જિંદગી – એક કહાણી…

(લાંબા વિરામ બાદ એક નવી વાર્તા રજૂ કરી રહ્યો છું. સમયના ખાસા અભાવે વાર્તા લખી નથી શકાતી. આ અમેરિકી જિંદગીમાં સમય ફાળવવો ઘણો જ અઘરો થઈ પડે…! પણ આ લખ-વા એમ તો ન જ મટે…બરાબરને મિત્રો?

કેવી લાગી મારી આ વાર્તા ‘જિંદગી- એક કહાણી’ ??

આપ સહુના નિખાલસ અભિપ્રાય, કોમેન્ટ અંગે નમ્ર વિનંતિ છે. નીચે comments લખેલ છે ત્યાં ક્લિક કરવાથી કે અહિં ક્લિક કરવાથી આપનો અભિપ્રાય આપી શકાશે..)

જિંદગી – એક કહાણી…

માનસ મહેતાએ ડાબી જમણી તરફ નજર કરી કાળજીપુર્વક લેઈન બદલી. રૂટ એઈટી હાઈવે પર રોજ કરતા શુક્રવારે વધારે ટ્રાફિક હોય એની લૅક્સસ એણે ત્રીસ માઈલની મંદ ગતિએ ચલાવવી પડતી હતી. કારની ઓડિયો સિસ્ટમ પર જગજીસિંગ અને લતાજીના સંયુક્ત સ્વરમાં ગવાયેલ ગઝલ ગુંજી રહી હતીઃ હર તરફ હર જગહ બેસુમાર આદમી…સુબહસે શામ તક બોજ ધોતા હુઆ અપની હી લાશકા ખુદ મજાર આદમી…

-વાહ.. માનસ મ્લાન હસ્યોઃ કેટલું સચ છેઃ અપની હી લાશકા ખુદ મજાર આદમી…

– આ બોજની ખોજ ખુદ તેં તો નથી કરીને??

હર વખત થતો સવાલ એના મને એને પૂછ્યો. એક વાર સાયકલ પર કૉલેજ જવાનો ય કેટલો આનંદ હતો. જલાલપોરથી નવસારી બી. પી. બારિયા સાયન્સ કૉલેજમાં જતા જતા રસ્તો ક્યાં કપાઈ જતો એ જાણ પણ ન થતી. અને આજે? આ ત્રીસ માઈલ કાપતા કાપતા કારમાં બેસીને ય હાંફી જવાય છે!

વિચારોમાં ને વિચારોમાં ઘર ક્યારે આવી ગયું એ જાણ ન થઈ. કારમાં બેઠા બેઠા જ રિમોટથી ગરાજનો ડોર ખોલી કાર ગરાજમાં પાર્ક કરી ગરાજમાંથી જ એ ઘરમાં ગયો. ચાર બેડરૂમનાં એના વિશાળ હાઉસે એને ખામોશીથી આવકાર્યો.

-ધરતીનો છેડો ઘર…! પણ ઘરનો છેડો ક્યાં છે?? એનાથી એક નજર લિવિંગ રૂમની દિવાલ પર લટકતી મધુની તસ્વીર પર નંખાઈ ગઈ. મધુ એની પત્ની. હવે તસ્વીર બનીને દિવાલને સજાવી રહી હતી. ખાલી ખાલી મકાનને ઘર બનાવી રહી હતી. ત્રણ વરસના સ્નેહલને અને માનસને એકલતાના એક દંડિયા મહેલમાં કેદ કરી મધુએ પ્રભુને પ્યારા થવાનું સ્વિકાર્યું હતું.

તારે જો વસવું જ હતું આમ તસવીરમાં,
શું કામ આવી હતી તું મારી તકદીરમાં?

– ઓહ! એક ભારખમ નિઃસાસો નંખાઈ ગયો માનસથી. ખોમોશી હર કમરામાં પઘડાતી હતી. એટલે નિઃસાસાનો પડઘો વધારે મોટો લાગ્યો.

સ્લાઈડિંગ ગ્લાસ ડોર ખસેડી એ બેક યાર્ડમાં ડેક પર આવ્યો. બેક યાર્ડમાં તપસ્યા કરી રહેલ ઑકના ઊંચા વૃક્ષે એને આવકાર્યો. એના વિશાળ થડ પર માનસે હાથ ફેરવ્યોઃ તારી અને મારી હાલત એક સરખી છે યાર! એ હસ્યો. ઑકના એ વૃક્ષે ભગવા પહેરવા માંડ્યા હતા. એક કેસરી પર્ણ ખર્યું અને માનસના પગ પાસે પડ્યું જાણ એ વૃક્ષમિત્રે એને જવાબ આપ્યો. એ પર્ણ એણે ઊંચક્યું. અનાયાસ એને એણે એના નાકે અડાડ્યું. જાણે એમાંથી કોઈ સુગંધ ન આવવાની હોય..!! વરસોથી એને તલાશ હતી એક સુવાસની…! કે જેને એ વરસો પહેલાં ક્યાંક છોડી આવ્યો હતો… પણ એ માદક સુવાસની તલાશે એનો પીછો છોડ્યો નહતો. મોગરાની એ મહેક!! સ્નેહાના ઘુંઘરાળા કાળા કેશમાં, રમતો ભમતો, લહેરાતો, મહેકતો મોગરાનો એ ગજરો…! એની મનમોહક મહેક…! અને એના જેવી જ મનમોહિની સ્નેહા.. સહેજ શ્યામલ, શર્મિલી, નાજુક, નમણી સ્નેહા….!!

-સ્નેહા…સ્નેહા…સ્નેહા….!

-હવે સ્નેહાને આ રીતે યાદ કરવાથી કશું થવાનું ન હતું. પણ નફ્ફટ મન એમ માને તો ને??

-ભગવાને આ મન બનાવી મહાન કાર્ય કર્યું હતું! બસ કમબખ્ત એનો દરવાજો બનાવવાનું જ એ વીસરી ગયો હતો. વાહ રે પ્રભુ.. વાહ.. કેવી છે તારી માયા…!!

બેક યાર્ડમાં પથરાયેલ લીલાછમ ઘાસ પર એ ખૂલ્લા પગે એ ટહેલવા લાગ્યો. કુમળા ભીના ઘાસની કૂંપળનો સ્પર્શ એને ગમતો. આમ જ એ સ્નેહા સાથે હાથમાં હાથ પરોવી ખૂલ્લા પગે નવસારી કૃષિ કૉલેજ કૅમ્પસના બાગમાં વહેલી સવારે સવારે એ ટહેલતો…! આંગળીના ટેરવે ટેરવે એ રેશમી સ્પર્શ હજુ ય સળવળી રહ્યો હતો. સ્નેહાની સ્મૃતિ માનસનો પીછો છોડતી નહોતી કે પછી એ એનો પીછો છોડવા માંગતો નહતો.

પાનખરની શરૂઆતને કારને ખરી પડેલ થોડા રંગબેરંગી પર્ણો પવનને કારણે આમથી તેમ ઊડતા હતા. વાતાવરણમાં ખુશનુમા ઠંડી હતી. દૂર પશ્ચિમાકાશે સૂર્યનારાયણ ડૂબકી મારવાની તૈયારી કરી રહ્યા હતા. આકાશમાં કેસરવર્ણો રંગ છલકાય રહ્યો હતો.

– હવે આકાશને જીવન સાથે થોડો લગાવ થવા લાગ્યો હતો. લાખ લાખ અભાવની વચ્ચે આ લગાવને કારણે જીવવાનું મન થતું હતું. બાકી તો રૂખ હવાઓકા જીધરકા હૈ …ઉધરકે હમ હૈ…!!  ઊડતા પર્ણો નિહાળી એકલો એકલો એ ખડખડાટ હસી પડ્યો.

