તૃષ્ણાએ એની નવી કાર ‘ડિઝાયર’નું ગિયર બદલ્યું. ‘ડિઝાયર’ આવ્યાને ત્રણ જ દિવસ થયા હતા. તિમિરનો આગ્રહ હતો કે તૃષ્ણાએ હવે ‘ડિઝાયર’માં જ ફરવું. તિમિરને તો એની જુની ‘ઝેન’ જ અનૂકુળ આવતી.
તૃષ્ણાનો નિત્યક્રમ હતો સાંજે પાર્થ રિસોર્ટના સ્વિમીંગપુલમાં અડધો-પોણો કલાક સ્વિમીંગ કરવું. અને પછી રમીની થોડી બાજી કે ટેનિસના સેટ રમવા.
નવસારીના દુધિયા તળાવના વળાંક પાસે તૃષ્ણાએ કાર ધીમી કરી. આમેય આજકાલ ટ્રાફિક ઘણો જ વધી ગયો હતો. બહુ સાચવીને ડ્રાઇવિંગ કરવું પડતું હતું. વિંડસ્ક્રિનમાંથી એની નજર દુધિયા તળાવની પાળ પર કતારબંધ ગોઠવેલ નયનરમ્ય મૂર્તિઓ પર પડી. માટીમાંથી બનાવેલ જાતજાતની આકર્ષક મૂર્તિઓ પાળ પર ગોઠવેલ હતી.
-ગઈકાલે તો અહિં કંઈ ન્હોતું…. વિચારી તૃષ્ણાએ કારને પાળની સહેજ નજીક લીધી, ઊભી રાખી, બારીનો કાચ ઉતારી કારમાંથી જ મૂર્તિઓ નિહાળવા લાગી. ચોમાસામાં પડેલ સારા વરસાદને કારણે તળાવ છલકાય રહ્યું હતું. પવનને કારણે એની જળરાશિમાં ધીમી ધીમી લહેરો ઊઠતી હતી અને શમી જતી હતી. તૃષ્ણાના મનની માફક જ સ્તો…! છેલ્લા કેટલાંય સમયથી એનું ડહોળાઈ ગયું હતું. એક ટીસ ઊઠતી હતી મનમાં…એક ડિઝાયર…!! ગાડી શરૂ કરતા એનાથી મ્લાન હસાય ગયું…
-ડિઝાયર એટલે શું….?! ‘ડિઝાયર’ તો એના હાથમાં હતી…!!
-ના…!! એ તો એક રમકડું હતી એની કાર…!!
-એની ડિઝાયર તો અલગ હતી…
-એક અભિલાષા હતી કે જે એ કદી ય પુરી થવાની ન્હોતી…એક અમર મનીષા…!! જે એ કદી ય પુરી શકવાની ન્હોતી…!! એક વાંછના જે અધૂરી રહેવા માટે જ સર્જાઈ હતી…!!
-ઓહ…! શા માટે મારે આમ વિચારવું જોઈએ…?! એક મોટરસાયક્લ સવારને બચાવતા એણે હોર્ન માર્યોઃ લોકોમાં ટ્રાફિક સેન્સ ક્યારે આવશે…?! એના વિચારનો પણ ગિયર બદલાયો…
-તૃષ્ણા…! તૃષ્ણા શાહ…! ચારેક વરસના મનોહર પ્રણય બાદ એનો અને તિમિરનો સુનહરો સંબંધ પ્રેમલગ્નમાં પરાવર્તિત થયો હતો. તિમિર અને એ કોમર્સ કૉલેજમાં સાથે ભણતા હતા. તિમિર સ્કોલર હતો. ભણવામાં સદા અગ્રેસર…! જ્યારે તૃષ્ણા અભ્યાસમાં ઠીક ઠીક પણ ઇતર પ્રવૃત્તિ… વક્તૃત્વ…અભિનય…સામાજિક સેવાકાર્યોમાં સદા અગ્રેસર…!! તિમિરનું ધ્યેય હતું ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવાનું અને આજે એ હતો દક્ષિણ ગુજરાતમાં એક અવ્વલ નંબરનો ચાર્ટડ એકાઉન્ટન્ટ. ધીકતી પ્રૅક્ટિસ હતી. લાખોની આવક હતી. લગ્ન થયા પછીના ચારેક વરસ તો ચાર પળની માફક સરકી ગયા હતા. પરંતુ, પછીથી એક એક પળ જાણે એક યુગ બની સમાન બની હતી….બનતી રહી હતી…!
