછી એને થોડી રાહત થઈ. મારિયા એની સાથે હસીને વાત કરતી હતી. અ…..રે….! થોડી છુટછાટ પણ લેવા દેતી….! એણે ધીરે ધીરે મારિયાને પલોટવા માંડી!! જે કંઈ થોડાં ડોલર બચેલ હતા તેમાંથી એનાં માટે મોંઘુ પર્ફ્યુમ લઈ આવ્યો…!મારિયાને નવી નવી ભેટો આપવા માંડી.  મારિયાની આસપાસ એ ફરતો રહેતો…! મારિયાને રૂમ બનાવવા લાગતો…! કામમાં મદદ કરવા લાગ્યો…!

મારિયા પીગળી રહી હોય એમ એને લાગ્યું. અ…ને એક દિવસ મારિયાને એ એના રૂમ પર ખેંચી લાવ્યો…!!ઘનુએ પહેલેથી રૂમમાં સુગંધીદાર કેંડલ સળગાવેલ એટલે રૂમ મઘમઘતો હતો…!! મારિયાને એણે આઘોષમાં લીધી…!! એના ફુલ સમા કોમળ ગાલ પર ગરમ ગરમ હોઠથી એક ચુંબન કરી મારિયાના બંન્ને બાહુઓ પકડી રાખ્યા એણે થોડીવાર…!! મારિયા એના તરફ જરા નવાઈથી જોતી રહી.

‘મા…રિ…યા…ડાર્લિંગ…!! આઈ લવ યુ…!!’ એણે મારિયા સાથે નજર મેળવી કહ્યું…

સાંભળીને મારિયા જોરથી હસી પડી, ‘આર યુ ઓકે…!? ઘનુ…!’

‘આઈ રિયલી લવ યુ…!! મારિયા…!!’ ઘનુએ એના હાથના પંજા પર દબાણ વધાર્યું.

‘હા….હા…હા…હા….!!’ મારિયા ખડખડાટ હસી પડી…માંડ હસવાનું ખાળી બોલી, ‘ઘનુ યુ આર ફની…!! ડુ યુ વોંટ ટુ સ્લિપ વિથ મી…!?’

-મા…રા…બેટા આ ધોળિયાઓ…!! એ સિવાય બીજું કંઈ વિચારતા નથી. ઘનુએ વિચાર્યું પછી એ બોલ્યો, ‘નો…ઓ…ઓ!! આઈ વોંટ ટુ મેરી યુ…!!’

‘……………..!!’ મારિયા મૌન થઈ સહેજ વિચારી બોલી, ‘વ્હોટ વીલ આઈ ગેટ ઈફ આઇ મેરી યુ…??’

ઘનુને વિચારતો રાખી મારિયા રૂમમાંથી જતી રહી. એ રાતે ઘનુ બિચારો જરા ઊંઘી ન શક્યો. આખી રાત વિચારતો જ રહ્યો.તો વાત એટલી સહેલી ન હતી. મારિયાના એ સવાલે એને વધુ વિચારતો કરી નાંખ્યો : વ્હોટ વીલ આઈ ગેટ ઈફ આઇ મેરી યુ….!? હવે બાજી ખુલ્લી કરવી જ પડશે!! વહેલી સવારે એણે નિર્ણય લીધો. રોજની જેમ ઉઠીને સર્વ પ્રથમ એણે લોટરીદેવીના દર્શન કર્યા. એ જરા ગમગીન થઈ ગયો. એક અજાણ્યો અજંપો એના મનમાં ઊગી નીકળ્યો.

-કોઈ રાહ બતાવો બાપજી!! પ્રમુખસ્વામીજીના ફોટા સાથે એ વાત કરવા લાગ્યો. પણ સ્વામીજી તો એમની ટેવ મુજબ મરકતા જ રહ્યા. જય સ્વામીનારાયણ…!!

થોડાં દિવસો એમ જ પસાર થયા. એક સાંજે આગ્રહ કરી એ ફરી મારિયાને એના રૂમ પર લઈ આવ્યો. ટુંકા બ્લેક સ્કર્ટ અને આછા પીળાં રંગના સહેજ ખુલતાં ગળાના કોટન ટોપને કારણે મારિયા ખુબ જ આકર્ષક લાગતી હતી.અગાઉથી લાવી રાખેલ વાઈનમાંથી એણે રૂપાળા ગ્લાસમાં વાઈન ભરી મારિયાને એ ગ્લાસ એ આપ્યો અને પોતાના માટે પણ ગ્લાસ ભર્યો. મારિયા સાશ્ચર્ય એની તરફ જોઈ રહી હતી. વાઈન ચુસકી ભરી ઘનુ બોલ્યો, ‘મારિયા….! યુ નો આઈ નીડ પેપર…!! આઈ ડેસ્પીરેટલી નીડ ટુ બી એ લિગલ. તને ખબર છે. મારે એ માટે હવે સોશ્યલ સિક્યુરિટી નંબર મેળવવો ખુબ જ જરૂરી છે.’