– યુએસ આવ્યા બાદ શરૂઆતના કેટલાંય વરસો સુધી એ જીવતો જ ક્યાં હતો? બસ શ્વાસ લેવાની અને છોડવાની એક પ્રતિક્ષિપ્ત ક્રિયા જ કરતો હતો ને? અને આટ આટલા વરસો બાદ આ જીવન ક્યાં રાસ આવ્યું હતું હજુ ય એ ને? એક પંક્તિ એને યાદ આવી ગઈ,

ફૂંક્યા કરું છું હું રોજ થોડો થોડો પ્રાણ મારી લાશમાં;
ખભે નાંખી રોજ નીકળી પડું છું ખુદ મારી તલાશમાં.

-ક્યારે પુર્ણ થશે આ તલાશ?

માનસે બે-ત્રણ વાર ગરદન હલાવી, આવતા વિચારો જાણે ખંખેરી નાંખવા માંગતો ન હોય!

અંદર આવી રેફ્રિજરેટરમાંથી બિયરના થોડાં કેન એણે લીધાં અને સ્ટોરેજમાંથી બીજા થોડા કેન લાવી ફ્રિજરમાં ઠંડા કરવા મૂક્યા.  કેન લઈ એ ફરી ડેક પર આવી એ હીંચકા પર ગોઠવાયો. સાઈડ ડેસ્ક પર  કેન મૂકી હીંચકાને એક ઠેસ મારી બિયરનું એક કેન ખોલી એક ઘૂંટ ગળા નીચે ઉતાર્યો. કડવા બિયરની ઠંડક ગળેથી ધીમે ધીમે નીચે ઉતરતી મહેસૂસ કરી.

હીંચકો ધીરે ધીરે ઝૂલતો રહ્યો. મનના હીંચકાને પણ જાણે હીંચ લાગી, માનસ પહોંચી ગયો બી. પી. બારિયાની એ કેમેસ્ટ્રિની લૅબમાં. ડેમોન્સ્ટ્રેટર પંડ્યાસર ગેસ કોમેટોગ્રાફી વિશે કંઈક સમજાવી રહ્યા હતા. જૂદી જૂદી વેવલેન્થ વિશે એઓ સમજ આપી રહ્યા હતા. આજે એઓ લૅબમાં સ્પ્રેક્ટોફોટોમીટરનો ઉપયોગ કરવાના હતા. માનસની લૅબ પાર્ટનર હતી સ્નેહા પરીખ જે ધ્યાનમગ્ન થઈ પંડ્યાસરને સાંભળી રહી હતી અને માનસ એવાં જ એક ધ્યાનથી સ્નેહાને એકધારૂં જોઈ રહ્યો હતો. અચાનક સ્નેહાની નજર માનસ પર પડતા માનસની ચોરી પકડાઈ ગઈ.

કેમેસ્ટ્રી ભણતા ભણતા, પ્રયોગ કરતા કરતા બન્નેના હ્રદયની વેવલેન્થ મળી ગઈ હતી. બન્ને એકબીજાને પસંદ કરતા થઈ ગયા હતા. કૉલેજ જવાની વધારે મજા આવવા લાગી હતી. અભ્યાસમાં પણ રસ પડવા લાગ્યો હતો. ધીરે ધીરે બે યુવાન હૈયા નજદીક આવવા લાગ્યા હતા. ક્યારેક દાંડીના રમણિય દરિયા કિનારે ડૂબતા સૂરજની શાખે તો ક્યારેક ધીર ગંભિર વહેતી પૂર્ણાના જળની સાક્ષીએ ભવોભવ એક થવાના વણલખ્યા કરાર થઈ ગયા. વંસત ટૉકિઝમાં હાથમાં હાથ પરોવી પ્રેમકથા જોતા જોતા એ બે યુવાન હૈયા ભવિષ્યના સુહાના સપનાં સજાવતા. બન્ને સમજુ હતા. એમના પ્રેમમાં પવિત્રતા હતી, પાવકતા હતી. ક્યાંય વિકાર ન હતો. દિલ મળ્યા હતા બન્નેનો. મનમેળાપ થઈ ગયો હતો. બન્ને એ પણ જાણતા હતા કે અભ્યાસ એમનું મુખ્ય લક્ષ્ય હતું.  અને વધારે સારા માર્ક મેળવવા બન્ને વચ્ચે એક તંદુરસ્ત સ્પર્ધા પણ થતી.

સ્નેહાના પિતા એક સહકારી બેંકમાં જુનિયર ક્લર્ક હતા. સ્નેહા એમની એકની એક પુત્રી હતી. જ્યારે માનસ એના મોટાભાઈ સાથે રહેતો હતો. મોટાભાઈ નામાના ચોપડા લખતા હતા. કેટલાય વેપારીઓને ત્યાં એઓ ચોપડા લખવા જતા. માનસ માટે એના મોટાભાઈ જ સર્વસ્વ હતા. એ પાંચ વરસનો હતો ત્યારે એક અકસ્માતમાં પિતાને ગુમાવી બેઠો હતો. મોટાભાઈએ એને સંતાનની માફક ઉછેર્યો હતો. બન્ને વચ્ચે ઉમ્મરમાં પણ લગભગ આઠ વરસનો તફાવત હતો. એના ભાભીએ પણ એને અસીમ પ્રેમ આપ્યો હતો. મોટાભાઈ એને કહેતા, ‘જો માનસ, હું તો ભણી ન શક્યો. પણ તારે બરાબર ભણવાનું છે. જેટલું ભણાય એટલું. બાપુજીની ઈચ્છા હતી કે હું પણ ભણું પણ સંજોગોએ મને ભણવા ન દીધો. બા, બાપુજી આમ અચાનક આપણને છોડી જતા રહેશે એવી આપણને ક્યાં જાણ હતી? પ્રભુ એમના આત્માને શાંતિ આપે. પણ સાચી શાંતિ તો ત્યારે જ મળશે જ્યારે તું ભણીગણી બરાબર કમાતો ધમાતો થાય. અને કુટુંબનું નામ રોશન કરે. ભલે મારે બે પેઢીના ચોપડાઓ વધારે લખવા પડે, ભલે તારી ભાભીએ થોડા ટિફિન વધારે બનાવવા પડે પણ તારૂં ભવિષ્ય સુધરવું જોઈએ. તારું ભાવિ સુધરે તો અમારી મહેનત પણ લેખે લાગશે. અને અમારે ઘરડે ઘડપણ તારો ટેકો રહેશે. તારા ભત્રીજા, ભત્રીજીને પણ સારું રહેશે. બસ, તું એક વાર ગ્રેજ્યુએટ થઈ જા. બને તો એમએસસી પણ કરજે. ખરૂં કહું છું ને હું?’ ભાભી તરફ નજર કરી એમણે પુછ્યું, ‘ શું કહે છે તું?’

‘હું શું કહેવાની? મારી ક્યાં ના છે….?? માનસને ભણીગણીને ઠેકાણે પાડવાનો છે. મારે દેરાણી પણ લાવવાની છે ને?

માનસને સ્નેહાની યાદ આવી જતી. એને થતું કે ભાઈ-ભાભીને વાત કરી દઉં સ્નેહાની. પણ એ વિચરતો એકવાર નોકરી મળી જાય! થોડા પૈસા જમા થાય. એટલે ભાઈ-ભાભીને વાત કરીશ. ભાઈ-ભાભી ક્યાં ના પાડવાના છે?

