પિતૃકૃપા

આપ સહુને થેંકસગિવિંગની લાખ લાખ શુભ કામનાઓ અને એ પર્વ નિમિત્તે આપનો સહુનો ખુબ ખુબ આભાર.

(આશરે પચ્ચીસ વરસ પહેલાં ‘પિતૃકૃપા’ લખેલ. એ સમયે એક પ્રમાણિક કર્મચારીના સંપર્કમાં આવવાનું થયેલ. અને આ વાર્તાનું બીજ રોપાયેલ. સંજોગો હજુ પણ ખાસ બદલાયા નથી.

‘પિતૃકૃપા’ એડિસન, ન્યુજર્સીથી પ્રકાશિત થતા ‘તિરંગાના પૃષ્ઠો પર વરસી ચુકેલ છે.આ માટે હું ‘તિરંગા’ના પ્રકાશક અને માલિક શ્રી નિતિનભાઇ ગુર્જરનો ખુબ જ આભારી છું.

આશા છે કે, ‘પિતૃકૃપા’ આપને પસંદ આવશે… આપને સહુને આપની અમુલ્ય કોમેંટ કરવા નમ્ર વિનંતી છે. આપના સુચનો, પ્રતિભાવ હર હંમેશ આવકાર્ય છે.)

‘પિતૃકૃપા’

૩. પિતૃકૃપા

– વસુદેવ સુતમ્ દેવમ્………

હરિભાઇનું ધ્યાન આજે પૂજામાં લાગતું નહોતું… પ્રાર્થનાથી સ્થિર થવાને બદલે મન વધુ વિચલિત થઈ રહ્યું હતું…ચંચળ મનની અસ્થિરતાથી એ થોડા વ્યાકુળ થઈ ગયા હતા.. મ્હોંમાંથી યંત્રવત્ શ્લોકની સરવાણી અસ્ખલિત વહેતી હતી.. એઓ વિષાદ યોગમાંથી પસાર થઈ રહ્યા હતા. સર્વ મિથ્યા લાગી રહ્યું હતું. મન બેચેન હતું. વેર-વિખેર થઈ ગયુ હતું. કેટલાય સમયથી કુરુક્ષેત્ર બની ગયું હતું…એઓ ખુદ લડી રહ્યા હતા પોતાની સાથે જ!!

પોતે જ સારથી હતા અને પોતે જ પાર્થ હતા…

નાહી-ધોઈ દરરોજ અડધો કલાક પ્રભુ ભક્તિ કરવી એ હરિભાઇનો નિત્ય ક્રમ હતો. પરંતુ ભક્તિ પ્રત્યેની આસક્તિમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો હતો… ઉંમર વધે એમ સામાન્યતઃ ભક્તિ વધે…. પણ અહીં ઊલટો ક્રમ બની રહ્યો હતો….એવું નહોતું કે એમને પ્રભુમાં શ્રદ્ધા નહોતી…પ્રભુમાં એમને અખૂટ શ્રદ્ધા હતી…વિશ્વાસ હતો… પ્રાર્થના તો જીવનનું અમૃત છે એવું એઓ માનતા હતા…અન્યથા શરણમ્ નાસ્તિ…ત્વમેકમ્ શરણમ્ મમ….એમના જીભના ટેરવે રમતું રહેતું…રામનું નામ એમના હૈયે ને હોઠે રહેતું…પણ લાગતું હતું કે એ નામ પણ હવે કોઈ કામ આપતું નહોતું… આરામ આપતું નહોતું…

એક સામાન્ય ક્લાર્ક તરીકે ઇન્કમ ટેક્ષ  વિભાગમાં હરિભાઇએ નોકરીની શરૂઆત કરી હતી. મેટ્રિક પાસ થયા બાદ નાની-મોટી નોકરી કરતાં કરતાં ઇન્કમ ટેક્ષ ખાતાનું ઇંટરવ્યુ આવ્યું હતું અને આજે એઓ ઇન્ક્મટેક્ષ ઑફિસરનો માતબર હોદ્દો શોભાવતા હતા..હરિભાઇ પોતાની નોકરી, પોતાના હોદ્દા વિશે વાત કરતાં અચકાતા…! ક્ષોભ અનુભવતા હતા.!!

હોદ્દાનો એક રુતબો હતો…. માન હતું પણ હરિભાઇને એ હોદ્દો હવે એક બાણશય્યા સમાન લાગતો હતો… હરિભાઇના ક્ષોભ અંગે આપે એવું ધારી લીધું ને કે હરિભાઇને ઉપરની બે નંબરી આવકને કારણે ક્ષોભ થતો હશે…!!

– ના….એવું હરગિજ નથી… હા, આપની આ ધારણા સાવ ખોટી છે….!!!