-તૃષ્ણા…! એક તરસ…!!
તૃષ્ણાના વિચારો અટકતા ન્હોતા.
-શું નામ પાડ્યું ફોઈબાએ….?! તૃષ્ણા…!! એને એનું નામ બહુ જ ગમતું… પસંદ હતું…
-પણ હવે..?!
-એક તરસનો દરિયો તરીને જીવન પાર કરવાનું હતું…! એવી તરસ કે જેનો કોઈ ઉપાય ન્હોતો…! એક તરસ ઉછેરીને એ જીવી રહી હતી…! પોતાના માતૃત્વની તરસ…!! સ્ત્રીત્વની તરસ…!!
‘આઈ એમ સોરી…!’ એક ઊંડો શ્વાસ લઈ ડો. કાપડિયા બોલ્યા હતા…ડો કાપડિયા ગાયનોકોલોજીસ્ટ હતા….સ્ત્રીરોગના નિષ્ણાત…!! તૃષ્ણાની માવજત ચાલતી હતી અને એના ટેસ્ટ, અલ્ટ્રાસાઉંડસ્, એમઆરઆઈ, વગેરેના સર્વ રિપોર્ટસ્-રિઝલ્ટસ્ આવી ગયા હતા.
‘આઈ એમ સોરી…’ બોલ્યા પછી ડોક્ટરે જે કંઈ ભારેખમ મેડિકલ ટર્મિનોલોજીમાં વાતો કરી એ શબ્દો જાણે તૃષ્ણાને સંભળાયા જ ન્હોતા….પણ એક વાતની પાક્કી સમજ પડી ગઈ કે એ કદી ય મા બની શકવાની ન્હોતી.
‘પ…ણ ડૉક્ટર…’ તિમિરે દલીલ કરી, ‘મેડિકલ સાયન્સ આટલું આગળ વધી ગયું છે. ઈન વિટ્રો…ટેસ્ટ ટ્યૂબ બેબી…સેરોગેટ્સ મધર કોઈ પણ ટેકનિક તો હશેને…! આમ તે…કંઈ…સા….વ…??’
‘સોરી…તિમિર…! સમટાઈમ સાયન્સ કેન નોટ હેલ્પ..! નો હોપ…! શી કેન નોટ બી એ મધર બાય હરસેલ્ફ…! શી હેસ…’
તૃષ્ણાને બન્ને હાથો વડે કાન ઢાંકી દેવાનું મન થઈ આવ્યું. આંખમાં આંસુનું ઝરણ આવીને જાણે અટકી ગયું. ડૉક્ટરની હાજરીમાં તો એ રડી ન શકી. પણ પછી ક્લિનિક પરથી ઘરે આવતા એ સતત રડતી રહી હતી. તિમિરે એને રડવા દીધી…! ક્યારેક અશ્રુનો જ સહારો કાફી હોય છે દુઃખના દરિયાને તરવા…! અને બસ ત્યારથી હસતા ચહેરે અંદર અંદર એ રડતી રહી હતી…!
તિમિરે ઘણી જ શાંતિ રાખી સમજપુર્વક તૃષ્ણાને સાચવી લીધી. તૃષ્ણાને સંભાળી લીધી. છતાં ય તૃષ્ણા ક્યારેક બેચેન બની જતી. એક અધુરી ઓરત સમજવા લાગતી પોતાને ત્યારે એ ગમગીન બની જતી. હતાશાની એક ગર્તામાં ડૂબકી મારી જતી.