માનસ-સ્નેહા બીએસસી થઈ ગયા. માનસને અતુલ કેમિકલ્સમાં વલસાડ નજીક અતુલ ખાતે નોકરી મળી ગઈ. તો સ્નેહાએ બી એડનું આગળ ભણવાનું નક્કી કર્યું. હવે એમની મુલાકાતો ઓછી થતી. રોજ મળવાનું ન થતું. પણ એમ થવાથી એમના પ્યારમાં પરિપક્વતા આવી. ક્યારેક બન્ને ગાડીમાં સાથે થઈ જતા. સ્નેહા બિલીમોરા બીએડ કોલેજમાં અભ્યાસ કરતી એથી ક્યારેક સાથે પ્રવાસ કરવાનો લહાવો લેતા.આજે લોકલમાંથી નવસારી ખાતે બન્ને સાથે જ ઉતર્યા. મોગરાના બે ગજરા માનસે ખરીદ્યા. એક સ્નેહાને આપ્યો અને એક એણે ભાભી માટે રાખ્યો. સ્નેહાને સીટી બસ સ્ટેન્ડ સુધી સાથ આપી સાયકલ સ્ટેન્ડ પરથી માનસે પોતાની સાયકલ લીધી. સાયકલને પેડલ મારતા મારતા માનસ વિચારતો હતોઃ આજે તો ભાભીને આ ગજરો આપી ખુશ કરી દઈશ અને ત્યારબાદ મોકો જોઈને સ્નેહાની વાત કરી જ દઈશ. હવે તો નોકરીમાં પણ એ કાયમી થઈ ગયો હતો. તો સ્નેહા પણ થોડા જ સમયમાં શિક્ષિકા બની જનાર હતી. નોકરી કરતી દેરાણી ભાભીને ગમશે?

-કેમ ન ગમે? અને સ્નેહાને તો બધું ઘરકામ પણ આવડતુ હતું. રસોઈપાણીમાં પણ એ નિપુણ હતી.પછી ભાભીને શો વાંધો હોય? ભાભી જ કહેતા હતા કે આજે તો બે જણા કમાઈ તો જ દા’ડો વળે! અરે! ભાભી પણ ક્યાં ઓછી મહેનત કરતા હતા? સવારે પચાસ સાંઠ તો સાંજે પણ ત્રીસ પાંત્રીસ તો થઈ જ જતા. ભાભીના હાથમાં અન્નપુર્ણાનો વાસ હતો. વિચારોમાં ને વિચારોમાં ઘર ક્યારે આવી ગયું એ જાણ પણ ન થઈ.

ઘરે આંગણમાં સફેદ એમ્બેસેડર કાર ઉભી હતી. માનસને નવાઈ લાગીઃ અત્યારે કોણ આવ્યું હશે? એ પણ કાર લઈને!! ભાડેની કાર હતી. હળવેથી એ ઘરમાં દાખલ થયો.

‘આવી ગયો ?!!’ ભાઈએ એને આવકાર્યો, રોજ તો એ ઘરે આવે ત્યારે ભાઈ ઘરે ન આવેલ ન હોય અને જો આવેલ હોય તો પણ ચોપડા લખવા બેઠા હોય.

‘માનસ,’ ભાઈએ ઘરમાં બેઠેલ બે પ્રોઢ પુરુષો સાથે ઓળખાણ કરાવતા કહ્યું, ‘આ છે રાજુભાઈ. તારા ભાભીના દૂરના મામાના એ દીકરા થાય. એઓ અમેરિકાથી આવ્યા છે. અને આ છગનભાઈને તો તું ઓળખે જ છે ને…ધરમપુરવાળા…!’

‘ન્યુ જર્સી….’ ગંભીર અવાજે રાજુભાઈએ સુધાર્યું. માનસે વારા ફરતી બન્ને સાથે હાથ મેળવી હસ્તધૂનન કર્યું. એને સહેજ સંકોચ થતો હતો. વાળમાં હાથ ફેરવી એણે પોતાની બેચેની દૂર કરવાની કોશિષ કરતા ઓરડામા ગોઠવેલ બાંકડા પર એ બેઠો. એને ગુંગળામણ થતી હતી. રાજુભાઈની નજર એને વીંધી રહી હતી તો છગનભાઈ મરક મરક મરકી રહ્યા હતા.

‘અમારો માનસ બીએસસી થયો છે, કેમેસ્ટ્રિમાં ફર્સ્ટ ક્લાસ સાથે!’ મોટાભાઈએ ગૌરવપુર્વક કહ્યું, ‘અતુલ કેમિકલ્સમાં તરત જ નોકરી પણ મળી ગઈ. અને હવે તો એ કાયમી પણ થઈ ગયો છે.

‘અરે વાહ!’ છગનભાઈ હસીને બોલ્યા, ‘બહુ સારું કહેવાય!’

રાજુભાઈ કંઈ બોલાતા નહતા. અંદરના ઓરડામાંથી ભાભી તાસકમાં નાસ્તો, ચા, વગેરે લઈને આવ્યા. એમની સાથે એક યુવતી અને એક પ્રોઢ સ્ત્રી પણ હાથમાં પાણીના ગ્લાસ, સોસિયોની બોટલ લઈને આવ્યા. યુવતી સહેજ ભરાવદાર હતી એણે ઘેરવાળો ચૂડીદાર પહેર્યો હતો. એના પર નાંખેલ ઓઢણી વારે વારે સરકી જતી હતી. માનસને ખ્યાલ આવી ગયો કે એ યુવતી પરદેશી હતી. અને એને ચૂડીદાર પહેરવાની આદત નહતી.

‘આ મધુ છે.’ ભાભીએ ઓળખાણ કરાવતા કહ્યું, ‘રાજુભાઈની દીકરી. એ પણ ન્યૂ જરસીથી જ આવી છે.’

સ્ટ્રો વડે સોસિયોનો ઘૂંટ પીતા પીતા અટકીને મધુએ માનસ તરફ નિહાળી કહ્યું, ‘હા…ય…!!’

‘હા…આ….આ…ઈ…!’ સહેજ સંકોચાઈને માનસે એનો પ્રત્યુત્તર પાઠવ્યો.

‘આઈ લાઈક સોસિયો…!’ સહેજ હસીને બોટલ પર નામ વાંચી મધુ બોલી, ‘આઈ ડ્રિન્ક ફર્સ્ટ ટાઈમ. મધુ માનસને જોયા કરતી હતી અને ખોટું ખોટું હસતી હતી. માનસને મૂંઝવણ થતી હતી.

થોડો સમય બેસી, થોડી આમતેમની વાતો કરી રાજુભાઈ વગેરે ગયા. હાથપગ ધોઈ માનસ રસોડામાં ગયો. ભાભી રોજ કરતા આજે વધુ ખુશ ખુશાલ લાગતા હતા. એમણે આજે કંસાર બનાવ્યો હતો.

‘કેવી લાગી મધુ?!’ ભાભીએ થાળી પીરસતા પૂછ્યું.

‘સારી…! પણ…!!’ માનસને આગળ શું કહેવું એ સમજ ન પડી.

‘…સહેજ હબધી છે!’ ભાભીએ માનસની વાતનો દોર સાંધતા કહ્યું, ‘ પણ એમ તો ગમી જાય એવી છે. મારી દેરાણી બનવા એકદમ પેલું શું કહે છે એમ પરફેક્ટ…’

‘જો માનસ…!’ હાથ ધોઈ મોટાભાઈ પણ પાટલે ગોઠવાયા, ‘રાજુભાઈ તારા માટે વાત લઈને આવ્યા છે. એમની દીકરી મધુ માટે. સામેથી આવ્યા છે. અને આપણું જાણીતું ફેમિલી. ઘરના જેવા.’

‘પણ ભાઈ, મારે બહારગામ જવું નથી…’ માનસને ગળે કોળિયો અટકી ગયો, ‘મારે તો અહિં આપની સાથે રહેવું છે…’

‘અમારી સાથે જ રહેવું હોય તો અમેરિકા જઈને અમને ત્યાં બોલાવી લે જે….!’ ભાભીએ હસીને કહ્યું, અમે પણ તારી પાછળ પાછળ અમેરિકા આવીશું. પણ આવું ઘર અને આવી ફોરેન રિટર્ન છોકરી ક્યાં મળવાની?’

‘ભા…ભી…!’ માનસને થાળી પરથી ઊઠી જવાનું મન થઈ આવ્યું, ‘પ્લી…સ…! હમણાં મારે લગ્ન કરવા જ નથી.’

‘તો…!?’ ભાભી હસીને બોલ્યા, ‘ આખી જિંદગી કુંવારા રહેવું છે? હમણાં નહિં તો ક્યારે ધોળી ધજા ફરકી જાય પછી…??’