પરંતુ, એમનો એક દોષ અવશ્ય હતો….એઓ એક નખશિખ પ્રમાણિક સંનિષ્ઠ અને ચોખ્ખા કર્મચારી હતા..!!! અને આજના આ કળિયુગમાં એ જ એમનો સૌથી મોટો અવગુણ હતો… સહકર્મચારીઓ એમને ઘાસની ગંજી પર બેઠેલ શ્વાન કહેતાં: પોતે તો ખાતો નથી અને બીજાને પણ ખાવા નથી દેતો….!! પરતું હરિભાઇને કોઈની પડી નહોતી… ઑનેસ્ટી જ એમની બેસ્ટ પોલિસી હતી…!!!

– શું આપ્યું હતું પ્રમાણિકતાએ?!

વિષ્ણુ સહસ્ર નામાવલિનું રટણ કરતા કરતા એમના વિચારો અટકતા નહોતા.

– કેટકેટલી બદલીઓ થઈ ગઈ ?? અરે !! મળવાપાત્ર પ્રમોશન પણ કેટલું મોડું મળ્યું હતું!! કોઈ પણ કારણ વિના ફક્ત કરચોર વેપારીઓ, બિલ્ડરો, ચાર્ટડ-એકાઉન્ટન્ટ અને ટેક્ષ કન્સલ્ટટન્ટની ખોટી ચઢાવણીને કારણે લાંચિયા ઊપરી અધિકારીઓએ એમના સી. આર રિપોર્ટ બગાડ્યા હતા.

– અરે!! પેલા ઇન્કમ ટેક્ષ કમિશનર અડવાણીએ તો એમની સામે ખાતાકીય તપાસનો મોરચો પણ માંડ્યો હતો!! પરંતુ, પોતે શુદ્ધ હતા!! સો ટચના સોનાની માફક એઓ ઉજ્જ્વળ બનીને બહાર નીકળ્યા હતા…કોઈ દાગ લાગ્યો નહોતો એમના દામન પર…!!

પરંતુ, હવે એ ખુદની જ કસોટીમાંથી ઊણા ઊતરી રહ્યા હતા….! નિષ્ફળ જઈ રહ્યા હતા…!! હારી રહ્યા હતા….!!

રિટાયર થવાને હવે ચાર-પાંચ જ વરસ બાકી રહ્યા હતા…

– આટલા વરસની નોકરી બાદ શું હતું એમની પાસે. ??

– ન પોતાનું ઘર…! ન તગડું બેંક બેલંસ… !!

– અરે!! પ્રોવિડંડ ફંડમાં પણ ઉપાડને કારણે તળિયું આવી ગયું હતું….!!!

– જ્યારે એમના સહ કર્મચારીઓ કેવા તાગડ-ધિન્ના કરતા હતા….!!?

– પેલો ત્રિવેદી..?! એમનાંથી પાંચ-છ વરસ જુનિયર…છતાં શહેરમાં બે બે તો ફ્લેટ..!! જમીનના બેનામી પ્લૉટ….ભાઇના નામે કાર રાખી પોતે ફેરવે… અને સ્કુટરોની તો લંગાર….!!

– કેવી રીતે…? કેવી રીતે…??  લોકો કેવી રીતે લાંચ લેતા હશે….?? એમના આત્માને કંઈ દુઃખ ન થતું હોય…?!

– ત્રિવેદી કહેતોઃ હરિલાલ, કદી માંગવું નથી પડ્યું….!! ફક્ત ના નહિ પાડવાની….ના પાડતા શીખવું નહિ…નન્નો ન ભણવાનો….!! અને લક્ષ્મી માતા ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ચોખ્ખું રાખવાનું….સાફ રાખવાનું….!!

– શું છે આપણી ઘરે..?? એમના પુત્ર મનુના શબ્દો એમના કાનમાં ગુંજ્યા રાખતા…

– મનુનો પણ શો દોષ…?

– પિતાજીએ જો ધાર્યું હોત તો આજે આપણી ઘરે બધું જ હોત…!! પ્રમાણિક હોવું કંઈ ખોટું નથી. પણ પ્રમાણિકતાનું આવું ખોટું વળગણ…?? પ્રમાણિકતાની જળો જાણે કુટુંબને ચૂસી રહી હતી…મનુ હંમેશ એની માતા શાતાંબેન પાસે પિતાજીની ફરિયાદ કર્યા રાખતો એની હરિભાઇને જાણ હતી.

– મોટી પુત્રી મધુના લગ્ન પ્રસંગે કેવી ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ હતી…?!

ભૂતકાળની ગર્તામાં ડૂબી રહ્યા હતા હરિભાઇ…

પ્રોવિડન્ડના પૈસા આવતા ખાસો સમય નીકળી ગયો હતો…લગ્નની તિથિ નજીક આવી રહી હતી… મધુને કન્યાદાનમાં આપવા માટેના ઘરેણાં તો પત્નીના જુના ઘરેણા તોડાવી બનાવ્યા…. પણ બીજા ખર્ચનું શું….??