‘ડાર્લિંગ…! એ એક હકીકત છે. એમાં તારો કોઈ દોષ નથી. શું મારો પ્યાર કંઈ ઓછો છે તારા માટે…?? કદી ય નહિ. મારો અને તારો પ્યાર એક શાશ્વત સત્ય છે. જો આપણે રાજી થઈ જે કંઈ છે એ સ્વીકારી લઈશું તો સુખી થશું …! બાળક, આપણું બાળક હોવું જ જોઈએ એવું કોણે કહ્યું…?! હા, હોય તો સારું પણ નથી તો પણ શું થઈ ગયું…?!’ તિમિરે એને સમજાવતો. બહેલાવતો. બન્ને બે સપ્તાહ માટે સ્વિટ્ઝરલેંડના પ્રવાસે ઊપડી ગયા હતા. મૌન રહેતી તૃષ્ણા હસવાનો પ્રયત્ન કરતી પણ દિલ ખોલીને હસી શકતી ન્હોતી.
‘મેં શું ગુન્હો કરેલ કે મને આ સજા મળી…?’ રુદનને હ્રદયમાં દબાવી તૃષ્ણા બોલી ‘અ…ને મારે લીધે…આમ અધૂરાં બનીને જીવવાનું….?’
એના હોઠ પર હાથ મૂકી એને ચુપ કરતા તિમિર બોલ્યો, ‘કોણે કહ્યું તું અધૂરી છે? તું તો મધુરી છે.’ તિમિરે એને એક પ્રગાઢ ચુંબન કરી કહ્યું, ‘તું જેવી છે તેવી મારી છે. તારા દિવ્ય પ્યારની આગળ બાળક હોવું ન હોવું કોઈ ફેર નથી પડતો. ઊલટું મને મારા પ્યારમાં પૂરો હિસ્સો મળશે!! હંડ્રેડ પરસેંટ લવ…! ટ્રુ લવ…! બસ, આ વાત તું મનમાંથી કાઢી નાંખ. હું જાણુ છું. ઘણું જ અઘરું છે. આમ બોલવા જેટલું સહેલું નથી. પણ પ્રયત્ન કર…! અને જો તને બાળક જોઈતું જ હોય તો વી કેન ઍડપ્ટ અ ચાઈલ્ડ…!’
‘ના….! તિમિર…! એડ્પ્ટશનની વાત ન કર…! મારે કોઈનું…અજાણ્યું બાળક દત્તક લઈને મારું નામ નથી આપવું. મારું મન એ નહિ માને.. ન જાણે કેમ..,પણ ના. કોઈ ત્રાહિતના બાળકને મારું-તારું નામ આપવા માટે મારો જીવ મને ના પાડે છે. આઈ ડોંટ નો વ્હાઈ બટ આઈ કેન નોટ ઍડપ્ટ ધ સ્ટ્રેંઈજ ચાઈલ્ડ…! મને ભગવાને કદાચ સજા કરી છે… કદાચ, ક્યાંક એ જ નિરમાયું હશે મારા જીવનમાં પણ મારે લીધે તું સંતાનવિહોણો રહે એ મને માફક ન આવે…! હું જાણે તને કોઈ સજા કરી રહી હોય એવું મને લાગે છે..!’
‘બ…સ…! પત્યું તારું…??!’ સહેજ ખિન્ન થઈ તિમિર બોલ્યો.
‘તું બીજા લગ્ન કરી લે….!’ એકી શ્વાસે તૃષ્ણા બોલી ગઈ.
‘લો બોલી પડ્યા… તું બીજા લગ્ન કરી લે….!’ તૃષ્ણાને ચાળા પાડતો હોય એમ તિમિર બોલ્યો, ‘કેટલી આસાનીથી તું બોલી ગઈ…?? બીજા લગ્ન કરી લે….! વ્હાઈ…?? એ જરા ગુસ્સે થઈ ગયો, ‘વ્હાઈ?? તૃષ્ણા, શું મારા પ્યારમાં તને કોઈ ઊણપ લાગે છે…?! વ્હાઈ…?! તૃષ્ણા વ્હાઈ…?!’
તૃષ્ણાએ તિમિરને પોતાના બાહોંમાં લઈ લીધો, ‘એવું નથી ડિયર…! તારા પ્યારના સહારે તો ગમે તેવું અધુરૂં જીવન ય મધુરું બની જાય…! મને માફ કર. મારો ઇરાદો તને કે તારા પ્યારને ઉતારી પાડવાનો જરાય નથી. પણ….’