‘જો…ભાઈ મારા…!’ મોટા ભાઈએ સમજાવતા કહ્યું, ‘આખી જિંદગી કોઈ કુંવારા રહેતું નથી, રહી શકતું નથી. તું ભણેલ ગણેલ છે. તને તો ખબર છે જ કે કેટલી તકલીફો વેઠી તને ભણાવ્યો છે. આ તો સામેથી લક્ષ્મી ચાંદલો કરવા આવી છે. કપાળ ધોવાની જરૂર નથી.  અને આ દેશમાં શું દાટ્યું છે? તારી ભાભી પણ કેટલી મહેનત કરે છે? ચોપડા લખી લખી આંગળીઓમાં પણ આંટણ પડી ગયા છે. અને હવે તો ખૂંધ પણ નીકળી આવી છે. અતુલની નોકરીમાં તને મળે મળે ને કેટલાં મળે? પંદર હજાર…? બહુ બહુ તો વિસ હજાર…!? અને એમાં શું વળવાનું?? બસ, એક વાર તું અમેરિકા જાય. સારું કમાતો ધમાતો થાય તો મારી અને તારી ભાભીની મહેનત કંઈક ફળે. તારા સંજોગો ઊજળા થાય તો અમને ય બોલાવી શકે. તારા ભત્રીજા-ભત્રીજીનું પણ કંઈક વિચારે…! તને મેં દીકરાથી અલગ ગણ્યો જ નથી. ગણ્યો છે??’

‘ના મોટાભાઈ. કદી ય નહિં, પણ….’

‘હવે આ પણની પંચાત છોડ માનસ…!’ ભાભીએ થોડો કંસાર થાળીમાં પીરસતા કહ્યું, ‘હવે જો ના તેં ના કહી છે આ લગ્ન માટે તો…’ ભાભીની આંખો ભીની થઈ ગઈ.

‘પણ ભાભી…!’માનસની જબાને સ્નેહાનું નામ આવી ગયું પણ પાણીના ઘૂટડા સાથે એ ગળી ગયો. ભાભીની આંખોની ભીનાશ એને આગળ વાતો કરતા અટકાવી ગઈ.

‘આપણા કોઈ સગા-વ્હાલાં પરદેશમાં નથી, તું એક જશે. તો આપણાં પણ કંઈ દા’ડા સુધરશે. ભાઈ મારા…, પ્લિ..ઇ…ઇ…સ…! તું ના ન પાડતો. હાથ જોડી તને આ સબંધ માટે કહું છું.’ મોટાભાઈએ પણ ગળગળા થઈ જતા કહ્યું. ગાળિયો વિંટળાઈ રહ્યો હતો માનસના ગળાની ફરતે…! અને લાગણીના ગાળિયાના તંતુઓ સુંવાળા હોય છે પણ સાથે સાથે મજબૂત પણ હોય છે.

માનવે અત્યારે પણ એના ગળાની ફરતે હાથ વિંટાળ્યો.

-કાશ..! ત્યારે જ એનાથી ના કહેવાઈ હોત તો…?? કાશ…! એણે લાગણીઓના પ્રવાહમાં પોતાની જાતને વહેવા ન દીધી હોત તો…? કાશ…! એણે નેહાના પ્યારને ઠુકરાવ્યો ન હોત….!!કાશ એ જીવતો જ ન રહ્યો હોત…તો…!!

-કાશ…!! કાશ…!! કાશ…!!

એક પૂરા એવા આ જીવતરની થઈ જાય લાશ;
એ પહેલાં ઓળંગવા પડે છે એણે કેટકેટલાં કાશ!!

બિયરનું કેન ખોલી એક ઘૂંટ ગટગટાવતા માનસ મ્લાન હસ્યોઃ આ ઉદાસી એને કવિ બનાવી દેશે કે શું??

-સ્નેહા…!! સ્નેહા…!! સ્નેહા…!! સ્નેહા…!!

-ક્યાં હશે સ્નેહા…!! …? કેવી હશે? હું જેમ એને પળે પળ ઝખું છું એમ એ ય મને યાદ કરતી હશે? તડપતી હશે?

મધુ સાથે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. બધું બહુ જ ઝડપથી બની રહ્યું હતું. મધુ અને રાજુભાઈ પાસે સમય નહતો.એઓ ફક્ત બે સપ્તાહ માટે જ દેશ આવ્યા હતા. જાણે માનસના હાથમાં કંઈ જ નહતું. ભાઈ ભાભી બહુ ખુશ હતા. લગ્ન બાદ ત્રીજા જ દિવસે તો મધુ અમેરિકા ભેગી થઈ જવાની હતી.

-સ્નેહા સાથે ભવોભવ સાથ નિભાવવાના કોલનુ શું? માનસ મુંઝાઈ રહ્યો હતો. એક તરફ દેવતુલ્ય ભાઈ દેવી જેવા ભાભી તો બીજી તરફ એની જિંદગી હતી. અને જિંદગીને દગો દેવાનો હતો.

-ઓહ…! માનસને મરી જવાનું મન થતું હતું. પણ મરણ એ કોઈ ઊકેલ નહતો.

એ મળ્યો સ્નેહાને. લુણસીકૂઈ મેદાનની પાળ પર. દૂર આકાશમાં તારા ટમટમતા હતા. જાણે માનસના આંસૂ આકાશમાં ચમકી રહ્યા હતા…! અને થોડા આંસુ માનસે આંખોમાં સાચવી રાખ્યા હતા. શબ્દો થીજી ગયા હતા…! સ્નેહાની હથેળી માનસે એના બન્ને હાથોમાં પકડી રાખી હતી. જાણે એ છોડવા જ ન માંગતો ન હોય…!

માનસની બેચેની સ્નેહા સમજી ગઈ, ‘એવી તે વાત આજ શી ખાસ છે? સનમ મારા કેમ ઉદાસ ઉદાસ છે?’

આંસુ આંખની અટારીએ અટકાવી માનસ મ્લાન હસ્યો. દિલ પર પથ્થર રાખી ભીના અવાજે એણે મધુની વાત કરી. અમેરિકા જવા માટે ભાઈ-ભાભીનું દબાણ, એમનું ઋણ એમના ઉપકાર, ભાઈ-ભાભીની મહેનત…માનસ એના રૂદન પર કાબૂ રાખી ન શક્યો.

‘બસ…?’ આછો નિઃશ્વાસ નાંખી સ્નેહા બોલી, ‘આટલી અમસ્તી વાત અને એનો આટલો મોટ્ટો બોજ…!’

‘સ્નેહા…આ…આ…’ માનસે ડૂસકું ભરતા કહ્યું, ‘મને માફ કરજે…!’

‘માફી શા માટે માંગે છે માનસ? મારા માનુ…જાનુ…તેં ક્યાં કોઈ ગુન્હો કર્યો છે? તેં તો પ્યાર કર્યો છે. નિઃસ્વાર્થ પ્યાર. પવિત્ર પ્રેમ…. અને માનસ પ્રેમ એ મુક્તિ છે. પ્રેમ બંધિયાર નથી. પ્રેમ હથિયાર નથી. બંધન નથી. મુક્તિ તરફનો પ્રવાસ છે.’ ઊંડો શ્વાસ ભરી સ્નેહા બોલી , ‘જા માનસ…! હું તને મુક્ત કરું છું! મેં દિલથી પ્રેમથી કર્યો છે, મનથી ચાહ્યો છે તને ખુદાથી વધુ. તું મારા દિલમાં હંમેશ રહેશે, ધબકશે….વિચાર તો કર, દિલ મારું હશે ને એમાં ધબકારા તારા હશે. મુક્ત કરીને ય હું તને પાસે રાખી રહી છું. સદાયને માટે…તું સુખી થા એ જ મારો પ્યાર છે, પૂજા છે…આપણે દાગ દિલમાં નથી લગાવ્યો છે. આપણે દિલને પ્યારથી સજાવ્યું છે. શણગાર્યું છે. સંવાર્યું છે…બે દિલ અલગ છે તો એક ધબકાર છે, માનસ એનું જ નામ તો પ્યાર છે.’