પ્રોવિડન્ડના પૈસા પોતાના જ હતા…પોતાની કપાત હતી તે પણ લેવા માટે કેટલા ધમપછાડા કરવા પડ્યા….!! એ તો વેવાઇ ઘણા જ સારા હતા, સમજુ હતા… એમણે પચાસ હજાર રૂપિયા આપ્યા અને પ્રસંગ સુખરૂપ પત્યો…પ્રોવિડન્ડના પૈસા આવી જતા વેવાઇને પૈસા પરત કર્યા હતા…

હરિભાઇ માનતા હતા પ્રભુ મદદ પહોંચતી કરે જ છે…. જે રીતે નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી એમ પ્રભુ પોતાના ભક્તોને વહારે ધાય છે…પરતું,  હવે એઓ પ્રભુની મદદની ચાતક નજરે રાહ જોઇ રહ્યા હતા… એમની હૂંડી કોણ સ્વીકારશે? મોટો પ્રશ્ન હતો એમનો…એમનો એકનો એક પુત્ર મનુ છેલ્લા  બે વરસથી સાવ બેકાર બેઠો હતો… સાયકોલોજી સાથે એમ.એ. થયો હતો એ…!! નોકરીઓ માટે કેટકેટલીઓ અરજીઓ કરી હતી એણે….?! કેટલાંય ઇન્ટર્વ્યૂ આપ્યા હતા… પણ એની નોકરીનું કંઈ ઠેકાણું પડતું ન હતું…હરિભાઇ ફક્ત એક ઇશારો કરે તો તુરંત ક્યાંક ને ક્યાંક નોકરી મળી જ જાય….પણ હરિભાઇને ઇશારો કરતાં ક્યાં આવડતું હતું….??

હરિભાઇ ખુદને પણ થતું હતું કે એમણે કંઈ કરવું જોઇએ મનુ માટે….!! મનુ પણ ખૂબ જ નિરાશ થઈ ગયો હતો.. ઘરે પણ એ અનિયમિત આવતો…આખો દિવસ ક્યાંક કોઈ મિત્રોને ત્યાં રહેતો… અને મોડી સાંજે તો ક્યારેક રાત્રે મોડો ઘરે આવતો.. ‘છોડી દો તમારા ખોટા નીતિ-નિયમો…’ મનુની બાએ એમને કહ્યું, ‘અરે…મનુની ઊંમરે તો તમે એક છોકરીના બાપ બની ગયા હતા..!! હવે મનુને ઠેકાણે પાડવો પડશે..એને નોકરીએ લગાડવો પડશે….’

‘હં….’ હરિભાઇએ ધીમેથી ઊંહકારો ભણ્યો., ‘પણ હું શું કરું…?’

‘તમે કોઈને કહી શકો… કેટ કેટલી ઓળખાણ છે તમારી…!! બધા જ કહે છે કે વાંક તમારો જ છે…!! અને આમાં ક્યાં કોઈની પાસે પૈસા લેવાના છે…?! ફક્ત વાત જ કરવાની છે….મનુની નોકરી માટે….!!’

‘પૈસાનો સવાલ નથી….’ હરિભાઇએ ધીમેથી શ્વાસ લઈ કહ્યું, ‘આજ સુધી……….!’

હરિભાઇની વાત વચ્ચેથી તોડી લેતા મનુની બાએ ક્રોધિત થતાં કહ્યું… ‘આજ સુધી….!!આજ સુધી…!!’ નિઃશ્વાસ નાંખી એ બોલી, ‘શું થયું આજ સુધી…?? અરે…!! પ્રમાણિકતાનું પૂંછડું પકડી તમે વૈતરણી તો તરી જશો…પણ સંસારમાં ડૂબી જ જશો….!! જીવતે જીવ ડૂબી જ જશો એનો કેમ ખ્યાલ નથી આવતો તમને….? તમારે ગમે તેમ કરીને મનુને ઠેકાણે પાડવો પડશે….એક જ તો છોકરો છે આપણો…આપણે એના માટે ઘર તો નથી મૂકી જવાના…ક્વાર્ટર તો નોકરી છે ત્યાં સુધી… !!પછી શું…?? ક્યાં રહીશું આપણે…?? ક્યાં રહેશે એ…?? કદી વિચાર કર્યો છે તમે..?? ને હવે તમને રિટાયર થવાને વાર પણ ક્યાં છે….?! દિવસો તો પાણીની માફક વહી રહ્યા છે….હવે હાથ પર હાથ ધર્યે બેસી રહેશો તો રસ્તે રઝળવાનો વારો આવશે….હું તો આગળ વિચારી પણ નથી શકતી….!’