‘તો….!! સો વ્હોટ…!!’ વાઈનની ચુસકી ભરી મારિયા બોલી, ‘નાઈસ વાઈન…!!’

‘થેં…ક્સ…!!’ ઘનુએ વિચારી સીધા મુદ્દા પર જ આવવાનું નક્કી કર્યું, ‘હું તારી સાથે લગ્ન કરું તો મને સિટિઝનશીપ મળવાનો માર્ગ ખુલે!! નોટ ઓન્લી ધીસ..! એક્ચ્યુલી આઈ રિયલી લવ યુ!! આઈ વીલ મેઈક યુ હેપી…વેરી હેપ્પી !!’ વાઈન પીવા એ અટક્યો. ઊંડો શ્વાસ લઈ એ બોલ્યો, ‘તેં પુછ્યું હતું ને કે, મારી સાથે લગ્ન કરે તો તને શું મળે!! લેટ અસ મેઈક એ ડિલ..!! યુ વિલ ગેટ….!! ’ વિચારવા માટે એ ફરી અટક્યો, ‘આઇ વિલ ગીવ યુ મિલિયન ડોલર ઈફ યુ વિલ મેરી મી એંડ આઈ વિલ ગેટ ધ પેપર…લિગલ સ્ટેટસ…!!’

‘વ્હો…ઓ…ઓ….ટ…!?’ મારિયા ચમકી, ‘મિલિયન ડોલર…!! વા….ઉ….!! ડુ યુ વોન્ટ ટુ રોબ ધ બેંક…!! શું તું કોઈ બેન્ક લુંટવાનો છે…!! કઈ બેંક છે તારી નજરમાં….!?’ હસતાં હસતાં મારિયા બોલી.

ઘનુ ય મરક્યો. પોતાની જગ્યાએથી એ ઉભો થયો. ટેબલના ખાનામાં મુકેલ ન્યુઝપેપર કાઢી એણે એ મારિયાને આપ્યું કે, જેમાં લોટરીના મેગામિલિયન ઈનામના ડ્રોના નંબરો અને ઈનામની માહિતી, સમાચાર વગેરે છપાયેલ હતી ત્યાં ઘનુએ લાલ પેન વડે મોટ્ટું કુંડાળુ કરી નિશાની કરી હતી…મારિયાએ એ પેપરમાં નજર કરી અને ઘનુ ઘનચક્કર તરફ પ્રશ્નાર્થ નજરે જોયું, ‘વ્હો….ટ….!?’

‘ય…..સ….!! મારિયા ડાર્લિંગ, આઈ એમ ધ વિનર….!! વિનર ઓ…ફ મે…ગા…મિ…લિ…ય…ન.. જે…ક…પો…ટ!!’ એક એક શબ્દ છુટો પાડી ગર્વથી ઘનુ બોલ્યો.

‘વ્હો…ઓ…ઓ….ટ…!! નો….વે….!! આઈ કાંટ બિલિવ…!! તો  પછી તું કેમ એ ઈનામ લઈ નથી આવતો…!? એ પૈસા લઈ નથી આવતો….!?’ મારિયા માની જ ન શકી, ‘ડોંટ મે…ઈ…ક મી ફૂલ…!!’

‘વ્હા…ય….!! બિ….કો….ઝ…’ મારિયાના ખાલી થયેલ ગ્લાસમાં વાઈન ભરી એના હાથમાંથી પેપર લેતાં એક ઊંડો શ્વાસ લઈ મારિયાની એકદમ નજીક પલંગ પર ઘનુ બેઠો… મારિયાનો  સુંવાળો હાથ પોતાના હાથમાં લઈ પ્રેમથી પસવારતાં પસવારતાં એ થોડો સમય બેસી રહ્યો…મારિયાના માદક દેહમાંથી એણે છાંટેલ પર્ફ્યુમની સુગંધ એને બેચેન કરી રહી હતી. મારિયા નકારમાં હજુ ય એની પાતળી મોહક ગરદન વારંવાર હલાવી રહી હતી કે જેનો અર્થ થતો હતો કે એ માનતી ન્હોતી ઘનુની વાત…!! એ બોલી, ‘ગેટ ધ મની, મેન…એન્ડ ગેટ ધ હેલ આઉટ ફ્રોમ હિયર…!!’