‘સ્નેહા….!’

‘રિ…ઇ….ઇ…ઈ…ઈ…ક્ષા….આ…આ….!’ સાવ અચાનક એક રિક્ષાને ઊભી રખાવી સ્નેહા ઝડપથી એમાં બેસીને જતી રહી. કંઈ જ કરી ન શક્યો માનસ…કંઈ જ કહી ન શક્યો માનસ…!

બસ આ છેલ્લી મુલાકાત હતી માનસની અને સ્નેહાની.

માનસે એનો જમણો હાથ એના હ્રદય પર મુક્યોઃ સ્નેહાના ધબકારનો સુર એમાંથી દૂર તો નથી થયો ને? સ્થિર થયેલ હિંચકાને એણે એક ઠેસ મારી માનસે બિયરનું ત્રીજું કેન ખોલ્યું. એની આંખો એની જાણ બહાર જ છલકાય રહી હતી. ગાલો પર ગંગા જમના વહી રહી હતી.

દિલમાં છે દરદ અને આંખોમાં અખૂટ પાણી;
ઓ ખુદા કેવી લખી તેં આ જિંદગીની કહાણી?

ગાલને એણે પવિત્ર થવા દીધા. દિલ જો એમ હળવું થતું હોય તો ભલે…! આ આંસુ ય અદભુત પ્રવાહી છે. એ ક્યાં કદી એમને એમ વહે છે? સઘળા દુઃખ દરદને ક્યારેક તો એ ઓગાળીને જ રહે છે.

ભાગ્યચક્ર ફર્યું હતું. કઈ દિશામાં એ તો કોણ જાણે?

લગ્ન બાદ લગભગ છ મહિને માનસ ન્યુર્યોકના જે એફ કે એરપોર્ટ પર ઊતર્યો. સસરા રાજુભાઈ એના એક મિત્ર સાથે એને લેવા આવ્યા હતા. માનસની નજર એની પત્ની મધુને શોધતી હતી. રાજુભાઈ એના માતે જેકૅટ લઈને આવ્યા હતા. એ આપતા કહ્યું, ‘ઈટ ઈસ વેરી કૉલ્ડ…! બહુ ઠંડી છે. આ પહેરી લો.’

માનસને પુછવાનું મન થયુઃ મધુ ન આવી?? પણ એને સંકોચ થયો. ઘરે આવી ગયા બાદ પણ મધુ ક્યાંય નજરે ન આવી.

‘તમે આરામ કરો. મારે સબવે પર જવું પડશે. આઈ હેવ ટુ ગો…’ રાજુભાઈએ કારની ચાવી રમાડતા કહ્યું. માનસની સાસુએ એને પાણી આપ્યું. માનસને ઠંડી લાગતી હતી. એણે બે ઘૂંટ પીધા.

‘આવો…! અંદર…!’ વિશાળ ઘરમાં અંદર જતા સાસુએ એને દોર્યો, ‘આ તમારો રૂમ છે. અંદર જ બાથરૂમ પણ છે. આરામ કરો. ભૂખ લાગી હોય તો….’

‘ના….ના….! વિમાનમાં ખાવાનું આપેલ. મને ભૂખ નથી.’ પોતાની બન્ને બેગ એ વારાફરતી રૂમમાં લઈ આવ્યો.

‘………..ઓ…..કે…’ એની સાસુએ કંઈ ખાસ આગ્રહ ન કર્યો.

‘મધુ નથી?’ આખરે માનસે પૂછી જ નાખ્યું.

‘ઓ… મ…ધુ…ઊ…!’ સહેજ અચકાયને સાસુએ કહ્યું, ‘એની ફ્રેન્ડની બર્થ ડે પાર્ટી છે એમાં ગઈ છે એ. ટુમોરો તો આવી જશે. એનું નક્કી જ હતું એટલે શી હેસ ટુ ગો…! એણે જવું પડ્યું…’

-તો વાત આમ હતી…!

બીજે દિવસે છેક સાંજે મધુ આવી હતી. તે પહેલાં ન તો એનો કોઈ ફોન આવ્યો ન કોઈ મૅસેજ…! એ આવી પણ એના ચહેરા પર મેરા પિયા ઘર આયાનો કોઈ આનંદ નહતો. ઉત્સાહ નહતો. સાવ કોરો ચહેરો…ભાવહિન !! મધુ માટે માનસ જાણે એક સાવ અજાણ્યો જણ હતો. એ રાતે બન્ને સાથે સુતા. હતા પતિ પત્ની. પણ પતિ પત્ની વચ્ચે થવા જેવો કોઈ વ્યવહાર ન થયો. માનસે પુરુષસહજ પહેલ કરી.

‘ગિવ મી સમ ટાઈમ…આઈ નીડ મોર ટાઈમ…!’ પડખું ફરી મધુ સૂઈ ગઈ.

-આમને આમ આખે આખી જિંદગી આપી દીધી મેં તો મધુ તને …!’ માનસે બિયરનું કેન ખાલી કર્યું.

દિવસે દિવસે માનસને મધુનો પરિચય થવા લાગ્યો. મધુના કુટુંબનો પરિચય થવા લાગ્યો. મધુએ એના માતા પિતાના દબાણવશ એમના ઈમોશનલ અત્યાચારને કારણે જ માનસ સાથે લગ્ન કર્યા હતા. આ મધુએ જ એને કહ્યું હતું. વળી મધુને કોઈ માનસિક તકલીફ પણ હતી. ક્યારેક એ બહુ ઉત્સાહથી વાતો કરતી. માનસને પ્રેમથી નવડાવી દેતી. તો ક્યારેક સાવ અજાણી બની જતી. ફાટે દોરે એને જોતી રહેતી. ક્યારેક દિવસોના દિવસો સુધી એક શબ્દ ન બોલતી. તો ક્યારેક બોલવાનું શરૂ કરતી તો બંધ જ ન કરતી. ક્યારેક એન શરીરને સ્પર્શ પણ ન કરવા દેતી તો ક્યારેક આક્રમક બની વારંવાર શારિરીક સુખ ભોગવવા માટે અત્યાગ્રહી બની માનસને પરેશાન કરતી. અને માનસ એમ કરવામાં અસફળ રહે તો માનસને મ્હેણાં ટોણાં મારી ઈમ્પોટન્ટ કહેતી… !

-મધુને માનસિક રોગ હતો. માનવને ધીરે ધીરે ખ્યાલ આવી ગયો કે એની પત્ની મધુ બાઈપૉલર હતી. કભી શોલા કભી શબનમ હતી. એને કાયમી દવા લેવી પડતી. અને એ દવા ન લે તો એના માનસનું સંતુલન ખોરવાય જતુ. એને દવા લેવાની જરા ય ગમતી ન હતી અને દવા લેવાને બદલે, ગોળી નિયમિત ગળવાને બદલે એ કોઈ ન જૂએ એમ ફેંકી દેતી. અભ્યાસ તો એણે અડધેથી જ છોડી દીધો હતો. મધુના જ ભાઈ મેક તરફથી માનસને જાણવા મળ્યું કે મધુ બે વાર રિહેબમાં, માનસિક રોગોપચાર માટે રહી આવી હતી. અને ત્યાંથી પણ એ ભાગી આવી હતી.

-ઓહ…! માનસનો પનારો એક માનસિક રોગી સાથે પડ્યો હતો. એના સસરાના ત્રણ સબવે સેન્ડવિચના સ્ટોર હતા. બે ગેસ સ્ટેશનો હતા. અને  સાસુ સસરા બહોળા બિઝનેસને કારણે એક સ્ટૉરથી બીજે સ્ટૉર નિશદિન દોડતા રહેતા. ઘરે લીલી છમ નોટોનાનો વરસાદ થતો હતો. પણ એ લિલોતરીએ એમના સંતાનોને સુકવી દીધા હતા. એઓ મધુ અને મેકના સંસ્કારસિંચનમાં થાપ ખાય ગયા હતા. મેક તો ક્યારેક અઠવાડિયે બે અઠવાડિયે એકાદ વાર ઘરે આવતો. એ ક્યાંક એની સ્પેનિશ ગર્લ ફ્રેન્ડ આથે રહેતો હતો. એ કૉલેજ કદી જતો ન હતો. એ શું કરતો એ કોઈને જાણ નહોતી. એના પિતાના બિઝનેસમાં એને કોઈ રસ નહતો.