રાત્રે મનુનો વિચાર કરતાં કરતાં, મનુની બાનો વિચાર કરતાં કરતાં હરિભાઇને ઊંઘ ન આવી..આમે ય ઊંઘ પ્રવાસી પક્ષીઓની માફક કોઈ દૂર દેશ ઉડી ગઈ હતી….

ઘડિયાળમાં મધરાતના બેના ટકોરા પડ્યા…પલંગ નીચે મૂકેલ તાંબાના લોટામાંથી હરિભાઇએ બે ઘૂંટ પાણી પીધું… શરીરમાં જરા અસુખ જેવું લાગતું હતું…પરસેવે શરીર તરબોળ થઈ ગયું….એઓ ગાયત્રી મંત્ર બોલવા લાગ્યા….ઓ..મ ભુર્ભવઃ સ્વઃ…….

– કેમ આજે આમ થાય છે…..?? મંત્ર મ્હોંએથી યંત્રવત રટાતો હતો…. પણ મન કંઈક જુદું જ વિચારતું હતું…

– કેમ આજે આમ થાય છે ??  મનુને કઈ રીતે ઠેકાણે પાડવો એની ચિંત્તા વીસરી હરિભાઇ પોતાની તબિયત વિશે વિચારવા લાગ્યા… છાતીમાં સણકા મારી રહ્યા હતા.. જાણે હ્રદય નિચોવાઈ રહ્યું હતું…

– મનુની બાને જગાડુ…?!

એમણે મનુની બા તરફ નજર કરી..

– ના, એની ઊંઘ શા માટે અમસ્તી બગાડવી…!?

– ઓ ઓ ઓ….હ…..!!! હરિભાઇએ પથારીમાંથી ઉભા થવાની કોશિશ કરી…પણ પીડાથી ઊંહકારો નીકળી ગયો…

– આ તો આમ જ મરી જવાશે…

એમને મોતનો વિચાર એક વાર આવી ગયો…

– ઓ ઓ  ઓ હ…….!! મારા મનુનું શું થશે….?

હરિભાઇ કોકડું વળી ગયા…. કપડાં પરસેવે રેબઝેબ થઈ ગયા….

– શું આ એટૅક તો નથી….હાર્ટ એટૅક …!!

– તો……!!??

– હરે….એ…..એ!!  રા આ આ આ …..મ…..!!

છેક મળસ્કે હરિભાઇની આંખ મળી. સવારે છના ટકોરે ઊઠી જનારા હરિભાઇને શાંતાબેને સાત વાગ્યે ઉઠાડ્યા, ‘કેમ આજે કંઈ બહુ ઊંઘ્યા….!!’

– ઓ……ઓ……હ….હરિભાઇને રાતની પીડા યાદ આવી. શરીર કળતું હોય એમ લાગ્યું…એ હળવેક થી બોલ્યા, ‘રાત્રે ઊંઘ મોડેથી આવી હતી….!!’

‘આજે મનુનો શિક્ષકનો ઇન્ટર્વ્યૂ છે….!’ મનુની બાએ હરિભાઇને ચાનો કપ આપતા કહ્યું, ‘મનુ તો હજુ ઊંઘે છે. ઇન્ટર્વ્યૂ આપવા જવાની પણ એ તો ના પાડે છે. એ પણ શું કરે…!!’

‘હં….!’ હરિભાઇએ ચાનો ઘૂંટ ભરતા કહ્યું.

‘સ્કૂલના શિક્ષકનું તો એ ભણ્યો પણ નથી…કહેતો હતો કે બી એડ થયેલ હોય તો પણ નોકરી માટે બે-અઢી લાખ રૂપિયા તો ઉપરથી આપવા પડે સ્કૂલના ટ્રસ્ટીઓને….!!ને શિક્ષણ અધિકારીને ખવડાવવા પડે… !!’

‘જમાનો બહુ ખરાબ છે…’ હરિભાઇએ ચાનો કપ પૂરો કરતા કહ્યું, ‘હું મનુ માટે બહુ જ જલદી કંઈક વ્યવસ્થા કરીશ…એને સમજાવજે…મારી સાથે તો એ વાત પણ ક્યાં વધારે કરે છે…?’

‘બે- અઢી વરસ થઈ ગયા ઘર બેઠાં….! તમે કહ્યા રાખો છો પણ કરતાં કંઈ નથી….એ તો કહેતો છે કે એના કરતા તો ભણ્યો જ ન હોત તો સારું…!! કૈંક રિક્ષા કે એવું ચલાવીને કમાણી તો કરી શકતે…’

હરિભાઇ મૌન જ રહ્યા…શરીર કળતું હતું…બેચેની લાગતી હતી…

– રાતના એટૅકની વાત મનુની બાને કરૂં કે ન કરૂં…હરિભાઇ અવઢવમાં જ રહ્યા…

સ્નાનાદિથી પરવારી હરિભાઇ પ્રાર્થના માટે બેઠાઃ વસુદેવ સુતમ્ દેવમ્………

*       *       *       *       *       *       *       *

દિવસો તો પાણીના પ્રવાહની જેમ પસાર થયા…મનુની બેકારી કાયમ રહી ને હરિભાઇની બેચેની વધતી જતી હતી…

– એમનો સ્વભાવ એઓ કેમ બદલી શકે….!! આટલા વરસોથી પાળી  રહેલ પોતાના વ્રતને તે એ કેમ કરીને તોડે….?

