સલામ નમસ્તે….

(પ્રથમ તો એક આનંદની વાત…!!

આપ સહુને જાણ છે જ કે મારી વાર્તા ‘ત્રીજો જન્મ?’ ને રીડગુજરાતી.કોમ દ્વારા ૨૦૦૮માં યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રિય વાર્તા સ્પર્ધામાં પ્રથમ ઈનામ મળેલ…!! એ સ્પર્ધાના એક નિર્ણાયક હતા વડોદરા નિવાસી યુવા લેખિકા શ્રીમતી વંદનાબેન ભટ્ટ…! વંદનાબેનને મારી એ વાર્તા ઘણી જ પસંદ આવેલ…અને એમણે એ વાર્તાનો અનુવાદ કર્યો…રાષ્ટ્રિય ભાષા હિંન્દીમાં… “तीसरा जन्म?” રૂપે એ અવતરી અને પ્રકાશિત થઈ છે મધ્યપ્રદેશથી પ્રકાશિત થતા “साहित्यपरिक्रमा” ત્રિમાસિકના જાન્યુઆરી-માર્ચ ૨૦૦૯ના અંકમાં…!! મારા જેવાં એક અજાણ્યા લેખકની એક વાર્તા આવી રીતે હિન્દીમાં અનુવાદિત થાય અને પાછી એ પ્રકાશિત થાય એ આપણા માટે ઘણા જ આનંદની વાત છે. આ માટે હું વંદનાબેનનો અને મૃગેશભાઈનો ખુબ જ આભારી છું.

હવે આપ સહુને મારા સલામ – નમસ્તે….!!

આ વાર્તા વાંચતા કદાચ આપને એમ થશે કે શું હજુ ય છોકરા-છોકરી જોવાનું આજના ઈંટરનેટના યુગમાં ગોઠવાય છે…!! હા, હજુ ય કોઈની ઘરે મુરતિયો છોકરીને જોવા આવે છે…!! છોકરો છોકરીને જુએ છે…!! પછી પસંદ કરે કે ન કરે…!! કરે તો લગ્ન થાય; નહિંતર સલામ – નમસ્તે…!! પડો તમે તમારે રસ્તે…અમે અમારા રસ્તે…!!

વાંચો, મારી હળવી વાર્તા “સલામ નમસ્તે” પ્રથમવાર અહિં….!!

હા. આપનો અભિપ્રાય આપવા માટે વિનંતી છે…!! આપની કોમેંટની મને હરહંમેશ અપેક્ષા રહે છે…!!)

સલામ નમસ્તે….

બાબુભાઈ ત્રિભોવનદાસ કાપડિયા….

આ નામ જ પુરતું એમની ઓળખ માટે! વલસાડના મોટાં બઝારમાં કાપડનો આલીશાન શોરૂમ છે એમના નામે. એમાં આખી દુનિયાના ખ્યાતનામ મિલના કાપડ તમને મળે. અરે!! તમે નામ તો લો એ કાપડ મળે…!! પચાસ રૂપિયે મિટરથી માંડીને પંદર હજાર રૂપિયે મિટર સુધીનું…!! આમ તો બાબુભાઈની કહાણી લાંબી છે. પીઠ પર કાપડની ગાંસડી લઈ વલસાડની આજુબાજુ આવેલ આદિવાસી ગામડાઓમાં ફેરી ફરી ‘ફે…એ…એ….ન્સી કાપડ તરેવા આ આ આ…ર’ ની બુમો પાડી ગળું બેસી જતું. એમની પીઠ પર પડેલ આંટણો હજુ ય એમના એમ છે. પરંતુ હવે એ દિવસો ગયા…!! એમની પ્રમાણિકતા મહેનત અને સાહસિક સ્વભાવે રંગ રાખ્યો…સગાં-વ્હાલા મિત્રો પાસેથી ઓછીના-પાછીના કરીને એક નાનક્ડી દુકાન ખોલી હતી એક ઓટલા પર આજથી પચ્ચીસેક વરસ પહેલાં જે આજે બાબુભાઈ ત્રિભોવનદાસ કાપડિયાના નામે ચાલતા ભભકાદાર શોરૂમમાં પાંગરી હતી!! જાણે તણખલામાંથી વટવૃક્ષ બન્યું.

આજે બાબુભાઈના જીવને થોડો ઉચાટ છે. કારણ કે, એમની મોટી દીકરી વસુંધરાને જોવા માટે નવસારીથી છોકરો આવવાનો હતો. વારંવાર એઓ ઘડિયાળમાં જોતા હતા. છોકરાવાળા અઢીના ફાસ્ટમાં નવસારીથી આવવાના હતા. એમને લેવા માટે ઝેન સ્ટેશન પર મોકલાવી હતી. સાથે મોટાં છોકરા કશ્યપને મોક્લાવ્યો હતો. એને મોબાઈલ પર બે વાર રિંગ કરી સલાહ-સુચનો આપ્યા. અઢીનો ફાસ્ટ રાબેતા મુજબ દોઢ કલાક લેઈટ હતો!!

‘તમે શાંતિ રાખો!!’ એમના ધર્મપત્ની કાંતાબેને એમને કહ્યું, ‘એ તો આવશે સમય થશે ત્યારે. તમારા આમ હાયવોયથી કોઈ થોડું વહેલું આવી જવાનું છે.’

‘શું આવશે…!! સા…. આ રેલ્વેવાળાના પણ કોઈ ઠેકાણા નથી.’ બાબુભાઈ બેઠકખંડમાંથી રસોડામાં ગયા, ‘તેં નાસ્તો-પાણી તો બરાબર મંગાવી રાખેલા છે ને…?!’

‘હા…ભાઈ…હા…!! શાંતિભુવનનું ભૂસું, ભાવનગરીના પેંડા, નોવલ્ટીની બિસ્કિટ..બ..ધું જ છે…! તમે ખોટી ચિંતા ન કરો…!!’

‘જો છોકરો સારો હોય તો બેસી જવું છે….!’

‘વસુને પણ પસંદ પડવો જોઈને?!’ એમને યાદ દેવડાવતાં હોય એમ કાંતાબેને ધીમેથી કહ્યું.