રાજુભાઈનો ઈરાદો તો માનસને ય એમનાં બહોળા બિઝનેસમાં જોતરી દેવાનો જ હતો. પણ માનસ ન માન્યો. એના એક પ્રોફેસરના મિત્ર ન્યૂ જર્સી ખાતે ફાયઝર ફાર્માસ્યુટિકલલ્સમાં કામ કરતા હતા. એનો ફોન નંબર હતો. અને એમના પર પ્રોફેસરે ભલામણપત્ર પણ લખી આપેલ. એમને ફોન કરતા માનસને ફાયઝર ફાર્માસ્યુટિકલ્સમાં એનાલિટીકલ કેમિસ્ટની નોકરી મળી ગઈ. માનસે બહુ આગ્રહ કરતા સસરાએ માનસને બે રૂમ રસોડાનું એક હાઊસ ભાડે લઈ આપ્યું. અમેરિકા આવ્યા બાદ લગભગ છ મહિના બાદ મધુને લઈ એ અલગ રહેવા ગયો. કાર ડ્રાઇવિંગ શિખી માનસે એક નાનકડી કાર પણ લઈ લીધી. મધુની હાલત ક્યારેક એકદમ બગડી જતી. અવકાશમાં એ તાકતી રહેતી. સુનમુન બની જતી. માનસનું કોઈ જ સગુ-વ્હાલું અહીં નહોતું. એ મૂંઝાતો. ગુંગળાતો. પણ શું થાય? મધુને સમજાવતો. દવા લેવા માટે દબાણ કરતો. અને નિયમિત દવા આપવાનો પ્રયાસ કરતો. એના મા-બાપને કહેતો કે મદદ કરો. પણ એમને એમના બહોળા બિઝનેસને કારણે સમય નહતો. દવા નિયમિત લેતી ત્યારે મધુ એકદમ સામાન્ય યુવતી બની જતી. ત્યારે એ માનસને પ્રેમથી, સ્નેહથી તરબતર કરી દેતી. અરે! માનસને એ જોબ પર પણ જવા ન દેતી. અચાનક આવતા ઝાંપટાઓથી માનસ ભિંજાય જતો.

-અને એમ કરતાજ સ્નેહલનો જન્મ થયો. માનસે બહુ કાળજી રાખી હતી કે સંતાન જલ્દી ન થાય. પરતું, માતા બનાવાને કારણે કદાચ મધુની માનસિક હાલતમાં સુધારો થાય પણ ખરો. અને જ્યારે સ્નેહલ મધુના ગર્ભમાં વિકસી રહ્યો હતો ત્યારે મધુની માનસિક હાલતમાં નોંધપાત્ર સુધારો પણ જોવા મળ્યો હતો.

-સ્નેહલ…! એનો એકનો એક પુત્ર! આજે તો યુએસમાં એક ખ્યાતનામ હાર્ટ સર્જ્યન થઈ ગયો હતો. સ્નેહલને જ કારણે જ એને જીવન જીવવા જેવું લાગતું હતું. સ્નેહલ આજે ઈન્ટરનેશનલ હાર્ટ કૉન્ફરન્સમાં એનું પેપર પ્રેઝન્ટ કરવા ડલાસ ગયો હતો. આવતી કાલે આવવાનો હતો. સ્નેહલ વિક એન્ડ મોટા ભાગે એના ડેડ સાથે જ પસાર કરતો.

સ્નેહલનો નાક નકશો માનસ જેવો જ હતો. એને મોટો કરવામાં, ઊછેરવામાં કેટ કેટલી તકલીફ પડી હતી માનસને! અરે! એક વાર તો બાથ આપતી વખતે મધુએ સ્નેહલને લગભગ ડૂબાડી જ દીધો હતો. એ તો સારું હતું કે દિવસે રવિવાર હતો અને માનસ ઘરે હતો. માનસ સીપીઆર જાણતો હતો એટલે એ સ્નેહલને બચાવી શક્યો હતો. ધીમે ધીમે મધુએ દવા લેવાની બંધ કરી દીધી હતી. માનસ એને ધમકાવી, સમજાવી પટાવી દવા ખવડાવતો. એના સાસુ સસરાને ફરિયાદ કરતો. પણ એમણે તો બળતું ઘર કૃષ્ણાર્પણ કર્યું હતું. એમણે તો હાથ ઊંચા કરી દીધા. મધુના રોગે જોરદાર ઊથલો માર્યો હતો. ક્યારેક તો એ આક્રમક બની જતી. માનસે પણ મધુના હાથના તમાચા ખાવા પડતા. અનિયંત્રિત બની જતી. સ્ક્રિક્ઝોફેનિક બની જતા મધુને રિહેબમાં ફરી દાખલ કરવી પડી. નાનકડા સ્નેહલને વહેલી સવારે ડે કેરમાં મૂકી આવતો. સાંજે ઘરે આવતા લઈ આવતો. રસોઈ કરતો. નોકરીમાં માનસની પ્રગતિ થઈ હતી. એને પ્રમોશન મળી ગયું  અને એ રૉ મટિરિયલ વિભાગનો ડાયરેક્ટર બની ગયો હતો. માનસને સ્નેહાની યાદ સતત સતાવતી. એને થતુઃ સ્નેહાને છોડવાની જ એ સજા ભોગવી રહ્યો હતો….!

ક્રિસમસની રજાઓ હતી. મધુને મળવા ગયો હતો માનસ સ્નેહલને રિહેબ ખાતે. મધુ હવે સામાન્ય લાગતી હતી. એને ય ઘરે આવવું હતું. સ્નેહલ પણ હવે તો ત્રણ વરસનો થઈ ગયો હતો. એણે ય મોમ સાથે રહેવું હતું. ડૉક્ટરને માનસ મળ્યો. તહેવારોની મોસમ હતી. જો સ્નેહા બરાબર નિયમિત દવા લે તો ડાક્ટરે એને ઘરે લઈ જવાની મંજૂરી આપી દીધી. અને મધુએ દવા લેવાનું પ્રોમિસ આપ્યું સ્નેહલના માથા પર હાથ મૂકીને.

ઘરે આવી મધુને બહુ સારું લાગ્યું. એની ગેરહાજરીમાં માનસે ઘર સાફ સુથરું રાખ્યું હતું. એના મધુએ વખાણ પણ કર્યા. સજાવેલ ક્રિસમસ ટ્રિની આસપાસ ગિફ્ટ પણ ગોઠવવામાં આવેલ હતી. એમાં સ્નેહલ માટે મોમ તરફથી ય ભેટ હતી એ જોઈને અને જાણીને મધુ રાજી રાજી થઈ ગઈ. સ્નેહલ તો મોમને છોડતો જ નહતો. માંડ એને એના રૂમમાં સુવડાવી મધુ માનસન પડખે ભરાઈ. ઘણા દિવસો બાદ એ માનસને વિટળાઈને સુતી. બન્ને ઉત્કટ શારિરિક સુખ ભોગવી નિંદ્રાધીન થયા.

-ટ્રિંગ… ટ્રિંગ… ટ્રિંગ… ટ્રિંગ….

વહેલી સવારે ફૉનની રિંગ વાગતા માનસ એકદમ ઝબકીને જાગી ગયો. એણે પડખે જોયું. મધુ નહોતીઃ જાગી પણ ગઈ…! વિચારી આંખો ચોળી એણે ફોન ઉપાડ્યો, ‘હ….લ્લો….!!’

