કુંડાળું

(મારી વાર્તા ‘ થેન્ક યુ ડૉક્ટર…’ અને અન્ય વાર્તાઓના પ્રતિભાવો બદલ આપ સહુ સાહિત્યરસિક સ્નેહીજનોનો હું ખૂબ ખૂબ આભારી છું. આપના પ્રતિભાવો કોમેન્ટસ્ મારા માટે અભિપ્રેરણા બને છે.

મારી વાર્તા ‘જિંદગી એક સફર…’આપ સહુએ માણી જ હશે. એ વાર્તા વાંચ્યા બાદ ઘણા મિત્રોએ એ વાર્તાનો નવો અર્થસભર અંત સુચવેલ. એ વાંચકોની સુચનાનુરૂપ નવીન અંત સાથેની ‘જિંદગી એક સફર…’ ન્યુ જર્સીના ખ્યાતનામ માસિક ‘તિરંગાના પાના શોભાવનાર છે! આ માટે ‘તિરંગા’ના પ્રકાશક અને માલિક શ્રી નિતીનભાઈ ગુર્જરનો હું હાર્દિક આભારી છું. હાલે ‘તિરંગા’ ના પૃષ્ઠો પર મારી એક પ્રેમ કથા ‘બહારે ફિરભી આતી હૈ…’ પ્રકાશિત થઈ રહી છે એ આપની જાણ ખાતર.

હવે માણો સુરત, વડોદરાના સમાચારો અને એક તબીબના જીવનમાં બનેલ ઘટનાની પૃષ્ઠભૂમિ હેઠળ લખાયેલ મારી સાવ અનોખી વાર્તા ‘કુંડાળું’ સહુ પ્રથમ અહિં આપના મનપસંદ બ્લોગ પર.

હરહંમેશની માફક આપના ભવ્ય પ્રતિભાવની/પ્રેરણા/કોમેન્ટની અપેક્ષા રાખું છું. વાર્તાના અંતમાં comments લખેલ શબ્દ ક્લિક કરવાથી કોમેન્ટ લખી શકાશે.)

કુંડાળું

નવસારી ગણદેવી રોડ પર આવેલ નવાગામના પાદરે ડૉક્ટર અવિનાશ અને ડૉ અવનિનું ‘મમતા ફર્ટિલિટિ સેન્ટર’ રોજની જેમ આજેય પ્રવૃત્તિથી ધમધમતુ હતું. ડૉક્ટર અવિનાશ અને અવનિ સાથે જ ભણતા અને તબિબીશાસ્ત્રનું ભણતા ભણતા બન્નેએ પ્રેમશાસ્ત્રના પાઠો ય પાકા કરી લીધા હતા. અવિનાશ સ્ત્રીરોગના નિષ્ણાત-ગાયનેકોલોજીસ્ટ તો અવનિ હતી રેડિઓલોજીસ્ટ. થોડા સમય નવસારીની વિવિધ હોસ્પિટલમાં બન્નેએ સેવાઓ આપી. ત્યારબાદ પોતાનું જ ફર્ટિલિટિ સેન્ટર સ્થાપવાનું વિચાર્યું. અવનિએ શહેરથી બહાર કુદરતી વાતાવરણમાં સાવ જ અનોખા  પ્રકારના કેન્દ્રની દરખાસ્ત મુકી ત્યારે અવિનાશને  થોડી શંકા થયેલ કે પેશન્ટ ત્યાં આવશે કે કેમ? પણ એને અવનિમાં વિશ્વાસ હતો. નવસારી ગણદેવી રોડ પર, નવસારીથી લગભગ પંદરેક કિલોમિટરે દશ એકરની વિશાળ જગ્યા પર આજે એમનું ‘મમતા ફર્ટિલિટિ સેન્ટર’ દેશનું અગત્યનું સ્ત્રીરોગ નિવારણનું અને સંતાન વિહોણા સ્ત્રી-પુરૂષો માટેનું આશિર્વાદ આપનારું એક યાત્રાધામ બની ચુક્યું હતું. અત્યાધુનિક સારવાર માટે સર્વે પધ્ધતિ અને સાધનોથી સજ્જ એવા આ સેન્ટરની કેટલીય ખાસિયતો હતી. ડૉ. અવિનાશના માર્ગદર્શન હેઠળ ઈન્વિટ્રો, ટેસ્ટટ્યુબ બેબી વગેરેના સંશોધન માટે અત્યાધુનિક લૅબ હતી તો ડૉ. અવનિના ઈમેજીંગ સેન્ટરમાં સામાન્ય એક્ષરેથી માંડીને આધુનિક અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન અને દરેક પ્રકારના એમઆરઆઈની  સુવિધાઓ હતી.

પ્રદુષણથી દુર એવા આ સંકુલમાં રોડની એક તરફ અવિનાશ-અવનિનો બંગલો હતો તો સામે સેન્ટરના વિશાળ મુખ્ય મકાનમાં બન્નેના વિભાગો સામસામે હતા અને  ફરતે વર્તુળાકારમાં પચ્ચીસ જેટલા રુમો એકબીજાથી અલગ હતા અને દરેક રૂમને ફરતે નાનકડો બગીચો એ રુમોને શોભાવતો. બધા રૂમમાં રોશની અને ગરમ પાણી માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં આવતો. આખા ય વિસ્તારમાં વિવિધ નાળિયેરી, આસોપાલવ, આંબા, ચીકુ વગેરે વૃક્ષોની વનરાજી પર પંખીઓ કલબલાટ કરતા રહેતા તો રુમમાં નવજાત શિશુઓના મીઠા રૂદનના ગુંજનો થતા રહેતા.

‘તો…દીકરા..માહી!’ ડૉ. અવિનાશે કેસ પેપરમાં નજર કરી એમની સામે બેઠેલ બાવિસેક વરસની છોકરી તરફ નિહાળી સહેજ હસીને કહ્યું, ‘એવરિથીંગ ઈસ ઓકે!’ ત્યારબાદ એની સાથે આવેલ સ્ત્રીને કહ્યું, ‘ફિકર-ચિંતાની કોઈ જરૂર નથી. હું થોડા વિટામિન અને એક બે ગોળીઓ લખી આપું છું. એ બરાબર લેજે. થોડું હિમોગ્લોબિન ઓછું છે. પાલક, બિટ,ગાજર વગેરેનો સેલાડ ખાજે. ને ખુશ રહેજે. આ ફાઈલમાં હવે પછીની તારી દરેક ટ્રીટમેન્ટની વિગત છે. તારે એક મહિના પછી ફરી ચેકઅપ માટે આવવાનું છે ત્યારે અલ્ટ્રાસાઉન્ડ કરીશું! તારી ડ્યુ ડેઈટ સપ્ટેમ્બર ૨૩ની આસપાસની રહેશે.’ ડો અવિનાશે કેઈસ ફાઈલમાં એમની નોંધ ટપકાવવામાં ધ્યાન પરોવ્યું ને એ ચમક્યા. સામે બેઠેલ માહી એનું રૂદન રોકવા વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી. અને એમાં સફળ ન થતા એનો ડૂમો એક મંદ ડૂસકાંમાં પરાવર્તિત થયો. એઓ ગૂંચવાયા.

બરાબર એ જ સમયે અવનિએ ડૉ. અવિનાશના રૂમમાં પ્રવેશ કર્યો. જો કોઈ અવરોધ ન હોય તો સવારે દશ વાગ્યે બન્ને સાથે નાસ્તો કરતા. અવનિએ ડૉ. અવિનાશની રિવોલ્વવિંગ ચેરની બાજુમાં મુકેલ બીજી ચેર હળવેકથી ખસેડી સ્થાન લીધું અને ઈન્ટરકૉમનું રિસિવર ઉપાડી કહ્યું, ‘સુમિબેન, ચા-નાસ્તો લાવજો. બે ડિશ વધારે લાવશો.’

અવનિ પર નજર પડતા જ માહી નીચું જોઈ ગઈ. પરન્તુ, એની મૃગનયની આંખોમાંથી પડતા બે મોતીને એ ન જ રોકી શકી. અવનિએ અવિનાશ તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. તો અવિનાશના ચહેરા પર પણ નર્યું આશ્ચર્ય નીતરતું હતું.

‘કે…એ…એમ રડે છે બેટા?’ અવિનાશે માહી તરફ લાગણીથી નિહાળી પુછ્યું, ‘કહ્યુંને ડરવાની  કોઈ જરૂર નથી!’

ઑટોમેટિક બંધ થઈ જતા બારણે ટકોરા મારી સર્વિંગ ટ્રોલી પર ચા-નાસ્તો લઈને સુમિબેને પ્રવેશ કર્યો. બન્ને પેશન્ટને મળતો જ નાસ્તો સવારે કરતા. અવનિએ સુમિબેનને ચાના મગ અને નાસ્તાની ડિશો ગોઠવવામાં મદદ કરી. આજે નાસ્તામાં ઉપમા હતો. એની એક ડિશ માહીને આપતા ડૉ અવિનાશ બોલ્યા, ‘પહેલાં પહેલાં હોય ડર લાગે…! પણ ડરવાથી શું થાય? હં…!ચાલ જો, અમારા મહારાજે આજે ઉપમા કેવો બનાવ્યો છે એ ચાખી જો..! અરે…!! એમણે તો ઉપમામાં કાજુ પણ નાંખ્યા લાગે છે…!’ ચમચી વડે ડિશમાંથી ઉપમા મ્હોંમાં મુકાતા અવિનાશે માહી સાથે આવેલ સ્ત્રીને કહ્યું, ‘ લો, બહેન તમે પણ…’

‘દાકતર સાહેબ…’ માહી સાથે આવેલ સ્ત્રીએ એના આંસું પર કાબુ રાખી કહ્યું, ‘સાહેબ, માહી મારી એકની એક દીકરી છે…!’ સહેજ અટકી ઊંડો શ્વાસ લઈને એ બોલી, ‘એને બાળક નથી જોઈતું. અમને બાળક નથી જોઈતું…! એનો પગ કુંડાળામાં પડેલ છે.’ માહી તો હવે ધ્રૂસકે ધ્રૂસકે રડવા જ લાગી હતી!

‘તો…?’ અવિનાશે ધીમા અવાજે કહ્યું, ‘એમાં હું શું મદદ કરી શકું?’

‘સાહેબ, તમે એનો ભાર ઓછો કરી દો…!’ પાલવ વડે આંખો સાફ કરતા માહીની મા બોલી!

‘જુઓ બહેન..! આ મારૂં સેન્ટર કંઈ ગર્ભપાત કેન્દ્ર નથી! અહિં સંતાન વિહોણા લોકો માબાપ બનીને જાય છે.’

‘અમને ખબર છે. પણ અમને તમારા સિવાય બીજા ડૉક્ટર પર વિશ્વાસ નથી. તમારી દીકરી જેવી છે માહી…!’

ડૉ. અવિનાશની નજર એમના ડેસ્ક પર મુકેલ ફ્રેમ પર પડી. એમાં એક તસવીર હતી. એમની દીકરીની…વ્હાલસોયી મેઘાની…! ખળખળ વહેતા ઝરણાં જેવું હસતી મેઘાની…! પંખીની જેમ ફર..ર..ર કરતી ઊડી ગઈ હતી એ ક્યાંક દુર દુર ને રહી ગઈ હતી એની યાદોના સંભારણાના રૂપે…પુરાઈ ગઈ હતી હવે તો બસ એક તસવીર બની જે ફ્રેમમાં..જીવન  જાણે વિતી રહ્યું હતું એ કદી ફરી આવશે એ વ્હેમમાં…!!

ત્યારે સેન્ટરના મકાન  તૈયાર થઇ ગયું હતું અને નવા નવા જ રહેવા આવેલ. મેઘા બહુ જ ઉત્સાહિત હતી. હાયર સેકન્ડરીમાં હતી મેઘા. વિદ્યાકુંજમાં એ ભણતી. સેન્ટરમાં એકથી દશમાં તો આવશે એવી એને ખાતરી હતી.

‘પ..પ્પા..’ મેઘા હંમેશ કહેતી, ‘મારે તમારી બન્નેની જેમ ડૉક્ટર નથી બનવું. હું તો ઍસ્ટ્રોનટ બનીશ. નાસાએ મારો એસે પણ સિલેક્ટ કરેલ છે ને એ જ નાસા મને સ્પેશ શટલમાં લઈ જશે!!  હું તો ઊડી ને જઈશ અવકાશમાં…!’ નાસાએ મોકલાવેલ સર્ટિફીકેટ એના રૂમની દીવાલ પર મધ્યમાં એણે ટાંગેલ.