‘આમાં એની પસંદ-નાપસંદનો સવાલ જ નથી! એ લોકો હા પાડે એ જ બસ છે. આજે આવું સારૂં ઘર અને આવો છોકરો આજના જમાનામાં ક્યાં મળે છે!!  છોકરાના ફાધર સમાજમાં આગળ પડતાં છે. ઈન્ક્મ ટેક્ષ ઓફિસર હતા એ!! રિટાયર થઈ ગયા તો ય એમના નામના સિક્કા પડે છે હજુય ઈન્ક્મ ટેક્ષ ડિપાર્ટમેંટમાં…!! આપણી સાથે મેળ પડે એવું ફેમિલિ…!! છોકરો પાછો બેંકમાં ઓફિસર…!! કાયમી નોકરી…!! બાંધ્યો પગાર…!! પાછો ઘરમાં નાનો…!! બધા ભાઈ બહેનો ઠેકાણે પડી ગયેલાં….!!’

કાંતાબેનને લાગ્યું કે હવે આગળ બોલવા જેવું ન્હોતું. આમેય બાબુભાઈનો સ્વભાવ એમનું ધાર્યું કરવાનો જ હતો. એમનો બોલ એટલે જાણે કાળે કાયદો…!! એમનો સ્વભાવ બધાથી અલાયદો…!!

‘પ…ણ..!!’ આ તો દીકરીની આખી જિંદગીનો સવાલ છે એમ કરી એ આગળ બોલવા તો ગયા પરંતુ એમની વાત વચ્ચેથી તોડી લેતાં બાબુભાઈ જરા ક્રોધિત થઈ બોલ્યા, ‘બેસ…. બેસ, હવે આમાં તને કંઈ સમજ ન પડે….!!’ આ બાબુભાઈનો મુદ્રાલેખ હતો.

અંદર પોતાના રૂમમાં તૈયાર થતી વસુ મમ્મી પપ્પાની વાતચીત સાંભળતી હતી. હજુ તો એ કોલેજમાં હતી છેલ્લા વરસમાં…!! એને કંઈ હમણાં પરણવું ન્હોતું…!! એની ઉંમર પણ ક્યાં હતી…પણ પપ્પાને જાણે પરણાવી દેવાની ઉતાવળ હતી… અને એ જાણતી હતી કે એનાંથી ના પડાવાની ન્હોતી. પપ્પા જે કહે તે જ ઘરમાં થતું હતું. મને કમને એ તૈયાર થતી હતી. એક એવોય વિચાર એના મનમાં આવી ગયો કે એવું કંઈ કરવું જોઈએ કે છોકરો જ એને પસંદ ન કરે….!! ના પાડી દે…!! પણ કેવી રીતે…!! એ નખશીખ સુંદર દેખાવડી હતી…પહેલી જ નજરે કોઈને પણ પસંદ પડી જાય..!!

‘મ….મ્મી..!!’ કાંતાબેન વસુના રૂમમાં એને તૈયાર થતી હતી એ જોવા આવ્યા એટલે વસુ બોલી, ‘મ…મ્મી…!! આ પપ્પા જો ને…!!’ વસુની આંખ ભીની થઈ ગઈ.

‘તું એક વાર છોકરાને જો તો ખરી…!! આપણે ક્યાં આજેને આજે તારા લગ્ન કરી નાંખવાના છીએ…!?’ કાંતાબેને વસુને સમજાવતા કહ્યું. પરતું, એઓ પણ જાણતા હતા કે ધાર્યું તો બાબુભાઈનું જ થશે…!

‘તું નક્કામી ચિંતા કરે છે દીદી….!!’ વસુને તૈયાર થતી નિહાળી રહેલ એની નાની બહેન ઈંદુ બોલી, ‘તને લગ્ન કરવામાં વાંધો શું છે….!’

‘બે….સ….!! ચાંપલી…!!’ વસુએ એના ડોળા મોટાં કરતાં કહ્યું, ‘તું બહાર જા અહિંથી હમાણાને હમણા નહિંતર મારા હાથની એક પડશે…!’  વસુએ તમાચો મારવાનો ઈશારો કરતાં કહ્યું.

એટલામાં જ બાબુભાઈ વસુના રૂમમાં આવ્યા, ‘ક્શ્યપનો ફોન આવી ગયો છે. એ લોકો આવી ગયા છે. બે જ જણા છે. છોકરો નિખિલ અને એની બા ગંગાબેન…!! તું તૈયાર તો છે ને…?’ વસુ તરફ નજર કરતાં એ બોલ્યા, ‘……અ….ને આવું દિવેલ પીધેલાં જેવું ડાચું ન કર…!!’

થોડી જ વારમાં આંગણામાં ઝેન આવીને ઉભી રહી. કશ્યપે એની ટેવ મુજબ ધીમેથી હોર્ન વગાડ્યો. બાબુભાઈ અને કાંતાબેન આગળના બેઠક ખંડમાં ગયા.

‘આ….વો….આ…વો….!!’

કશ્યપની પાછપ પાછળ એક ઊંચો યુવાન અને બેઠી દડીની આધેડ સ્ત્રી આવ્યા.

‘આવો ગંગાબેન…! કેમ છો નિખિલ..!?’

‘સરસ…!! તમને રાહ જોવડાવી…!!’ પેંટના ગજવામાંથી રૂમાલ કાઢી ચશ્મા સાફ કરતાં નિખિલે કહ્યું, ‘ગાડી લેઈટ થઈ ગઈ…! નવસારી તો રાઈટ ટાઈમ હતી પણ પછી અમલસાડમાં નાંખી !’ નિખિલ પાતળો ઊંચો ગોરો યુવાન હતો. સહેજ નાના ચહેરા પર એનું લાંબુ નાક ધ્યાન ખેંચતું હતું. એ ખામી સંતાડવા જાણે એના પર ઘોડાના ડાબલા જેવાં મોટાં ચશ્મા ગોઠવી દીધા હોય એમ લાગતું હતું !!

સર્વે બેઠકખંડમાં સોફામાં ગોઠવાયા.

‘આજે ગરમી જરા વધારે છે….!!’ શું વાતો કરવી…ક્યાંથી શરૂઆત કરવી એની બાબુભાઈને સમજ પડી.

‘એની સિઝન છે…!’ લાંબા નાક પરથી ઉતરી આવતા ચશ્મા જમણા હાથની પહેલી આંગળી વડે સરખાં ગોઠવતા મ્લાન હસીને નિખિલ બોલ્યો.