‘ઈટ ઈસ નોટ ઈઝી…ડિયર…!! આઈ નીડ અ બેંક એકાઉન્ટ ફોર ધ ડેમ બિ….ગ મની…!! સહેજ નિરાશ થઈ એ બોલ્યો, ‘એ….ન્ડ…. આઈ ડુ નોટ હેવ એકાઉન્ટ….!! બિકોઝ આઈ એમ નોટ લિગલ…!!’

મારિયા એની તરફ જોતી રહી જ…!! પણ હજુ ય એ માનવા તૈયાર ન્હોતી…!! એણે કહ્યું, ‘નો આઈ ડોન્ટ બિલિવ…!! યુ વોંટ ટુ મેરી મી…એટલાં માટે તું મને ઊલ્લુ બનાવે છે…!! નો…!!’

‘બિલિવ મી…!!’ પલંગ પર સહેજ નમીને ઘનુએ જીન્સના પાછળના ડાબા ગજવામાંથી એનું વોલૅટ કાઢ્યું અને એમાંથી હળવેકથી લોટરીની ટિકિટ કાઢી મારિયાને આપી…!! મારિયાએ ટિકિટ હાથમાં લીધી…ઘનુએ ફરી એને પેપર આપ્યું…! મારિયાએ નંબરો સરખાવ્યાં…પેપરમાં અને લોટરી પરના નંબરો એક જ હતા…સાવ સરખાં…!! મારિયાનું હ્રદય ધક…ધક…ધક ધડકતું હતુ…!! ઘનુ કંઈ સમજે પહેલાં તો મારિયાએ એને ચુંબનો પર ચુંબનો કરવા માંડ્યા…!! ઘનુના સુકા સુકા પ્યાસા હોઠો સાથે મારિયાના મૃદુ હોઠો ચંપાય ગયા! મારિયા જાણે ઘનુ પર સવાર થઈ ગઈ…!! ઘનુના હાથ મારિયાના મૃદુ માંસલ અંગો પર ફરી વળ્યાં…!! ક્યારેક શરીરને પણ વસ્ત્રોનો ભાર લાગે છે તે એ બન્ને યુવાન હૈયાંઓએ ત્યારે મહેસુસ કર્યું…!! મારિયાના લીસ્સા શરીર પરથી વસ્ત્રવિહિન ઘનુ જલ્દીથી એકદમ ઉભો થયો…!! પલંગ પર નિર્વસ્ત્ર ફેલાયેલ  મારિયા કોઈ અપ્સરા સમ ભાસતી હતી…!! મારિયાએ એનું ટિશર્ટ કાઢી નાંખેલ તે ફરસ પરથી ઝડપથી લઈ ઘનુએ પ્રમુખસ્વામીના કેલેંડર પર લટકાવી પ્રમુખસ્વામીના ફોટાને એણે ઢાંક્યો અને પછી એ મારિયાના સળગતા શરીર પર છવાય ગયો…!! આગથી ઘી પીગળે તેમ બન્નેના જિસ્મ એકાકાર થઈ ગયા…!! દરિયો એક તરસનો છલકાય ગયો એ નાનકડા રૂમમાં!! તરસ્યો હતો તોય મન મુકીને અને દિલ ખોલીને વરસ્યો હતો ઘનુ!!  યુગોથી તરસતા ઘનુ માટે તો આ સુખ જિંદગીમાં પ્રથમવાર જ હતું…!! તે રાત્રીએ મારિયા ઘનુના રૂમ પર જ રોકાય ગઈ અને એ આખી રાત બન્ને એકબીજાને વળગીને,  વારંવાર એકાકાર થઈને વિતાવી…!! નિરાકાર થઈને વિતાવી…!!

હવે મારિયાની ઘનુને જોવાની દૃષ્ટિ બદલાય ગઈ હતી…બન્ને પોતપોતાના ફાળવેલ રૂમો સાથે જ બનાવતા. પોતાની કામગીરી સાથે કરતાં. વારંવાર એ ઘનુના રૂમ પર રાતવાસો કરતી કે પછી ઘનુ એના એક બેડરૂમના એપાર્ટમેંટ પર રાતો વિતાવતો. સિટિ હોલ પરના મેરેજ રજીસ્ટ્રાર પાસેથી બન્ને મેરેજ રજીસ્ટર ફોર્મ લઈ આવ્યા…મારિયા પોતાના પૈસામાંથી ઘનુ માટે સરસ ડિઝાયનર સ્યુટ લઈ આવી…!! બન્ને માટે એ વેડિંગ રિંગ પણ એ જ લઈ આવી…!! ઘનુના આગ્રહથી હનિમૂન માટે બન્નેએ પ્રથમ ઈન્ડિયા જવાનું અને ત્યારબાદ વર્લ્ડટુર કરવાનું  નક્કી કર્યું!! ઘનુના આગ્રહથી જ મારિયાએ લોટરી અને લગ્નની વાત સહુ કોઈથી ગોપિત રાખી હતી…!! જ્યાં સુધી ઘનુના પેપર મંજુર ન થાય ત્યાં સુધી લગ્ન બાદ પણ લોટરીની વાત પણ ગુપ્ત રાખવી એવો ઘનુનો નિર્ણય હતો!!