એ દિવસે અવિનાશને હોસ્પિટલમાં કોઈ  ઈમરજન્સી હતી તો અવનિ એની એપોઇન્ટમેન્ટસ્ કેન્સલ કરી શકે એમ ન્હોતી! ડ્રાઇવર સોમાભાઈ આવ્યો ન્હોતો. મેઘાએ સ્કૂલે જવાનું હતું.

‘પ..પ્પા…’ મેઘાએ ફોન કર્યો, ‘સોમાકાકા માંદા છે. નથી આવવાના. હું સ્કૂલે સ્કૂટી લઈ જાઉં?’

‘હા…’ અવિનાશે એકાક્ષરી જવાબ આપી ફોન કાપી નાંખ્યો. બસ…! આ જ છેલ્લી વાત થઈ હતી મેઘા સાથે. અંબિકા નદીમાંથી રેતી લઈ જતી કાળમુખી ટ્રકે મેઘાને અડફેટે લઈ લીધી હતી. અવિનાશ અને અવનિને જ્યારે જાણ થઈ ત્યારે બન્નેના પર જાણે દુઃખનો પહાડ તુટ્યો…! વરસો લાગી ગયા હતા એ આઘાતને પચાવતા. સ્પેશ શટલ વિના જ મેઘા અવકાશમાં પહોંચી ગઈ હતી અને એક શૂન્યવકાશ છવાય ગયો હતો અવિનાશના જીવનમાં…! એક ખાલીપો પાંગરી રહ્યો હતો અવનિના બાગ બાગ થઈ રહેલા જીવનમાં…! બન્નેએ પોતાનું સર્વ ધ્યાન એમના આરોગ્યધામમાં પરોવ્યું. તબીબી ઉદ્યોગ તરીકે વિકસાવેલ એ કેન્દ્ર હવે એક સેવાસદન બની ગયું હતું. ક્યારેક તો એક પણ પૈસો લીધા વિના બન્ને પોતાની સેવા આપતા. આહવા,વઘઈ, વાંસદા, ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોમાં એમણે આરોગ્ય કેમ્પ કરવા માંડ્યા. મેઘા એમને ગુરુવારે છોડી ગઈ હતી અને દર ગુરૂવારે એમના કેન્દ્ર પર જરૂરિયાત હોય એવા દર્દીઓની સાવ મફત સેવા સારવાર કરવામાં આવતી. મેઘાની મધુરી યાદમાં. મેઘા એમનાથી ક્યારે અલગ થઈ જ ક્યાં હતી?

અવિનાશે મેઘાની તસવીર પરથી માંડ નજર હઠાવી માહી તરફ પ્રેમથી નિહાળ્યું: મેઘા માહી જેવડી જ હોત…! રડી રડીને માહીની આંખોમાં ગુલાલ અંજાય ગયો હતો. એના મંદ મંદ ડૂસકાં જાણે અટકવાનું નામ લેતા ન્હોતા. હળવેકથી અવનિ ઊભી થઈ. રૂમમાં મુકેલ રેફ્રિજરેટરમાંથી મિનરલ વૉટરની બોટલ કાઢી ગ્લાસમાં પાણી ભરી એણે માહીને આપ્યું. એક ઘૂંટમાં માહી ગ્લાસ ખાલી કરી ગઈ. થોડા સમય માટે એક ખામોશી છવાય ગઈ એ રૂમમાં. ત્યાં જ આમ્રકૂંજમાં સંતાયેલ કોયલે મીઠો ટહૂકો કર્યોઃ કૂ…ઊ…ઊ…ઊ…

‘દાક્તર સાહેબ…!પ્લી..ઈ…સ…!! મારી માહીને…’ માહીની માએ વિનવણી કરતા કહ્યું.

‘માહી…!’ અત્યાર સુધી મૌન રહેલ અવનિએ માહી તરફ જોઈ કહ્યું, ‘શા માટે તારે આ બાળક નથી જોઈતું?! મજા તેં કરી અને એમાં આવનારા બાળકનો શો દોષ?!’

‘મેં કંઈ મજા નથી કરી…!મેં કોઈ મજા નથી કરી…!!’ સહેજ આક્રોશથી માહી બોલી.

અંદર અંદર કોઈ પીડા દબાવતી હોય એમ માહીએ રતુમડી થયેલ આંખો હળવેકથી બંધ કરી. એ દિવસે વરસનો છેલ્લો દિવસ હતો. એકત્રીસમી ડિસેમ્બર…! એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હૉસ્ટેલના એના રૂમમાં એ સવારથી વાંચી રહી હતી. કમ્પ્યુટર સાયન્સનું એનું છેલ્લું સેમિસ્ટર હતું. કૉલેજના છેલ્લા છેલ્લા છબિલા દિવસો…! જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં જ સેમિસ્ટર એન્ડ ઍક્ઝામ હોય ક્રિસમસ વેકેશન હોવા છતાં ય એણે ઘરે જવાનું ટાળ્યું હતું જેથી પરીક્ષાની બરાબર તૈયારી કરી શકાય! સવારથી એક ને એક વિષયનું વાંચીને હવે એને થોડો કંટાળો પણ આવવા લાગ્યો હતો. એણે એના એલાર્મ પર નજર કરી. સાંજના સાડા સાત વાગ્યા હતા. એણે એક આળસ ખાધી. ત્યાં જ એના રૂમનું બારણું ખોલીને ઉષ્મા ધસી આવી. ઉષ્મા એની બહેનપણી હતી. ઉષ્મા ફાઈન આર્ટસના  છઠ્ઠા સેમિસ્ટરમાં હતી. એણે ઘુંટણ પાસેથી ફાટેલું તંગ જિન્સ પહેરલું હતું અને એના પર ચપોચપ જિન્સનું જેકેટ ચઢાવ્યું હતું.

‘શું પ્રોગ્રામ છે આજની નાઈટનો…?!’ ઉષ્માએ માહીના હાથમાંથી પુસ્તક ખેંચી લઈ એના નટખટ નયનો નચાવતા પુછ્યું.

‘વાંચવાનું…વાંચવાનું…અને બસ વાંચવાનું…!’ હસીને માહી બોલી, ‘તારે શું ?! તું તો નવરી થઈ ગયેલ…! મારી તો એક ઍક્ઝામ બાકી છે ને બેનરજી સર તો બહુ ટફ છે…! તારે તો જે પ્રોગ્રામ બનાવવો હોય તે તું બનાવી શકે…! લકી યુ…!’

‘આઈ હેવ અ સરપ્રાઈઝ ફોર યુ…!’ એના ખાદીના બગલથેલામાંથી પર્સ કાઢી એમાંથી બે ટિકીટ કાઢી હવામાં ફરફરાવતા ઉષ્મા બોલી, ‘વ્હોટ ઈસ ધીસ…? ગેસ…!’

‘આઈ ડોન્ટ નો…!’ માહીએ રસ ન બતાવ્યો.

‘ઈટ્સ ઈસ અ એન્ટ્રી ઓફ ટુ પરસન્સ્ ફોર એ પાર્ટી ટુ નાઈટ…! એમ ને એમ તે કંઈ આજની રાત થોડી જ વિતાવાય?!  લાસ્ટ ડે ઓફ ધ યર…! આખી દુનિયા ધમાલ મચાવે તો…આપણે કંઈ એમને એમ રૂમમાં પુરાઈ રહીયે…?!ગેટ રેડી…! હોટેલ એક્ષપ્રેસમાં આજે આપણે ધમાલ મચાવવાની છે…! લેટ્સ પાર્ટી ટુ નાઈટ…!’

‘ના..! તું તારે જેટલી ધમાલ મચાવવાની હોય એટલી મચાવ અને  જેટલી કમાલ કરવી  હોય એટલી કર..! મને તો એમાંથી દુર જ રાખજે…!’

‘બસ…એટલી જ આપણી દોસ્તીને? એમ કે?? એમ કે..?!’  રિસાવાનો અભિનય કરતા ઉષ્મા બોલી, ‘ તું આવશે એમ કરીને તો મેં જેમતેમ કરીને બે એન્ટ્રી મેળવી. પાર્ટી એકદમ પેક છે. મુંબઈનો ડીજે ને ટ્રુપ આવવાનું છે સાથે છે કોયના મિત્રા..સેક્સી સિઝલીંગ કોયના!! જે કદી ન થાઈ કોઈની મિત્ર…! ને તું યા..યા..ર…!! છેક જ આમ પાણીમાં બેસી પડે એ કંઈ ચાલે…??કમ ઓન…! માહી…!’

‘કેટલાની પડી તને એન્ટ્રી…!’

‘પાંચ હજારનો એક પાસ છે…! પણ એવરિથિંગ ઓન મિ…!ઈટ્સ માય ટ્રિટ…!’ હસીને ઉષ્મા બોલી, ‘…તારે તો એક કાણી પાઈ નથી આપવાની…! સમજી…!’ એણે માહીનું નાક પકડી મચકોડ્યું, ‘લાસ્ટ ચાન્સ ટુ સેલિબ્રેટ ટુગેધર વિથ ફ્રેન્ડસ્…પછી તો કોન જાને તુમ કહાં હમ કહાં…બિચમેં હોગી બસ મિલો દુરિયાં…!’

‘એટલા પૈસા તારી પાસે આજે આવ્યા ક્યાંથી…?’ માહીએ એનું નાક છોડાવતા હસીને પૂછ્યું.

‘તારે બધી જ પંચાત મારી મા…! આટલા સવાલ તો મારી મમ્મી પણ ન કરે…!’ સહેજ ચીઢાયને ઉષ્મા બોલી, ‘તને તો ખબર છે ને મારા કેટલાય ક્લાયંટ્સ છે. એકની ઘરે એના ઈન્ટિરિયર સાથે મેચ થાય એવાં ચાર કેનવાસ મેં બનાવેલ…! એ એને બહુ જ ગમી ગયા…! એની આ ઈવેન્ટ મેનેજર સાથે બેઠક એટલે એણે મને બે એન્ટ્રી પાસ મેળવી આપ્યા…! ફ્રી…! હવે પાડા પંચાત બંધ કર ને.. ચાલ, જલ્દી જલ્દી ચેઇન્જ કર…! ને જોજે, પાછી ચૂડીદાર ન ચઢાવતી…! વિ આર ગોઈંગ ટુ સેલિબ્રેટ થર્ટી ફર્સ્ટ નાઈટ…! નોટ એ ગરબા…!’ માહીના કબાટમાંથી કાળા કલરનું જીન્સ કાઢી એને મેચ થાય એવું કાળા કલરનું જ સિલ્વર એમ્બ્રોડરી કરેલ ટીશર્ટ શોધી એણે માહી પર ફેંક્યું, ‘યુ આર લુકિંગ ગોર્જિયસ ઇન ધીસ બ્લેક એન્ડ બ્લેક…!’

‘મારી ઍક્ઝામ …!’

‘તારી ઍક્ઝામ ગઈ ભાડમાં…!!’ અંગ્રેજીમાં એક ગાળ બોલી ઉષ્માએ માહીને બળપુર્વક ઉભી કરી નાંખી, ‘…અ…ને મને ખબર છે…તારા ઈન્ટરનલ એટલાં છે કે તું આ એક ઍક્ઝામ ન આપે ને તો પણ બબૂચક બેનરજીનો બચ્ચો તારૂં કંઈ બગાડી નથી શકવાનો…!’

પછી તો માહી કાળજીપુર્વક તૈયાર થઈ. સહેજ લાંબા ગૌર ચહેરા પરના મૃગનયની નયનો પર આકાશી આઈ શેડો, પાછળ ખેંચીને બાંધેલ સીધા, લીસ્સા વાળની પોનિટેઇલ અને ભરાઉદાર ઓષ્ઠો પર આછા ગુલાબી રંગની લિપસ્ટીકને કારણે એનું સૌંદર્ય ખીલી ઊઠ્યું હતું. શ્યામ રંગના વસ્ત્રોને કારણે એની ત્વચા હોય એના કરતાં વધુ શ્વેત-ગુલાબી લાગી રહી હતી, ઊજળી લાગી રહી હતી. તૈયાર થયા બાદ એણે ઉષ્મા તરફ એક પ્રશ્નાર્થભરી નજર કરી.

‘ યુ લુક સ્ટનિંગ…!’ હસીને ઉષ્મા બોલી, ‘મારૂં ચાલે તો તને કાચીને કાચી ખાઈ જાઉં…!’ હવામાં બાચકા ભરવાનો અભિનય કરતાં એ બોલી.