‘પ..પ્પા…!!’ બાબુભાઈ તરફ નિહાળી કશ્યપ બોલ્યો, ‘હું જાઉં શોરૂમ પર…!! ઘરાકી છે અને મહેતાજી આજે વહેલાં જવાના છે….!’ કશ્યપ વિસેક વરસનો તરવરિયો યુવાન હતો. આગળ ભણીને પણ શોરૂમ જ સાચવવાનો છે એમ માનીને બાબુભાઈએ કશ્યપને હાયર સેકંડરી પછી શોરૂમમાં જ જોતરી દીધો હતો. કશ્યપ બિચારાએ તો આગળ ભણવું હતું -કોલેજ કરવી હતી!! પણ બાબુભાઈ આગળ ક્યાં કોઈનું કંઈ ચાલે !!

‘સારૂં!! પણ પાછી ગાડી જોઈશે…!!’

‘અમે તો રિક્ષામાં નીકળી જઈશું!!’ નિખિલ બોલ્યો.

‘અ….રે….!! એમ કંઈ હોય…!!’ બાબુભાઈ બોલ્યા, ‘કશ્યપ, તું એમ કર…!! મહેતાજી સાથે ગાડી પાછી મોકલી આપ…!’

કશ્યપ ઝડપથી અંદર વસુના રૂમમાં ગયો, ‘સરસ છે…!! ચાલશે..!!’ વસુને કહી એ જ ઝડપથી બહાર નીકળી ગયો.

‘હમણા લગ્નની સિઝન છે… એટલે ઘરાકી વધુ રહે…!! તમે જોયોને આપણો શોરૂમ…??’ જરા ગૌરવથી બાબુભાઈ પુછ્યું.

‘હા, આવતી વખતે કશ્યપે બતાવ્યો….!! મોકાની જગ્યાએ છે….!!’

રસોડામાં પાણીના ગ્લાસ ભરતાં ભરતાં વસુ વિચારતી હતીઃ કોણ જાણે શું થશે….!! એની જિંદગીમાં આ પહેલો જ પ્રસંગ હતો છોકરો જોવાનો…!! એણે એક ઊંડો નિઃસાસો નાંખ્યો..!!

‘દીદી….!! છોકરો તો સારો છે…પણ…’ ચાંપલી ઈન્દુએ ડીસમાંથી પેંડો લઈ મ્હોંમાં મુકતા કહ્યું… ‘પ….ણ…!!’

‘પ….ણ શું !!’ વસુને જિજ્ઞાસા થઈ

‘સાવ પાતળો છે…!! લં..બુ…ઉ…સ….!!’ હાથ ઊંચો કરી ઊંચાય બતાવતા ઈન્દુએ કહ્યું …. ‘ને નાક લાં…..બ્બુ છે…!!કાકડી જેવું….!!’

‘તને ગમ્યો….??’

‘એં એં…!’ ઈન્દુએ હાથના ઈશારાથી પોતાની અવઢવ બતાવી…!! એ કહેવા માંગતી  હતીઃ ફિફટી ફિફ્ટી…!!

‘વસુ…’ કાંતાબેન રસોડામાં આવ્યા, ‘ચાલ દીકરા, પાણી લઈ જા એ લોકો માટે…!’

સર્વિંગ ટ્રેમાં ચાર ગ્લાસ મુકી વસુ બેઠકખંડમાં આવી. એણે જ્યોર્જેટની ગુલાબી  સાડી પહેરી હતી. જેનાં પર ફુલપાનની કાળી સુંદર બોર્ડર હતી.. આમ તો સાડી પહેરવાનો જરાય વિચાર ન્હોતો….પ…ણ…! ટ્રે સાઈડની ટિપોય પર મુકી એમાંથી ગ્લાસ ઉપાડી નિખિલને આપતા નિખિલ તરફ એણે એક નજર કરી. નિખિલ તો તાકી તાકીને એને જ જોઈ રહ્યો હતો..! અને એ જ કરવા તો એ આવ્યો હતોઃ છોકરી જોવા…!! બીજો ગ્લાસ ગંગાબેનને આપ્યો. અને પછી ઝડપથી રસોડામાં પહોંચી ગઈ. એનું દિલ જોર જોરથી ધક ધક કરતું હતું.

-હવે….!! વસુને એની સખી ગુલશનની યાદ આવી ગઈ. ગુલ કહેતી હતી કે, તારો નંબર લાગી જવાનો…!! ગુલ એની સાથે કોલેજમાં જ અભ્યાસ કરતી હતી. પારસણ હતી…! રમુજી હતી…!!

સર્વિંગ ટ્રેમાં વિવિધ નાસ્તાની ડીશો લઈ એ ફરીથી બેઠકખંડમાં આવી. રૂમની મધ્યમાં ગોઠવેલ ચોરસ ટેબલ પર બધી ડીશો એણે વ્યવસ્થિત ગોઠવી ચોરી ચોરી એ નિખિલને જોઈ લેતી હતી. નાકની દાંડી પર ચશ્મા બરાબર ગોઠવી નિખિલ પણ એને જ તાકી રહ્યો હતો.

‘ચા….કે…કોફી…!?’ વસુએ નિખિલ તરફ નિહાળી  પુછ્યું.

‘કં ઈ….પ…ણ…!!’ પછી એની માતા તરફ જોઈ એ બોલ્યો, ‘ચા ચાલશે…!’ જાણે માતાની આજ્ઞા ન લેતો હોય…!

વસુ ફરી રસોડામાં આવી.

-આનો કોઈ ફ્રેંડ ન હશે કે એની મા સાથે દોડી આવ્યો…!! ગેસ પર ચા મુકી એ પોતાના રૂમમાં જઈ પોતાની જાતને અરીસામાં નિરખી આવીઃ બધું બરાબર હતું !!

બેઠક ખંડમાં બાબુભાઈ નિખિલ સાથે વાતો કરી રહ્યા હતા, ‘બેંકમાં તમે ક્યા ડિપાર્ટમેંટમાં કામ કરો છો?’

‘હું લોનનું કરૂં છું…!! હાઉસિંગ લોન!!’ ડીશમાંથી ચવાણુનો ફાંકો મારતાં એ બોલ્યો, ‘અમારે ટાર્ગેટ કરતાં વધારે કામ થાય છે. આજે તો ઈંટરેસ્ટ રેઈટ પણ ઓછા છે અને લોકો હવે ઘર બાંધવા લેવા માટે લોન લેતા થઈ ગયા છે.’ ટેવ મુજબ એણે નાક પર ચશ્મા ઠેકાણે કર્યા.