મારિયાના મા-બાપ અને મોટાં ભાગના સગા-વ્હાલાંઓ પુર્ટો રિકો  રહેતાં હતાં ત્યાંથી આવે પછી એમની હાજરીમાં બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. ઘનુ બિચારાના તો કોઈ સગાં-વ્હાલા અહિં ન્હોતા…!! ઘનુએ ઉત્તરસંડા આ વિશે જરા સરખી જાણ થવા ન દીધી કારણ કે એના માત-પિતાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો: ચોંકવી દેવા હતા એમને…! ગોરી વહુ સાથે મોટ્ટી કારમાં જઈને…!

ઘનુને હવે લગ્નની અધીરાઈ હતી. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. એ થોડો બેચેન હતો. પરંતુ, આવતે અઠવાડિયે મારિયાના મા-બાપ આવવાના હતા. અને લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી એથી એ ખુશ હતો. એ શુક્રવારે, ઘનુની જીદને કારણે, ના…ના કરી, ઘનુને કરગરાવી મારિયા ઘનુના રૂમ પર જ રોકાય ગઈ હતી. મારિયાએ એને દિવાનો બનાવી દીધો હતો. મારિયા એના જીવનમાં બહાર બની છવાય ગઈ હતી…!! સુકા સુકા સુકા સહરાના રણમાં મલ્હાર બની વરસી હતી એ…!! એવાં જ એક પ્રેમાળ ઝાપટાંથી ભીંજાયને, તરબતર થઈને મારિયાને ચીપકીને એ ઘસઘસાટ સુતો હતો…!! એટલાંમાં એના રૂમનું બારણું કોઈએ જોર જોરથી ખટખટાવ્યું!! એ ઝબકીને જાગી ગયો…!! મારિયાનો ગોરો પગ એના શરીર પર હતો…! પહેલાં તો એને લાગ્યું કે એને ભ્રમ થયો છે…!!

‘ઓ…પ…ન…ધ ડો…ઓ…ઓ…ર…!!’ કોઈએ બહારથી બુમ પાડી…

ઘનુએ આંખો ચોળી…!! કાચની બારીમાંથી લાલ-ભુરો પ્રકાશ એના રૂમમાં પડતો હતો…!! પોલીસ કાર-ક્રુઝરની ઈમરજન્સી લાઈટનો પ્રકાશ હતો એ…!!

-કોઈએ લફરૂં કર્યું લાગે છે અને પોલિસ આવી લાગે છે…!! મોટેલમાં ધમાલ થતી તો ક્યારેક પોલીસને બોલાવવી પડતી…!! ઘનુએ ટેબલ પર મુકેલ ઘડિયાળમાં જોયું. રાત્રીના બે વાગ્યા હતા.

‘ઓ…પ…ન…ધ ડોર…!!’ ફરી એના જ રૂમનું બારણું ખટખટ્યું, ‘પો…લી…સ….!!’

નિંદ્રાધિન મારિયાનો માંસલ પગ શરીર પરથી હઠાવી સહેજ ચિઢાયને પલંગ પરથી ઘનુ ઊભો થયો. ફ્લોર પર પડેલ બોક્સર પહેરી પોતાની નિર્વસ્ત્રતા દુર કરી એણે સહેજ બારણું ખોલ્યું…અને બારણું ખુલતાંની સાથે ત્રણ પોલીસ ઓફિસરો તિવ્ર પ્રકાશ રેલાવતી ટોર્ચ લઈ એકદમ દાખલ થયા, ‘ડો…ન્ટ…મુ….વ….!!’ એક પોલીસ ઓફિસરે એના તરફ રિવોલ્વર તાકી હતી તો બીજાંએ એની આંખો પર ટોર્ચની રોશનીનો શેરડો તાકી એને આંજી નાંખ્યો…અને ત્રીજા ઓફિસરે ઝડપથી ઘનુ કંઈ સમજે તે પહેલાં તો એનાં બન્ને હાથ શરીરની પાછળ લઈ જઈ હાથકડી પહેરાવી દીધી!! એક ક્ષણમાં જાણે આમ થઈ ગયું…!!વાયરલેસ પર પોલીસે કહ્યું, ‘સબજેક્ટ ઇસ અંડર કંટ્રોલ…!!’ ત્યારબાદ, બીજા પોલીસે રૂમની મુખ્ય લાઈટ સળગાવી…!! ઘનુ ઘનચક્કર થર થર ધ્રુજતો હતો…!!