‘બેસ બેસ ચાંપલી…! નીકળીશું હવે કે પછી  મારી સાથે તારે અહિં જ નાઈટ સેલિબ્રેટ કરવી છે…?!’ હસીને માહી બોલી. એનો સેલ ફોન અને નાનકડું પર્સ એણે ઉષ્માને આપ્યું જે ઉષ્માએ એના બગલથેલામાં સરકાવ્યું.

ઉષ્માના કાયનેટિક હોંડા પાછળ માહી ગોઠવાઈ. થોડા સમયમાં તો એઓ અલકાપુરી ખાતે હોટલ એક્ષપ્રેસ રેસિડન્સી પર આવી પહોંચ્યા. વાતાવરણમાં મીઠી ઠંડી હતી તો ય આ વરસે શિયાળો એટલો આકરો નહોતો. માહી માટે આ નવું નવું જ હતું. હોટલમાં એક મોટા હૉલમાં બન્ને દાખલ થયા. રિસેપ્સસન કાઉન્ટર પર ઉષ્માએ પાસ બતાવ્યા ને બગથેલો સોંપ્યો. સો-સવાસો માણસોથી હોલ ઉભરાય ગયો હતો. એક બાજુ જુદા જુદા ટેબલ પર વિવિધ વાનગીઓનો રસથાળ નયનરમ્ય રીતે ગોઠવેલ હતો. તો થોડા ઘોંઘાટિયા સંગીતના સથવારે કેટલાક યુવક યુવતિઓ ડાન્સ ફ્લોર પર ઝૂમી રહ્યા હતા અને રોશનીના ચમકારા થઈ રહ્યા હતા. થોડી અચંબિત થઈ માહી આ બધું જોઈ જ રહી.

‘હાય…!’ ચાર યુવકો એમના તરફ આવ્યા, ‘હાઈ ઉષ્મા…! હાય…!’

‘સો…ગેંગ ઈસ ઓલરેડી હિયર…!’ હસીને ઉષ્મા બોલી. ઉષ્માના ગાલ પર એઓએ એમના ગાલ વારાફરતી ચાંપ્યા તો માહી સાથે એમણે હાથ મેળવ્યા. એમાંના ત્રણને તો માહી થોડા ઓળખતી પણ હતી કારણ કે, એઓ પણ એમ એસમાં જ ભણતા હતા. એક તો હતો મનિષ મલ્હોત્રા જે ઉષ્મા સાથે ફાઈન આર્ટ્સનું જ કરતો હતો, બીજો હતો ફરહાન અખ્તર જે માહીના જ ક્લાસમાં હતો ને ત્રીજો હતો નવીન પ્રભાકર…એ સાયકોલોજી ફેકલ્ટીમાં હતો. અન્ય યુવકને માહી ઓળખતી નહોતી. એ માહી તરફ તાકી તાકીને જોઈ રહ્યો હતો અને એ કારણે માહીને થોડો સંકોચ પણ થયો.

‘લુક, હુ ઈસ હિયર…!’ માહી તરફ ઈશારો કરી ઉષ્માએ નાનકડી ચીસ પાડી, ‘માહી…ઈ…ઈ…ઈ..!’

‘કમો…ઓ…ન…એવરીબડી…’ માહી જરા શરમાઈ ગઈ.

નવીને ઉષ્માને પીણાનો ગ્લાસ પકડાવ્યો. તો ફરહાને માહીને ગ્લાસ આપ્યો ને હસીને  કહ્યું, ‘લેમોનેડ્સ છે!’

‘ચાલો, પહેલાં થોડી પેટપુજા કરીએ…’ માહી બફેના ટેબલ પાસે ગઈ. એક ડિશ એણે માહીને આપી અને બીજી ડિશ પોતાના હાથમાં લઈ ધીમેથી માહીને કહ્યું, ‘ બરાબર ખાજે…! અહિંના પકોડા બહુ ટેસ્ટી હોય છે…!’ સર્વિંગ ફોર્ક વડે પકોડા ઉપાડી માહીની ડિશમાં મુકતા એ બોલી, ‘વા…ઉ…ચિઝ પકોડા! માય ફેવરીટ…! યોર ફેવરીટ…!!’

સહુએ થોડું થોડું ખાધું.

ડીજે સહુને ડાન્સ ફ્લોર પર બોલાવી રહ્યો હતોઃ ઓલ કૂલ ગર્લ પુટસ્    યોર હેન્ડસ્ અપ એન્ડ સે ઓમ…શાંતિ…ઓ…ઓ…મ…!

લેસર લાઈટસ્ ના ઝબકારા પણ સહુને આમંત્રણ આપી રહ્યા હતા. ઉષ્મા કમર લચકાવતા લચકાવતા માહીને ખેંચીને ડાન્સ ફ્લોર પર ખેંચી ગઈ. માહીનો સંકોચ પણ ઓછો થઈ ગયો. સંગીતના સથવારે એ પણ એની કમનિય કાયાને નૃત્યના હિલોળા આપવા લાગી. હાથો હવામાં હલાવી એ પણ નાચવા લાગીઃ ઓમ…શાંતિ…ઓ…ઓ…મ…!!

સંગીતની લય બદાલતી રહી. લેમોનેડ, જ્યૂસના ગ્લાસ ખાલી થતા રહ્યા. માહીને મજા પડી રહી હતી! જાણે એ હવામાં ઊડી રહી હતી. સાવ હળવી થઈ ગઈ હતી માહી! એના પગ જાણે ધરતી પર ટકતા નહોતા. એના તનબદનમાં હજારો પંતગિયા પાંખ ફફડાવી રહ્યા હતા. એ ખુદ પરી બની ગઈ હતીઃ પરી હું મૈં….! એને ગાવાનું મન થતું હતું!! એની આજુબાજુ રૂના ગોટા જેવા સફેદ વાદળો ઊડી રહ્યા હતા…! અને હાથ હલાવી એ એને સ્પર્શી રહી હતી. એ ફોગર મશીનની કમાલ હતી. રાત રંગીન બનાવવા ડીજેએ ફોગર મશીનથી ડાન્સ ફ્લોર પર ધુમ્મસ ફેલાવી દીધું હતું.

‘યુ લુક સો સેક્સી…!’ માહીને ચીપકીને નાચી રહેલ ફરહાને માહીના કાનમાં મોટ્ટેથી કહ્યું. કૉલેજની લોબીમાં જેને જોઈ માહી મ્હોં ફેરવી લેતી હતી એ ફરહાનના ખભા પર બન્ને હાથો મુકી માહી નૃત્ય કરી રહી હતી અને એની આજુબાજુ નાચતા નાચતા નવીન, મનિષ અને ઉષ્મા એને બહેલાવી રહ્યા હતાઃ ગો માહી…ગો માહી…! મનિષ તો માહીને કમરમાંથી પકડી એને હલાવી રહ્યો હતો!! માહી પણ હસી હસીને મોટ્ટેથી ગાવા લાગીઃ આઈ એમ ફ્લાઈંગ…અપ ઈન ધ સ્કાય…હાઈ હાઈ…હાઈ…અપ ઈન ધ સ્કાય…! એનો પોતાના પર કોઈ કાબુ રહ્યો નહોતો. એની આસપાસ અસંખ્ય તારલાઓ ટમટમી રહ્યા હતા. તો એક તરફ આકાશ મેઘધનુષી રંગોથી રંગાઈ ગયું હતું! તો ક્યારેક ક્યારેક કડાકા મારતી વિજળી પણ ઝબકી જતી હતી. અલૌકિક દુનિયામાં વિહરતી હતી માહી…!

-ટેન…નાઈન…એઈટ…ડીજેએ ઊંધી ગણતરી ચાલુ કરી દીધી…! વરસની છેલ્લી છેલ્લી પળો ગણાય રહી હતી…!

‘આજા આજા દિલ નિચોડે…!!’

-સિક્સ…!!

‘રાતકી મટકી ફોડે….!!’

-થ્રી…!!

‘ઢેન…ટેણણણ… ટેણણણ…!!’

ડાન્સિંગ ફ્લોર પર, હોલમાં થોડીક ક્ષણો સાવ અંધારૂં થઈ ગયું…! ત્યારબાદ, ધૂમધડાકા સાથે હોલ ફરી જળહળી ઊઠ્યો. ડીજે એ મોટ્ટેથી બુમ પાડીઃ ‘હે…પ્પી…ન્યૂ…ય…ર…!’

નવા વરસની શરૂઆત થઈ ગઈ હતી…!

‘હે…પ્પી… ન્યૂ…ઉ…ય…ય…ર…!’ કહીને ઉષ્માએ માહીને ગ્લાસ પકડાવી દીધો. માહી એ ગટગટાવી ગઈ.

‘આઈ…લવ…યુ…ઊ…!! ઉ…ઉ…સ…મા…!!’ ઉષ્મા પર માહી ઢળી પડી.

માહીએ ધીરેથી આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો. એની પાપણો પર મણ મણના વજનિયા લટકી રહ્યા હોય એમ એને લાગ્યું. યુગોથી ઊંઘી રહી હોય એવું મહેસુસ કર્યું માહીએ!! એણે હળવેકથી પડખું ફર્યું. એના શરીરમાં કળતર થઈ આવ્યું. એણે ઊંહકારો ભર્યોઃ ઓ…હ…! બળતરા થતી આંખો એણે હળવેકથી ખોલી. એને સમજ ન પડી કે એ ક્યાં છે?!

–એ આ મુલાયમ પથારીમાં કેમ સુતેલ હતી?! એને ધીરે ધીરે ભાન આવ્યું! એ એકદમ ઝબકી ગઈ. એક આંચકામાં એ બેઠી થઈ ગઈ. એના પર પથરાયેલ ગુલાબી ચાદર સરકી ગઈ…! એના દેહ પર એક પણ વસ્ત્ર નહોતું…! એણે ડરીને આજુબાજુ નજર કરી. એના શ્વાસોશ્વાસ તેજ થયા. એના કપડા અને આંતરવસ્ત્રો સાઈડ ડેસ્ક પડ્યા હતા એ ખેંચીને એણે ઝડપથી પહેર્યા. એને ખ્યાલ આવ્યો કે હોટલના રૂમમાં હતી. તકિયા પાસે એનો મોબાઇલ અને નાનકડું પર્સ પડ્યું હતું તે લઈ એણે ધીરેથી રૂમનો દરવાજો ખોલ્યો. બહાર રૂમના નૉબ પર ડુ નોટ ડિસ્ટર્બની સાઈન લટકી રહી હતી. હોટલની લૉબી સુમસામ હતી. લગભગ દોડતી બે દાદર ઉતરી મુખ્ય પ્રવેશદ્વારમાંથી માહી બહાર નીકળી. આજુબાજુ જોયું. એક રીક્ષા થોડે દુર ઊભી હતી. દોડીને એમાં બેસી ગઈઃ ગર્લ્સ હૉસ્ટેલ…! રીક્ષામાં બેઠા બેઠા આંખો બંધ કરી માહી વિચારવાનો પ્રયત્ન કરી રહી હતી.

‘બહેન…!’ રીક્ષાવાળાએ એને મોટ્ટેથી કહ્યું, ‘હૉસ્ટેલ આવી ગઈ…!’

‘ઓ…હ…!’ રીક્ષામાંથી ઊતરી માહી રીક્ષાવાળાને પચાસની નોટ પકડાવી ને હૉસ્ટેલ તરફ દોટ મુકી. રીક્ષાવાળો પાછળ બુમ પાડતો જ રહી ગયો, ‘ઓ..ઓ…!બે..એ..એ..ન તમારા… પૈસા…!’