‘પણ શું…?!’ તિમિરે તૃષ્ણાને ચુંબન કરતાં કહ્યું, ‘હવે જો આ વાત ફરી કરી છે ને તો જોઈ લેજે…!’
બસ એ દિવસ પછી તૃષ્ણા-તિમિરે પોતાના સંતાનવિહોણા જીવન માટે અજંપો કરવાનું ધીરે ધીરે ઓછું કરી દીધું. તિમિર તો આમે ય એના ક્લાયંટ્સને કારણે વ્યસ્ત રહેતો. તૃષ્ણાએ પોતાની જાતને વિવિધ પ્રવૃત્તિઓમાં, ક્લબોમાં, સામાજિક સેવાઓમાં પ્રવૃત્ત કરી દીધી. આનંદમય રહેવાના દરેક નુસખા એણે અપનાવ્યા. લાયોનેસ ક્લબ, રોટરી ક્લબ વગેરેની એ સભ્ય બની ગઈ.
-પણ હાય રે સ્ત્રીત્વ…! દરેક સ્ત્રીના લોહીમાં સદાય વહેતા માતૃત્વના અમી ઝરણને એ કઈ રીતે, કેવી રીતે અલગ કરે એ?! એક શારડી એની ભીતર હંમેશ ચાલતી રહેતી જે એને કોરી રહી હતી.
બે-ત્રણ દિવસ બાદ સ્વિમીંગમાં જતા પહેલાં તૃષ્ણાએ એની કાર દુધિયા તળાવની પાળ નજદીક ઊભી રાખી. એ પેલી હારબંધ ગોઠવેલી માટીની મૂર્તિઓ પાસે ગઈ. સરસ માટીકામ કરેલ નયનરમ્ય કલાકૃતિઓ હતી. આવી કળા બહુ ઓછી જોવા મળતી હોય છે. મોટેભાગે એ મૂર્તિઓ માટીમાંથી બનાવવામાં આવેલ હતી. મૂર્તિઓથી થોડે દૂર વડના વિશાળ વૃક્ષ નીચે વાંસ, ઘાસ અને પ્લાસ્ટિક-પોલિથીલીનની મદદ વડે એક કામચલાઉ ઝૂંપડી બનાવવામાં આવેલ એમાં એ વણજારાનું કુટુંબ રહેતું હોય એમ તૃષ્ણાને લાગ્યું.
‘આઓ બુન…!’ મોટી ઘરાકીની આશાએ ઝૂંપડીમાંથી બહાર નીકળી વણજારણે તૃષ્ણાને ઉમળકાભેર આવકારી. આમ કરવામાં અડચણરૂપ એના ત્રણેક વરસના બાળકને એણે કેડેથી જમીન પર ઉતાર્યો.
‘આ નટરાજ પાંચ હોના…!! આ ગનપતિ બાપા ખાલી ચારહોના છે. ઈન્યાનની દેવી હો ચારહોની…!’ વણજારણ ઉત્સાહપૂર્વક વારાફરતી એક એક પ્રતિમા ઊંચકી ઊંચકી તૃષ્ણા સામે ધરી એની કિંમત બોલતી હતી. પરંતુ તૃષ્ણાને કોઈ મૂર્તિ પસંદ ન આવી.
‘કેમ બુન…?’ વણજારણે આંખે આડો હાથ દઈ જિજ્ઞાસાથી પૂચ્છ્યું, ‘કંઈ બી ની ગયમું?”
તૃષ્ણા મૌન રહી. મૂર્તિ પરથી ફરતી ફરતી એની નજર વણજારણના બાળક પર પડી. તગડું ગોળ-મટોળ બાળક જમીન પર બેસી માટી ખાઈ રહ્યું હતું.
‘મા….આ….રા..રોયા…માટી ખાય સે…!’ વણજારણે દોડીને બાળકને તેડી લીધું, ‘માટી ખાય સે…મુઓ તો…!’ બાળકના મ્હોમાં આંગળાં નાંખી એ માટી કાઢવા લાગી. બાળક મોટેથી ભેંકડો તાણી રડવા લાગ્યું. બાળકના રુદનને સાંભળતા જ એક હલચલ મચી ગઈ તૃષ્ણાના મનમાં…! છાતીમાં જાણે એક ટીસ ઊઠી આવી….! એક ન સમજાય એવો વલોપાત થઈ આવ્યો એના મનમાં…
ઝડપથી ચાલીને તૃષ્ણા કારમાં બેસી ગઈ અને પુરપાટ દોડાવી મૂકી.