ઘસઘસાટ ઊંઘતી મારિયાને ત્રીજા પોલીસે કૂલા પર ઠપકારતાં કહ્યું, ‘વે…ઈ…ક અપ યુ બીચ…!!’ મારિયા એકદમ ઝબકીને જાગી ગઈ ને પલંગ પર ચમકીને બેઠી થઈ ગઈ…!!એ એકદમ નિર્વસ્ત્ર હતી..!!ઝડપથી એણે બ્લેંકેટ ખેંચી પોતાના વક્ષસ્થળોને ઢાંક્યા…!!

‘વો…વો…વો…!!’ મારિયાને નિહાળી એક ઓફિસરે સહેજ આશ્ચર્યથી બુમ પાડી…!!

બ્લેંકેટ ખેંચી પોતાના શરીર પર જેમતેમ ઓઢી દોડીને મારિયા બાથરૂમમાં ભરાય ગઈ…અને બાથરૂમમાંથી રોબ પહેરી બે હાથો વડે એને સરખો કરતી થોડી વાર પછી બહાર આવી…!! ઘનુ હજુ ય બોક્સરભેર થર થર ધ્રૂજતો ઊભો હતો…એને સમજ પડતી ન હતી કે આ શું થઈ રહ્યું છે…!!

‘હુ આ…ર…યુ….ઊ…??’ એક ઓફિસરે ઘનુને ખુરશી આપી બેસવાનો ઈશારો કરી એની એકદમ નજીક ઊભાં રહી પુછ્યું, ‘વ્હોટ ઈસ યોર ને…ઈ…મ…!?’

‘ઘનુ…!!ઘનશ્યામ પટેલ…!!’ થુંક ગળી ખુરશી પર ઉભડક બેસતાં ઘનુ બોલ્યો. હાથક્ડી પહેરેલ પાછળ કરી દેવાયેલ હાથોને કારણે એને બેસતાં ફાવતું ન્હોતું…

‘વ્હે…ર…ઈ…સ યોર લાયસંસ…!?’

-શું બોલે ઘનુ…!!??

‘વ્હોટ ઈસ હિસ ફોલ્ટ…!?’ મારિયાએ સહેજ ગુસ્સાથી પુછ્યું, ‘વ્હોટ ડીડ હી રો..ન્ગ…!!’

‘યુ શટ અપ હૉ…ઑ…ઑ…ર..!!’ પોલીસ ઓફિસરે મારિયાને ગુસ્સે થઈ કહ્યું, ‘આઈ એમ નોટ આસ્કિંગ યુ….!!’ બીજા બે પોલીસોએ ઘનુના એ નાનકડાં રૂમની, બાથરૂમની ઝડપથી તલાશી લીધી.

‘ડુ યુ અંડરસ્ટેન્ડ ઈંગ્લિશ, સ…ર…!?’ ઘનુના માથા પર ઝંળુબતો પોલીસ સહેજ ચિઢાયને બોલ્યો, ‘ વ્હે…ર…ઈ…સ યોર લાયસંસ…!!’

‘ય…સ…!! ય…સ…સર….!!’ ઘનુ ધીમેથી બોલ્યો, ‘આઈ ડુ નોટ હેવ લાયસંસ…!!’

‘એની આઈડી…??’

‘…………….!!’ ઘનુ મૌન… હોઠ સિવાય ગયા એનાં…

‘પાસપોર્ટ…!?’

‘લી….ઈઈઈ….વ….હિમ્…!’ મારિયાએ ફરી ઘનુની વહારે આવવાનો પ્રયત્ન કર્યો.

બીજાં પોલીસે મારિયાનો હાથ પકડી ખેંચીને અંગ્રેજીમાં ભદ્દી ગાળ દઈ જોર કરી પલંગ પર બેસાડી દીધી, ‘સીટ ડા…ઉ…ઉ..ન…!! ઈફ યુ સ્પિક અ વર્ડ, આઈ વીલ એરેસ્ટ યુ….!’ એણે મારિયાને ધમકી આપી.

‘ઈ…ન્ડિ…ઈ…ઈ…ય…ન…!??’ ઘનુની પાસે ઉભેલ પોલીસે ઘનુને પુચ્છ્યું…

હકારમાં ઘનુને એની ગરદન નિરાશ થઈને હલાવી…

‘યુ…ઉ…!! બ્લડી…ઈ…ન્ડિ….ય…ન…!! વ્હેર ઈસ યોર પાસપોર્ટ…વીસા…ગ્રીન કાર્ડ…એની પેપર…!??’

