દયા મૃત્યુ
( એક વહેલી સવારે મારી કાર નિશાન મેક્સિમામાં સવાર થઈ હું કામ પર જઈ રહ્યો હતો લગભગ સિત્તેર માઈલની ઝડપે….અને આગળની પેસેંજર બાજુની પાવર વિંડોનો કાચ સાવ અચાનક સડસડાટ ઉતરી ગયો હતો….અને હવાનો એક ઝોકો મારી કારમાં ધસી આવેલ. હું એકદમ ચમકી ગયેલ…ડરી ગયેલ..!! અને પછી એ પ્રસંગ પરથી આ વાર્તા દયા મૃત્યુ મારા મગજમાં ધીરે ધીરે આકાર પામી. માણો મારી વાર્તા દયા મૃત્યુ !!
દયા મૃત્યુ તિરંગા માસિકમાં ચારેક હપ્તામાં પ્રકાશિત થઈ ચુકેલ છે. આ માટે તિરંગાના પ્રકાશક/માલિક શ્રી નિતિનભાઈ ગુર્જરનો હું હાર્દિક આભારી છું.
મિત્રો, આપને આ અનોખી વાર્તા વિશે અભિપ્રાય આપવા નમ્ર વિનંતી છે. આપશોને??)
દયા મૃત્યુ
હર્ષદરાયે રિમોટનું બટન દબાવ્યું અને હળવા બી….પના દબાયેલ અવાજ સાથે એમની બ્લેક મર્સિડીઝના દરવાજા અનલોક થયા. એઓ હળવેથી કારની કુસાંદે લેધર સીટમાં સ્ટિયરીંગની પાછળ રૂઆબથી ગોઠવાયા. ધીમી ઘરઘરાટી સાથે કાર સ્ટાર્ટ થઈ.
પંદર પંદર પંક્ચરો વાળી સાયકલ નસવાડીના ધૂળિયા ઊબડ-ખાબડ રસ્તા પર માંડ ચલાવી શકનાર એક વખતનો હસિયો આજે હર્ષદરાય બની ન્યુ જર્સીના ઈંટરસ્ટેટ હાઈવે રૂટ એઇટી પર પચ્ચોતેર હજાર ડોલરની મર્સિડીઝમાં સરસરાટ સરક્તો હતો. નસવાડીના એ રસ્તાઓ યાદ આવી જતા ત્યારે એમના ચહેરા પર મર્માળુ સ્મિત રમતું. કેટલાંક ગણતરીપુર્વકના જોખમો ખેડીને આજે એઓ આ મુકામે પહોંચ્યા હતા…અને ડોલરના દરિયામાં નહાતા હતા.
એમણે કારના વેધર કંટ્રોલ યુનિટ તરફ નજર કરી અને જી પી એસ પર કારનું લોકેશન જોઈ લીધું. સ્ટિયરીંગ વ્હિલ પર આવેલ બટનને સ્પર્શી એમણે કારની હાઈ ફાઈ મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી. અને કારમાં જગજીતસીંગની ગઝલ મધુરા સુરે ગુજંવા લાગીઃ વો કાગઝકી કશ્તિ…વો…બારિશકા પાની….ગઝલના શબ્દોએ…સુરોએ…હર્ષદરાયને પહોંચાડી દીધા નસવાડી…!
-આ વરસાદ ક્યારે અટકશે…?! પંદર-સોળ વરસનો હસિયો સાંબેલાધાર વરસતા વરસાદને જોઈને વિચારતો હતો. રામ મંદિરના ચોગાનમાં આવેલ ભાંગ્યાતુટ્યા ખોરડાનાં છાપરામાંથી ચારે-તરફથી પાણી ગળતું હતું. હસિયાના બાપુજી રામમંદિરમાં પુજારી હતા. પૂજા-પાઠ કરવાતા હતા. મંદિરના દાન – દક્ષિણા પર બે જીવ નભતા હતા. હસિયાની મા એ બિચારો સમજણો થાય તો પહેલાં જ કોગળિયાંમાં સ્વર્ગે સિધાવી ચુકી હતી. નજીકના બ્રાહ્મણવાડમાં રહેતા વિધવા દયાકાકી હસિયાની કાળજી રાખતા હતા….માની ખોટ પુરી પાડતા.
-આ વરસાદ બંધ થાય તો દયાકાકીને ઘરે જઈ શકાય ને… ચા-રોટલો ખાય શકાય…! ભુખ્યો હસિયો વિચારતો હતો…
મર્સિડીઝ સિત્તેર માઈલની ઝડપે સરસરાટ સરકતી હતી. સાવ અચાનક જ આગળનો પેસંજર બાજુનો જમણી તરફની બારીનો કાચ ઉતરી ગયો અને હવાનો સુસવાટો એકદમ કારમાં ધસી આવ્યો. મર્સિડીઝમાં પાવર વિંડો હતી. બટન દબાવતાં જ બારીના કાચ ઉપર-નીચે થતાં. હર્ષદરાય થડકી ગયા. એમને આશ્ચર્ય થયું…!! એમણે જમણી બારીના કાચ ઉતારવા માટે કોઈ બટન દબાવ્યું ન્હોતું…! અરે…!! ડ્રાવયર તરફના દરવાજા પર આવેલ પાવર વિંડો લોકનું બટન પણ લોક જ હતું ….!! એટલે કોઈ ખોલવા માંગે તો પણ કોઈ પણ બારીના કાચ ખોલી ન શકે . અને એમના સિવાય કારમાં કોઈ ન્હોતું…. તો…. આ કાચ કેવી રીતે ઉતરી ગયો…!? કાર લીધાને તો હજુ એકાદ વરસ જ થયું….! માંડ સાતેક હજાર માઈલ ચાલી હતી એ…!! તો પછી…!? કારમાં પ્રથમવાર જ કોઈ તકલીફ ઉભી થઈ હતી. અને હવે એમનાથી કોઈ તકલીફ સહન થતી ન્હોતી આ જીવનમાં….!! ડ્રાઈવર તરફે આવેલ ડાબા દરવાજા પરનું બટન દબાવી એમણે ઉતરી ગયેલ જમણી તરફનો આગળની બારીનો કાચ ફરી ચઢાવી દીધો.
-ડિલરને બતાવવી પડશે! એમણે વિચાર્યું.
અમેરિકા આવ્યાને હર્ષદરાયને ત્રીસેક વરસ થઈ ગયા. એમની ગણતરીના બધાં જ પાસા સવળા પડ્યા હતા….સવળા પડતા હતા…!! જાણે શકુનિના પાસા…!! મર્સિડીઝ ક્રુઝ કંટ્રોલ પર સરકી રહી હતી. ધીમે સુરે જગજીતસિંગની ગઝલ ગુંજતી હતી! હજુ બીજા સો-સવાસો માઈલ જવાનું હતું. ફિલાડેલ્ફિયાની મોટલ માટે મેનેજર હાયર કરવાનો હતો.. એમની સાત મોટેલ હતી…! ચાર કન્વિનિયન સ્ટોર…ત્રણ લિકર સ્ટોર અને….છ ગેસ સ્ટેશનો તો અલગ…!! જાણે એક નાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું એમણે… આ સામ્રાજ્ય દયાની મહેરબાનીથી હતું….!દયાશંકર એમના સસરાશ્રી…!!