-ઓહ….!
તૃષ્ણાના દિલો-દિમાગમાંથી વણજારણનું એ બાળક હટતું ન્હોતું!
તૃષ્ણાનો રોજનો રસ્તો હતો. દુધિયા તળાવના એ વળાંક પાસે એની કાર સહજ ધીમી થઈ જતી. એની નજર પાળ પર ફરી વળતી. હજુ ય મૂર્તિઓ ગોઠવેલ હતી. હા, એની સંખ્યામાં વધારો-ઘટાડો થતો રહેતો હતો. ચારેક દિવસ બાદ ફરી તૃષ્ણા એ મૂર્તિઓ નિહાળવા માટે એની કારમાંથી ઊતરી. આજે તો એકાદ મૂર્તિ લેવી એવો એણે મનોમન નિર્ણય કર્યો હતો. વણજારણ એને ઓળખી ગઈ. દોડીને આવી. પણ આ વખતે એ કંઈ ન બોલી. નિર્લેપભાવે તૃષ્ણા મૂર્તિઓને જોવા લાગી. પણ એની નજર તો વણજારણના પેલા બાળકને શોધતી હતી.
‘આ બધી મૂર્તિઓ તમે જાતે બનાવો….?!’ તૃષ્ણાએ વાતની શરૂઆત કરતાં કહ્યું.
‘હો….તો…! મારો મરદ બનાવે, હું રંગ લગાવું. અમે તો બુન ગામે ગામ જઈએ…! હુરતમાં પણ….’ બાઈ એની વાતો ઉત્સાહથી કરવા લાગી.
તૃષ્ણાની નજર વણજારણ પર ફરી વળી. નાકમાં મોટી ચૂંક, કાનમાં મોટાં મોટાં કુંડળ અને નાની મોટી વાળીઓ…કપાળ પર ગાલ પર નાના-મોટાં છૂંદાવેલ છૂંદણાઓ…તૃષ્ણાની નજર વણજારણના પેટ પર પડી. એના ઉદરમાં પણ એક મૂર્તિ ઘડાઈ રહી હતી. જીવંત મૂર્તિ…! ફાટેલ સાડલા વડે વણજારણે પેટ ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો.
તૃષ્ણાના ચહેરા પર એક મ્લાન સ્મિત ફરી વળ્યું.
‘મને જેવી જોઈએ એવી મૂર્તિ આમાં નથી!!’ સન ગ્લાસિસ પહેરતાં તૃષ્ણા બોલી.
વણજારણ સહેજ નિરાશ થઈ ગઈ, ‘તમુને કેવી જોઈએ સે…??’ કંઈક આશા સાથે એણે કહ્યું, ‘મારો મરદ ઘડી દેહે.’ કામચલાઉ બાંધેલ ઝૂંપડીમાંથી વણજારણનો છોકરો ડગુ-મગુ ચાલતો બહાર આવ્યો અને વણજારણના સાડલાનો છેડો પકડીને ઊભો રહેવા ગયો પણ પડી ગયો એટલે વણજારણે એને કેડે તેડી લીધો.
‘મને જોઈએ એવી તારો હસબન્ડ….આઈ મીન તારો ધણી ઘડી દેશે…?!’ બાળકને નિહાળતા જ તૃષ્ણાની નજર એના પરથી હટતી ન્હોતી. બાળક પણ એની માના સાડલાનો છેડો મ્હોંમાં નાંખી ચાવતા ચાવતા તૃષ્ણાને જોઈ રહ્યો હતો.
‘હો…વ્વે…! એના આંગળાંમાં તો જાદુ સે…જાદુ..!’ ગૌરવપુર્વક વણજારણ બોલી.
‘….તો પછી મને તારા આ છોકરા જેવી મૂર્તિ ઘડી દે…!!’ તૃષ્ણાથી અનાયાસ બોલાય ગયું. એ પણ એની આ માગણીને કારણે સહજ ચમકી ગઈ.