એના રૂમમાં દાખલ થતાની સાથે જ પોક મુકીને માહી રડી પડીઃ ઓ…ઓ…ઓ…! એનું સર્વસ્વ લુંટાઈ ગયું હતું…! રડતા રડતા અશ્રુભર્યા નયને બારણા પાછળ લગાવેલ આદમકદ અરીસામાં પોતાની જાતને એણે નિહાળી. એના નીચલો હોઠ સુજી ગયો હતો. એ હોઠ પર લોહીનો ટસિયો ફૂટી નીકળ્યો હતો. જમણા ગાલ પર સફેદ રેલો સુકાઈને તડતડી રહ્યો હતો. એ ધ્રૂજી રહી હતી. એના શરીરમાંથી ભયંકર દુર્ગંધ આવતી હોય એવું એને લાગ્યું. મ્હોં સાવ બેસ્વાદ થઈ ગયું હતું! પોતાને એ ઓળખી જ ન શકી…! આયનો જાણે એને પુછતો હતોઃ કોણ છે તું?? તું છે કોણ?? એના શરીરમાંથી એક હળવું લખલખું પસાર થઈ ગયું…! ઓ…ઓ…ઓ…! પોતાના પ્રતિબિંબને ભેટીને એ જોર જોરથી આક્રંદ કરવા લાગીઃ ઓ…ઓ…ઓ…! એક ઊબકો આવ્યો એને…! ટુવાલ લઈ કૉરીડોરમાં કોમન બાથરૂમ તરફ એ દોડી. શાવર ચાલુ કરી એ સવસ્ત્ર શાવર નીચે ઊભી રહી ગઈ…! ઠંડા પાણીને કારણે બદનમાં સળગી રહેલ જ્વાળા શાંત થઈ જશે એવું માનીને…! કંઈક વિચારી એણે ભીના વસ્ત્રો જલ્દી જલ્દી કાઢી નાંખ્યા. એનું બદન જાણે ખુબ મેલું થઈ ગયું હોય એમ એને લાગતું હતું. બાથરૂમમાં સંતાડી રાખેલ સાબુ શોધી એણે એના શરીર પર જોર જોરથી ઘસવા માંડ્યો. એના સુકોમળ અંગો પર જાંબલી રંગના ચાંઠાઓ ઉપસી આવ્યા હતા. એ ડાઘા પર વારંવાર સાબુ લગાવી એને મિટાવવાની કોશિષ કરવા લાગી. એણે એના શરીરને સ્વચ્છ કરી નાંખવું હતું. છેક અંદરથી…!  ઊબકા આવતા હતા પણ ઊલટી થતી નહોતી. એણે ખૂબ પાણી પીધું…! મ્હોમાં આંગળાં નાખી એણે જોર જોરથી ઊલટીઓ કરવા માંડી. ન જાણે ક્યાં સુધી એ નહાતી રહી. ટુવાલ વિંટી ધ્રૂજતી ધ્રૂજતી એ બાથરૂમની બહાર આવી. ક્રિસમસ વેકેશન હોય હૉસ્ટેલ લગભગ ખાલી હતી.

પહેલી તારીખની સાંજ પડી ગઈ હતી. માહીને ચક્કર આવી રહ્યા હતા. ઠંડીને કારણે એના દાંત કડકડાટી બોલાવતા હતા. રૂમમાં આવી એણે એનો મોબાઈલ ફોન શોધ્યો. એની બેટરી ઊતરી ગઈ હતી. એ ચાર્જ કરવા મુક્યો.

હવે?

માહી ધ્રૂસકા ભરતી હતી. એની આંખો છલકાય જતી હતી.સાવ હતાશ થઈ કોકડું વળી એ સુઈ ગઈ. એનું શરીર જાણે ભિંસાઈ રહ્યું હતું. માથામાં સણકા મારતા હતા. છાતીમાં પીડા થતી હતી. ફોન થોડો ચાર્જ થઈ ગયો એટલે તરત એની રિંગ વાગી. રિંગટોન પરથી એને ખ્યાલ આવ્યો કે ઘરેથી ફોન હતો.

‘હ…લ્લો…ઓ…!’ એણે ધીમેથી કહ્યું.

‘હલ્લો માહી…!’ સામે એની મમ્મી હતી, ‘ક્યાં હતી તું?!!  સવારની ફોન કરૂં છું!’

‘…………..!’ માહીએ એના રુદન પર માંડ કાબૂ રાખ્યો.

‘કેમ બોલતી નથી?!’ મમ્મીને ચિંતા થઈ આવી.

‘મમ્મી…ઈ…ઈ!’ માહી એના રુદન પર અંકુશ ન જ રાખી શકી.

‘કેમ રડે છે બેટા?! જો, હવે બે જ દિવસ રહ્યા…ત્રીજીએ તો તું અહિંયા..!’ હસીને મમ્મી બોલી, ‘અ…રે…! તને હેપ્પી ન્યુ યર તો કહેવાનું જ ભુલી ગઈ! હેપ્પી ન્યુ યર…દીકરા…! સવારથી તારો ફોન ટ્રાય કરતી હતી. તારા પપ્પાએ પણ કેટલી ટ્રાય કરી! વાંચવાનું હોય પણ તેથી કંઈ ફોન ઑફ કરાય…?’  સહેજ ઠપકો આપી કહ્યું, ‘લે…તારા પપ્પા સાથે વાત કર…!’ પપ્પાને ફોન આપતા મમ્મીએ પપ્પાને કહ્યું: બહુ વાત ન કરતા એની પરીક્ષા છે…એ માહીએ સાંભળ્યું.

‘હે…પ્પી ન્યુ યર દીકૂ…!’ માહી એના પપ્પાની બહુ લાડકી હતી…!

‘પપ્પા…આ…આ…!’ માહી રડવા લાગીઃ તમારી માહી લુંટાઈ ગઈ…! બરબાદ થઈ ગઈ…! પણ એ કંઈ કહી ન શકી…!

‘અરે…પગલી…!’ સહેજ હસીને પપ્પા બોલ્યા, ‘આટલા ચાર ચાર વરસ મારા દીકરાએ હિમ્મતથી પસાર કર્યા ને તું આમ કાંઠે આવીને રડે છે…! આખો મહાસાગર તરી ગઈ ને કિનારે આવીને હામ હારી ગઈ?! ચાલ…જો, એમ રડ નહિં…! જો રડશે તો માથું દુખશે…! હે..પ્પી ન્યુ યર…!’

-ઓ પપ્પા..!!તમારી માહી તો ડૂબી ગઈ…! તણાય ગઈ…!

‘બહુ ન વાંચતી અને એવું લાગે તો સુઈ જા…!’ પપ્પાએ સમજાવતા કહ્યું, ‘બહુ ટેન્શન ન કરતી…! સહુ સારૂં જ થશે…! પેલો રાંચો આમિરખાન કહે છે એમ આલ ઈસ વેલ…!’ ગાતા ગાતા હસીને પપ્પા બોલ્યા.

-નથિંગ ઈસ વેલ…! હવે તો એવરીથિંગ ઈસ હે…લ… છે…તમારી માહી માટે…!

-હવે બસ થયું. વાંચવા દો એને…મમ્મી બોલી એ માહીએ સાંભળ્યું

‘ઓકે…! માહી, તારી મમ્મીને જલન થાય છે તારી સાથે વધારે વાત કરૂં એટલે..મૂકું છું. આઈ લવ યુ દીકૂ…!’ કહીને પપ્પાએ ફોન કાપ્યો.

પલંગ પર સુતા સુતા માહી વિચારવા લાગીઃ જરૂર ડ્રિન્કમાં કંઈ હતું…! એ જ ડ્રિન્ક ઉષ્માએ પણ પીધું હતું. તો શું એની સાથે પણ…?!

એક ચુંથારો થઈ આવ્યો માહીને. પેઢામાં કંઈ વલોવાતું હતું. છાતી જાણે ભિંસાતી હતી..! પોતાની જાત  પર તિરસ્કારનો એક ઊભરો આવી ગયો એનેઃ શા માટે એ ગઈ ઉષ્મા સાથે…? શા માટે…?? જે શરીર પર એને ગૌરવ થતું હતું એના પર જ હવે તિવ્ર તિરસ્કાર થઈ રહ્યો હતો. પોતાનું શરીર છોડીને એ ક્યાં જાય…? સાપ જેમ કાંચળી ઉતારે એમ એણે એનું અંગેઅંગ બદલી નાંખવું હતું!

બધો જ વાંક એ ઉષ્માડીનો જ…! એણે સ્ક્રિન પર નજર કરી. બેટરીના બે બાર હતા. કંઈક વિચારી એણે ઉષ્માને ફોન કર્યો. એક બે વાર તો સામે રિંગ વાગતી રહી…ચાર પાંચ મિનિટ બાદ એનો ફોન લાગ્યો, ‘ઉષ્મા…!’ ધીમેથી માહી બોલી…

‘હાય…માહી…!’ ઉષ્મા હસીને બોલી, ‘તું તો યાર બહુ નાચી…! પગ ઘુંઘરૂં બીન માહી નાચી રે…!’

સહમી ગઈ માહીઃ તો આ ઉષ્માનું જ કારસ્તાન…!

‘તેં મને બરબાદ કરી નાંખી…!’ ગુસ્સાથી માહી બરાડી, ‘સાલી કૂતરી…!’

‘હાઉ…હાઉ…હાઉ…!’ નફ્ફટ ઉષ્મા ફોનમાં ભસતી હોય એમ હસીને બોલી, ‘માહી ડાર્લિંગ…! મેં તો તને આબાદ કરી દીધી…! આઝાદ કરી દીધી…!! પાડ મારો..!! મણીબેનમાંથી રાતોરાત માહી બનાવી દીધી છે તને…! ધેટ્સ ધ વે…માહીવે…!!એક કાચી કુંવારી કન્યાને રાતોરાત પાક્કી સ્ત્રી બનાવી દીધી…!’ હસીને એ બોલી.

‘સાલી વેશ્યા…!’ માહીનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયોઃ આ ઉષ્માને ઓળખવામાં એ કેટલી મોટી થાપ ખાઈ ગઈ? સહેજ અટકીને એણે પુછ્યું, ‘બોલ! શું નાંખ્યુ હતું લેમોનેડમાં…જ્યુસમાં…?’

‘કેમ તારે પીવું છે અત્યારે? ઊડવું છે ઊંચે..ઊં.. ઊં..ચે…?! કાલની જેમ અપ ઈન ધ સ્કાય…?’ હસીને ઉષ્મા બોલી, ‘એ લવ ડ્રિન્કસ્  હતું…! લવ કૉકટેઈલ…! ટુ મિલિગ્રામ ઓફ ટોપ ગ્રેડ સ્મેક એન્ડ ટેન લવ ડ્રોપ્સ ઓફ પ્યોર સ્પેનિશ ફ્લાય..! ડુ યુ વોન્ટ ઈટ…!’

‘હું પોલીસમાં કમ્પ્લેઇન કરીશ…!’ માહીએ ગુસ્સે થઈ કહ્યું.

‘કોની સામે…? કેટલાની સામે…? શું તને એ પણ જાણ છે કે તેં કોની કોની સાથે મજા કરી છે…?!તને ખબર છે તેં કેટ કેટલાને તેં ખુશ કરી દીધા છે એક રાતમાં!! કેટલીય વાર તેં એન્જોય કર્યું છે…? હેં…? કોની કોની સામે ફરિયાદ કરશે…? કેટલાની સામે કમ્પ્લેઈન કરીશ?? બોલ…બોલ..! જા, પોલીસમાં હમણાં જ જા…’

‘રાં…!!’ ફોનમાં માહી બરાડી, ‘તને હું મારી નાંખીશ…!’

‘રાંડ રાંડ ન કર માહી…! તું પણ એ જ બિરાદરીમાં આવી ગઈ છે હવે…!! આ ઉષ્મા કોઈનું એમનું એમ હરામનું નથી ખાતી! સમજી?’ જાણે માહીને સમજાવતી હોય ઉષ્મા બોલી, ‘તારું પર્સ ચેક કર. ગ્રેજ્યુએટ તો તું થતા થતા થશે પણ તારી પહેલી કમાઈ તારા પર્સમાં જમા થઈ ગઈ છે…! અને તને હમણાં બહુ તકલીફ થતી હોય ને તો પર્સમાં બે એસ્પિરીન પણ મુકેલ છે અને એક વેલિયમ…! પહેલાં બે એસ્પિરીન ગળી લેજે ને દશ મિનિટ પછી વેલિયમ…મજેની ઊંઘ આવી જશે! આઈ કેર ફોર યુ!!’ વ્યંગથી હસીને ઉષ્મા બોલી, ‘ને બહુ પોલીસ પોલીસ ન કરતી..! મારી પાસે તારી અડધા કલાક કરતાં વધારેની સરસ મજાની ક્લિપિંગ્સ છે તેમાં તું આઈ વોન્ટ મોર…ગિવ મી મોરની મસ્તીથી ચીસો પાડે છે!! સમજીને? ચાલ, હવે ડાહી થઈને ગોળી ગળીને સુઈ જા!  કાલે પરીક્ષાનું વાંચવાનું પણ છે ને? ગુડનાઈટ…!’

સુન્ન થઈ ગઈ માહી…! એનું લોહી જાણે સાવ જ થીજી ગયું : આ તે કેવું તોફાન આવ્યું જીવનમાં? આગ લગાવી ગયું હર્યાભર્યા ઉપવનમાં…!