ન જાણે કેમ કારમાં કાચના આમ અચાનક ઉતરી જવાથી હર્ષદરાય બેચેન બની ગયા…! એમણે ફરી એ કાચ પર એક ઉડતી નજર કરી…! બાજુની પેસેંજર સીટ પર પણ એક નજર નંખાય ગઈ….!પછી રસ્તા પર સીધી નજર કરી…! કોણ જાણે કેમ આજે ફિલાડેલ્ફિયા ય વધુ દુર લાગતું હતું…
-હવે નીકે બધું સંભાળી લેવું જોઈએ.. નીક એમનો એકનો એક પુત્ર હતો જેને હર્ષદરાયના બિઝનેસમાં કોઈ રસ ન્હોતો…! એ સોફ્ટવેર એંજિનિયર હતો. એનાં કમ્પ્યુટરના પ્રોગ્રામિંગ…અને સોફ્ટવેર વચ્ચે એ ઘેરાયેલ રહેતો…ધૂની હતો… ત્રણ તો ગર્લફ્રેન્ડ બદલી ચુક્યો હતો….અને પરણવાનું નામ લેતો ન્હોતો..! હર્ષદરાયના વિચારોની ગતિએ જ કાર ચાલતી હતી અને….સ..ડ…સ…ડા….ટ, સાવ અચાનક પેસેંજર બાજુનો કાચ ફરીથી ઉતરી ગયો અને હવાનો એક સુસવાટો ધસી આવ્યો મર્સિડીઝમાં!! સાવ પ્રતિક્ષિપ્તક્રિયાને કારણે એમનાથી એકદમ બ્રેક મરાય ગઈ. પાછળ આવી રહેલ કારોના ડ્રાઈવરોએ પણ એ કારણે બ્રેક મારવી પડી…!! એટલે એમણે હોર્ન માર્યા…! ગાળો દીધી… પાંચ લેઈનના ઈંટરસ્ટેટ હાઈવે પર હર્ષદરાય વચલી લેઈનમાં હંકારી રહ્યા હતા…માંડ બચી ગયા…!!નહિંતર આજે ભયંકર અકસ્માત થાત….!! જમણી બાજુ તરફ જવાનો સિગ્નલ દર્શાવી એમણે મર્સિડીઝ છેક જમણી લેઈનમાં લીધી અને ઝડપ જરા ઓછી કરી… જમણી લેઈન આમેય ધીમી ગતિના વાહનો માટે હોય છે. હર્ષદરાયને પોતાના હૃદયના ધબકારા કાનમાં સંભળાતા હતા…!! કારની ગતિ હવે પચાસ માઈલની થઈ ગઈ હતી….અને…કારમાં છીંકણીની વાસ છવાય ગઈ હતી…તમાકુની તિવ્ર દુર્ગંધ….તપખીરની બદબુ છાક મારવા લાગી…!!
-આ વાસ…!? આ દુર્ગંધ…!?
-અરે !! આ તો દયાકાકી…!!
-દયાકાકીને દર દશ-પંદર મિનીટે તપખીર સુંઘવાની ટેવ હતી…!
-આ ગંધ અહિં ક્યાંથી…?..! હર્ષદરાયનું મગજ ફાટફાટ થવા લાગ્યું: દયાકાકીને મર્યાને તો કેટલાય વરસોના વહાણાં વાય ગયા…!!
-મર્યાને કે માર્યાને….?! એક સણસણતો સવાલ હર્ષદરાયના આત્માએ પુછ્યો…
દયાકાકી એકલા જીવ હતા. નિઃસંતાન, વિધવા…!! જુવાન વયે જ એમના પતિ સાપ કરડવાને કારણે રામશરણ થયા હતા…! હસિયાને જ પોતાનો દીકરો ગણી ઉચ્છેર્યો હતો…પ્રેમ કર્યો હતો..! હસિયો પણ દયાકાકી દયાકાકી કરતા ધરાતો ન્હોતો…!! હસિયાની દરેક માંગ દયાકાકી પુરી પાડતા…!! એનો પડ્યો બોલ જાણે એ ઝીલતા…!! એક દિવસ દયાકાકી ઘરમાં લપસી પડ્યા… થાપાનું હાડકું ભાંગી ગયું….! દાક્તરોએ પ્રયત્ન કર્યા પણ કારગર ન નીવડ્યા…! અ…ને…દયાકાકી સાવ અપંગ થઈ ગયા… બિલકુલ પથારીવશ…!! એમની સર્વ જવાબદારી આવી પડી સોળ-સત્તર વરસના હસિયા પર… ગામલોકોએ ખાવાપીવાની વ્યસ્થા તો કરી પણ દયાકાકીની ચાકરી તો હસિયાએ જ કરવી પડતી…! એના બાપુજી પણ કહેતા હતા કે દયાકાકીએ તને મોટો કરેલ…!તારી મા જેવા..!! હવે આપણી ફરજ થઈ પડે કે એમની સેવા-ચાકરી કરીએ… દયાકાકીનો સ્વભાવ પણ માંદગી અને પરવશતાને કારણે ચીઢ્યો થઈ ગયો હતો…!! ચાર-પાંચ મહિનામાં તો હસિયો કંટાળી ગયો….!! તપખીર…ઝાડો-પેશાબ…માંદગીની દુર્ગંધ…!!! એને ઊબકા આવતા…!! દયાકાકીની પીઠ પર ચાંદીઓ પડી ગઈ…દયાકાકી પણ હવે તો મોત ઈચ્છતા હતા…!!
-પ્રભુ!! હવે તો ઉપાડી લે…!! દયાકાકી ભગવાનને વિનવતા. પણ પ્રભુ ક્યાં એમ કોઈનું સાંભળે છે…?!
-અ….ને હસિયાએ નિર્ણય લઈ લીધો…!!
-દયાકાકીને છુટકારો આપવાનો…! મુક્તિ આપવાનો…! હવે દયાકાકીએ શા માટે લાંબુ જીવવું જોઈએ…?! સિત્તેર ઉપરના તો થઈ ગયા…!! આવું સાવ પરવશ જીવન જીવવાનો અર્થ પણ શો….?!
જશુભાઈના ખેતરેથી કપાસની જીવાત મારવા માટે લાવેલ જંતુનાશક પાવડર કોઈને પણ જાણ ન થાય તેમ હસિયો લઈ આવ્યો… કાતિલ ઝેર…કાર્બારિલ…!! સેવિન…!! સફેદ પાવડર….!! સફેદ દૂધ….!! સફેદ ખાંડ….!! હસિયાએ એક રાત્રે દયાકાકીને પ્રેમથી પીવડાવી દીધું….!!
‘દીકરા…હસુ…, બચુ…!!’ દયાકાકીએ કહ્યું, ‘મારો પોતાનો દીકરો હોત તો પણ આટલી સેવા ન કરતે એટલી તેં મારી સેવા કઈ છે….!!’ દૂધ પીતા પીતા એ અટક્યા, ‘હવે હું કેટલા દા’ડા જીવવાની…!! ગામના પાંચ માણસોને…તલાટીને ને સરપંચને મેં કહી દીધું છે કે મારા પછી આ મારૂં ઘર તને જ આપી જવાની…. તું એમાં રે’જે…!! તારા બાપ સાથે…!!’ દયાકાકીએ દૂધનો છેલ્લો મોટ્ટો ઘુંટડો ભર્યો, ‘…આ..આજે દૂધમાં ખાંડ બો વધારે છે દી…ક….રા..!!’