‘……………….’ ઘનુ નીચું જોઈ ગયો…!!

પેલા ઓફિસરે ઘનુને હડપચીથી એની નીચો થઈ ગયેલ ચહેરો ઉપર કરી પોતાનો આઈ ડી કાર્ડ ઘનુને બતાવ્યો, ‘આઈ એમ ઈન્સ્પેક્ટર વિલિયમ આમૉસ…!! હોમલેંડ સિક્યુરીટી ઓફ યુએસ…! આઈ એમ એરેસ્ટિંગ યુ મિસ્ટર પટેલ  ફોર ઈમ્પ્રોપર રેસિડેન્સી ઓફ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અંડર હોમલેંડ સિક્યુરિટી એક્ટ…!!’

એ દરમ્યાન અન્ય ઓફિસરે મારિયાનું લાયસન્સ તપાસી વોર્નિંગ આપી એના ઘરે જવાનો આદેશ આપ્યો. બીજાં પોલીસ ઓફિસરે ઘનુને જમણા હાથનું બાવડું પકડી ઉભો કરી એની ફરતે બ્લેંકેટ વિંટાળ્યુ. બહાર લાવી ઘનુને પકડી ધીરેથી એનું માથું નમાવી ‘ટેઈક કેર’ કહી પોલિસ કારમાં પાછળ બેસાડી દીધો…ઘનુ સ્તબ્ધ બની ગયો હતો… જાણે કોઈ દુઃસ્વપ્ન જોઈ રહ્યો ન હોય…!! એની ધરપકડ થઈ ચુકી હતી…!! ત્રણેય ઓફિસરોએ બહાર ઉભાં રહી થોડી વાત-ચીત કરી. એકે સિગરેટ સળગાવી. થોડી પળો પછી કપડાં બરાબર પહેરી મારિયા પણ બહાર આવી. ઈન્સ્પેક્ટર વિલિયમે મારિયા પાસે જઈ એની સાથે થોડી ગુસપુસ કરી…કદાચ, ફરી ચેતવણી આપી…!!  ઘનુએ પોલિસ કારમાંથી એ નિહાળ્યું. ઘનુએ પણ મારિયા સાથે વાત કરવી હતી પરંતુ, એ કંઈ બોલી ન શક્યો. મારિયાએ એની કાર શરૂ કરી. બે પોલીસ કારમાંની એક કાર મારિયાની કારની પાછળ પાછળ ગઈ અને ઘનુને લઈ અન્ય બે પોલીસો સહિત કાર પોલીસ સ્ટેશને ગઈ. આ બધી ધમાલમાં એ લોટરીની પેલી ટિકિટ લેવાનું તો ભુલી જ ગયો કે જે એને શિક્ષાપત્રીમાં મુકી મેટ્રેસ નીચે સંતાડેલ હતી!!

-ખેલ ખતમ!!

ઘનુને રડવાનું મન થતું હતું પણ એ એટલો સ્તબ્ધ થઈ ગયો હતો કે એની લાગણીઓ જાણે થીજી જ ગઈ. પોલીસ સ્ટેશને એને કાળજીપુર્વક ઉતારવામાં આવ્યો. ઈ. વિલિયમ એની સાથે જ કદમ મેળવીને ચાલતો હતો. એક બીજાં અધિકારી સાથે ઈ. વિલિયમે થોડી વાત કરી. અને એ ઘનુ માટે ટ્રેક સુટ લઈ આવ્યો. જે ઘનુએ પહેર્યો. ઈ. વિલિયમે થોડાં કાગળો તૈયાર કર્યા અને ઘનુની એના પર સહિ લીધી. એના હાથના દરેક આંગળીઓની છાપ લઈ એને જુદા જુદા એંગલે ઉભો રાખી પોલીસ ફોટોગ્રાફર પાસે ફોટા પડાવ્યા. એક અન્ય લેડી ઓફિસરે આવીને એનાં લોહીનો નમુનો લીધો. તો બીજા એક અધિકારીએ એની આંખની કિકિનો પણ ફોટો પાડ્યો. ઘનુ જાણે લાગણીઓથી પર થઈ ગયો. જાણે એક યંત્ર બની ગયો હતો એ!!

ઈ. વિલિયમે એને એક નાનકડી કોટડીમાં પુર્યો અને પુછ્યું, ‘ડુ યુ નીડ એનીથિંગ મિ. પટેલ?’

ઘનશ્યામે થોડી વાર નિર્લેપ ભાવે વિલિયમ તરફ જોયા રાખ્યું પછી હળવેથી એ બોલ્યો, ‘વોટર…!!’