‘હં…!!’ પછી તો ભાત ભાતની વાતો થઈ. બાબુભાઈએ એમની વાતો દોહરાવીઃ કાપડને ફેરીથી લઈને વિમલ..દિગ્જામ…રેમંડથી માંડીને લોર્ડસ એંડ ટેઈલર સુધીની વાત….

‘તમારે વસુ સાથે …!’ બાબુભાઈએ નિખિલને કહ્યું એવું હોય તો અંદરના રૂમમાં….

‘ના….ના..એવું કંઈ જરૂરી નથી !! ઈટ્સ ઓકે…!!’

‘તો પણ…!’ બાબુભાઈએ આગ્રહ કર્યો.

‘ના….ના….!!’ પોતાની માતા ગંગાબેન તરફ જોઈ નિખિલ બોલ્યો, ‘આમ પણ હવે અમો નીકળીએ…! સયાજીનો ટાઈમ પણ થઈ ગયો છે.’

‘જમીને જવાનું હતું…!’ કાંતાબેને ગંગાબેનને કહ્યું.

‘ના…ના….અને જુઓને જમવા કરતાં તો વધારે નાસ્તો કરી લીધો છે!! અમે હવે નીકળીએ!!’ ઉભાં થતાં ગંગાબેન બોલ્યા. નિખિલ પણ ઉભો થઈ ગયો.

બાબુભાઈએ કાંતાબેન તરફ ઈશારો કરી અંદરથી વસુને બોલાવવા કહ્યું. એટલામાં નિખિલ અને ગંગાબેન ઘરની બહાર નીકળી ગયા. એમની પાછળ પાછળ બાબુભાઈ પણ ઝેનની ચાવી લઈ બહાર આવ્યા.

‘તમે તો ન જ માનવાના…!! ચાલો, તમને સ્ટેશને ઉતારી દઉં…!!’

‘અમે રિક્ષામાં જતાં રહીશું…!’

‘અ…..રે….!! એમ તે કંઈ હોય….!! ઘરની ગાડી છે…!! હું તમને ઉતારી દઉં…!!’ ઝેનનો દરવાજો ખોલી એ બોલ્યા. નિખિલ-ગંગાબેન ઝડપથી ગાડીમાં ગોઠવાયા. બન્નેને બાબુભાઈ સ્ટેશને ઉતારી આવ્યા.

*****         *****         *****         *****

અઠવાડિયા પછી નવસારીથી ફોન આવ્યોઃ નિખિલને વસુ પસંદ પડી હતી!!

બાબુભાઈ ખુશ હતા. હવે બધું ઝડપથી પતાવી દેવું પડશે. ધરમના કામમાં ઢીલ ન થાય…!! સગાં-વ્હાલાને ફોન થયા…!! એકાદ-બે ફેરા નવસારીના થયા. અ…ને શુભમુહર્ત જોઈ સગાંસંબંધીઓ અને મિત્રમંડળની હાજરીમાં સાકરપળાની આપલે થઈ!! ગોળ ધાણા વહેંચાયા…નિખિલ-વસુના વેવિશાળ થઈ ગયા અને વસુના ગ્રેજ્યુએટ થયા પછી લગ્નનું આયોજન કરવાનું નક્કી થયું!!

*****         *****         *****         *****

વસુના મનને અજંપ હતો. વેવિશાળ પછી હકથી બે-ત્રણ વાર નિખિલ વલસાડ આવી ગયો.

નિખિલ… નિખિલ… નિખિલ… નિખિલ…!!

વસુએ કરેલ પતિની પરિકલ્પનામાં નિખિલ ક્યાંય ગોઠવાતો ન્હોતો.

-આની સાથે જીવન કેમ વિતાવાશે….!!

સળવળતી હતી વસુ…છટપટતી હતી…!! જયારે નિખિલ આવતો ત્યારે એ હસતું મ્હોં રાખી એની સાથે હરતી-ફરતી. તિથલના દરિયે પણ જઈ આવી. સાંઈબાબાના મંદિરે પણ જઈ આવી..!! પરંતુ બળતા રૂની માફક અંદર અંદર એ બળતી હતી જે બહારથી કોઈને દેખાતું ન્હોતું. બાબુભાઈ ખુશ હતા. કાંતાબેન પણ સમજતા હતા કે બધું રાગે પડી ગયું છે. નિખિલ તો વસુને મેળવીન ધન્ય ધન્ય થઈ ગયો હતો!!  વસુને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો.નિખિલ પર ગુસ્સો આવતો હતો.  પપ્પા પર ગુસ્સો આવતો હતો. આખી દુનિયા પર ગુસ્સો આવતો હતો !!

જ્યારે નિખિલ એના ચહેરા પર પોતાનો ગોરો ઝુકાવી ઝુકાવી વાતો કરતો ત્યારે જાણે બગલો માછલી પકડવા તરાપ મારતો હોય એવું મહેસુસ થતું વસુને…!! એ જલ બિન મછલીની જેમ તરફડતી હતી…!! વળી વાત વાતમાં એની બા તો આવી જ જાય…!! બા આમ કરે ને બા તેમ કરે…!! બાને આવું બહુ ગમે…!! બાને આવું તો બિલકુલ જ ન ગમે…!! અરે…ભાઈ…!! કોઈ તારી વાત કર…!! તારા શોખની વાત કર…!! તારા દોસ્તની વાત કર…!! આ શું…!! બા…બા…બા… બોલું હું તો અક્ષર પહેલો બા…બા…બા…ની કવિતા જ ગાયા કરે છે…!! પણ શું થાય…!! બા…બા…બા…ની કવિતા એણે સાંભળવી જ પડતી અને ભવિષ્યમાં ગાવી પણ પડશે…!!

*****         *****         *****         *****

‘કેમ અલી…!! મજા આવે છે ને તારા માટીડા સાથે…!?’ કોલેજના કોમન રૂમમાં એની ખાસ સખી ગુલશન સાથે વસુ બેઠી હતી, ‘કેમ આવી વાસી કમરક જેવી કરમાઈ ચાલી ??’  એનાં ટીખળી સ્વભાવ મુજબ એ હસતી હતી, ‘તારો લંબુ તને બહુ યાદ આવતો લાગે….!!’