– અને એ છેલ્લું દૂધ છે…!! હસિયો મનમાં ને મનમાં મરક્તો હતો…! દૂધ પીવડાવ્યા બાદ આખી રાત હસિયો દયાકાકીની પથારી પાસે બેસી રહ્યો…!!દયાકાકીએ જ્યારે પ્રાણ છોડ્યા ત્યારે થોડું તરફડ્યા હતા…મ્હોંમાં ફીણ આવી ગયા હતા…!! હસિયાનો જમણો હાથ કાંડાની ઉપરથી દયાકાકીએ એટલા જોરથી બળપુર્વક પકડ્યો હતો કે હાથ પર સોળ ઉપસી આવ્યા હતા…!! એમના દેહ પાસેથી એ પકડ છોડાવતા હસિયાને ઘણી મુશ્કેલી પડી હતી…!! પોતાના જમણા હાથ પર અત્યારે પણ એ જે સજ્જડ પક્કડ હર્ષદરાયે અનુભવી…!!
– ઓ….હ….!! નો….!!
-વ્હા…..ઈ…ના….ઉ….!? મર્સિડીઝની શીતળતામાં પણ એમને પરસેવો વળી ગયો…!! તપખીરની દુર્ગધ મર્સિડીઝમાં છવાય ગઈ હતી….!!
– લેટ્સ ટેઈક અ બ્રેક…
હાઈવે પર જે આવી તે પહેલી એક્ઝિટ લઈ એમણે ડંકીનડોનટના પાર્કિંગ લોટમાં મર્સિડીઝ હળવેથી પાર્ક કરી. જમણા હાથના કાંડાની ઉપર હાથના ભાગે લાલ-ચોળ સોળ ઉપસી આવ્યા હતા. દયાકાકીના આંગળાની છાપ જાણે છપાય ગઈ હતી….!! એમણે એક ઊંડો શ્વાસ લઈ ગોલ્ડન રોલેક્સ કાંડા ઘડિયાળ પર નજર નાંખી. બપોરના બે વાગ્યા હતા. ચાર વાગ્યે મેનેજરના ઈન્ટર્વ્યુ હતા….!! એઓ ડંકીનડોનટના રેસ્ટરૂમમાં ગયા…જમણા હાથ પર અચાનક અત્યારે ઉપસી આવેલ સોળ પર ઠંડા પાણીની ધાર કરી… હાથ બરાબર ધોયા…!! રેસ્ટરૂમની એકલતાથી એઓ થોડાં ડરી ગયા…ઝડપથી બહાર આવી ગયા…!! એમનું હ્રદય બમણા જોરથી ધબકતું હતું….!! ધક…ધક…ધક….ધક….!!
– સમથિંગ ઈસ રોંગ…!!
એમણે લાર્જ બ્લેક કોફીનો ઓર્ડર આપ્યો…થોડો વિચાર કરી એઓ ડંકીનડોનટમાં ગોઠવેલ ખુરશી પર બેઠા. એક ઘૂંટ કોફી પીધી. કોફીના કડવા સ્વાદથી શરીરમાં એક તાજગી આવી ગઈ…
-બધો મારો મનનો વ્હેમ છે….! પોતાના હાથ પર ઉપસી આવેલ સોળ તરફ નજર કરી એમણે પોતાના મનને બહેલાવવા માંડ્યુ. મોટેલ પર ફોન જોડી કહી દીધું: આઈ વીલ લિટલ લેઈટ.ડોન્ટ કેંસલ ધ ઈન્ટર્વ્યુ!! કોફી પીતા પીતા થોડાં ઊંડા શ્વાસો લીધા…બાજુમાં બેઠેલ ધોળિયાઓ સાથે વેધર..યાંકી…બેઈઝ બોલની થોડી વાતો કરી…!!
– એવરીથિંગ ઈસ ઓકે…!! અંદર બેઠાં બેઠાં જ એમણે મર્સિડીઝ તરફ નજર કરી.
– કૂલ ડાઉન…! મનોમન સાંત્વના આપી…! નથિંગ ઈસ રોંગ….! આઈ ડીડ નોટ ડુ એનીથિંગ રોંગ…! શી વોઝ વેરી ઓલ્ડ… ઘણી જ ડોશી હતી….! મરવાના વાંકે જીવતી હતી બિચારી ઘરડી ડોશી….!આમેય એ મરવાની તો હતી જ ને….? થોડી વ્હેલી મરી તો શું થયુ….?
– ઈટ વોઝ એ મર્સિકિલિંગ…! એન્ડ નથ્થિંગ વોઝ રોંગ ઈન ઈટ…!
– દયા મૃત્યુ…!!!
– મેં તો દયાકાકીને મુક્તિ આપી હતી બદતર જીવનથી…માંદગીથી…!
ખુરશીમાંથી ઉભા થતા થતા એમણે કોફીનો છેલ્લો ઘુંટ ભર્યો…અ…ને.એકદમ ગળ્યો-ગળચટ્ટો સ્વાદ એમના મ્હોંમાં છવાય ગયો…!
– ઓ…ઓ…હ…..નો…..!! ધબ્બ દઈને એમનાથી ફરી ખુરશીમાં બેસી પડાયું…! એઓ કોફીમાં કદીય ખાંડ નાંખતા ન્હોતા…! આખા ગ્લાસની કોફી સાવ કડવી હતી…! અને છેક છેલ્લો ઘૂંટ એકદમ ગળચટ્ટો…!! દયાકાકીને પીવડાવેલ છેલ્લાં દૂધ જેટલો જ ગળચટ્ટો…!!
– કે…..મ…!?
-ડોશી કેમ આજે આમ મગજ પર સવાર થઈ ગઈ…?!
હર્ષદરાયને કપાળે પરસેવાના બુંદ બાઝી ગયા…!
‘આર યુ ઓકે…!!’ બાજુમાં ઉભેલ એક અંગ્રજ યુવતિએ પુચ્છ્યું, ‘યુ લુક સિક, સ…..ર!!’
‘નો….નો…!! આઈ એમ ઓકે…આઈ એમ ફાઈન… થેંકસ્..!!’ ફરી ઊંડો શ્વાસ લઈ એઓ ઝડપથી ઉભા થયા…! કોફીના ખાલી થઈ ગયેલ પેપર ગ્લાસમાં અંદર નજર કરી. એ ગ્લાસમાં ક્યાંય ખાંડના અવશેષો ન્હોતા…તો પછી એ આટલી મીઠી કેમ લાગી…. ?! કે….મ….!! કોઈ જવાબ ન્હોતો હર્ષદરાય પાસે…! કોફીનો ખાલી ગાસ ગાર્બેજકેનમાં નાંખી એઓ ઝડપથી બહાર આવી ગયા. રિમોટથી જ અનલોક કરી મર્સિડીઝમાં ગોઠવાયા…હળવેકથી પાર્કિંગ લોટમાંથી હંકારી રેમ્પ લઈ ફરીથી હાઈવે પર આવી ગયા. સિત્તેર માઈલની ઝડપ પલકવારમાં પકડી લીધી. જમણી બાજુના કાચ પર એક નજર નંખાય ગઈ….! એ કાચ બંધ જ હતો…પણ કારમાં હજુ ય તપખીરની આછી આછી વાસ હતી…!!