એમાં એમની તબિયત અચાનક ઑફિસમાં હતાને જ બગડી…! પોતાની પીડા એ લાખ કોશિશ કરવા છતાં ય છુપાવી ન શક્યા. સહકર્મચારીઓ ઑફિસની જીપમાં જ એમના કહેવાથી એમને ઘરે ઉતારી ગયા..

‘શું થયું….??’ શાતાંબેન ચિંતામાં પડી ગયા.

‘કંઈ નથી થયું…!!’ હરિભાઇ માંડ બોલ્યા, ‘તું જરા મસાલાવાળી ચા બનાવ… ! આ તો રાત્રે બરાબર ઊંઘ નથી આવતી એટલે…!!’ હરિભાઇએ વાત ઉડાવી પથારીમાં પડતું મૂક્યું…

પીડાથી હરિભાઇ તૂટી રહ્યા હતા… પણ મનમાં તો આનંદ છવાયો હતોઃ હવે તો મોત આવે તો  સારૂં !!! મંગલ મંદિર ખોલો …દયામય… મંગલ મંદિર ખોલો…!!!! હવે અંતિમ પ્રવાસની તૈયારી થઈ ચુકી છે….!!

‘સાંભળો છો….?’ ચાનો કપ અને બામની બાટલી લઈ શાંતાબેન પલંગ પર બેઠાં, ‘લો, ચા પી લો…પછી બામ લગાવી આપું… કોણ જાણે મનુ પણ સવારનો ક્યાં ગયો છે…!? દાકતરને બોલાવી…….’

‘ના….ના….. એવું કંઈ જરૂરી નથી…’ હરિભાઇ પીડા દબાવી બોલ્યા…રકાબીમાં ઠારેલ ચા પીતા ન ફાવતા સીધી કપમાંથી જ ચા પીવી પડી…સ્વગતઃ બબડ્યા…દાક્તર આવશે ને નકામી દવાઓ આપશે ને આ જિંદગીનો ભાર વધારશે…. આ જિંદગી હવે વ્યર્થ લંબાવવી નથી….!! એમણે ગમે તેમ કરી શાંતાબેનને દાક્તર ન બોલાવવા માટે મનાવી લીધા…

તબિયત વધુ બગડવા છતાં હરિભાઇને અંદર અંદર આનંદ થતો હતો…શરીર કળતું હતું પણ મનડું મરકતું હતું…મૃત્યુ તો મહાપર્વ છે … એક સનાતન યાત્રા…જન્મથી શરૂ કરેલ દરેક પ્રવાસ મૃત્યુની સમીપે જઈને પૂર્ણતાને પામે. છે…. કેટલું જીવ્યા એ અગત્યનું ક્યાં છે….?? કેવું જીવ્યા એ અગત્યનું છે….!! અને પોતે પોતાની રીતે જીવ્યા…પ્રમાણિકતાના માર્ગે ચાલ્યા.. આ પ્રવાસ  કેડી એમણે પોતે કંડારી હતી…!! ઘણું જીવી લીધું પોતાની રીતે…!! હવે ભલે આવતું મૃત્યુ….!!

‘જો બેટા…’ એક સાંજે નોકરી પરથી ઘરે આવ્યા બાદ હરિભાઇએ મનુને પોતાની પાસે બેસાડ્યો, ‘તારા માટે હું વ્યવસ્થા કરી રહ્યો છું કોઈ સારી નોકરી માટે…!! થોડાં દિવસોમાં જ ખબર પડી જશે…! તને મારા સ્વભાવની તો ખબર છે….એ કારણે આપણે અને ખાસ કરીને તારે ઘણું સહન કરવું પડ્યું… પણ જો દીકરા, પૈસા-સંપત્તિ એ કંઈ બધું જ નથી ..સર્વસ્વ નથી…! અને તારા માટે હું કંઈ વધારે મૂકી પણ નથી જવાનો….’ હરિભાઇની આંખ ભરાઈ આવી અને એમનો અવાજ ભીનો થઈ ગયો…એ કંઈ વધુ બોલી ન શક્યા…

મનુ વિચારતો થઈ ગયો… પિતાજીને થતું દુઃખ સમજી ન શકે એટલો એ નાદાન ન હતો…

પિતાજીની તબિયતની એને પણ ચિંતા થતી હતી…બાએ પણ એને એ માટે વાત કરી હતી… પિતાશ્રીને કોઈ સારા દાક્તરને બતાવવાનું એણે નક્કી કર્યું: પિતાજી આ રીતે તો કદી વાત કરતા નહોતા….