‘ગુ….લ્લુ…!!’ ભારેખમ નિઃસાસો નાંખી  વસુ બોલી, ‘તને આમાં સમજ ન પડે…!!’

‘તો..ઓ…પછી તું પાડ!! તને તારા રિતિક રોશને શું સમજ પાડી…!! કંઈ સાધન બાધન વાપરજે…!! નહિંતર લગન પહેલાં જ ઊંવા ઊંવા આવી જશે…!!’ હસીને ગુલુ બોલી.

‘ચુપ કર…!!બક બક ન કર…!! એવું કંઈ નથી…!!’ વસુની આંખમાં પાણી આવી ગયા. હસવાને બદલે ગમગીન થઈ ગઈ વસુ…!! એને આમ ગમગીન થઈ જતાં ગુલ પણ હસતાં હસતાં એક્દમ અટકી ગઈ…!!એને લાગ્યું કે દાળમાં જરૂર કંઈ કાળું છે…!! વસુનો હાથ પ્રેમથી પકડી ગુલ બોલી, ‘શું વાત છે…!! મને ન કહેવસ…!!’ વસુની આંખમાં આંખ પરોવી એ બોલી.

વસુએ એનું દિલ ખોલી નાંખ્યુ. એ જ તો એક હતી. એના દિલની વાત સમજવા વાળી…!! સાંભળનારી…!! બાકી બધા તો નિખિલ…નિખિલનો જાપ જપતા હતા…!!! સો વાતનો એક જ સાર હતોઃ વસુને નિખિલ જરાય પસંદ ન્હોતો…!! દીઠો ગમતો ન્હોતો…!! રડી પડી વસુ….!!

‘તો પછી ના પાડી દે…!! આમ ઠુંઠા આસુંએ રડવાથી કંઈ વળવાનું નથી. ગાંડી છે તું તો…!! સાવ પા..ગ…લ…!!’

‘મારી વાત કોણ સાંભળે…?? તને તો ખબર છે ને મારા પપ્પા…!! એ ક્યાં કોઈનું સાંભળે છે…!? માને છે…!?’ વસુએ ધીમેથી ડૂસકું ભર્યું, ‘એ તો મને મારી જ નાં…ખે…!!’

‘તો પછી મરી જા…!’ ચિઢાયને ગુલશન બોલી, ‘તમો માટીડાથી બીઢા કરો તો પછી એવું જ થવાનું…!’

એટલામાં જ બેલ પડ્યો એટલે બન્ને પોત પોતાના ક્લાસમાં ગયા…!!

*****         *****         *****         *****

કાંતાબેન બાબુભાઈની રાહ જોઈ રહ્યા હતા. બાબુભાઈનો જમવાનો સમય થઈ ગયો હતો. જમતી વખતે એમને ગરમા-ગરમ ફૂલકાં રોટલી જોઈતી હતી. તવા પરથી સીધી થાળીમાં…!! એ બાર સાડાબારે ઘરે જમવા આવતા. જમ્યા પછી હીંચકા પર જ એકાદ કલાક વામકુક્ષી ફરમાવતા…!! પણ આજે એમને મોડું થઈ ગયું…!! કદાચ દુકાને ઘરાકી વધારે હશે…!! એ આવ્યા ત્યારે થોડાં ખિન્ન હોય એમ લાગ્યું એટલે સમય વર્તે સાવધાન સમજી કાંતાબેન મૌન રહ્યા…!!કાંતાબેને થાળી પીસરી.

‘ટ…પા…આ…આ…લ…!’ ટપાલી ટપાલ નાંખી ગયો.

કાંતાબેન આગળ જઈને ટપાલ લઈ આવ્યા. બે-ત્રણ પત્રો અને એક બંધ પરબિડીયું હતું.  જમતા જમતા બાબુભાઈ એકદમ ઉભા થઈ ગયા અને કાંતાબેનના હાથમાંથી એ પરબિડીયું છીનવી લીધું. એ ખોલી અંદરનો પત્ર ઝડપથી બહાર કાઢ્યો અને વાંચ્યો.

‘સા…… એ…એ..એ…જ…!!’ બાબુભાઈ ગુસ્સે થઈ બોલ્યા…

‘શું છે…!!’ કાંતાબેન ડઘાય ગયા.

‘કોઈ આપણી પાછળ પડેલ છે…!’ પત્ર પર ઝડપથી ફરી નજર દોડાવી એ બોલ્યા,  ‘કોઈ ફાચરું મારવા માંગે છે…!!’

‘શું ફાચરું…!!’ કાંતાબેનને કંઈ સમજ ન પડી.

‘લે વાંચ…!!’ પત્ર કાંતાબેનને આપતા એ બોલ્યા, ‘આવો જ કાગળ આજે દુકાને પણ આવેલ છે!!’

‘શ્રીમાન બાબુભાઈ,’ કાંતાબેને પત્ર વાંચવા માંડ્યો…, ‘તમને ચેતવવા માટે આ કાગળ લખેલ છે. તમારી છોકરીનું તમે જે ચોકઠું ગોઠવ્યું છે તે છોકરા નિખિલનું એની બેંકમાં જ કામ કરતી કેશિયર ભાવના ભાવસાર સાથે ચક્કર ચાલે છે. બન્ને બહુ આગળ વધી ગયેલ છે. તમે ચેતી જાઓ તો સારૂં ! ચેતતા નર સદા સુખી….લિખતિંગ આપનો શુભચિંતક.’ કાંતાબેને પત્ર વાંચ્યો અને એમને ચિંતા થઈ આવી…, ‘હવે…!?’

‘હવે શું….કંઈ નહિં…!! નાંખી દે…, કચરા ટોપલીમાં એ કાગળ…!!’ ગુસ્સાને માંડ માંડ કાબુમાં રાખ્યો બાબુભાઈએ…

ગરમા ગરમ રોટલી ભાણામાં આપતા કાંતાબેન બોલ્યા, ‘કોણ હશે…!!’

બાબુભાઈને કોળિયો ગળે ઉતરતો ન્હોતો.

‘આપણે તપાસ તો કરવી જ પડશે…!’ ગ્લાસમાં છાસ ભરતાં કાંતાબેન બોલ્યા, ‘એમને એમ તો કો…..ઈ…..’ એમણે વાક્ય અધુરું છોડ્યું.

બાબુભાઈ મૌન જ રહ્યા: કાંતાની વાત સાચી હતી.