‘…………………..!!’ માનસના હાથમાંથી કૉડલેસ ફોનનું રિસિવર પડી ગયું. સાવ અવાચક થઈ ગયો માનસ. સામે છેડે પોલિસ હતી. અમે એમણે જે માહિતિ આપી એ ચોંકાવનારી હતી. મધુએ માનસની કાર સાથે ઘરની નજીક આવેલ એક લેઈકમાં મોતની ડૂબકી લગાવી હતી. જ્યારે એ ઊંઘમાં હતો ત્યારે ચૂપકીદીથી મધુએ કાર ડ્રાઈવેમાંથી હંકારી મૂકી હતીઃ દુનિયાને આખરી અલવિદા કરવા…!

-ઓહ…! એણે તરત જ એના સસરાને ફોન કર્યો અને ઊંઘતા સ્નેહલને કાર સિટમાં નાંખી એ પોલિસે કહેલ જગ્યાએ ગયો. પોલિસે કાર ખેંચી નાંખી હતી અને મધુનો દેહ ઑટોપ્સી માટે મોકલી આપ્યો હતો. મધુ દગો દઈ ગઈ. માનસને એની જીવનસંગિની મધુ સાવ છેતરી ગઈ હતી….કાણી જીવન નૌકા સાથે પુરે પુરી વૈતરણી તરી ગઈ હતી!!

-શા માટે?? શા માટે?? મધુ કેટ કેટલી સાચવી હતી મેં તને? અને તેં છે…ક આવું કર્યું??!! માનસની આંખો બન્ને કાંઠે છલકાય ગઈ.

સાવ એકલો થઈ ગયો માનસ.

વિચાર કરી માનસે ભાઈભાભીને દેશથી બોલાવી દીધા. એઓ તો આવવું જ હતું. એમના આવવાથી સ્નેહલની ચિંતા સાવ ઓછી થઈ ગઈ. માનસના લગ્ન મધુ સાથે કરવા માટે એમને દબાણ કર્યું હતું. માનસને એમાં કોઈનો દોષ જણાતો નહતો. એની જિંદગીની કહાણી જ એમ લખાણી હતી. તો કોઈ શું કરે એમાં? ભાભી ઘર સંભાળતા. ભાઈને એક ભારતિયની મૉટેલ પર કામ મળી ગયું. એમના સંતાનોને સ્કૂલમાં ઍડમિશન અપાવી દીધું. સમય પસાર કરવા માનસે ફરી અભ્યાસ કરવા માંડ્યો. ફાયઝરમાં એની ઉત્તરોત્તર પ્રગતિ થઈ અને એ રો મટિરિયલ ડિપાર્ટમેન્ટનો વાઇસ પ્રેસિડેન્ટ બની ગયો. ન્યુ જર્સીની ઠંડી મોટાભાઈને માફક ન આવતા એમને હ્યુસ્ટન ખાતે નાનકડી મૉટેલ લઈ આપી. અને એમનું કુટુંબ એમાં વ્યસ્ત રહેતું અને બે પાંદડે થયું હતું. સ્નેહલ ભણવામાં હુંશિયાર હતો. સ્નેહલ અભ્યાસમાં તેજ તો હતો જ અને હાર્ટ સ્પેશ્યાલિસ્ટ બની ગયો હતો. મોટાભાઈ-ભાભીએ માનસને બીજા લગ્ન કરવા માટે બહુ સમજાવ્યો, દબાણ પણ કર્યું. પણ આગ સાથે બીજીવાર ખેલ ખેલવા તૈયાર ન હતો. એક વાર યુએસ આવ્યા બાદ ફરી કદી એ દેશ ગયો નહતો. એ કહેતો કે દેશના હવા પાણી સાથે અંજળપાણી પુરા થયા. અને જાય તો પણ કયા મ્હોંએ એ દેશ જાય….?? સ્નેહાને એ શું જવાબ આપે? સ્નેહાની યાદ માનસને સતાવતી રહેતી. આવતી રહેતી. સ્નેહાને એણે કદી અલગ જ કરી ક્યાં હતી. દિલમાં વસાવી હતી સ્નેહાને…! એકલો એકલો એ ક્યારેક સ્નેહા સાથે વાતો કરતો રહેતો. સ્નેહાને પ્રેમ પત્રો લખતો. ફાડી નાંખતો. કેટલાંય પ્રેમપત્રોનાં એણે બે મોટા મોટા ફોલ્ડર બનાવ્યા હતા. એ પ્રેમપત્રોમાં શબ્દેશબ્દ સ્નેહ નિતરતો હતો…! પવિત્ર પ્રેમ પ્રજવતો હતો. દિવ્ય પ્રેમ દેદીપ્યમાન થતો હતો. એ પત્રોમાં એની જિંદગીની કહાણીના એક એક પ્રકરણો સચવાયા હતા. સ્નેહા માટે સાડીઓ, ડ્રેસ લાવીને એ ક્લૉઝેટમાં લટકાવતો. કેટલાંય કિમતી ઘરેણા લાવ્યો હતો સ્નેહા માટે…! અરે…! ક્યારેક તો સ્નેહા વતી ખુદને પ્રેમપત્ર લખી પૉસ્ટ કરતો. એકવાર તો સ્નેહા વતી ખુદને લખ્યું હતુઃ

જાનુ! લોક તો રહી જતે બસ આપણી વાત કરીને,
શું મળ્યું સનમ? મને જિંદગીમાંથી બાકાત કરીને!

આંખો બંધ કરતા એને સ્નેહા દેખાતી. સપનાંમાં આવીને સતાવતી કે ક્યારેક સપનાંમાં એ સ્નેહાને સતાવતો. શતરંજની બાજીઓ મંડાતી. ક્યારેક એ હારતો તો ક્યારેક સ્નેહા જીતતી.

-સ્નેહા…સ્નેહા…સ્નેહા….!!  આ છેલ્લું જ કેન ડાર્લિંગ…! સ્વગત્‍ બોલી માનસે બિયરનું ચોથું કેન ખોલ્યું અને ઘૂંટડો ભર્યોઃ તું તો જાણે છે ને વ્હાલી…! હું ક્યાં કદી પીઊં છું? બસ, આ વિક એન્ડ છે તો.. જસ્ટ ફોર રિલેક્ષ…! માનસને હલકો હલકો નશો થવા લાગ્યો હતો. હવે એ મોટે મોટેથી સ્નેહા સાથે વાત કરવા લાગ્યો હતો, ‘આજ સુધી હું ક્યાં મારા માટે જીવતો હતો? તું જ કહે…ટેલ મી… ટેલ મી…ટેલ મી…! પણ તું ક્યાં કંઈ કહે જ છે? જ્યારે કંઈક કહેવાનું હોય ત્યારે જ નથી કહેતી !! બસ તારા આ પરવાળા જેવા હોઠ સીવી દે…! ફોર..ગો…ડ સેઈક…!! પ્લિ…સ કંઈક તો બોલ…!’

‘અરે…ડેડ ?? કોની સાથે વાત કરો છો??’ સ્લાઇડિંગ ડૉર ખસેડી સ્નેહલ અચાનક ડેક પર આવ્યો. ચિંતાતુર અવાજે એ બોલ્યો, ‘ડે…ડ….!! તમે તો કપડાં પણ બરાબર નથી પહેર્યા. ઈટ ઈસ કૉલ્ડ…’ જલ્દીથી અંદરથી શાલ લઈ આવ્યો અને માનસના ખભા પર નાંખી.

‘તું…!? તું તો કાલે આવવાનો હતોને?’ માનસે શાલ બરાબર વિંટાળી. હવે એ વર્તમાનમાં આવી ગયો હતો. એને પણ ઠંડીનો અહેસાસ થયો, ‘સો…ઓ…ઓ…ડૉક…! હાઊ વોઝ યોર ઇન્ટરનેશનલ હાર્ટ કૉન્ફરન્સ…?’ મોટે ભાગે એ માનસ સ્નેહલને ડૉક કહીને જ સંબોધતો…!