-એવરીથિંગ ઈસ કૂલ…! કૂલ ડાઉન…હેન્રી, એમને માયાની યાદ આવી ગઈ… માયા એમની પત્ની…! માયાને વાત વાતમાં કૂલ ડાઉન…!! સ્ટે કૂલ કહેવાની આદત હતી…! માયાએ જ હસિયાને હેન્રી બનાવી દીધો હતો..! વરસો પહેલાં દયાશંકર એમની એકની એક પુત્રી માયાને લઈને નસવાડી આવ્યા હતા…દર બે-ત્રણ વરસે શિયાળામાં એઓ ગામ આવતા. મહિનો-માસ રોકાતા…! નસવાડી ખાતે એમનો વાડી-વજીફો, જમીનદારી હતી. એ વખતે દયાશંકર સાથે એમની એકની એક યુવાન પુત્રી માયા પણ આવી હતી. હર્ષદરાય ફરી ભુતકાળની યાદમાં ડૂબ્યા: માયાને નિહાળી હસિયો સડક થઈ ગયો. એની સુંદરતા પર…એના લાવણ્યમય યૌવન પર એ ફિદાં થઈ ગયો….હસિયાની આંખમાં કોમળ મૃદુતાપૂર્ણ સુંદરતા વસી ગઈ. હસિયો બાવીસ વરસનો તરવરિયો યુવાન હતો…!! કોલેજના છેલ્લા વરસમાં હતો. દયાકાકીને સ્વર્ગે પહોંચાડ્યા બાદ એ અને એના પિતા રામ મંદિરનું ખોરડું છોડી દયાકાકીના પાકા મકાનમાં રહેવા આવી ગયા હતા. હસિયાની નજરમાંથી માયા હટતી ન્હોતી…એની રાતની નિંદ્રા ને દિવસનું ચેન ચોરી ગઈ માયા…!!
– ગમેતેમ કરીને આ માયાને મેળવવી જોઈએ….!! એકવાર માયા મળે તો પછી અમેરિકાના દરવાજા પણ ખૂલે…!!
– પણ કેવી રીતે…?! કેવી રીતે….?!
માયા અલ્લડ હતી…ચંચળ હતી… યુવાનીથી તસતસતી હતી…! અને સહુથી મોટો ગુણ એનો હતો કે કરોડપતિ દયાશંકરની એકની એક પુત્રી હતી…એકનું એક સંતાન….! હસિયો માયાની દરેક પ્રવૃત્તિ પર દૂરથી ધ્યાન રાખવા લાગ્યો… માયા રોજ સવારે ઘોડાગાડીમાં ફરવા નીકળતી હતી…! દયાશંકરની ખેતીવાડી હતી. એઓ ઘોડાગાડી પણ રાખતા… માયા જાતે જ ગાડી હંકારતી…!! એને એમાં મજા પડતી…. રોજની જેમ એક સવારે માયા ઘોડાગાડીમાં ફરવા નીકળી હતી. રવાલ ચાલે ઘોડો ગાડી ખેંચતો હતો. ગાડી નદીના પુલ પરથી પસાર થતી હતી…! અ…ને અચાનક ઘોડો ભડક્યો…!! બરાબર ભડક્યો…!! ગાડી સહિત પુલ પરથી નદીમાં ખાબક્યો…! ગાડીમાં માયા હતી…ગાડી સહિત એ પણ જઈ પડી નદીમાં…! નદીમાં પુનમની ભરતીને કારણે પાણી વધારે હતું. માયા પાણી નદીમાં ડુબવા લાગી. ‘હે….લ્પ….હે….લ્પ…!! બચાવો…બચાવો…!!’ની બુમરાણ મચાવી દીધી માયાએ…!! અ…ને કોઈ દેવદૂતની માફકા હસિયો પ્રગટ્યો પાણીમાં…ડૂબતી માયાને ખભે નાંખી તરતો તરતો એ કિનારે આવ્યો….!! કિનારે ગામલોક ભેગા થઈ ગયા હતા…!! પોતાના જીવના જોખમે હસિયાએ માયાને બચાવી….મરતા બચાવી….!! હસિયાની ગામમાં વાહ વાહ થઈ અને આમ માયા હસિયાના પ્રેમમાં પડી…!!
– પ્રેમમાં પડી કે પાડી….?!
હર્ષદરાયે લેઈન બદલી અને કારની ઝડપ વધારી…પણ એ ઝડપ કરતાં ય એમનું મન વધારે ઝડપે દોડતું હતું ભુતકાળના પથરીલા રાહ પર કે જ્યાં એમણે જાત જાતની ચાલો ચાલી હતી.
– ઘોડો કેમ ભડક્યો હતો…?!
– પ્લાનિંગ…! સોલિડ પ્લાનિંગ…! દિવાળી પર ભેટમાં મળેલ ફટાકડાઓમાંથી એક સુતળી બોંબ સાચવી રાખ્યો હતો… જે મોટ્ટા ધડાકાભેર ફાટતો હતો…ફૂટતો હતો….!! ઘોડો અવાજથી ભડકતો હતો અને એની હસિયાને જાણ હતી… જેવો ઘોડો નદી પરના પુલની વચ્ચે આવ્યો અને ધડાકો થયો…!! ઘોડો ભડક્યો…બરાબર ભડક્યો!! ગાડી સહિત નદીમાં ખાબક્યો..માયા ગાડીમાં હતી…કદાચ માયાને કંઈ પણ થઈ જાત…પણ કંઈ ન થયું એને…!! શકુનિના પાસા કદી અવળા પડે…!?
આમ માયા હસિયાના પ્રેમમાં પડી…એના પર વારી ગઈ…! ને એણે હસિયાને બનાવ્યો હેન્રી…!! દયાશંકરની સખત નામરજી હોવા છતાં માયાના લગ્ન હસિયા સાથે થયા…! એકની એક દીકરીની જીદ આગળ દયાશંકરનું કંઈ ન ચાલ્યું તે ન જ ચાલ્યું…! અને હસિયો માયાની પાછળ પાછળ આવી પહોંચ્યો અમેરિકા…! પરંતુ અહિં અમેરિકા આવ્યા બાદ હસિયાની હાલત ન સુધરી…!! બધો કારોબાર દયાશંકરના હાથમાં જ હતો…!! હર્ષદરાયના હાથમાં એક પેની પણ સીધેસીધી આવતી ન્હોતી…! હર્ષદરાયની હાલત એક મેનેજરથી વધુ કંઈ ન્હોતી અને ડોસો દયાશંકર વાતવાતમાં ટોકતો રહેતો…! અપમાન કરતો…! સલાહ-સુચનો આપ્યા કરતો…! પોતાની આપબડાઈ હાંકતો….! અને વાતે વાતે હર્ષદરાયની ભુલો કાઢતો….એ હર્ષદરાયને ધિક્કારતો હતો…!!
