આશ્રય…(માઇક્રો ફિક્સન વાર્તા)

‘હલ્લો,’ કુલભૂષણે લેન્ડ લાઈન ફોનનું રિસીવર ઉપાડી આતુરતાથી કહ્યું, ‘જાગીરદાર રેસિડન્સ..’

‘કુલભૂષણભાઈ, હું ‘આશ્રય’થી બોલું છું.’

‘ઓકે! લિસન, જો મારા પપ્પાની તબિયત ખરાબ હોય કે કંઈ પ્રૉબ્લેમ હોય તો એમને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી દેજો.’  કુલભૂષણે એના સિત્તેર વરસના પિતાજી શ્રી શાંતિભૂષણ જાગીરદારને એક મહિના પહેલાં જ શહેરના છેવાડે આવેલ ‘આશ્રય વૃદ્ધાશ્રમ’માં દાખલ કર્યા હતા. કુલભૂષણના ચહેરા પર કંટાળાના ભાવ આવી ગયા, ‘જુઓ ભાઈ, અમે અહીં ઘણા પ્રોબ્લેમમાં છીએ.’

‘અરે કુલભૂષણભાઈ, તમે સાંભળો તો ખરા!’ સામેથી પેલા શખ્સે કહ્યું, ‘હું તમારા પપ્પાની વાત નથી કરતો. આ તો આજે તમે પેપરમાં જે જાહેરાત આપી છે ને કે તમારો ટૉમી ખોવાય ગયો છે અને એના વિશે માહિતી આપનારને કે શોધનારને વીસ હજાર રૂપિયાનું ઇનામ મળશે. તો તમારો ટૉમી અહીં અમારા ‘આશ્રય’ ખાતે આવી ગયો છે. બે દિવસથી. અમને તો એમ કે કોઈ શેરીનો રખડતો કૂતરો હશે. એ અમારા સહુ વડીલો સાથે એ બહુ હળીમળી ગયો છે અને ટૉમી તમારા પપ્પા શાંતિભૂષણજી સાથેને સાથે જ રહે છે. અમારા ‘આશ્રય’ને પૈસાની ખાસ જરૂર છે તો તમે તમારા ટૉમીને લઈ જાઓ અને અમને વીસ હજાર આપો એટલાં માટે મેં ફોન કર્યો!’

(સમાપ્ત)