‘અફકોર્સ…!’ ઈ.વિલિયમ હસીને કહ્યું, ‘મિ.પટેલ, યુ વીલ બી પ્રોસિક્યુટેડ ઓન મન્ડે..!! તમને મન્ડે કોર્ટમાં જડ્જ સામે હાજર કરવામાં આવશે…!! આજે શુક્રવાર છે. શુક્રવારની રાત છે. ફિલ ક્મ્ફર્ટબેલ!! આઈ વીલ સિ યુ ઈન કોર્ટ…!!’ પાણીની બોટલ આપતાં વિલિયમે કહ્યું, ‘ગુ…ડ નાઈટ મિસ્ટર પટેલ…!!’

ઘનુએ પાણીનો એક ઘુંટ ભર્યો. જે એને ઝેર જેવો લાગ્યો…એ બે દિવસો ઘનુએ કોટડીમાં સાવ નિર્લેપતાથી વિતાવ્યા. સોમવારે એને રૉનક કોર્ટમાં હાજર કરવામાં આવ્યો.પબ્લિક પ્રોસિક્યુટરે એને સમજાવ્યો કે ગુન્હો કબુલી લેવા સિવાય કોઈ ઉપાય નથી કારણ કે, ઘનુ પાસે કંઈ જ ન્હોતું કે જે એને કેસ લડવામાં મદદરૂપ થાય. ઈ. વિલિયમ પણ પ્રોસિક્યુટર સાથેની મિટિંગમાં હાજર રહેલ પણ એમણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન્હોતો. ડરતાં ડરતાં ઘનુએ કહ્યું, ‘મારે એક બે ફોન કરવા છે ઈફ આઈ વિલ ગેટ બેઈલ…!! આઈ નીડ ટુ ટોલ્ક…!! પ્લિસ, બિફોર આઈ ગો ટુ જજ…!’

રૂમમાં પડેલ ફોન તરફ પબ્લિક પ્રોસિક્યુટરે ઈશારો કર્યો. એણે સનીભાઈને ફોન જોડ્યો એમના સેલ ફોન પર, ‘હ…..લ્લો….!! સનીભાઈ…!!હું ઘનશ્યામ….!!’

‘હુ…?? કોણ ઘનશ્યામ…?? આઈ ડોંટ નો એની ઘનશ્યામ…!! યુ ગેટ રોંગ નંબર….!!’ સનીભાઈએ તરત જ ફોન કાપી નાંખ્યો….!! ઘનશ્યામ તો કાપે તો લોહી પણ ન નીકળે એવો હક્કો બક્કો થઈ ગયો. સનીભાઈએ તો હાથ ઊંચા કરી દીધાઃ સા….સનિયો…!!

એ ધ્રુજી ઉઠ્યો…એના હાથ કાંપવા લાગ્યા. સહેજ વિચારી એણે મારિયાનો સેલ નંબર ડાયલ કર્યો, ‘મારિયા….!!’

‘ઓ…ઘનુ ડાર્લિંગ!! હાઉ આર યુ…!?’ મારિયાએ ચિંત્તાતુર અવાજે પુચ્છ્યું, ‘વ્હેર આર યુ…ડિ…ય…ર..? આઈ મિસ યુ….માય લવ…!’

‘આઈ એમ હિયર ઈન કોર્ટ….!! મારિયા પ્લીસ હેલ્પ મી…!!’ ઘનુની આંખો ભીની થઈ આવી…

‘આ…ઈ…વીલ…!!’ મારિયા પણ રડતી હોય એવું ઘનુને લાગ્યું, ‘આઈ વિલ ગેટ યુ આઉટ…!! યુ શુલ્ડ ગેટ બે..ઈ…લ…!! આઈ લવ યુ…!!’ પછી એ અટકીને બોલી, ‘ધે ફાયર મી ફ્રોમ મોટેલ…!!’

‘મા…રિ…યા…!?’

‘નાઉ સ્ટોપ, મિસ્ટર પટેલ…!’ ઈ. વિલિયમે ફોન પર આંગળી રાખી એની વાત વચ્ચેથી જ અટકાવી દીધી…એટલે ઘનુ મારિયાને લોટરી અંગે કંઈ વાત કરી ન શક્યો…!! એક વાર, બસ એક વાર મારિયાને મળવું જરૂરી હતું…પણ હવે તો દરેક દરવાજા વારાફરતી બંધ થઈ રહ્યા હતા એનાં પર તાળા લાગી રહ્યા હતા અને તાળાની કોઈ ચાવીઓ ન્હોતી ઘનુ ઘનચક્કર પાસે…!! જડ્જ સામે એણે ગેરકાયદેસર યુએસમાં રહેવાનો ગુન્હો કબુલી લીધો. એ સિવાય છુટકો ય ક્યાં હતો!! જડ્જે આદેશ આપ્યો: ડિપોર્ટેશન ટુ ધી ઓરિજિન કન્ટ્રી એ…એસ…એ…પી….!! નો બેઈલ…!!