-ઓ ભગવાન…! માહી ફરી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. ક્યાંય સુધી એ રડતી જ રહી. રડતી જ રહી! એને વિશ્વાસ બેસતો ન હતો કે ઉષ્મા આટલી અધમ કક્ષાની હશે…! નીચ હશે!! છેલ્લા ચાર સેમિસ્ટરથી એ એને ઓળખતી હતી. એણે એને જરાય અણસાર આવવા દીધો ન હતો. હજુ ય મન માનવા તૈયાર નહોતું. ધીરેથી પલંગ પરથી એ ઊભી થઈ. પગ એકી બેકી ગણતા હતા. કાંપતા હાથે એણે પર્સ ખોલ્યું. અંદરના, ઝિપરવાળા નાના ખાનાની ઝિપર ખોલી. એમાં એક પ્લાસ્ટિકની નાનકડી બેગમાં ત્રણ ગોળીઓ હતી અને બરાબર ઘડી કરીને મુકેલ હજાર હજારની નોટ…! એ શબ્દશઃ ધ્રૂજી ઊઠી…નખશિખ ધ્રૂજી ઊઠી!! ધીરેથી એણે નોટોની ઘડી ઊકેલી…! યંત્રવત્   એ ગણવા લાગીઃ એક..બે..ત્રણ..ચાર! કુલ દશ નોટ હતી…! મહાત્મા ગાંધી છાપ…! દશ હજાર રૂપિયા…! એક પછી એક નોટ ઉપાડી એણે ફાડવા માંડી! નોટના થાય એટલા નાના નાના ટુકડા એ કરતી રહી…!

એ ક્યાંયની ન રહી. શાવર લેવાને કારણે…શરીર છેક અંદરથી સ્વચ્છ કરવાની એની અદમ્ય ઈચ્છાને કારણે બધા જ પુરાવા ધોવાય ગયા. ઉષ્માએ ધમકી આપી હતીઃ મારી પાસે તારી તારી અડધા કલાકની ક્લિપિંગ્સ છે! જાહેરમાં, હોલમાં પણ એ સહુની સાથે સાથે નાચી રહી હતી…!

-ઓ પ્રભુ…!!તેં આ શું  કર્યું મારી સાથે…?? કેમ કર્યું મારી સાથે?? શું ગુન્હો હતો મારો…?? માહીએ રડતા રડતા અરીસામાં નિહાળ્યું. આત્મઘૃણાનો એક જોરદાર ધક્કો આવ્યો અંદરથી ને ટેબલ પર પડેલ પિત્તળનાં ફ્લાવર વાઝનો એણે અરીસા પર ઘા કર્યો…ખ…ણ…ણ…ણ… કરતો અરીસો તૂટી ગયો.

-હવે આવા જીવન જીવવાનો શો અર્થ…?

-હવે તો મરણ જ એક શરણ…!

-મૃત્યમ્   શરણમ્ ગચ્છામિ…!

કબાટમાંથી એણે એનો ગુલાબી દુપટ્ટો કાઢ્યો. ફોલ્ડિંગ ખુરશી સિલિંગ પંખા નીચે ખસેડી એ ખુરશી પર ચઢી. દુપટ્ટાનો એક છેડો પંખા સાથે બાંધ્યો. એને જાણ જ નહોતી કે એ શું કરી રહી હતી. બીજો છેડે એણે સરકણો ગાંઠ માર્યો.

-આ ગુલાબી રંગ તને નાનપણથી જ ગમે…! મારો પણ એ જ ફેવરિટ કલર…!તું પેટમાં હતીને તો મેં તારા પપ્પાને આખું ઘર અંદર બહાર ગુલાબી રંગે રંગવા કહ્યું અને એ દિવસથી આપણું ઘર ગુલાબી છે…! તું મારા બાગનું એવું ગુલાબ છે કે જેણે મારી જિંદગી ગુલાબી ગુલાબી બનાવી દીધી! હરી ભરી કરી દીધી…! પ્રભુનું અમોલ વરદાન છે તું…!

આ ગુલાબી દુપટ્ટો મમ્મી જ લાવી હતી…! માહીને એની મમ્મીની તિવ્ર યાદ આવી ગઈ. મમ્મી એના માટે દરેક ખરીદી કરતી.

-મને માફ કરજે મમ્મી…!! માહીએ દુપટ્ટાનો સરકણો ગાળિયો ગળામાં ભેરવ્યો. ને ખુરશીને પગથી એક ધક્કો માર્યો…! ખુરશી ખસી! દુપટ્ટામાં ભેરવાઈને માહી ક્ષણભર લટકી અને ધડામ કરતી ફરસ પર પડી! એને સરકણો ગાંઠ મારતા બરાબર આવડતું નહોતું. ફરસ પર એ લાંબો સમય પડી જ રહી. રડતી રહી.

-જો હું મરી જાઉં તો મમ્મીનું શું થાય??

-એ તો મરી જ જાય!! અરે…! મને જરાક છીંક આવે તો મમ્મીનો જીવ કપાય જાય.

-ને પપ્પા…?!

-પપ્પા તો પાગલ જ થઈ જાય…!

-ના…! જિંદગી એટલી સસ્તી નથી! ને મારી જિંદગી કંઈ મારી એકલાની જ નથી.

વહેલી સવાર સુધી માહી ફરસ પર જ પડી રહી. જેમ તેમ બે દિવસ વિતાવ્યા. પરીક્ષા આપી. ઘરે આવી ત્યારે માહી સાવ બદલાય ચુકી હતી. જાણે એનો આત્મા જ મરી ગયો હતો. એક ખાલી ખોળીયું રહી ગયું હતું એ ચુંથાયેલ દેહમાં! એણે એના મમ્મી પપ્પાને કંઈ જ ન કહ્યું. અને કહે પણ કયા મ્હોંએ..? પણ એ સંજોગો જ એવા ઊભા થયા કે એણે મમ્મી-પપ્પાને કહેવું જ પડ્યું: એની અંદર એક વિષબીજ રોપાય ગયું હતું એ ભયાનક રાતે કે જેને એ ધારે તો પણ ઉગતા રોકી ન શકે…! એને તો પાંગરે એ પહેલાં ઉખેડવું જ રહ્યું!! રડી રડીને માહીના આંસું સુકાય ગયા. આખો દિવસ હીબકાં ભરતી રહેતી. છાના છાના હીબકાં..! અત્યારે  પણ એ હીબકાં જ ભરી રહી હતી સુકી સુકી આંખે!

-ઘાયલ હૈયાંઓ એમ કદી ય મલકાતા  નથી, સુકી નદીના કિનારા કદી ય છલકાતા નથી.

ડૉ અવિનાશે એના ડેસ્ક પર રાખેલ પેડ પર એક પંક્તિ લખી. અવિનાશને કવિતા કરવાનો, આવી પંક્તિઓ લખવાનો શોખ હતો..

ઊભા થઈ ડૉ. અવનિએ માહીને બાવડાં પકડી ઊભી કરી એને હેતથી આઘોષમાં લીધી. અવનિની આંખો ભીની થઈ ગઈ હતી. માહીની પીઠે ધીમે ધીમે ક્યાંય સુધી અવનિએ હાથ પસવાર્યા કર્યો. સ્નેહામૃતથી માહી નહાતી રહી. માહીને એક રાહત થઈ.

સ્પિકર ચાલુ રાખી ઈન્ટરકૉમ પર ડૉ. અવિનાશે ફોન જોડ્યો, ‘મહેન્દ્રભાઈ…!’ મહેન્દ્રભાઈ એમના સેન્ટરના જનરલ મેનેજર હતા, ‘રૂમની શું સિચ્યુએશન છે? એક સ્પેશ્યલ રૂમ મળશે?’

‘ભાઈ! પોઝિશન એકદમ ટાઈટ છે. એક પણ ખાલી નથી! વેઈટિંગ લિસ્ટ પણ લાંબું છે. બાર અને પંદરમાં તો પેશન્ટની પરમિશનથી બે બે પેશન્ટસ્ રાખ્યા છે એ તો તમે જાણો જ છો!’

અવિનાશે ઈન્ટરકોમનું બટન ફરી દબાવી બંધ કર્યો અને માહીની મમ્મી તરફ નિહાળી કહ્યું, ‘આમ તો આવા કેસમાં રૂમની ખાસ જરૂર ન પડે ને પાંચેક કલાકમાં ઘરે પણ જઈ શકાય. પરન્તુ, માહીનો કેસ અલગ છે!’ અવનિ સાથે નજર મેળવી કહ્યું, ‘શી ઈસ વેરી ડેલિકેઈટ એન્ડ ડિસ્ટર્બડ્‍..! આફ્ટર વોશિંગ આઈ વોન્ટ ટુ ઓબર્ઝવ હર..! શી ઈસ સફરિંગ ફ્રોમ સિવિયર પૉસ્ટટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર ને રૂમ નથી..!’

‘છે…’ ડૉ અવનિ સહેજ હસીને બોલી, ‘છે રૂમ…! આપણા બંગલામાં કેટલા રૂમો ખાલી પડ્યા છે…!…ને મેઘાનો રૂમ તો વરસોથી ખાલી છે…!’નિઃશ્વાસ નાંખી ઊંડો શ્વાસ લઈ મમતાએ કહ્યું, ‘શી વિલ સ્ટે વિથ અસ. હર મોમ ટુ…!’

‘ધેટ્સ રાઈટ…!’ હસીને અવિનાશે પણ કહ્યું, ‘યસ..! માહી. જે કંઈ થયું તેમાં તારો કોઈ જ દોષ નથી. હિંમત રાખ. વડોદરાના એસ.પી મારા મિત્ર છે. સૂપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ…! તારું ક્યાંય નામ ન આવશે. સમજી?’ વડોદરાના એસપીના પત્નીની સારવાર અવિનાશે જ કરી હતી. પોતાના બ્લેકબેરી ફોનની ફોનબુકમાંથી એસપીનો અંગત નંબર જોઈ એણે લેન્ડ લાઈનના ફોનનું સ્પિકર ચાલુ કરી ડાયલ કર્યો, ‘તારે કંઈ બોલવાનું નથી. ફક્ત સાંભળવાનું છે. સમજી?’

થોડી રિંગ વાગ્યા બાદ એસપીએ ફોન ઉપાડ્યો, ‘એસપી હિયર…!’ સામે એસપી ઘેરા અવાજે બોલ્યા.

‘હલ્લો સર…!’ અવિનાશે ફોનની સહેજ નજીક જઈ કહ્યું, ‘અવિનાશ બોલું છું. ડૉક્ટર અવિનાશ.’

‘ઓ…ઓ…ડૉક્ટર!’ એસપીએ રાજી થતા કહ્યું, ‘કેમ છો..તમે?’

‘તમે બીઝી તો નથીને..?’ અવિનાશે પુછ્યું, ‘તમારી સાથે થોડી વાતો કરવી હતી!’

‘અરે…ડૉક્ટર…!’ હસીને એસપી બોલ્યા, ‘તમારા માટે તો ટાઈમ જ ટાઈમ છે! બોલો, શી સેવા કરવાની છે? એનીથિંગ ફોર યુ!’

‘ઓફ ધ રેકર્ડ…!’ હસીને અવિનાશે કહ્યું, ‘આઈ વોન્ટ યોર હેલ્પ..!’

‘આખું વડોદરા પોલીસ ડિપાર્ટમેન્ટ કામે લગાડી દઈશ…! જસ્ટ સે…!’

‘નો નેઈમ્સ ! નો એફઆઈઆર…!નો મિડિયા…!!’ ગંભીર થઈ અવિનાશે કહ્યું,‘જો એફઆઈઆર કરવી જ પડે તો મારે નામે…!’

‘કમોન…ડૉક્ટર..!’ સહેજ અટકીને બોલ્યા, ‘મામલો સિરિઅસ લાગે છે..’

‘યસ…ક્લિપીંગ્સ…!’

‘બ્લેક મેઈલિંગ…?’ સામેથી એસપીએ પુછ્યું.

અવિનાશે માહી તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. માહીને નકારમાં ગરદન હલાવી.

‘હજુ સુધી તો નહિં! પણ મે બી ઈન ફ્યુચર..! એન્ડ સર…નોટ ઑન્લી ક્લિપીંગ્સ સાથે ડ્રગ્સ પણ ઈનવોલ્વ છે!’

‘ઓહ…! આઈ એમ સોરી ટુ હિયર ધીસ ઈન માય એરિયા!’ એસપીએ અફસોસ વ્યક્ત કર્યો, ‘એની ઈન્ફો..?!’

‘સ્યોર…! એમએસની ટોળી છે. આ જ એમએસમાં હું પણ ભણેલ…સર!’ ખિન્ન થઈ અવિનાશે કહ્યું, ‘લખો નામ. ફરહાન અખ્તર, નવીન પ્રભાકર, મનિષ મલ્હોત્રા, અને એક છોકરી છે ઉષ્મા. એમાંના બે ફાઈન આર્ટસમાં છે.’