શહેરના સારામાં સારા ગણાતા ડો. દેસાઈની મનુએ એપોઇંટમેંટ નક્કી કરી અને જીદ કરીને એ હરિભાઇને એમને ત્યાં લઈ ગયો. ડો દેસાઈ પણ હરિભાઇને ઓળખતા હતા. એમણે હરિભાઇને બરાબર તપાસ્યા. બ્લડ યુરિન…કાર્ડિયોગ્રામ… બ્લડ પ્રેશર…કૉલોસ્ટીરોલ…!!!

‘નથિંગ ટુ વરી….!’ રિપોર્ટ તપાસી ડૉક્ટર બોલ્યા, ‘એવ્રિથીંગ ઇસ ઓલરાઇટ એન્ડ પરફેક્ટ!! યુ આર એબસોલ્યુટલી નૉર્મલ… હિમોગ્લોબિન સહેજ બોર્ડર પર છે…બટ ઇટ ઇસ નોટ એ કોઝ….! તમને કોઈ વાંધો નથી…. એંજોય યૌર સેલ્ફ… ખાઓ પીઓ ને ખુશ રહો..!!’ હસતા હસતા ડો દેસાઈએ હરિભાઇને કહ્યું.

તો પછી પેલો દુખાવો…!! પણ હરિભાઇ કંઈ બોલી ન શક્યા…

‘પણ ડૉક્ટર…!’ મનુથી ન રહેવાયું, ‘પિતાજીને એકવાર બહુ ગભરાટ થઈ આવ્યો હતો…!! ઓફિસે જ છાતીમાં દુઃખી આવ્યું હતું…ગભરાટ થઈ આવ્યો હતો…!!’

‘તે કદાચ ગેસ્ટ્રીક પેઇન હશે…કોઈ વાર ગેસને કારણે એવું જ પેઇન થાય…કદાચ, મસ્ક્યુલર પેઇન પણ હોઈ શકે …કોઈ વજન ઊંચકી લીધું હોય ને મસલ્સ ખેંચાય ગયેલ હોય ત્યારે ખબર ન પડે પણ પાછળથી ક્યારેક અચાનક દુખાવો થાય…એમનો ઇસીજી…ઇકેજી નૉર્મલ છે…હાર્ટ ઇસ પરફેક્ટ….! બીપી નૉર્મલ છે….માટે ચિંતા કરવા જેવું કંઈ નથી…આ થોડી દવા લખી આપું છું…ખાસ તો વિટામિન જ છે… ફેરસની ટેબલેટસ્ છે….ને બી કોમ્પલેક્ષ છે….અને એક ડાયજેસ્ટિવ છે… આમ જોવા જાવ તો એની પણ ખાસ જરૂર તો નથી પણ યુ સી…!! અમે રહ્યા ડૉક્ટર એટલે કંઈક તો લખી જ આપવું પડે…!!’ પ્રિસ્કિપ્સન લખતા લખતા ડો. દેસાઈ હસીને બોલ્યા, ‘નહિતર પછી ડૉક્ટરની વેલ્યૂ શી રહે…સમજી ગયાને તમો…?!’

‘હું તને કહેતો ન હતો…?!’ હસવાનો અભિનય કરતા હરિભાઇએ મનુને કહ્યું, ‘મને નખમાંય રોગ નથી…!’

પરંતુ, એઓ અંદર અંદર સહમી ગયા…સળગી રહેલા રૂની માફક એ અંદર અંદર સળગી ઊઠ્યા…એમને કોઈ જ રોગ ન હોવાને કારણે આનંદ થવાને બદલે દુઃખના દાવાનળમાં સળગી રહ્યા હરિભાઇ…!!

– ઓ ઓ હ…!! આ શું કરવા બેઠો છે તું ઓ.. પ્રભુ….!!

હરિભાઇ કંઈ સમજી શકતા ન હતા..

બહુ ઊંચે ઊંચે ઊડતા હતા અ….ને ડો. દેસાઇએ એમના નિદાન મારફતે એમને ભોંય ભેગાં પટકી દીધા….!!

– કેટલુંય વિચારી દીધું હતું એમણે….?!

– પોતે પ્રભુને પ્યારા થઈ જશે…ચાલુ નોકરીએ મરણ થાય તો ખાતાના નિયમાનુસાર મનુને ઇન્કમ ટેક્ષ  ડિપાર્ટમેંટમાં જ નોકરી મળી જાય….!!