‘તું વસુને વાત ન કરતી. એ પા….છી…’

‘ના….’ એમની વાત વચ્ચેથી કાપતા એ બોલ્યા, ‘વસુને તો વાત કરવી જ પડશે. કોઈ બીજા મારફતે એને ખબર તો પડશે તો ઓડનું ચોડ થઈ જશે!!  એનાં કરતાં આપણે જ કરીશું…હું એને સમજાવીશ…!!’

‘હું તપાસ કરાવું છું !!’  જમતા જમતા અડધેથી બાબુભાઈ ઉભા થઈ ગયા.

‘અ….રે…રે…!! જમવાનું તો પુરું કરો….!!’

‘ખાક જમવાનું…!!’ ફોન કરીને એમણે મ્હેતાજીને દુકાનેથી ઘરે બોલાવી લીધા. મહેતાજી વરસોથી દુકાનમાં કામ કરતા હતા. દુકાનના ચોપડા ઉપરાંત સ્ટોક, ઓર્ડર, નફો-તોટો, એક નંબર-બે નંબરનું, ઉપરનુ-અંદરનું, બધું જ એ સંભાળતા હતા. બહુ જ વિશ્વાસુ હતા.

‘બો…લો, ભાઈ કેમ આમ અચાનક તેડાવ્યો…!?’ બાબુભાઈની બાજુમાં હીંચકા પર ગોઠવાતા મ્હેતાજી બોલ્યા, ‘કંઈ અરજંટ કામ આવી પડ્યું….!!’

‘હં….અં…અં…!!’ ગુસ્સો માંડ દબાવી ઊંડો શ્વાસ લઈ બાબુભાઈ બોલ્યા.

કાંતાબેને મ્હેતાજીને પાણીનો ગ્લાસ આપ્યો.

‘મ્હેતા…!! ગાડી લઈને તારે હમણા જ નવસારી જવાનું છે. દુધિયા તળાવ પર સ્ટેટ બેંકમાં…..!!’

‘આપણું કો…..ઈ….ખાતુ….!!’ મ્હેતાજીને નવાઈ લાગી.

બાબુભાઈ હસી પડ્યા, ‘અરે મ્હેતા…!! ત્યાં આપણે બહુ મોટ્ટું ખાતું ખોલાવી નાંખેલ છે. તને કંઈ ખબર નથી. તુ મારી વાત સાંભળ શાંતિથી. વચ્ચે ડબડબ ન કર….!! તું ત્યાં જા હમણાં જ ને તપાસ કર…કે…ત્યાં કોઈ ભાવના ભાવસાર કામ કરે છે કે કેમ…કેશિયર…!! સમજ્યો…??’

મ્હેતાજીને હજુ ય કંઈ ગડ બેસતી ન્હોતી… ‘ભા….વ….ના…ભા…વ…સા…ર ??’

‘હા…, ભાવના ભાવસાર!! અને એ કેવી છે એની માહિતી લઈ આવ અને જો સમજ કોઈને પણ જાણ થવી ન જોઈએ…શું સમજ્યો…!? જોઈએ તો તું અહિં જમી લે….!! અને જમીને ગાડી લઈને નીકળ…!!’

‘મેં તો મારૂં ટિફિન ખાઈ લીધું છે…હું નીકળું…!!’

મ્હેતાજી નીકળી ગયા. પંખાની સ્પિડ  વધારવાનું કહી કાંતાબેનને કહી બાબુભાઈએ હીંચકા પર જ લંબાવ્યુ અને આંખો બંધ કરી. એમનો નિયમ હતો બપોરે વામકુક્ષીનો…!!

કોલેજથી વસુ આવી ગઈ. ટીવી ચાલુ કરી ધીમો અવાજ રાખી એ જમવા બેઠી. દરરોજ બપોરે આવતી સિરીયલો જોવાની એને મજા આવતી. જમ્યા પછી આડી-આવળી વાતો કરી કાંતાબેને વસુને પુછ્યું, ‘નિખિલકુમારનો ફોન નથી આવતો તારા પર…?!’

‘બે-ત્રણ દિવસથી નથી….કે….મ….?!’

‘એ આવવાના છે આ શનિવારે…?’મોટેભાગે શનિવારે નિખિલ વલસાડ આવતો.

‘મને શું ખબર…!! એ ક્યાં ફોન કરીને આવે છે…?!

‘જો, વસુ…દીકરા…!! એમણે કદી તને કંઈ વાત કરી છે કોઈ ભાવનાની…?!’

‘ભા…વ…ના…!!’ હવે વસુને કંટાળો આવવા માંડ્યો આવ્યો… ‘મમ્મી…મને સિરીયલ જોવા દે…!! તું ડિસ્ટર્બ ન કર….!!’

‘જો…સાંભળ!! આજે એક કાગળ આવેલ છે….નનામો…!! ઘરે અને દુકાને….!! એમાં….!!’

‘શું છે એમાં… ?!’ હવે વસુએ કાંતાબેન તરફ ધ્યાન આપ્યું.

‘એમાં લખેલ છે કે નિખિલકુમારનું ભાવના ભાવસાર નામની કોઈ છોકરી સાથે ચક્કર ચાલે છે. કાગળ નનામો છે પણ…..!!’

‘મને કાગળ આપ…!!’ વસુએ ટીવી બંધ કર્યું, ‘મમ્મી, ક્યાં છે એ કાગળ…?’

વસુએ કાગળ લીધો…વાંચ્યો…ઘડી વાળી પાછો આપી દીધો…!!

‘હ…વે…?’ એને અંદર અંદર આનંદ થયોઃ નિખિલનુ કોઈ લફરું હોય તો સારૂં !!! એની જાન છુટે…!! પણ એ માવળિયો કંઈ લફરું કરે એવું લાગતું તો નથી..!!

‘આપણે બ….ધી તપાસ તો કરાવી હતી પણ આ નવો ફણગો ફુટ્યો…!!’ સહેજ ચિંતાતુર થઈને કાંતાબેન બોલ્યા.

‘મ…મ્મી…ઈ…!’ વસુએ પણ એની ચિંતા પ્રદર્શિત કરી, ‘મને તો બહુ બીક લાગે છે!’