ટેબલ પરથી પેન અને કાગળ લઈ માહીએ કંઈક લખીને અવિનાશને આપ્યું. એ અવિનાશે વાંચી ફોનમાં કહ્યું, ‘ઉષ્માની લાસ્ટ નેઈમ છે ચૌહાણ અને એના બ્લેક કાયનેટિકનો નંબર છે. જીજે સિક્સ સીબી સેવન વન ડબલ નાઈન!’ માહી તરફ થમ્સ અપ કરી અવિનાશે ધીરેથી કહ્યું, ‘ગુડ જોબ!’  પછી ફોનમાં કહ્યું, ‘સર..! આ ઉષ્મા નેટવર્કની લિડર છે કે પછી એજન્ટ છે અને છોકરીઓને ફસાવે છે. શી ઈસ સ્માર્ટ…!’ અને સહેજ અટકીને કહ્યું, ‘સર..! આ સિવાય પણ બીજા એક-બે પુરુષ હોય શકે અને આઈ એમ સોરી ટુ સે..! કદાચ, તમારા જ ડિપાર્ટમેન્ટનું પણ કોઈ સંડોવાયેલ હોય શકે…! આઈ ગેસ..! અથવા તો હોટેલ બિઝનેસના માણસો પણ..!’

‘થેન્કસ્ ડૉક્ટર…!’ગંભીર ઘેરા અવાજે એસપીએ કહ્યું, ‘ઈટ વિલ બી ઓવર સુન..! તમે મને સરસ ઈન્ફોર્મેશન આપી છે! ધે વીલ બિહાઈન્ડ ધ બાર ઈન ફ્યુ ડેઈઝ…!’

‘સર…! રિમેમ્બર…! નો નેઈમ્સ ! નો એફઆઈ..આર…!નો મિડિયા..’

‘યસ, આઈ પ્રોમિસ..!’ સહેજ હસીને એસપીએ કહ્યું, ‘પોલીસ નો હાઉ ટુ ડિલ વિથ સચ વ્હાઈટ કોલર ક્રિમિનલ્સ..!’

‘આપનો ખુબ ખુબ આભાર એસપી સાહેબ! ટેઈક કેર..! મેડમને મારી અને અવનિની યાદ..!’ કહી અવિનાશે ફોન ડિસકનેક્ટ કર્યો અને માહી તરફ જોઈ કહ્યું, ‘જોજે,  હવે એમને જલ્દી સજા મળશે. યુ ડૉન્ટ વરી. આજે અવનિ મેડમ તારી સોનોગ્રાફી કરશે ને કાલે સવારે તારો ભાર ઓછો કરી દઈશું.’

માહી સહેજ હસી, ‘થેન્ક યુ સર..!’

‘યુ વેલકમ્ડ!’ અવિનાશે માહીની મમ્મી સાથે નજર મેળવી કહ્યું, ‘આ તો શરીરનો ભાર હળવો થશે. પણ માહીના મન પર જે ભાર છે એ ઓછો કરવો ખૂબ જ જરૂરી છે.’ એના લેટરપેડ પર કેટલાક નામો લખી એણે એ કાગળ માહીની મમ્મીને આપતા કહ્યું, ‘આ કેટલાંક સાઈક્રિયાટિસ્ટના નામો અને ફોન નંબર છે. માહીને થોડું કાઉન્સેલિંગ કરવાની જરૂર છે. આમાંથી કોઈ પણ એક ડૉક્ટરની એપોઈન્ટમેન્ટ લેજો. એને કહેજો કે મને ફોન કરે. કાઉન્સેલિંગ ચોક્કસ કરાવશો.’ માહીને કહેતા અવિનાશે પુછ્યું, ‘જશે ને તું?’

‘હા..!’ માહીએ કહ્યું.

બીજે દિવસે માહીનો બોજ હળવો થયો. બધું યોગ્ય લાગતા એક દિવસ બાદ એને ડૉ. અવિનાશે રજા આપી ત્યારે એક નવી માહીનો પુનઃઅવતાર થઈ રહ્યો હતો એવું લાગ્યું ડૉ.અવિનાશને અને અવનિને..!!

*****         *****         *****         *****         *****         *****

ડૉ. અવિનાશનો આજનો આખો દિવસ સેન્ટરમાં બહુ ઝડપથી પસાર થઈ ગયો હતો. રાત્રે સુવા પહેલાં એક વિઝિટ કરવાનો એનો નિત્યક્રમ હતો. એ પતાવી કફની પાયજામો ચઢાવી અવિનાશે કમ્પ્યુટર ચાલુ કર્યું. બેંગલુરૂ ખાતે ઓલ ઈન્ડિયા ઓબસ્ટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજીસ્ટ એસોસિએશનના સેમિનાર માટે એન્ડવાન્સડ્‍ ઈનવિટ્રો ટેકનિક પર એનું પેપર એણે સબમિટ કરેલ એ સ્વિકારાઈ ગયું હતું એના પ્રેઝન્ટેશન માટે એણે ખાસો સમય વિતાવ્યો. અવનિ આહવા ગઈ હતી. આહવા પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે એમઆરઆઈ મશીનની ટ્રેઇનિંગ આપવા. અવનિની ખોટ સાલતી હતી. પથારીમાં પડતાની સાથે જ એ ઊંઘી ગયો. નિદ્રાદેવીનું એને વરદાન હતું.

ટ્રીન… ટ્રીન… ટ્રીન… ટ્રીન… ટ્રીન…

ફોનની રિંગ વાગતા એ ઝબકીને જાગી ગયો. આંખો ચોળી એણે ઘડિયાળમાં જોયું. સાડાબાર વાગવાની તૈયારી હતી. કોઈ ઈમરજન્સી હશે એમ વિચારી એણે ફોન ઉપાડ્યો, ‘હ…લ્લો..!’

‘જાગો મોહન પ્યારે…’ સામે એનો મિત્ર મયંક હતો, ‘સોરી, તારી ઊંઘ બગાડવા બદલ…! પણ શું થાય મને ટાઈમ ન મળે. આજે પણ ચાર જણની છાતી ચીરવાની છે. બેને પતાવ્યા ને બ્રેકમાં તારી સાથે વાત કરવા માટે ટાઇમ ચોરી લીધો છે..!’

‘એ બધા જીવતા રહેશે કે પછી રામ બોલો..રામ થઈ જશે. મયંક, સો..રી, સો..રી ડૉ મેક, હવે તો લોકોને ખોટા ખોટા ચીરવાનું બંધ કરો!’ મયંક ન્યુ જર્સી ખાતે કાર્ડિયાક સર્જ્યન હતો. બન્ને સાથે જ ભણેલા. મયંકે એમએસ કર્યા બાદ હિન્દુજા હોસ્પિટલ, મુંબઈ ખાતે ડૉ. ખાંડકે સાથે ચારેક વરસ પ્રેક્ટિસ કરી હતી અને ત્યારબાદ એણે અમેરિકાનો રસ્તો પકડ્યો હતો. ત્યાં એણે ભારે નામના મેળવી હતી. એના પોતાના બે બે કાર્ડિયાક સર્જરી સેન્ટર હતા. એની પત્ની અર્ચના એમબીએ થયેલ હતી એટલે પતિની આવડતને બિઝનેસમાં ફેરવી નાંખી હતી. મયંક ડૉ. મેક બની ગયો હતો અને એના સેન્ટરનો એ સીઇઓ હતો તો એની પત્ની અર્ચના ઊર્ફે આર્ચિ હતી એની ડાયરેક્ટર.

‘કેમ છે..! તું..?’ મેકે કહ્યું, ‘તને જોવાનું મન થયું છે. પણ યાર અહિં આ બિઝનેસ…’

‘ધેટસ્ રાઈટ..!’ હસીને અવિનાશે કહ્યું, ‘તેં સેવાને બિઝનેસ બનાવી દીધો તો એવું જ થવાનું. અહિં આવી જા.. અને સેવા કર..પૈસા ન મળે તો કંઈ નહિં પણ શાંતિ મળશે ને આશીર્વાદ મળશે. ડોલર ન મળશે પણ દુઆ મળશે!’ મયંક પહેલાંથી જ પૈસા પાછળ પાગલ હતો.

‘હવે તારો ઉપદેશ રાખ તારી પાસે..! મેં તને ખાસ ફોન કર્યો છે એ કહેવા કે હું આવું છું ઈન્ડીયા…!’

‘કાયમ માટે…?!’ અવિનાશે એકદમ પુછ્યું.

‘નો..ઓ..ઓ.…એક વિક માટે!’ હસીને મેકે કહ્યું, ‘યા…ર! આ એક વિક કેમ કરીને ફ્રી થયો એ મારૂં મન જ જાણે!’ પછી એણે કોઈને કહ્યું: યસ કિપ હિમ રેડી..! અને ફરી ફોનમાં એ બોલ્યો, ‘સાંભળ અવિ, હું એક વિક માટે આવું છું મારા સન નિકના મેરેજ માટે. આર્ચિ ને નિક તો ત્યાં પહોંચી પણ ગયા છે! તારે પણ ફ્રી થઈ જવાનું છે. લુક, મારો પેશન્ટ અત્યારે મારી રાહ જોઈ રહ્યો છે. મારી ડિટેઈલ્સ તને ઈમેઈલ કરવા માટે હું મારી સેક્રેટરીને કહી દઈશ. પ્લીસ, ડોન્ટ ફરગેટ ટુ ચેક યોર મેઈલ્સ..! ને હવે તો હાઈસ્પિડ ઈન્ટરનેટ ચાલુ થઈ ગયું કે નહિ?’

‘હા…પણ આર્ચિને નિક અહિં આવ્યા છે ને મને…!’

‘એ પંચાત છોડ..’ એની વાત કાપતા મેક બોલ્યો, ‘આર્ચિ પણ ત્રણ દિવસથી જ આવી છે. નિક વહેલો ગયો હતો. એને એક છોકરી પસંદ પડી ગઈ છે ને એની સાથે એ લગ્ન કરવા રેડી થઈ ગયો એ ખુશીની વાત છે અને અમને પણ કોઈ ઓબજેક્સન નથી. અહિં કોઈ બીએમડબલ્યુમાં ભેરવાય એના કરતાં ગુજ્જુ દેશી છોકરી એને ગમી એટલે…!’

‘બી એમ ડબલ્યુ…તો કાર છે ને…?! કાર ને છોકરી…??!’ અવિનાશને સમજ ન પડી.

‘હા…હા…હા…’ સામે મેક જોરથી હસી પડ્યો, ‘અરે.. નિક પાસે તો ઔડી છે ઔડી!! બી એમ ડબલ્યુ એટલે બ્લેક, મુસ્લિમ કે વ્હાઈટ છોકરી..!સમજ્યો? એમાં ભેરવાય જાય એના કરતા આપણી ગુજ્જુ શું ખોટી? આ તો ફેઈસબુક પર એ છોકરીને મળ્યો હતો. ત્યારબાદ, ઈ મેઈલ, ફોન અને વેબકેમ મારફત વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે. નિકે લગ્નમાં જલસો કરવો છે. મારે પણ. એકનો એક જ તો છે! એન્ગેજમેન્ટ તો એણે મારા વગર આર્ચિ સાથે પતાવી પણ દીધા છે. તને તો ખબર છે ને કે નિક સોફ્ટવેર એન્જિનિયર છે…! ચાલ..! મારા પેશન્ટની છાતી મારા આસિસ્ટન્ટે ખોલી નાંખી હશે એટલે મુકુ છું..પણ ડોન્ટ ફરગેટ ટુ ચેક યોર મેઈલ…!’ કહીને મયંક ઊર્ફે મેકે ફોન કાપ્યો.

-ડૉક્ટર મયંક મહેતા…!