જડ્જનો આદેશ સાંભળી ઘનુનું લોહી થીજી ગયું. એની આંખો છલકાય ગઈ…!!

-તારૂં તો ધનોતપનોત નીકળી જશે…!! ગુરુજીએ શ્રાપ આપ્યો હતો…!! એને ગુરુજીની તીવ્ર યાદ આવી ગઈ…!!

ઈંસ્પેક્ટર વિલિયમે એના ડિપોર્ટેશેન પેપર ઝડપથી તૈયાર કર્યા. ઈન્ડિયન કોન્સ્યુલેટ જનરલને પણ જાણ કરવામાં આવી.એનો પ્રોવિઝનલ પાસપોર્ટ તૈયાર થયો. ને બિચારા ઘનશ્યામ ઊર્ફે આપણા ઘનુ ઘનચક્કરને મુંબઈ જઈ રહેલ કોન્ટિનેંટલ એરલાઈનની ફ્લાઈટમાં બેસાડી દેવામાં આવ્યો. ઈ. વિલિયમ પોતે એને ડિપોર્ટ કરવા માટે આવ્યા હતા અને ઘનુ માટે સીધી એંટ્રીની તથા કસ્ટમ ક્લિયરન્સનીએ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘનુ જાણે જીવતી લાશ બની ગયો. વિમાન મુસાફરોથી ઉભરાય ગયું હતું. ઘનુની નજર હજુય વિમાનના પ્રવેશ દ્વાર તરફ જ ચોંટી ગઈઃ કાશ મારિયા આવે…!! વિમાનમાંથી એને લઈ જાય…હાય રે કિસ્મત!!

ટરમેક પરથી વિમાન પાછળ હટ્યું…રનવે પર ગોઠવાયું…!! ઘનુની આંખો છલકાય રહી હતી…!! વિમાને પોતાનું સર્વ બળ વાપરીને દોટ લગાવી પલકવારમાં એ અદ્ધર થયું ને આકાશમાં નિર્ધારિત ઊંચાઈએ પહોંચી ગયું!! સીટ બેલ્ટની સાઈન ઓલવાઈ….!! એર હોસ્ટેસો મુસાફરોની સેવામાં પરોવાય…!!

ઘનશ્યામે એની આગળની સિટના બેકરેસ્ટમાં ખોસેલ ન્યુઝ પેપર યંત્રવત્ ખેંચ્યું. ખોલ્યું. વાંચ્યુ. પ્રથમ પાના પર જ સમાચાર હતા.

મેગા મિલિયન જેકપોટ વિનર અનવેઈલ્ડ….!!

ઘનુ ઘનચક્કર ચમક્યો…!!

મિસ મારિયા રોડ્રિગસ એંડ હર ફિયાંસે એફબીઆઈ ઈન્સપેક્ટર વિલિયમ આમૉસ આર ધ  વિનર ઓફ મેગામિલિયન જેકપોટ ઓફ ટુ હંડ્રેડ ટેન મિલિયન ડોલર….!!

સમાચારની નીચે મારિયાનો, ઈ. વિલિયમનો અને મારિયાના કુટુંબીજનોનો ખુશખુશાલ ફોટો હતો અને મારિયાના હાથમાં ટુ હંડ્રેડ ટેન મિલિયન ડોલરના ચેકની મોટ્ટી પ્રતિકૃતિ હતી..!!

-ઓ…ઓ…ઓ…..!! ઘનુના હાથમાં પેપર ધ્રુજવા લાગ્યું: મારિયા….યુ…યુ.. ટુ…!??

‘હા…હા…હા…હા…હા…હા…!’ ઘનુ ઘનચક્કર પાગલની માફક જોરથી જોરથી મોટ્ટેથી હસવા લાગ્યો….અને પછી હસતા હસતા ડૂસકાં ભરી રડી પડ્યો એ…!! રડતો જ રહ્યો…રડતો જ રહ્યો… રડતો જ રહ્યો!! હજુ ય રડી જ રહ્યો છે…ઘનશ્યામ…ઘનુ ઘનચક્કર!!

(સમાપ્ત)
‘આયો કહાંસે ઘનશ્યામ…??’ વાર્તા પીડીએફ ફોરમેટમાં મેળવવા અહિં ક્લિક કરો.
આપના કમ્પ્યુટર પર સેવ કરો.
પ્રિન્ટ કરો.
મિત્રોને ભેટ આપો.