– મનુની બેકારી ટળે અને પોતાનું જીવ્યું ફળે….પણ…

– ઓહ પ્રભુ….!! તું પણ ખરો છે….!!!

– હાય રે…..નસીબ….!! ન માંગે દોડતું આવે…ન વિશ્વાસે કદી રહેજે….!!

*       *       *       *       *       *       *       *

‘જો…તોઓ….ઓ…. મનુ…!’ મનુની બા શાંતાબેને મનુને ઊઠાડ્યો, ‘તારા પિતાજીને કંઈ થયું કે શું….!!! કેટલુંય ઊઠાડ્યા પણ જોને…. !!’

મનુ ઝબકીને જાગી ગયો…બાના અવાજની કંપારી મનુને પણ ધ્રુજાવી ગઈ…

એ ઝડપથી પિતાજીની પથારી પાસે ગયો…એમને ઢંઢોળ્યા…જગાડ્યા….બૂમો પાડી…પણ પિતાજીનું નિશ્ચેત શરીર તે કંઈ જવાબ આપે…?!

મોટેથી પોક મુકાઈ ગઈ મનુથી, ‘પિ…તા….આ……આ    જી……..!!!’

હરિભાઇ હરિના મારગે ચાલી નીકળ્યા હતા..ફેમિલી ડૉક્ટરને બોલાવ્યા: કંઈ નથી….હાર્ટ બેસી ગયું હોય એમ લાગે….!! ક્યારેક ઊંઘમાં જ એવું થાય…..!!!

સગા-વહાલા, સ્ટાફ મિત્રો, વેપારીઓ..ચાટર્ડ એકાઉન્ટન્ટ….ટેક્ષ કન્સલટન્ટ સ્મશાનયાત્રા… સહાનુભૂતિના શબ્દો….ક્રિયાકર્મ….બારમું-તેરમું…બેસણું… મનુએ ભારે હૈયે  બધું પતાવ્યું…

‘જો મનુ….! તારા ફાધર ઇન્કમ ટેક્ષ  ડિપાર્ટમેંટમાં એક પ્રમાણિક સંનિષ્ઠ એમ્પ્લોઇ હતા…’હરિભાઇના ઊપરી અધિકારી પુરોહિત સાહેબ એમના સાથી કર્મચારીઓ સાથે ખરખરે આવ્યા હતા, ‘આજના કળિયુગમાં એમના જેવા ઑનેસ્ટ રહેવું એ પાણીમાં ડૂબકી મારી કોરા રહેવા જેવું કામ હતું…પણ એ કોરા જ રહ્યા..!! એઓ અજોડ હતા….!! બેજોડ હતા….!!’ પુરોહિત સાહેબે હરિભાઇના વખાણ કરતાં કહ્યું, ‘એમના આમ અચાનક ચાલ્યા જવાથી તમારા કુટુંબ પર પણ મુશ્કેલીઓ આવી પડી…તારી પાસે પણ કંઈ કામ નથી…અમારી સિમ્પથી તમારી સાથે જ છે…જો, આ અમારા યુનિયનનો શોકદર્શક ઠરાવ છે… અને આ અમારા ડિપાર્ટમેંટમાં તારી જોબ માટેની એપ્લિકેશન છે….’ પુરોહિત સાહેબે ટાઇપ કરેલ ત્રણ કાગળો ફાઈલમાંથી કાઢી મનુને આપ્યા, ‘અહીં તારી સિગ્નેચર કર….!! નિયમ મુજબ અને યુનિયનની સાથે થયેલ સમજૂતી પ્રમાણે તને અમારા ડિપાર્ટમેંટમાં જોબ મળી જવી જોઇએ….આઇ વિલ ટ્રાય માય બેસ્ટ ફોર યુ…’

અ….ને  સ્વર્ગસ્થ પિતાની પચ્ચીસ વરસની સંનિષ્ઠ સેવાને ધ્યાનમાં લઈ નિયમાનુસાર ઇન્ટર્વ્યૂમાં સફળ થવાની શરતે મનુને ઇન્કમ ટેક્ષ  ડિપાર્ટમેંટમાં નોકરી મળી ગઈ…

દિવસો પસાર થતાં દુઃખ નામક ઝેરી રસાયણની સાંદ્રતા ઓછી થતી જાય છે… ઘટતી જાય છે… ઇન્ટર્વ્યૂમાં મનુ સફળ થઈ ગયો…પુરોહિત સાહેબની સહાનુભૂતિ પણ કામ આવી..ને મનુ કાયમી બની ગયો ઇન્કમ ટેક્ષ  ડિપાર્ટમેંટમાં… ફાઇલોના ઢગલામાં ઘેરાયો….

‘અરે…!! મનુભાઇ…!!’ રોયલ કેમિસ્ટનો સેલ્સમેન એમના ઇન્કમ ટેક્ષના કામે ઓફિસે આવ્યો હતો… ‘કેમ છો…!!? તમે તો હરિભાઇ સાહેબના છોકરાને….??’