‘તા…રે…બીવાની જરૂર નથી…પણ તું….’ સહેજ અટકીને થુંક ગળીને કાંતાબેન બોલ્યા, ‘તું એની સાથે બહુ આગળ તો વધી નથી ગયેલને…?! તું સમજે છે ને કે હું શું કહેવા માંગુ છું…!!એની સાથે…’

‘મ….મ્મી…!!’ વસુ ચિઢાયને બોલી…, ‘એવું કંઈ નથી થયું…!!’

‘તો સા…રૂં….!!’ કાંતાબેનને રાહત થઈ, ‘જો… દીકરા હમણા સહેજ કાળજી રાખજે…!! એને બહુ ભાવ ન આપતી…!!  તારા પપ્પા તપાસ કરાવે છે…ત્યાં સુધી કોઈને કંઈ પણ કહીશ નહિં…!!’

‘પ…ણ મમ્મી મને તો બહુ બીક લાગે છે….!!’

‘તને તારા પપ્પા પર વિશ્વાસ છે ને…!?એ કંઈ કાચું ન કાપે…!! શું સમજી…!?માટે તું તારે ચિંતા ન કર…!! સહુ સારાવાના થશે…!!’

સાંજે મહેતાજી સમાચાર લઈને આવી ગયા. હા ભાવના ભાવસાર કેશિયર હતી. ચબરાક હતી…!! ભાવનાને એ જોઈ આવ્યા…!! સુંદર હતી..દેખાવડી હતી….!!એની પાસેથી એઓ હજારના છુટા કરાવી આવ્યા હતા…!!!

*****         *****         *****         *****

બાબુભાઈ બરાબર ગુંચવાય ગયા.

શું કરવું કંઈ સમજ પડતી ન્હોતી…!! પોતાની જાત પરથી જાણે વિશ્વાસ ઉઠી ગયો…!!

ત્રણ દિવસ પછી બીજો પત્ર આવ્યો…!! પહેલી વારની જેમ જ…દુકાને પણ અને ઘરે પણ…!!

શ્રીમાન બાબુભાઈ,

મારો એક પત્ર આપને મળ્યો હશે. નિખિલ અને ભાવના ભાવસાર હોળી-ધૂળેટીની રજાઓમાં આઠથી દશ માર્ચ દરમ્યાન સાપુતારા લેકવ્યુ હોટલમાં રૂમ નંબર દશમાં રંગરેલિયા કરી આવ્યા છે…!! હોળી ઉજવી આવ્યા છે…!! લીલા-લ્હેર કરી આવ્યા છે. એ આપની જાણ ખાતર…!! જો માણસ સમયસર ન ચેતે તો પછી એના પર એની ફેમિલિ પર ઘણી ઘણી વિતે…!! ચેતતા નર સદા સુખી…!!

આપનો સદાનો શુભ ચિંતક.

-તો  વાત ઘણી આગળ વધી ગયેલ લાગે છે….!! બાબુભાઈએ વિચાર્યું. છતાં નનામા કાગળ પર ભરોસો પણ કેવી રીતે કરાય…!? એના પર વિશ્વાસ કેમ કરીને થાય….!?

-આ તપાસ તો કરવી જ પડશે…!!

-જો સાપુતારાવાળી વાત સાચી નીકળે તો…!!

-વિવાહ ફો…ક…!! ગધેડાની ડોકે સોનાની ઘંટડી ન બંધાય….!!

એમણે તપાસ કરવા માંડી: એ તારીખો દરમ્યાન હોળી-ધૂળેટી હતી…!! નિખિલ વલસાડ આવ્યો ન્હોતો…!! ત્રણ દિવસની રજા હતી. અરે..!! એક દિવસની રજા હોય…શનિ-રવિની તો પણ એ વલસાડ દોડી આવતો…! ત્યારે હોળી-ધૂળેટીની રજા હોવા છતાં એ વલસાડ કેમ ન આવ્યો…!?

એમણે બન્ને કાગળ સરખાવી જોયા…!! બન્ને નવસારીથે જ પોષ્ટ થયેલ હતા…!!બન્નેના અક્ષરો મળતા આવતા હતા…! કોઈએ અક્ષરો બદલવાની કોશિષ કર્યા વિના બન્ને પત્રો લખેલ હતા…!!

-કોણ હશે…!?

-કદાચ ભાવના ભાવસાર… જ પત્ર લખતી હશે…!!

-હવે આ સાપુતારાની વાત કેવી રીતે ચકાસવી….!?

-નિખિલને જ સીધી પુછી લેવી…!?

-ના…ના….એ કંઈ થોડું કહેવાનો કે એને ને ભાવનાને લફરૂં છે…!!

-તો….??

-પોલિસ…?? હા, પોલિસની મદદ જો મળે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે..!!

-મહેશ માંજરેકર…!! ઈન્સપેક્ટર…મહેશ માંજરેકર…!! એ બાબુભાઈને બરાબર ઓળખતા હતા…!! એમના કાયમી ઘરાક…!! યુનિફોર્મનું કાપડ પણ એમની દુકાનેથી જ જતું…!! એમને દાણો દાબી જોવામાં શું વાંધો છે….!? એમણે ફોન કરી જાણી લીધું કે ઈ. મહેશ માંજરેકર ઘરે જમવા જ ગયા હતા. એમણે ફોન કરી એમને મળવાનું નક્કી કર્યું…એ તુરત ઈંસપેક્ટરને ઘરે ગયા…!!મળ્યા…!! એમને માહિતગાર કર્યા…!!સમજાવ્યા…!! લેકવ્યુ હોટલ…માર્ચ આઠથી દશ…રૂમ નંબર દશ…!! ઈન્સપેક્ટરે તરત એમના ચક્રો ગતિમાન કર્યા…!! ફોનના ચકરડા ગુમાવ્યા…વાયરલેસ થયા…!! મોબાઈલ ફોન થયા….!!

-અને સાંજે તો માહિતી આવી પણ ગઈ…

-પત્રની વાત સાચી હતી !!

-નિખિલના નામે જ રૂમ બુક કરવામાં આવી હતી. તારીખ-રૂમ નંબર સાવ મળતા હતા…!! સરનામું નવસારીનું જ હતું પણ ખોટું લખાવેલ હતું…!! હિમંત તો જુઓ…મારા બે…ટાની…!!

-મને….!! બા…બુ…ભા…ઈ….કા…પ…ડિ….યાને બનાવવા નીકળ્યો હતો…!?

-બચ્ચુ, શૂન્યમાંથી સર્જન કર્યું છે આ બાબુભાઈએ…!! એમને એમ કંઈ નથી થયું એ…!!