‘હારૂ….! એના જેવી જ અદ્દલ મૂર્તિ ઘડી દેહે….! પણ બુન…’ અચકાતા અચકાતા વણજારણ બોલી, ‘પૈહા જાજા થહે….! એનું બીબું નથીને….?!’
‘પૈસાની તું ફિકર ના કર…!’ પાકીટમાંથી સો સોની દશ નોટ કાઢી તૃષ્ણાએ વણજારણ તરફ ધરતાં કહ્યું, ‘આ લે…, હમણાં રાખ!! હજાર છે. બીજા મૂર્તિ બની જાય પછી આપીશ. મને ગમવી જોઈએ…! તારો આ ટેણિયો ઘૂંટણિયા કરતો હોય એવી મૂર્તિ ઘડવા કેહેજે તારા હસબંડને…!! આઈ મીન તારા મરદને…!!’
પૈસા લેતા વણજારણ બોલી, ‘ઈમાં તમારે કેવું નો પડે. અદ્દલ આના જેવી જ ઘડી દેહે!’ ધંધો થવાથી વણજારણના મ્હોં પર તેજ છવાયું હોય એમ લાગ્યું તૃષ્ણાને, ‘પાંચ છ દાડા પછી બુન તમે મારા આ બબલા જેવી જ મુરતિ લઈ જજો…!’
એક સપ્તાહ પછી એક સાંજે તૃષ્ણા દુધિયા તળાવ પરથી પસાર થતી હતી ત્યારે એની નજર રોજની જેમ તળાવની પાળ પર ફરી વળી. એ ચમકી ગઈ…! વણાજારાનું પેલું પરિવાર…પેલી તૂટેલ-ફૂટેલ ઝૂંપડી…પેલી કતારબંધ આકર્ષક મૂર્તિઓ…કંઈ જ ન્હોતું ત્યાં….! ખાલી-ખમ…! ક્યાં ગયા ગયા એઓ રાતોરાત….??! છેતરાવાની લાગણી થઈ આવી એને…! એણે સહેજ ગુસ્સાથી તળાવની પાર પાસે કાર ઊભી રાખી એ કારની બહાર નીકળી.
એણે જોયું તો સહેજ દૂર એક મૂર્તિ જેવું ગોઠવેલ કંઈક લાગતું હતું. એ વણજારણના છોકરાની મૂર્તિ હતી. એ એની નજીક ગઈ. એણે કહેલ તેવી જ અદ્દલ!! પરંતુ, ક્યાંય કોઈ દેખાતું ન્હોતું! ન તો બોલકી વણજારણ…! ન બાળક…! ન મૂર્તિઓ….!
તળાવના રોડની સામે પાર વિસ્તરેલી ઝુંપડપટ્ટીમાંથી એક સ્ત્રીને બહાર નીકળતી નિહાળી રોડ ક્રોસ કરી તૃષ્ણા સ્ત્રી પાસે ગઈ અને પૂછ્યું, ‘આ મૂર્તિઓ બનાવવાવાળા ક્યાં ગયા…?!’
‘અ…રે…! શું વાત કરૂં બેન…?! તમને ખબર નથી??’ પેલી સ્ત્રીએ વિસ્મયથી કહ્યું, ‘આજે સવારે જ એમનો અઢી-ત્રણ વરસનો છોકરો આ તળાવના પાણીમાં ડૂબી ગયો એટલે એ લોકો જતા રહ્યા…! એ ઔરત શું છાતી ફાડીને રડતી હતી બેન…!! કોણ જાણે આ તળાવ કેટલાનો ભોગ લેશે…?!’
સ્તબ્ધ થઈ ગઈ તૃષ્ણા…!!
સાવ અવાક્…!!
તળાવની પાળ પર પડેલ સવા શેર માટીની એ બાળમૂર્તિ જાણે એને પોકારી રહી હતી….!
લગભગ દોડતી એ કારમાં બેસી ગઈ. સ્ટિયરીંગ પર માથું મૂકી એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી… રડતી જ રહી… રડતી જ રહી… રડતી જ રહી…
(સમાપ્ત)