વિચારમાં ને વિચારમાં ફિલાડેલ્ફિયા ક્યારે આવી ગયું એની જાણ પણ ન થઈ હર્ષદરાયને. પોતાની રિઝર્વડ પાર્કિંગ પ્લેસ પર મર્સિડીઝ પાર્ક કરી એઓ મોટેલમાં પ્રવેશ્યા. હાય હેન્રી….હલ્લો સર…હાઉ યુ ડુઇંગ….હાય બોસ…ની આપલે થઈ..! હર્ષદરાય પોતાના ખાસ અંગત સ્યુટમાં ગયા.. ફ્રેશ થયા… કાંડાની ઉપર હાથ પર ઉપસી આવેલ સોળ થોડાં ઝાંખા પડી ગયા હતા…પરંતુ, હજુ ય કોઈ અદ્રશ્ય પકડ અનુભવી રહ્યા હતા અને એ કારણે બેચેન બની ગયા હતા એઓ.
મોટેલ મેનેજર માટે બે ઉમેદવારો હતા. અગાઉ એઓના ફોનથી ઈન્ટર્વ્યુ તો લેવાય જ ગયા હતા. પર્સનલ ઈન્ટર્વ્યુ માટે એઓને આજે અહિં બોલાવ્યા હતા. બન્ને માસ્ટર ઈન હોટલ મેનેજમેન્ટ થયેલ હતા. બન્નેને પસંદ કરી દીધા. આમેય હ્યુસ્ટન ખાતે નવી મોટલનું ડીલ થઈ જાય એમ હતું એટલે એકને ત્યાં બેસાડી દઈશ એમ એમણે વિચાર્યું. રાતોરાત મર્સિડીઝને ડિલરને ત્યાં મોકલી ચેકઅપ માટે જણાવી દીધું. પોતાના ખાસ માણસને એ માટે તાકીદ કરી અને પાવરવિંડો માટે બરાબર ચેક કરવા જણાવ્યું અને એઓ ફરી પાછા એમના સ્યુટમાં આવ્યા. આવીને શાવર લીધો…દયાકાકીના વિચારો…એમનો પ્રાણ ત્યાગતી વખતનો તરફડાટ આંખ આગળથી જાણે ખસતો ન્હોતો… આટ આટલા વરસો સુધી એઓને દયાકાકીની આ રીતે યાદ આવી ન્હોતી.. અને આજે જાણે કે દયાકાકી એઓનો પીછો કરી રહ્યા હતા…! એમને લાગ્યું કે એમના રૂમમાં એમની સાથે કોઈ છે…!! કો…ણ…??
-ના, કોઈ નથી…! બધો મનનો વ્હેમ છે…! અને દયાકાકીને માટે મેં જે કર્યું તે યોગ્ય જ હતું…! બહુ હેરાન થતી હતી બિચારી ડોશી…!! અરે…!!પીઠ પર ચાંદીઓ પડી ગઈ હતી…ચામડી ઉતરી ગઈ હતી…! એવાં જીવન કરતાં તો મોત સારું…!! એમણે તો એમના શરીરને છુટકારો આપ્યો હતો…! પીડાથી મુક્ત કર્યા હતા…!! આત્માનો ઉધ્ધાર કર્યો હતો…!! નો ધેર વોઝ નથ્થિંગ રોંગ …
નાઈટ ગાઉન પહેરી દીવાલ પાસે બનાવેલ નાનકડા બાર પાસે જઈ એમને બ્લ્યુ લેબલ વ્હિસ્કીનો લાર્જ પેગ બનાવ્યો અને ગ્લાસને આઈસ ક્યુબથી ભરી દઈ હલાવ્યો. બરફના ચોસલા કાચ સાથે અથડાતા એક મધુરો રણકાર થયો. ઈંટરકોમ પરથી ચિકન સલાડ માટે ઓર્ડર કરતાં એમનો ખાસ માણસ ચિકન સલાડ આપી ગયો એને ન્યાય આપતા આપતા એમણે વ્હિસ્કીના બે પેગ ગટગટાવ્યા. એરકંડિશનર પર લો ટેમ્પરેચર કરી એમણે પલંગ પર લંબાવ્યું…વ્હિસ્કીનો નશો જરૂર થયો હતો પણ જાણે નયનોને ને નિંદ્રાને નસવાડીથી ન્યુ જર્સી જેટલું દુરનું અંતર થઈ ગયું હતું!! નસવાડી અને ન્યુ જર્સીની સરખામણી થઈ જતાં એઓ મુસ્કારાયા… ક્યાંય સુધી પડખાં ફેરવવા છતાં ઊંઘ ન આવી. એઓ પલંગ પરથી ઊભા થયા…! આજ સુધી એમને ઊંઘ ન આવી હોય એવું કદીય બન્યું ન્હોતું. નિંદ્રાદેવીનું એમને વરદાન હતું તો પછી આજે કેમ આંખમાં ઊજાગરા અંજાય ગયા…?! રાતના સાડાબાર વાગી ગયા હતા…! એઓએ મેડિસીન કેબિનેટમાં નજર દોડાવી સ્લિપીંગ પિલ્સ ખોળી!! એમના આશ્ચર્ય વચ્ચે ઊંઘની ગોળી મળી પણ ગઈ….!!ઓહ માયા….!! થેંક ય, માયા એમની કેટલી કાળજી રાખતી હતી…! મેડિસીન કિટ એમની દરેક મોટેલના દરેક અંગત સ્યુટમાં રાખવાનો ખાસ આગ્રહ હતો માયાનો અને એમાં દરેક દવાઓ રહે એની એ પુરતી કાળજી રાખતી. શું માયાને ખબર હશે કે એમને ય કદી સ્લિપીંગ પીલની જરૂર પડશે…?! બે ગોળીઓ એક સામટી ગળી લઈ એમણે પોતાની જાતને કહ્યું…..કૂલ હેન્રી..!! કૂલ…!! અને એઓ ગોળીની અસર તળે નિંદ્રાના શરણે થયા…
સવારે ઉઠ્યા ત્યારે એ તાજામાજા થઈ ગયા હતા. મોટેલના જીમમાં જઈ વર્ક આઉટ કરી આવ્યા…! એઓ પોતાન શરીરની ખુબ જ કાળજી રાખતા હતા…!! મોટેલમાં એક આંટો મારી આવ્યા…! મેનેજર સાથે બિઝનેસની થોડી વાતો કરી એઓ ફરી પોતાની મર્સિડીઝમાં ગોઠવાય ગયા…! ડિઓડરંટની સુગંધથી કાર મઘમઘતી હતી…!! ક્યાંય તપખીરની દુઃર્ગંધ આવતી નહતી…!!તો એ ખરેખર મનનો વ્હેમ જ હતો. એમણે મનને મનાવ્યું. પાવર વિંડોમાં પણ કોઈ તકલીફ ન્હોતી…એવરીથિંગ ઈસ કૂ…ઉ…ઉ…લ…!!
હાઈવે પર દોડતી કારોની વણજારમાં હર્ષદરાયની મર્સિડીઝ પણ જોડાઈ ગઈ. પીક અવરના ટ્રાફિકથી હાઈવે છલકાય ગયો હતો. આજનો કાર્યક્રમ એમણે યાદ કરી લીધો. બધું જ એમના મગજમાં હતું. ક્યારે ય એમને ઓર્ગેનાઈઝર, સેક્રેટરી કે પર્સનલ આસિસ્ટંટની એમને જરૂર પડી ન્હોતી… પડતી ન્હોતી…!! પોતે જ પોતાના ઘડવૈયા હતા. સ્વનિર્ભર…!! પોતાની જાત પર એઓને ઘણુ જ ગૌરવ હતું…!! આત્માભિમાન હતું….!! પોતે કદીય હાર્યા ન્હોતા…!! હારવાની એમને આદત ન્હોતી અને જીતવાનું એમને વ્યસન હતું…!!