હવે ડૉક્ટર  મેક મહેતા બની ગયો હતો…!!કરોડોમાં રમતો હતો. અવિનાશની ઊંઘ ઉડી ગઈઃ આ મયંક ન હોત તો અવિનાશ ડૉક્ટર બની જ ન શક્યો હોત. અવિનાશના પિતા પોષ્ટ ઑફિસમાં ક્લર્ક હતા. પૈસાની હંમેશ ખેંચ રહેતી. પહેલા વરસે ફી ભરવાના પૈસા તો આપેલ. પણ પછી હોસ્ટેલ અને મેસના પૈસા માટે કેટલી તકલીફ પડેલ…? ને મયંકે એની ફી તો ભરી દીધેલ અને બે વરસ સુધી હોસ્ટેલ અને મેસની ફી પણ એણે જ હસતા હસતા ભરી દીધેલ. એના પિતા શેરબજારમાં હતા અને કાપડનો પણ બિઝનેસ. સારા એવા પૈસા. મયંક અને અવિનાશની દોસ્તી નિઃસ્વાર્થ દોસ્તી. પણ મયંકે પહેલેથી જ નક્કી કરેલ કે ડૉક્ટર બનીને પૈસા તો બનાવવા જ રહ્યા. સેવા કરીએ તો મેવા ન મળે એવું એ ચોક્કસ માનતો. એણે તો અવિનાશને પણ અમેરિકા બોલાવવા માટે ઘણા જ પ્રયત્ન કરેલ. પણ અવિનાશ ન માન્યો તે ન માન્યો. અવિનાશ-અવનિએ જ્યારે ફર્ટિલિટી સેન્ટરની રચના કરવાનું નક્કી કર્યું ત્યારે પણ મેક જ વ્હારે ધાયો હતો ને?! બેન્કની લોન પાસ તો થઈ ગઈ હતી. પણ જ્યારે મુખ્ય મકાનનો સ્લેબ ભરવાનો હતો ત્યારે બિલ્ડરને પૈસા આપવાના સમયે જ બેન્ક મેનેજરની બદલી થતા નવા મેનેજરે મુશ્કેલી ઊભી કરી લોન માટે વાંધા-વચકા કાઢ્યા. અવનિએ મેકને ફોન કરવાનું સૂચન કરતાં અવિનાશે મેકને ફોન કરેલ અને એના સેલફોન પર સંદેશ મુકેલઃ આઈ નીડ યોર હેલ્પ. દશ મીનીટમાં એનો ફોન આવેલ, ‘બોલ…અવિ..કેમ યાદ કર્યો?’

અચકાતા અચકાતા અવિનાશે વાત કરી કહ્યું, ‘બેન્ક લોન પાસ થાય એટલે…’

‘એટલે તું મારા પૈસા આપી દેવાનો હોય તો હું હેન્ગ અપ કરું છું…’ કહી એણે ફોન ડિસકનેક્ટ જ કરી દીધેલ. દશ મીનીટ પછી ફરી એનો ફોન આવ્યો, ‘બોલ, મારી શરત મંજુર છે?’

‘મયંક…! એમ તો…’

‘તો…શું?? ઊલ્લુના પઠ્ઠા..!!’ મેક ગુસ્સે થતા બોલ્યો, ‘ આપણી દોસ્તીની આટલી જ કિંમત કરી તેં? બોલ, કેટલા જોઈએ છે? મારી પાસે એટલા પૈસા છે કે જેનો કોઈ હિસાબ નથી. રોજની ચાર ચાર બાય પાસ કરૂં છું. વિકએન્ડમાં પણ ક્યારેક તો કરવી પડે છે. હવે દોસ્ત દોસ્તને ન કામ આવે તો એવી દોસ્તી શા કામની…! તું આંકડો બોલ…! આર્ચિને કહી દઈશ. શી વિલ મેનેજ..! યાર, બૈરી એમબીએ થયેલ છે એનો આ ફાયદો. ચાલ, મારી પાસે ટાઈમ નથી. જલ્દી બો..લ…!’

‘પચાસ લાખ…’ સંકોચથી અવિનાશે કહ્યું.

‘બસ? ડન..! તું કહ્યા રાખે છે ને કે સેવા કર..! સેવા કર..!  તેં મને આ સેવા કરવાની તક  સામેથી આપી છે. ચેરિટિ બિગિન્સ એટ હોમ. થેન્ક્સ યાર..!’ મેક ભાવુક થઈ ગયો, ‘તને પૈસા મલી જશે. જરા ઈન્કમ ટેક્ષવાળાને તું સંભાળી લેજે. નહિંતર પછી પીછે પડ ગયા ઈન્કમ્ ટેક્ષમ્ ન થાય. આર્ચિ પણ ખુશ થઈ જશે કે ચાલો, થોડા પૈસા તો ઓછા થવાના અને  શુભકામમાં વપરાવાના!’

ત્રીજે દિવસે હવાલા મારફતે પૈસા આવી ગયા હતાઃ કુરિયરમાં બે બોક્ષ ભરીને એક કરોડ રૂપિયા!! બોક્ષમાં રોકડા રૂપિયા જોઈને અવિનાશ અને અવનિ હક્કા બક્કા થઈ ગયા હતાઃ ખરો છે મેક તો…!

મયંક સાથે બહુ ઓછી વાત થતી. એને સમય નહોતો. પણ જ્યારે તક મળે ત્યારે એ ચોક્કસ ફોન કરે કે ટુંકી ઈમેઇલ કરે. એવો મેક આવવાનો હતો. એના દીકરાના લગ્ન માટે! એક વિક માટે. એણે જલસો કરવો હતો દીકરાના લગ્નમાં. આજે મેઘા હોત તો મેઘાના લગ્ન પણ…!! અવિનાશ મેઘાના રૂમમાં આવ્યો. મેઘાની આદમકદની તસવીર દીવાલે લટકતી હતી. એના તરફ નિહાળી એ બોલ્યોઃ આઈ મિસ યુ મેઘુ!!

બે દિવસ પછી બુધવારે મેકની સેક્રેટરીની ઈમેઈલ આવી. મેક શુક્રવારે અમદાવાદ ઊતરવાનો હતો. મંગળવારથી લગ્નની ધમાલ ચાલુ થવાની હતી ને પછીના શનિવારે રાત્રે તો ફરી પાછો એ ન્યુજર્સી ઉડી જવાનો હતો.  આર્ચિ અને નિક કોર્ટયાર્ડ-મેરિયટમાં રોકાયા હતા અને એમણે બે માળ અને બૅન્કેવેટ હોલ ચાર દિવસ માટે બુક કરી દીધા હતા. અવિનાશે નક્કી કર્યું કે મેક અને આર્ચિ સાથે તો લગ્નમાં રહેવું જ પડશે. એણે એના આસિસ્ટન્ટ ડૉક્ટરસને બરાબર સમજાવી દીધું. તો અવનિએ એના મદદનીશને જવાબદારી સોંપી. બન્ને આતુર હતા મેકને મળવા માટે!! આર્ચિને મળવા!! નિકના લગ્નમાં મહાલવા માટે..!! શુક્રવારે બીજી મેઈલ આવી જે મેકના કહેવાથી એની સેક્રેટરીએ જ મોકલી હતી જેમાં નિકના એન્ગેજમેન્ટના ફોટાઓ હતા અને એક વિડીયો પણ હતો. ફોટા ડાઉનલૉડ થતા વાર લાગી એટલે અવિનાશની આતુરતા વધતી ગઈ. પણ જ્યારે એ ડાઉનલૉડ થયા ત્યારે સ્તબ્ધ જ રહી ગયો અવિનાશ!! સાવ અવાચક્‍! દિડ્મૂઢ !! નિકે પસંદ કરેલ દુહિતા હતી માહી..!! નિકે પસંદ કરેલ કન્યા બીજી કોઈ નહિ પણ માહી…!! ઓહ..!! હવે? પ્રતિક્ષિપ્ત પ્રક્રિયાથી અવિનાશે મોનિટરની સ્વીચ તરત બંધ કરી દીધી! સ્ક્રિન પર અંધારૂ છવાયું!

-હવે? આ તો  એ જ માહી કે જેના પર બળાત્કાર થયો હતો…!

-જેનું અવિનાશે એબોર્શન કરેલ…!!

-આ તે કેવો સંજોગ…?!

-માહીનો પગ જે કુંડાળામાં પડેલ એ કુંડાળું મોટું થઈ રહ્યું હતું…!! અવિનાશે બારી પાસે ગયો. એણે પોતના ઉદ્વેગને શાંત કરવા ઊંડા શ્વાસ ભરવા માંડ્યા. રાત્રીના આકાશમાં તારાઓ ટમટમી રહ્યા હતા. પણ મનના આકાશ પર તો સાવ કોરૂં અંધારૂં છવાય ગયું..! એ ફરી કમ્પ્યુટર પાસે આવ્યો. અવનિ તો પુસ્તક વાંચતી વાંચતી ઊંઘી ગઈ હતી એના તરફ એક નજર કરી એણે ફરી મોનિટરની સ્વિચ ઑન કરી. ધ્રૂજતા હ્રદયે એણે દરેક ફોટાઓ નિહાળ્યા. વિડિયો તો સ્લો ઈન્ટરનેટને કારણે જોઈ ન શક્યો. પરન્તુ, ફોટાઓમાં સહુ આનંદિત હતા. એ દિવસે જોયેલ માહી અને આજની માહી સાવ અલગ હતી.

-આ માહીને ખબર હશે કે અવિનાશ લગ્નમાં આવનાર છે?

-શું આ લગ્ન યોગ્ય છે? ધારો કે મેકને ખબર પડે કે માહી…

-તો…? અરે! આ માહીની તો ક્લિપિંગ્સ પણ ઉતારેલ પેલા લોકોએ..! એ કોઈ રીતે જો મેક સુધી પહોંચે તો…?

-ક્લિપિંગ્સ ઉતાર્યા બાદ લગભગ બે એક મહિના પછી માહીનું એબોર્શન થયેલ ત્યારબાદ એસપીને ફરિયાદ કરેલ..! એ દરમ્યાન તો કેટલાય ને એ ક્લિપિંગ્સ પહોંચી ગઈ હશે?

-યસ..!સેન્ડ બટન દબાવતા સેકન્ડ થાય! કેટલા બધા મોબાઈલ છે આજે તો લોકો પાસે!!

-અને બિકોઝ ઓફ ડ્રગ્સ, ક્લિપિંગ્સમાં માહી તો સેક્સ ઍન્જોય કરતી હોય એવું હશે. કોઈને એમ ન લાગે કે શી હેસ બિન રેપ્ડ…!

-એસપીને ફોન કરી પુછી જોઉં કે એમણે શું સ્ટેપ લીધેલ છે? ત્યારબાદ એસપીનો કોઈ કોન્ટેક્ટ પણ થયો નથી! અરે! માહીનો પણ કોઈ કોન્ટેક્ટ નથી થયો. અને આજે એ જ માહી આમ સાવ અચાનક ફરી સામે આવી ગઈ! મેકની વહુ બનીને…!

-અરે! આ ક્લિપિંગ્સવાળા તો તકની રાહ જોઈને બેઠા હશે. એક વાર માહીના લગ્ન થઈ જાય તો પછી વધારે પૈસા ઓકાવી શકાય. અ..ને મેક તો અબજોપતિ છે.

-ઓહ!! શું કરૂં? અવિનાશનું મન ડહોળાઈ ગયું.

-જો ગમે એમ કરીને મેકને જાણ થાય કે મેં જ માહીનું એબોર્શન કરેલ..તો..??

-તો એ કદી ય મને માફ ન કરે…!!

-અરે..! કેટલા ઉપકાર છે એના મારા પર..?

-શું કરૂં!! વ્હોટ…!વ્હોટ…!વ્હોટ…!

-એક વાર મેકને જણાવવું જરૂરી તો છે જ! એ સમજુ છે. સમજી જશે.

પથારીમાં પડખા ઘસતા અવિનાશે વિચાર્યું. એટલે તરત જ બીજા મને પુછ્યું: તારા ઉસુલનું શું? તારો તબીબીધર્મ કેમ વિસર્યો? કોઈ પણ સંજોગોમાં દર્દીનું ભલું કરવાની પણ લીધી છે તેં…! એની ગુપ્તતાના સોગંદ લીધા છે.

અવિનાશ પથારીમાંથી ઊભો થઈ ગયોઃ હિપોક્રેટિક ઓથ! ધ ડેમ હિપોક્રેટિક ઓથ!

એને સહેજ પરસેવો થઈ આવ્યો. સાઈડ ડેસ્ક પર મુકેલ વોટર બોટલમાંથી એણે પાણી પીધું. ગળે સોસ પડતો હોય એમ લાગતું હતું!

એક તરફ મિત્રધર્મ…! એક તરફ તબીબીધર્મ..!! અવિનાશ ભીંસાઈ રહ્યો હતો.

પ્રથમવાર, જિંદગીમાં પ્રથમવાર એને પોતાના ડૉક્ટર હોવાનો અફસોસ થયો!

-કાશ, માહી એની પાસે આવી ન હોત! કાશ.. એ માહીને ઓળખતો ન હોત…!

એણે અવનિ તરફ એક નજર કરી. એ ઘસઘસાટ ઊંઘી રહી હતી.

-શું અવનિને જાણ કરૂં? એ જે રસ્તો બતાવશે તે રસ્તે કદમ માંડવું!

-ના, આ વાતમાં અવનિને શું કામ વચ્ચે લાવવી જોઈએ?