સાંજેને સાંજે બાબુભાઈએ નવસારી નિખિલના પિતાને ફોન કરી કહી દીધું: અમને આ સબંધ મંજુર નથી…!! વિવાહ ફો….ક….!! બોલ્યું ચાલ્યું મા…ફ….!! સલામ-નમસ્તે….!! તમો તમારા રસ્તે…અમો અમારા રસ્તે…!! તમે વસુને ચઢાવેલ ઘરેણા મેં કુરિયર કરી દીધાં છે!! તમને કાલે મળી જશે..! અમારા તમારે મોકલવા હોય તો મોકલજો…!!

બિચારી વસુના માથા પરથી તો ભાર જ ઉતરી ગયો….!!

હા….શ….!! સાવ હળવી થઈ ગઈ એ…!!

*****         *****         *****         *****

‘કેમ…અલી….!! આજે તો કંઈ બહુ ખુશ લાગે છે…ને..!!’ ગુલશન મળી વસુને કોલેજના કોમન રૂમમાં, ‘વસુ, કેમ થાય છે આજે બહુ હસુ હસુ…!! તારો લંબુસ આજે મરવા પડવાનો કે શું….!?’

સલામ-નમસ્તેનું ગીત ગાતી વસુ એકદમ અટકીને બોલી, ‘ગુ…ઉ…ઉ…લ્લુ ડાર્લિંગ…!! હવે ભુલી જા એ બગલાને….!! એ લંબુસને…લાં….બા નાક વાળાને….!!’

‘કેમ….કેમ…!? કંઈ થયું કે શું…?? કે પછી કંઈ ચક્કર ચાલે છે…સા….નું….!?’

-હવે ચમકવાનો વારો હતો વસુનો…!!એણે નિખિલના ચક્કરની વાત કોઈને કરી ન હતી…તો પછી આ ગુલશન શું બટાકા બાફતી હતી…!!

‘તને કોણે કહ્યું…?’

‘ખોદાયજીએ…!’ ઝડપથી ઉભા થઈ જતાં ગુલ બોલી.

‘બે…..સ….ગુલ…!’ ગુસ્સાથી એના બન્ને ખભા પર બે હાથ મુકી ખુરશી પર બળપુર્વક બેસાડતાં વસુ બોલી, ‘તને કોણે કહ્યું….કે…!’

‘…કે….તા…રો…ભાવિ ભરથાર….પંતગિયું છે…!! ભાવિ ભરથાર ભમરો છે….!! ભાવના ભાવસારની પાછળ પાછળ ભમતો ભમરો….!!’

‘ગુ….ઉ…ઉ…લ્લુ…!’ વસુની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ: આ ગુલતો બધ્ધું જ જાણતી લાગે…!!

‘અ…રે…!! ગાં…ડી…!!’ હસતા હસતા ગુલ બોલી, ‘અરે…પગલી…!! તારો ગાં…ડિ….યો..!! આજે એ રડતો હશે તારા નામનું!’  હસવાનું માંડ માંડ રોકી એ બોલી, ‘બિ…ચ્ચા…રો…!! કૂટાઈ મર્યો…!! અ….ને સાંભળ હું જ તારી શુભચિંતક છું…!!’ ગુલ વસુના કાનમાં ધીમેથી બોલી, ‘એમ તે કંઈ અણગમતા માટીડા સાથે અદરાય જવાય…!?’

‘તું…??’ વસુને વિશ્વાસ પડતો ન્હોતો..

‘હા…. હું…!’ વસુને હાથ પકડી એને પ્રેમથી બેસાડતા ગુલશન મરકીને બોલી, ‘મેં જોઓયું કે તું ના પાડી શકવાની નથી અને તારા પપ્પાજી તને ભેરવી જ દેવાના હતા…!! મેં મારા જમશેદને તારી વાત કરી. તમો વાનિયા દિલ કરતાં દોલતનું વધારે વિચારો…!!’ જમશેદ ગુલનો મંગેતર હતો. એ નવસારી જ રહેતો હતો, ‘મારે તને ગમેતેમ કરીને બચાવવી હતી. અમે બન્ને એક દિવસે નવસારી સ્ટેટ બેંક પર ગયા. ત્યાં ભાવના ભાવસારને જોઈ…!! ભાવનાને ભેરવીને નિખિલનો શિકાર કરવાનો મને વિચાર આવ્યો. મેં એ જમશેદને જણાવ્યો તો એને પણ પસંદ પડી ગયો…!!’ ધીમું હસતા હસતા ગુલ બોલી, ‘ભાવનાને તો બિચારીને કંઈ ખબર નથી…!! અમે તો ભાવનાને ઓળખતા પણ નથી….!! પછી જમશેદે તારા બાવા…આઈ મીન તારા પપ્પાજીને કાગજ લખ્યા…હું લખું તો તું તો મારા અક્ષ્રરો ઓળખી જાય…!!  દુકાને અને ઘરે લખવા માટે મેં જ કીઢેલું કે જેથી કાગજ મલે ને મલે જ….!! પછી  હું અને જમશેદ હોળીની રજામાં સાપુતારા ગયા… !! તારા બબુચક નિખિલના  નામે રૂમ રાખ્યો લેકવ્યુ હોટલમાં ને…મજા કરી ત્રણ દિવસ…!! તારા પપ્પાજીએ બધી તપાસ કરાવી ને પછી તો તારી જાન છુટી…!! જા….!! મજા…કર..થાય એટલી…!! ભુલી જા એ બિચારા લંબુસને….!!ને જલસા કર બિંદાસ થઈને…!! જિંદગીમાં એમ તે કંઈ ભેરવાઈ જવાઈ અણગમતા માટીડા સાથે….!! ને સમજ ગાં…ડી…!! હવે જે કંઈ કરશ તે સમજી વિચારીને કરશ..!!ને…જો…જે…પાછી કોઈની આગળ ભસી ન મરશ કે…..!!’

આભારવશ જોઈ જ રહી વસુ એની નટખટ સખીને…!!

(સમાપ્ત)

‘સલામ નમસ્તે’ વાર્તા પીડીએફ ફોરમેટમાં મેળવવા અહિં ક્લિક કરો.
આપના કમ્પ્યુટર પર સાચવો. પ્રિંટ કરો.
મિત્રોને મોકલાવો.