કારના સ્ટિયરીંગ વ્હિલ પર આવેલ ઓડિયો સિસ્ટમના બટનને સ્પર્શી એમણે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી…એમના પ્યારા જગજીતસિંગનો રણકતો સ્વર રેલાવા લાગ્યોઃ તુમ ઈતના જો મુસ્કુરા રહે હો….ક્યા ગમ હે જો છુ…ઊ…ઊ..પા રહે હો..ઓ…ઓ…..!! હર્ષદરાય ખરેખર મુસ્કુરાય ઊઠ્યા…એમની માનીતી ગઝલે એમને ડોલાવી દીધા…! એમના ઓડિઓ સિસ્ટમના દરેક સ્લોટ ફક્ત જગજીતસિંગ અને ચિત્રાસિંગની ગઝલની સીડીથી જ લોડેડ રહેતા… અન્ય કોઈ ગાયકને અન્ય કોઈ પ્રકારની સીડીને માટે કોઈ અવકાશ ન્હોતો.
-મધુકર શ્યામ હમારે ચોર….!! મ…ધુ…ક….ર શ્યા…આ…આ…મ હ…મા…રે…ચોર…!!
કારમાં એકદમ સાયગલનો રોતલ અવાજ ગુંજવા લાગતા હર્ષદરાય ચમક્યાઃ વોટ ધ હે….લ….!! આશ્ચર્યથી એઓ ચોંકી ઊઠ્યા…આ સાયગલ ક્યાં વચ્ચે ઘુસી ગયો…?! અરે…!! સાયગલની બધી સીડી ગાર્બેજ કર્યાને તો વરસો થઈ ગયા…!! એમણે મ્યુઝિક સિસ્ટમ બંધ કરવા માટે બટન દબાવ્યું પણ એ બંધ ન થયું અને સાયગલનો અવાજ સરાઉંડ સિસ્ટમના સ્પિકર પર ગુંજતો જ રહ્યોઃ મધુકર શ્યામ હમારે ચોર….!! મ…ધુ…ક….ર શ્યા…આ…આ…મ હ…મા…રે…ચોર…!! શ્યા…આ…આ…મ હ…મા…રે…ચો ઓ… ઓ…ર….
ક્યુબન સિગારની માદક ગંધ ધીમે ધીમે મર્સિડીઝમાં છવાય ગઈ….!!
-આ તો ડોસલો…!! દયાશંકર…!! ઓ….હ….!!
ડરના માર્યા એમને પરસેવો વળી ગયો. પરસેવે રેબઝેબ થઈ ગયા…!! કારના એરકંડિશનની વેંટમાંથી આછો આછો ધુમાડો કારમાં પ્રવેશવા લાગ્યો…!! સિગારનો ધુમાડો…! ક્યુબન તમાકુની તીવ્ર ગંધમાં વધારો થયો….!! હર્ષદરાયે માંડ માંડ પોતાના પર કાબુ રાખ્યો હતો…!! કારનું સ્ટિયરીંગ સજ્જડ પકડી રાખ્યું હતું….! શું થઈ રહ્યું છે એમને કંઈ સમજ પડતી ન્હોતી…!! એમના સસરા દયાશંકરને સિગાર પીવાની ટેવ હતી…!! આદત હતી…!! ચર્ચિલની માફક એમને સિગાર વિના કલ્પવા અશક્ય હતા અને સાયગલના ગિતોના એઓ દિવાના હતા…!!
-આ અહિં ક્યાંથી….?!
ડર-ક્રોધની મિશ્રિત લાગણીથી ધ્રુજી ઉઠ્યા હતા હર્ષદરાય…!! હાઈવે ટ્રાફિકથી ભરચક હતો… જરાક ચુક થઈ તો ગયા કામથી….!હર્ષદરાયને ઉધરસ આવી ગઈ…ખાંસીનો હુમલો એમણે માંડ માંડ ખાળ્યો….!! સિગારનો-તમાકુનો ધુમાડો એમનાથી જરાય સહન થતો ન્હોતો…!! એમણે ડ્રાયવર તરફના દરવાજા પર આવેલ બટનો દબાવી બારીના કાચ ખોલવાના પ્રયત્નો કર્યા…એમની આંગળીઓ…એમના હાથ ધ્રુજતા હતા…કાચ ન ખૂલ્યા…! એમણે સનરૂફ ખોલવા માટે બટન દબાવ્યું…! એ પણ ન ખુલ્યું…!! ઓ…હ….!!એમણે બન્ને તરફના મિરર પર નજર દોડાવી…!! સાઈડ પર લઈ કાર રોકી દેવી હતી…! પણ ટ્રાફિક એટલો હતો કે લેઈન બદલી જ ન શકાય…!!છતાં એમણે જમણી તરફની લેઈનમાં જવા માટે સિગ્નલ આપ્યો….કે જેથી જગ્યા મળે લેઈન બદલી શકાય…!! તો સિગ્નલ જ ન ચાલ્યો…!!
-વ્હોટ…ધ…!! અંગ્રેજીમાં એક ગાળ સરી ગઈ એમાના મ્હોંમાંથીઃ વ્હોટ ઈસ ગોઈંગ ઓન…!? ભારે મુઝવણમાં મુકાય ગયા હર્ષદરાય…એટલામાં જ એમનો સેલફોન રણક્યો…!! એના આમ અચાનક રણકવાથી એઓ ચમક્યા….!! આ એમનો પર્સનલ નંબર હતો… ખાસ અંગત અંગત માણસોને જ આ નંબરની ખબર હતી…ડાબા હાથે માંડ સ્ટિયરીંગ પર કાબુ રાખી જમણા હાથે એમણે એમનો આઈફોન ઉઠાવ્યો… આઈફોનના સ્ક્રિન પર નજર નાંખી તો એઓ શબ્દશઃ ધ્રુજી ઉઠ્યા….!! ડરી ગયા…!! સહમી ગયા….!! સ્ક્રિન પર હતા દયાશંકર…!! મુછાળા…ભરાવદાર ચહેરાવાળા….મ્હોંમાં સિગાર વાળા….સિગારનો ધુમાડો છોડતા દયાશંકર…!! અને એ ધુમાડો કારના એરકંડિશનની વેંટમાથી ધીરે ધીરે કારમાં દાખલ થઈ રહ્યો હતો…!!
-ઓ….હ….!
આઈફોન સતત રણકતો હતો…! એમણે એ ફોન થોડાં સમય માટે રણકવા જ દીધો…! કદાચ ડિવાઈસમાં કંઈ ગરબડ છે…! એમણે વિચાર્યું અને રોડ પર સીધી નજર રાખી…પણ આઈ ફોન રણકતો જ રહ્યો વિવિધ રિંગટોનમાં…! સહેજ વિચાર કરીને હર્ષદરાયે ફોન ઉપાડ્યો…ડરતા ડરતા બોલ્યા, ‘હ…લ્લો…!!’