-વાત મારી અને મેકની વચ્ચેની છે. અવિનાશે વિચાર્યું: મેક એક ડૉક્ટર છે. હિપોક્રેટિક ઓથમાં ડૉક્ટરો ડૉક્ટરો વચ્ચે વાત કરી શકાય…! અવિનાશે પોતે જ નક્કી કરી લીધું: યસ! ફક્ત એક વાર મેકને કહી દેવાનું…! હું એને સમજાવીશ…! એ બ્રોડ માઈન્ડેડ છે..! અમેરિકા રહે છે! એને શો વાંધો હોય? માહીનો કોઈ દોષ નથી. એ સમજી જશે. રાત આખી અવિનાશ વિચારતો રહ્યો. મૂંઝાતો રહ્યો. સવારે પંખીઓનો કલરવ પણ કર્કશ લાગ્યો એને!

અવિનાશે નક્કી કરી લીધું: એક વાર મેકને, મયંકને જણાવી દેવાનું! બસ, પછી… એ વિચારી શકતો નહતો.

‘આજે કંઈ વહેલો ઊઠી ગયોને?!’ અવનિએ અવિનાશને ગાર્ડનમાં હીંચકા પર બેસી ઝુલતો જોઈ બારીમાંથી કહ્યું, ‘ચા પીવા અંદર આવે છે કે…’

-રાતભર સુતુ જ કોણ હતું સ્વગત્  બોલી અવિનાશે કહ્યું, ‘અહિં જ લાવ.. પ્લીસ..!’ અવિનાશે કહ્યું, ‘જરા વહેલા નીકળીએ તો…’

ચાના બે કપ લઈ અવનિ અવિનાશની બાજુમાં હીંચકા પર ગોઠવાઈ, ‘કેમ મિત્રને મળવાની ઉતાવળ છે?!’

અવિનાશ મ્લાન હસ્યોઃ એનું જો ચાલે તો મેકને મળવા જ ન જાય. લગ્નમાં જ ન જાય…!

‘ટ્રાફિક નડશે. તું જલ્દી તૈયાર થઇ જા.’ જલ્દી જલ્દી ચા પી અવિનાશે કહ્યું, ‘એક વિઝિટ મારી આવું ત્યારબાદ નીકળીશું અમદાવાદ જવા માટે.’

સેન્ટર પર વિઝિટે ગયો ત્યારે એણે માહીની ફાઈલ શોધી, એની કોપી કરી અને એ ફાઈલ એની હોન્ડા સીટી કારમાં પેસેન્જર સિટની પાછળ બનાવેલ ખાનામાં મુકી! કદાચ, ફાઈલનું કામ પડેઃ મેક સમજી તો જશેને? કે પછી એ પણ… અવિનાશ આગળ વિચારી ન શક્યો. ભીના વાળમાંથી પાણી ખંખેરતો હોય એમ એણે ડોક હલાવી વિચારો ખંખેર્યા…!

થોડી વારમાં તો અવિનાશ અને અવનિને લઈને હોન્ડા સીટી હાઈવે નંબર આઠ પર સરકી રહી હતી. સીડી પ્લેયર પર અનુપ જલોટાનું ભજન ગુંજી રહ્યું હતું: પ્રભુજી તુમ ચંદન હમ પાની…!

અવિનાશ મુંઝાતો હતોઃ અવનિને જ્યારે ખબર પડશે કે માહી સાથે નિકના લગ્ન થઈ રહ્યા છે ત્યારે એ શું વિચારશે…?! માહીને નવવધૂ તરીકે એ જોશે તો એનો શો પ્રતિભાવ હશે..?!

‘કેમ શું વિચારે છે?’ અવનિ અવિનાશને બરાબર ઓળખતી હતી, ‘સવારથી જ તું કંઈ ખોવાયેલ ખોવાયેલ લાગે છે!’ હસીને અવનિ બોલી, ‘મિત્રને મળવાની તાલાવેલી ને બદલે તાણ અનુભવતો હોય..ટેન્શનમાં હોય એમ લાગે છે કે પછી બીજી કોઈ ચિંતા છે તને…?!’

– શું આ સ્ત્રીઓ પાસે ત્રીજું લોચન હોય છે? રોડ પરથી સહેજ નજર હટાવી અવિનાશે મ્લાન હસીને અવનિ તરફ નજર કરી કહ્યું, ‘નથિંગ…!’

‘તો સારૂં…!’ હસીને અવનિ બોલી, ‘રાત્રે પણ તું સરખો સુતો નથી. પાણીની આખી બોટલ સવાર સુધીમાં ખાલી કરી ગયો એટલે મને ફિકર થાય છે!’

ભરૂચ પસાર થઈ ગયું હતું. અવિનાશે સ્પિડ સહેજ ઓછી કરી.

‘અવિ, શું વાત છે?’ અવનિએ સીધું પુછી જ લીધું, ‘તારી રગેરગ જાણું છું!’

‘અવનિ…’થૂંક ગળી અવિનાશ બોલ્યો, ‘માહી યાદ છે ને તને..?’

‘અફકોર્સ..! શું એને કોઈ બ્લેકમેઈલ…’ અવનિએ આંખો પહોળી કરી, ‘કે પછી તને કોઈ…’

‘ના…એવું નથી..મને શું કામ..’ અવિનાશને સમજ પડતી ન્હોતી કે વાત શી રીતે કરવી.

‘………….!’ અવિનાશે મૌન રહી એક ઊંડો નિશ્વાસ નાંખ્યો અને કહ્યું, ‘માહી…માહી સાથે મેકના સન નિકના લગ્ન થઈ રહ્યા છે…!’

‘ઓહ…!’ આશ્ચર્યથી એની આંખો પહોળી થઈ ગઈ.

‘હા…માહી…સાથે..જેનું એબોર્શન આપણે કરેલ…!’

‘તો…તેં શું વિચાર્યું?’ અવનિએ પુછ્યું.

‘તું શું કહે છે?’ એક ટ્રકને ઑવરટેઈક કરવા માટે અવિનાશે એક્સિલરેટર દબાવ્યું.

‘…………!’ અવનિ મૌન મૌન વિચારી રહી.

‘એક વાર મેકને કહી દેવું. બસ!’ હોર્ન મારી એ બોલ્યો, ‘મિત્રદ્રોહ હું ન જ કરી શકું. એ સમજુ છે.’થૂંક ગળી અવિનાશ બોલ્યો, ‘સમજી જશે…!’

‘…………!’ અવનિ મૌન.

‘આમાં આપણે ધર્મસંકટમાં મુકાય ગયા. ખરેખર તો લગ્નમાં જવું ન જોઈએ.’ પોતાની જાત સાથે વાત કરતો હોય એમ ધીમેથી અવિનાશ બોલ્યો, ‘પણ મેકને…’

‘ખીચડીમાં જઈશું…?’ સાવ અચાનક અવનિએ કહ્યું, ‘જમવાનો ટાઈમ થઈ ગયો છે. ઘણા વખતથી ‘ખીચડી’માં નથી ગયા!’ વડોદરા પાસે હાઈવેથી થોડી અંદર કાઠીયાવાડી રેસ્ટૉરૉં હતી ‘ખીચડી’ એમાં ફક્ત ભાત ભાતની સ્વાદિષ્ટ ખીચડી જ મળતી. ગામઠી વાતાવરણમાં જમીન પર પાટલે બેસીને જમો કે કાથીના ખાટલે બેસીને જમો કે પછી નાના ઝુપડાંમાં બેસીને જમો, બહાર પ્રાંગણમાં બાંધેલ  સ્વચ્છ ગાયો, અને દુહા ગાતા ગાયકો! જાણે અદ્દલ કાઠીયાવાડી નાનકડું ગામડું!

‘ગુડ આઈડિયા…!’ અવિનાશે હોન્ડા સીટી હાઈવે પરથી અંદરના રસ્તે લીધી!

પેટ ભરાયને મનભાવતી મિક્ષ કઠોળની ખીચડી-કઢી બન્નેએ ખાધી.

‘મજા આવી ગઈ!’ બગાસું ખાતા અવિનાશ બોલ્યો, ‘મને તો ભાઈ હવે ઊંઘ આવે છે. આ ખીચડી તો ભારે પડી!’ એણે એક આળસ ખાધી.

‘અવિ…!’ અવનિએ કહ્યું, ‘તું જરા ઊંઘી જા. રાતભર વિચારતો રહ્યો છે. જાગતો રહ્યો છે. અને હવે તો ફોરલેઇન છે. આઇ વિલ ડ્રાઇવ. ને મને રસ્તો ખબર છે. કોર્ટયાર્ડ મેરિયટ રામદેવનગર સેટેલાઈટમાં ક્યાં આવેલ છે તે. યુ ટેઈક અ નૅપ…!’ બેગમાંથી અવનીએ સાલ અને અવિનાશનો કમ્ફર્ટ ક્લોથ કાઢી અવિનાશને આપતા કહ્યું. અવિનાશને આંખ પર મુલાયમ કપડું નાંખીને ઊંઘવાની આદત હતી અને એના વિના એને ઊંઘ ન આવતી. અવનિ હંમેશ કહેતીઃ અવનિ ન હોય તો ચાલે પણ આ તારા કોકા વગર તને ઊંઘ ન આવે!!

ડ્રાઇવર સીટ પર અવનિ ગોઠવાઈ અને કાર એરકન્ડિશનર સહેજ તેજ કર્યું. ઓડિયો સિસ્ટમ પર મંદ અવાજે શિવકુમાર શર્માના સંતુરના સુરો રેલાવા લાગ્યા. અવિનાશે પેસેન્જર સીટ સહેજ પાછળ હડસેલી, બેક રેસ્ટ એકદમ પાછળ નમાવી સીટ આરામદાયક બનાવી. સાલ ઓઢી આંખો  મુલાયમ કપડા વડે ઢાંકતા એ બોલ્યો, ‘ડ્રાઇવ કેરફુલી…!’

‘ઓ..ક્કે…સર..!’ હસીને અવનિ બોલી ને એણે ગિયર બદલ્યું, અને અવિનાશે નિદ્રાનું શરણું લીધું.

હાઈવે નંબર આઠના લીસા આલ્સ્ફાટના રોડ પર પાણીના રેલાની માફક કાર ફરી સરવા લાગી. ઉદ્વેગને કારણે રાતભર જાગતો રહેલ અવિનાશ નાના બાળકની જેમ નિદ્રાધિન થયો હતો. અવનિએ એની તરફ પ્યારભરી નજર કરીઃ સાવ બચ્ચુ જેવો છે…!

ડ્રાઈવવેમાં કાર પાર્ક કરી અવનિએ અવિનાશને જગાડ્યો, ‘અવિ…! આપણે આવી ગયા.’

આળસ મરડી અવિનાશે કહ્યુ, ‘આવી પણ ગયા?! વાઉ…ઉ…! ખબર પણ ન પડી!’ અવિનાશે આંખો ચોળીઃ અરે…! આ શું? એ વિચારતો રહ્યો ને કારનો દરવાજો ખોલી અવનિ બહાર નીકળી. કારમાંથી અવિનાશે ફરી બહાર નજર કરી. કાર એમના જ બંગલાના પોર્ચમાં ઊભી હતી. અવનિએ પેસેન્જર સાઇડનો દરવાજો ખોલ્યો અને સહેજ મરકતા કહ્યું, ‘કમ ઓન… ડૉક્ટર અવિનાશ..! આપણે બેંગલુરૂ નથી જવાનું તમારૂં રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવા આજ રાતની ટ્રેઈનમાં ?!’

અવિનાશ ધીમેથી કારમાંથી બહાર નીકળ્યો. કારનો દરવાજો પકડીને સામે ઊભેલ અવનિને બાથમાં લઈ ભાવુક થઈ એકદમ ભેટી પડ્યો, ‘થેન્ક યુ!! ડાર્લિંગ..!! તેં મારો પગ કુંડાળામાં પડતો બચાવી લીધો…! થેન્ક યુ!!’

હાથમાં હાથ પરોવી ડૉક્ટર અવિનાશ અને અવનિ જ્યારે પોતના ઘરમાં પ્રવેશ્યા ત્યારે બન્નેની આંખો સહેજ ભીની હતી.

(સમાપ્ત)

(કુલ શબ્દોઃ ૭૮૨૮)

____________________________________________________________________________________________________________________________________________

‘કુંડાળું’  વાર્તા પીડીએફ ફોરમેટમાં મેળવવા માટે
અહિં ક્લિક કરો.
આપના કમ્પ્યુટર પર સાચવો. પ્રિન્ટ કરો. મિત્રોને મોકલાવો.