‘ઈટ વોઝ ગ્રે…ઈ…ટ ડેડ…!’ બે ખુરશી સ્નેહલે હીંચકા સામે ગોઠવી, લાઈટ સળગાવતા ડેકની ચાર ખૂણે ગોઠવેલ દૂધિયા ગોળા પ્રકાશમાન થયા. માનસે ખાલી કરેલ બિયરના કેન એણે રિસાયકલના ગાર્બેજ કેનમાં નાંખ્યા, ‘ડેડ…વિ હેવ ગેસ્ટ…!’ અંદર જઈ એક યુવતીને દોરી એની સાથે એ ડેક પર આવ્યો. યુવતીએ નીચે વળીને માનસના ચરણસ્પર્શ કર્યા અને હળવેથી એ ખુરશી પર ગોઠવાઈ.

યુવતી પર માનસની નજર પડી. એ ચોંકી ગયો. એણે આંખો ચોળી…!!

‘મીટ ડૉક્ટર માનસી ફ્રોમ મુંબાઈ….!’

‘……………….!’ માનસ આવ અવાચક્‍.

‘નમસ્તે અંકલ…!’

‘ન..ન…ન…નમસ્તે…એ…’ માનસની જીભ લોચા વાલતી હતી. હ્રદયના ધબકારા વધી ગયા હતા…! ધક… ધક… ધક…! ધબકારા ખુદના કાનમાં સંભળાતા હતા. એ ટીકી ટીકી ડૉક્ટર માનસીને જ જોઈ રહ્યો હતો. એ જ ગોળ ચહેરો…એ જ નાનકડું નમણું નાક…. એ જ મારકણી કથ્થઈ આંખો… એ જ લાંબી ભ્રમરો…એ જ પરવાળા જેવા ગુલાબી હોઠ…! જાને સ્નેહા એના મનોપ્રદેશમાંથી બહાર આવી સામે ગોઠવાઈ ગઈ હતી. સાવ બેશરમ બની માનસ માનસીને જ જોઈ રહ્યો હતો.

‘ડૉક્ટર માનસી મુંબાઈ હિન્ડુજા હૉસ્પિટલમાં કાર્ડિયાક સર્જ્યન છે.’ સ્નેહલે ઓળખાણ આગળ વધારતા કહ્યું.

‘……………….!’ માનસ તો ચૂપ જ. એ વિચારતો હતોઃ છે તો એ જ…! સ્નેહા જ…! પણ અહીં કેવી રીતે? એ અહીં ક્યાંથી હોય…? મારો ભ્રમ છે…!

‘માનસી વોન્ટ ટુ સી ન્યુયોર્ક… સો અમે બન્ને આજે આવી ગયા….!’

‘વો…વો…ઓ…ટ ઇસ.. યોર મૉમ…..તારી મમ્મીનું નામ શું…??’ ધ્રૂજતા અવાજે માનસે પૂછી જ નાંખ્યું, ‘સ્નેહા તો નથીને?’

‘યસ…!!’ એકદમ ચમકીને માનસી બોલી, ‘ પણ તમે કેવી રીતે જાણો….? હાઊ ડુ યુ નૉ…??’

હીંચકા પરથી માનસ હળવેથી ઊભો થયો. એના રોમ રોમમાં કંપનો થઈ રહ્યા હતા. રૂંવે રૂંવે સંતુર વાગી રહ્યું હતું. એના ખભા પરથી શાલ સરકીને ડેકની ફરસ પર પડી. નીચા નમીને ખુરશી પર બેઠેલ માનસીના કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું અને બાવડેથી માનસીને બળપૂર્વક ઊભી કરી એ માનસીને ભેટી પડ્યો. માનસીને સંકોચ થતો હતો. એને કંઈ સમજ પડતી નહતી. માનસની આંખોમાંથી ગંગા જમના વહેતી હતી. ધ્રૂજતા કદમે એ ફરી હીંચકા પર ધબ દઈને બેસી પડ્યો. ભીની ભીની આંખે મંદ મંદ હસતો માનસ કંઈક અજબ લાગતો હતો.

‘યુ આર માનસી…બિ…કૉ..ઝ… માય નેઈમ ઈસ માનસ…!’ ડૂંસકું લઈ હસીને માનસ બોલ્યો. સ્નેહલને કંઈ સમજ પડતી નહતી. એને ચિંતા થઈ આવી એના ડૅડની. એ માનસની બાજુમાં ગોઠવાયો અને ટીસ્યુ પેપર આપી પૂછ્યું, ‘ડેડ.. આર યુ ઓકે…?’

‘આઈ એમ ફાઈન…ડૉક…!’ માનસે નાક સાફ કરી કહ્યું, ‘સોરી… આઈ એમ વેરી સોરી… બટ આઈ કુલ્ડ નૉટ સ્ટોપ માઇસેલ્ફ…! હાઊ ઇસ સ્નેહા…??’ એની આંખોમાં છલોછલ પ્રેમ છલકાય રહ્યો હતો.. માનસી માટે…સ્નેહા માટે…!

‘મોમ મજામાં છે. ગઈ કાલે જ ફેઈસબુક પર એની સાથે વિડીયો ચાટ કરી હતી. હજુ માનસીને સંકોચ થઈ રહ્યો હતો, ‘બ….ટ….!’

માનસીને અટકાવી માનસ બોલ્યો, ‘તારે એ જ જાણવું છે ને કે હું કેવી રીતે તારી મોમને ઓળખું…! તો બેટા… ડિયર… એ એક લાં…બી કહાણી છે. પણ મને પહેલાં એ કહે કે તારા ડેડ… પપ્પા શું કરે છે…?કેમ છે…?’

‘……………….!’ હવે ચુપ રહેવાનો વારો હતો માનસીનો. સહેજ અટકીને ધીરેથી એ બોલી, ‘ મેં મારા પપ્પાને  ફોટામાં જ જોયા છે!’ ઊંડો શ્વાસ લઈ એ બોલી, ‘હું જ્યારે છ મહિનાની હતી ત્યારે જ સ્કૂટર એક્સિડન્ટમાં …’

‘ઓહ….! આઈ એમ વેરી સોરી ટુ હિયર…’ માનસ પણ ગમગીન થઈ ગયો, ‘ તો પછી સ્નેહાએ…??’

‘ના…મૉમ એકલીએ જ મને મોટી કરી. ઊછેરી. સહુએ બહુ સમજાવી હતી. ખાસ તો નાના-નાનીએ. અરે દાદા-દાદીએ પણ. બટ મોમે બીજીવાર લગ્ન કરવા માતે ના જ પાડી દીધી!’ સહેજ અટકીને થૂંક ગળી માનસી બોલી, ‘મોમ મને કહેતી રહે છે કે એને કોઈનો ઈંતેજાર છે… અને એ એની રાહ જોશે જિંદગીભર…!ભવોભવ…! પણ હવે મને લાગે છે કે…….’

‘…..કે એ.. ઈંતેજાર હવે પુરો થઈ ગયો…!’ હસીને માનસે વાતનું અનુસંધાન કરતા કહ્યું, ‘ડોક, માય સન…! બુક ટિકિટ રાઈટ નાઊ…ટુ મુંબાઈ…એની એરલાઈન…એની ક્લાસ…! મારી રાહ જોઈ રહી છે સ્નેહા…!!બહુ રાહ જોઈ છે એણે મારી….’

બીજે દિવસે જ્યારે ન્યુ જર્સીના નૂવાર્ક એરપોર્ટ પરથી કૉન્ટિનેંટલ એરલાઈનની ફ્લાઇટ સીઓ ૪૮ હવામાં તરતી થઈ ત્યારે માનસ-સ્નેહાની જિંદગીની કહાણીના નવા પ્રકરણનું પહેલું પાનું લખાઈ રહ્યું હતું…

(સમાપ્ત)

(શું આપને આ વાર્તા પસંદ આવી? નિરાંતે વાંચવી છે? મિત્રોને ઈમેઇલ કરવી છે ? પીડીએફમાં મેળવી પ્રિન્ટ કરવી છે? તો  ‘જિંદગી – એક કહાણી…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરવા વિનંતિ છે.)