‘કે…મ…?! હ…સિ…યા…!!’ ફોનમાંથી દયાશંકરનો ઘોઘરો અવાજ સીધો હર્ષદરાયના મગજમાં ઉતરી ગયો, ‘કે…મ ફોન નથી ઉપાડતો…ડફોળ…!!’ દયાશંકર ઘણીવાર હર્ષદરાયને ડફોળના સંબોધનથી જ બોલાવતા…ખાસ કરીને ફોન પર….
‘ત્…ત્…ત…મે…મે…એ…?!’ હર્ષદરાયનું મગજ ફાટફાટ થવા લાગ્યું…
‘હા…હું…!નાલાયક…!’ દયાશંકર ફોનમાં ઘુરકતા હતા અને હવે તો મર્સિડીઝના કોન્સેલના મધ્યમાં આવેલ બિલ્ટઈન જીપીએસના સાડા છ ઈંચના સ્ક્રિન પર પણ દયાશંકરનું જીવંત ચિત્ર આવી ગયું હતું….!! રોડના નકશાઓ ગાયબ થઈ ગયા હતા…!!
‘ત્…ત્…ત…મે…મે…એ…?!’ હર્ષદરાય માંડ માંડ બોલી શકતા હતા. એક તો કાર સિત્તેરની ઝડપે ભરચક ટ્રાફિકમાં દોડી રહી હતી અને એમાં આ…ડોસો…અહિં…આ….મ…ક્યાંથી ફુટી નીકળ્યો…. ?! એમને કંઈ સમજ પડતી ન્હોતી.
‘ત્….ત્….ફ્….ફ્…ન કર…!! બાસ્ટર્ડ…!! તાર દા’ડા ભરાય ગયા છે…સા…!! યાદ કર શું કર્યું હતું તેં મારી સાથે…!!’
‘મેં…મેં..મેં શું કરેલ…?! તમને તો એક્સિડન્ડ થયેલ…!!’
‘એ…ક્સિ…ડન્ડ…! માય ફૂટ…!! યુ બ્રુટ્સ !!’ ડોસો બરાબરનો ગર્જ્યો, ‘યુ કિલ્ડ મી…!! યાદ કર યુ ફુલ !! …યુ… કિ…લ…ર…!!’
ભુતકાળમાં સરક્યા હર્ષદરાય…એમણે દયાશંકરની રોલ્સરોયસ કારની બ્રેક સિસ્ટમનો બરાબર અભ્યાસ કર્યો. અમેરિકન એશિયન હોટલ ઓનર એસોસિયેશનનું એન્યુઅલ કન્વેનશન હતું એ દિવસે…દયાશંકર એસોસિયેશનના પ્રેસિડેંટ હતા… કન્વેનશનમાં આમ તો બન્ને જનાર હતા રોલ્સ લઈને…પણ હર્ષદરાયની તબિયત અચાનક બગડી હતી…એમને સ્ટમક વાયરસનો ચેપ લાગતા દયાશંકર એકલા જ રોલ્સ લઈને નીકળ્યા…! અને એમને ભયંકર એક્સિડન્ડ થયો હતો…!રોલ્સની બ્રેક એકદમ ફેઈલ થઈ હતી અને એંસી માઈલની ઝડપે દોડતી રોલ્સરોયસ ધીમી ગતિએ જઈ રહેલ વિશાળ ટ્રકની પાછળ જોરથી ટકરાઈ…! ટ્રકની નીચે આખી રોલ્સ દયાશંકર સહિત ઘુસી ગઈ હતી…અને પછી સો ફૂટ જેટલી ઘસડાય પણ હતી. હર્ષદરાયની કરામતે કામ કરી દીધું હતું…બ્રેક ઓઈલમાં કરેલ નાનકડી ભેળસેળ એક મોટ્ટા અકસ્માતમાં પરિણમી હતી…!ડોસો હટ્ટો કટ્ટો હતો…એકદમ તંદુરસ્ત…! એમ કંઈ એ મરવાનો ન્હોતો…! ડોસો મરે તો હર્ષદરાયનું ગ્રહણ છુટે…!!
-પણ આટલા ભયંકર અકસ્માતમાં પણ દયાશકંર બચી ગયા…!!
હાઈવે પર હેલિકોપ્ટર ઉતર્યું હતું. ઘાયલ દયાશંકરને તુરંત હોસ્પિટાલમાં દાખલ કરવામાં આવ્યા. હર્ષદરાયને-માયાને જાણ કરવામાં આવી…બન્ને દોડ્યા…માયા ભાંગી પડી હતી. હર્ષદરાય દયાશંકરને હાડોહાડ ધિક્કારતા હતા એની માયાને એમણે જરા જાણ થવા દીધી ન્હોતી.
‘બહુ જ ઝડપથી સારવાર મળી ગઈ છે.’ હર્ષદરાયે માયાને સાંત્વના આપી, ‘ડેડને કંઈ થવાનું નથી…! ડાર્લિંગ, બી કરેજિયસ…! ડોંટ વરી…!! વિ વિલ કોલ બેસ્ટ ડોકટર ઓફ ધ વર્લ્ડ…!’ પરંતુ મનોમન એઓ વિચારતા હતાઃ સા…બુઢ્ઢો ખુસ્સડ!! આટલા મોટ્ટા એક્સિડન્ડમાં પણ બચી ગયો….!! શકુનિના પાસા પહેલીવાર થાપ ખાય ગયા…!!
બે દિવસ બાદ અમેરિકાના બેસ્ટ ન્યુરો સર્જન ડો. ડેવિડે દયાશંકરને તપાસ્યા. મગજમાં બ્લડ ક્લોટ હતો…મલ્ટિપલ ફ્રેકચર તો ખરા જ…પરતું એ ક્લોટ દુર કરવો ખુબ જ જરૂરી હતો. એ જો દુર થાય તો બચી જવાના ચાંસ હતા…કદાચ, ડાબુ અંગ લકવો મારી જાય…પેરેલિટિક થઈ જાય પણ જીવી જવાના પુરા ચાંસ હતા એટલે બ્રેઈન સર્જરી કરવાનું નક્કી થયું…!
‘ડેડી વિલ બી ઓલરાઈટ….!’ હર્ષદરાય માયાને સધિયારો આપતા હતા. પણ વિચારતા હતાઃ હી શુલ્ડ ડાય…! હી મસ્ટ ડાય…! જો જીવશે તો મને જિંદગીભર હેરાન કરશે. અને પોતે પણ હેરાન થશે લકવાને કારણે…પરવશતાને કારણે…!!મર્સિકિલિંગ…!! યસ મર્સિકિલિંગ…!! દયામૃત્યુ…!! અને જુઓ તો વિચિત્રતા…દયાશંકર…અને દયામૃત્યુ…દયાકાકીની માફક….!!દયા દયા દયા…! કેટલાં દયાળુ હતા હર્ષદરાય!!
-કેવી રીતે દયાશંકરને મુક્તિ આપવી…?!