‘હા….!!’ ફાઇલોના કાગળોમાંથી નજર હટાવી મનુએ એના તરફ નજર કરી….

‘બહુ જ સારા હતા હરિભાઇ…!! એમના જેવા ઓફિસર કોઈ ન મળે આજના જમાનામાં…!! હંમેશ સાચ્ચી જ સલાહ આપતા…અમારા શેઠ મહેશભાઇનો ગૂંચવાયેલ ગયેલ કેસ એમણે જ ઊકેલ્યો હતો…એમને તો હાઈ બીપી હતુંને….??!!’

‘ના…!!’ મનુએ સાશ્ચર્ય પૂછ્યું, ‘કેમ પૂછવું પડ્યું…?’

‘એ…તો એમણે અમારા મેડિકલ સ્ટોર પરથી છએક મહિના પહેલાં હાઈ બીપી માટે ગોળીઓ લીધી હતી…! એ તો પ્રિસ્કિપ્શન પણ ભૂલી ગયેલ…અરે…!! દવાનું નામ પણ એમને ખાસ યાદ નહોતું…મેં જ એમને ગોળીઓ આપેલ એટલે બરાબર યાદ રહી ગયું છે મને…!!’

‘એ…એ…એ………મ…!’  મનુના આશ્ચર્યનો ગુણાકાર થતો હતો, ‘પિતાજીએ કદાચ…કોઈ બીજા માટે……..!!’

‘બની શકે….પણ બિલ તો એમણે એમના નામનું જ બનાવેલ…!! રસીદ મેં જ ફાડેલ….! મહેશભાઇએ તો એના પૈસા લેવા ચોખ્ખી ના જ પાડેલ…પણ હરિભાઇ એમ શાના માને…? નવ પત્તા લીધેલ….મેં દશ આપવા કહેલ તો એમણે ના કહેલ… ત્રણ મહિના ચાલે એટલી ગોળીઓ લીધી હતી…તમારી ઘરે કદાચ બચી પણ હશે….!!’

વિચારતો થઈ ગયો મનુ….

– હાઈ બ્લડ પ્રેસર ….??!! પિતાજીને….હાઈ બીપી….??!!

– ડો. દેસાઈએ તો છાતી ઠોકીને કહ્યું હતું: કંઈ નથી….

– તો પછી દવા…હાઈ બી….પીની…?? ત્રણ મહિના ચાલે એટલી….એવું હોય તો બા તો વાત કરેજને…?? પિતાજી બાને તો દરેક વાત કરે જ…..ને બાએ મને તો એ વાત કરી જ હોય….

– હાઈ બીપી…..!!

– હાઈ બીપી…. હાઈ બ્લડ પ્રેસર મટાડવાની દવા….!!

– એ દવા પ્રેશર ઓછું કરે….બ્લડ પ્રેસર ઘટાડે…પ્રેસર લો કરે….!!

– ત્રણેક મહિના ચાલે એટલી ગોળીઓ….નવ પત્તા…નેવું ગોળીઓ….!!

– સારો માણસ આટલી ગોળીઓ એક સામટી ગળે…તો બ્લડ પ્રેસર એકદમ લો થઈ જાય…ઓછું થઈ જાય….ઘટી જાય…અને હાર્ટ બેસી જાય….!! કોઈને કંઈ ખબરે ય ન પડે…!! કંઈક સમીકરણો મંડાતા હતા મનુના મનમાં ને આપોઆપ ઉકેલાતા હતા….

– ઓહ…..!! તો પિતાજીએ..

સમજી ગયો મનુ….પિતાજીએ કહ્યું હતું: હું તારા માટે કંઈક વ્યવસ્થા કરૂં છું….

– આવી વ્યવસ્થા કરી તમે મારે…. માટે…..??

– ઓ………હ………..!! પિ…..તા……..જી…..!!!!

મનુની આંખ આસુંઓથી છલકાય ગઈ…..પિતાજીનો પ્રેમાળ ચહેરો મનદર્પણ પર પ્રતિબિંબિત થઈ ગયો…..ડૂસકે ડૂસકે રડ્યો છે મનુ….હજુ સુધી રડતો જ રહ્યો છે… રડતો જ રહ્યો છે…. રડતો જ રહ્યો છે…. રડતો જ રહ્યો છે…..

(સમાપ્ત)

(કુલ શબ્દોઃ ૨૮૧૨)

_______________________________________________________________________________________________________________________________________________

(“પિતૃકૃપા” વાર્તાના પીડીએફ ફોરમેટ માટે
અહિં ક્લિક કરો.
આપના કમ્પ્યુટર પર સાચવો. પ્રિન્ટ કરો. મિત્રોને ભેટ આપો.)