હર્ષદરાય વિચારવા લાગ્યા. એમણે હોસ્પિટાલમાં લાંબો સમય વિતાવવા માંડ્યો. માયાને લાગ્યું કે, હેન્રી ડેડની કેટલી ટેઈક કેર કરે છે…! પણ એનો પ્રાણપ્યારો હેન્રી એના ડેડના પ્રાણ લેવાના પ્રયત્નો કરતો હતો એની એની જરાય જાણ ન્હોતી…!દયાશંકરની દેખભાળ માટે ચોવીસ કલાક એક નર્સની વ્યવસ્થા હતી હોસ્પિટાલમાં! પરંતુ, હર્ષદરાયને ધ્યાનમાં આવ્યું કે જ્યારે નર્સની શિફ્ટ બદલાતી હતી ત્યારે થોડો સમય દયાશંકર એમના સ્પેશ્યલ રૂમમાં એકલા પડતા…પણ એ સમય બહુ ઓછો હતો… ફક્ત થોડી મિનિટો…! હવે એ કંઈ કાચું કાપવા માંગતા ન્હોતા. એક રાત્રે નર્સ નાદિયાનો બોયફ્રેંડ એને મળવા આવ્યો હતો. આમેય દયાશંકર કોમામાં હતા….બેહોશ હતા…!! અને હર્ષદરાય તો રૂમમાં બેઠાં જ હતા ને…! નાદિયાને કહ્યું, ‘હેન્રી, આઇ વીલ બી બેક ઈન ફાઈવ મિનિટ્સ…!! યુ નો માય બોય ઈસ ઈન લિટલ હરી…!!’
-અને એ પાંચ મિનિટ દયાશંકર માટે જીવલેણ નીકળી…જેવો નાદિયાએ રૂમ છોડ્યો એટલે એક મિનિટ પછીહર્ષદરાયે સ્પેશ્યલ રૂમનું બારણું ઝડપથી બંધ કર્યું. ઓક્સિજનનો સપ્લાય રોકી દીધો અને દયાશંકરના ચહેરા પર સુંવાળો તકિયો બે હાથો વડે જોરથી દબાવી દીધો..!! એક મિનિટ…બે મિનિટ….ત્રણ મિનિટ….!! બિચારા દયાશંકર આમે ય મલ્ટિપલ ફ્રેક્ચરોથી ઘવાયેલ જ હતા…! કોમામાં હતા…!શ્વાસ લેવાની ય તકલીફ હતી…ને ઓક્સિજન સપ્લાય પણ બંધ હતો ! સહેજ તરફડીને એમણે મુક્તિ મેળવી…દેહ ત્યાગ્યો…! એમના શરીર સાથે જોડાયેલ મોનિટરના સ્ક્રિન પર એક સીધી રેખા ખેંચાય ગઈ…મૃત્યુરેખા…! ત્વરાથી હર્ષદરાયે તકિયો ફરી મૃત દયાશંકરના માથા નીચે સરખો ગોઠવી દીધો. દયાશંકરને બરાબર ઓઢાડી ઓક્સિજનનો સપ્લાય ચાલુ કરી દીધો…! પાંચ મિનિટનું કહીને ગયેલ નર્સ નાદિયા પંદર મિનિટ બાદ આવી ત્યારે હર્ષદરાય-હેન્રી રડતા હતા…ડૂસકાં ભરતા હતા…ભીની આંખે ખુશીના ડૂસકાં …!!
‘ડામિસ…!!ધ્યાન રાખ ડ્રાયવિંગ પર…!!’ ફોનમાં દયાશંકર ગર્જ્યા…
-ઓ….હ….!!
આજુબાજુની કારો હોર્ન મારી રહી હતી. સાવ જડ્વત બની ગયા હર્ષદરાય!! આઈફોન હજુ ય હાથમાં જ હતો અને હવે એ દાઝતો પણ હતો. એ ફોનમાં કરગર્યા, ‘આઈ એમ સોરી…વે…રી સોરી…!!’ એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયા ડરના માર્યા…!
‘વ્હોટ સો….રી…?!’ દયાશંકર ફોનમાં ફરી ગર્જ્યા, ‘તું આટલું લાંબુ જીવ્યો એ જ અમારી મહેરબાની હતી…!’ ફોનમાં પાછળથી જાણે સહેજ દુરથી કોઈનો ખુ….ખુ…ખુ….હસવાનો અવાજ આવ્યો…! અ…રે…!! આ તો દયાકાકીનો અવાજ…!!
‘મને માફ કરો…હું તમારો જમાઈ છું…!’સહેજ અટકીને એ બોલ્યા, ‘તમારી ડોટરનો..હસબંડ…’
‘સો વ્હોટ…??’ દયાશંકર સહેજ ખંધુ હસીને બોલ્યા, ‘…….ને હવે તો માયાને પણ તારા બધાં જ કારસ્તાનની જાણ થઈ ગઈ છે…!! શી હેઈટ્સ યુ…!! ડુ યુ નો…?!’
‘એને કંઈ જ ખબર નથી…!’ હર્ષદરાય સાશ્ચર્ય બોલ્યા..
‘એને બધ્ધી જ ખબર છે…! અમે એને જાણ કરી છે…! તારો પાપનો ઘડો ભરાય ગયો છે હસિયા…!! છલોછલ છલકાય ગયો તારી છલનાનો ઘડો…!’
હર્ષદરાયે મર્સિડીઝની ઝડપ વધી રહી એ અનુભવ્યું…!! આજુબાજુનો ટ્રાફિક સાવ ઓછો થઈ ગયો હતો…!! એરકન્ડિશનિંગની વેંટમાંથી સિગારના ધુમાડાના ગોટેગોટા કારમાં આવવા લાગ્યા…!! હર્ષદરાય ગુંગળાઈ રહ્યા હતા…!! ઉધરસનો ભારે હુમલો આવ્યો એમને…! જોરદાર ખાંસી ખાવા લાગ્યા! હાઈવે એકદમ ક્લિયર થઈ ગયો હતો…
એંસી….નેવું…સો.. સ્પિડોમિટરનો કાંટો ઝડપથી આગળ વધી રહ્યો હતો…!!હર્ષદરાયે ગેસ પેડલ પરથી પગ લઈ લીધો હતો…!!બન્ને પગે એઓ બ્રેક મારી રહ્યા હતા…!! એક હાથે ઈમર્જન્સી બ્રેક પણ ખેંચવા માંડી…. પણ કાર ધીમું પડવાનું નામ લેતી ન્હોતી…એકસોવીસ માઈલ…બ્રેક લાગતી ન્હોતી…!! મર્સિડીઝની બરાબર આગળ જ એક ભારેખમ ટ્રેઈલર ટ્રક સાંઠ માઈલની મંથર ગતિએ જઈ રહી હતી…!
‘ઓહ…નો…!!પ્લી..ઈ…ઈ…સ….!! પ્લી..ઈ…ઈ…સ….!! હે….લ્પ…!! હે….લ્પ…!!’ હર્ષદરાય ફોનમાં કરગરતાં હતાં…
ભયંકર ધડાકા સાથે એમની મર્સિડીઝ ટ્રક-ટ્રેઈલર સાથે અથડાઈ…!મર્સિડીઝના ટુકડે-ટુકડા થઈ ગયા..હર્ષદરાયનું શરીર ક્ષત-વિક્ષત થઈ ગયું. સિગાર-તપખીરની મિશ્રીત ગંધ હાઈવે પર છવાય ગઈ…!! હાઈવે પર ભર બપ્પોરે ધુમ્મસ છવાય ગયું…!! સિગારના ધુમાડાનું…!! એ દિવસે બે આત્માની સદગતિ થઈ…એમને મોક્ષ મળ્યો…જ્યારે એક અનાત્મકની અવગતિ થઈ…!!
(સમાપ્ત)