જિંદગી – એક સફર….

(ફેબ્રુઆરી-માર્ચ એટલે પ્રેમના મહિનાઓ…….વસંતોત્સવના મહિનાઓ…

પણ પ્રેમ-પ્યાર શું આમ મહિનાઓથી, સમયથી બાંધી શકાય…??

ના, પ્રેમ તો મુક્ત છે…પ્રેમ એટલે પ્રેમ…!! પ્રેમ એટલે પ્રેમ…!!

ન કરો કોઈ વ્યાખ્યા કોઈ પ્રેમની…જિંદગીમાં જરૂર છે એના રહેમની…

આપ સહુ સમક્ષ રજું કરૂં છું જિંદગી – એક સફર’ ! સાવ અનોખી વાર્તા કે, જેના સર્જન બાદ મેં રાતોની રાતો જાગતા વિતાવી છે… કેમ એનો જવાબ આપના પર છોડું છું!

આ વાર્તા ‘ગુજરાત દર્પણ’ મા પ્રકાશિત થઈ ચુકેલ છે અને એ માટે માનનિય સુભાષભાઈ શાહનો હું આભારી છું.

વાંચક મિત્રો..મારી વાર્તા ‘ગંગાબા’ વાર્તા ‘અખંડ આનંદ’ના જાન્યુઆરી ૨૦૦૯ ના અંકમાં પ્રકાશિત થઇ છે. એ આપણા માટે આનંદની વાત છે.

જિંદગી – એક સફર’ માટે આપના અભિપ્રાયો….કોમેંટ માટે આગ્રહભરી નમ્ર વિનંતી છે. બ્લોગિંગની એ જ તો મજા છે કે આપ વધારે ને વધારે કોમેંટ કરો…! આપના સહકારની આશા રાખું છું. )

જિંદગી – એક સફર….

મોહન કે જે મેકના હુલામણા નામે ઓળખાતો હતો એ અને એની પત્ની સીતા એમને નૂવાર્કના લિબર્ટી ઇંટરનેશનલ એરપોર્ટ પર મૂકવા આવ્યા હતા.

‘ડે…ડ,  ટેઇક કેર….!!’ મેકે ધીરૂભાઇ સાથે હસ્તધુનન કરતાં કહ્યું, ‘વી આર વેરી સોરી…અમે કોઇ તમારી સાથે આવી નથી શકતા…યૂ નો અવર સિચ્યુએશન..!!!’

‘ડોંટ વરી સન…!! તારી મોમ છે ને મારી સાથે…?!’ મ્લાન હસીને ધીરૂભાઇ બોલ્યા.

‘ડે…એ…એ….ડ…!’ ધીરૂભાઇને ભેટી પડતા મેક ભાવુક થઇ ગયો.. ‘હવે મોમ ક્યાંથી આવવાની….?’

સહુને બા…ય….કહી ધીરૂભાઇ જંબો વિમાનમાં દાખલ થયા.

‘લેટ મી હેલ્પ યૂ સર….’ બિઝનેસ ક્લાસની એરહોસ્ટસે ધીરૂભાઇના હાથમાંથી હળવેકથી હેંડબેગ લઇ ઓવર હેડ લગેજ સ્ટોરેજમાં મૂકી…

‘ટેઇક કેર…!’ ધીરૂભાઇએ હસીને કહ્યું, ‘અંદર ઘણો જ કિંમતી સામાન છે!’

‘આઇ વિલ..’ હસીને એરહોસ્ટેસ બોલી.

ધીરૂભાઇએ લિવાઇઝના નેવી બ્લ્યુ જીન્સ  પર વાદળી કોટન શર્ટ અને બ્લ્યુ બ્લેઝર પહેરેલ હતું તે બ્લેઝર કાઢી એરહોસ્ટેસને સોંપ્યુ.

બોર્ડિંગ કાર્ડ પર સીટ નંબર ફરી તપાસી એ પોતાની પહોળી લેધર ચેર પર ગોઠવાયા. ટેઇક ઓફ થવાને હજુ દોઢેક કલાકની વાર હતી.

‘ડુ યૂ નીડ એનીથિંગ સર…?’

‘નોટ નાઉ…’ બેક-રેસ્ટ પુશ કરી આરામથી બેસતાં ધીરૂભાઇએ આંખો બંધ કરી…

અઢાર કલાકનો પ્રવાસ હતોઃ નૂવાર્કથી મુંબઇનો….વાયા પેરિસ….

-કેટલાં ય વખતથી દેશ જવાનું વિચારતા હતા…!! કાંતા સાથે…

-અને આજે…??

-આજે પણ કાંતા તો સાથે જ છે ને….??

-અસ્થિ સ્વરૂપે…!!

-ઓહ…..કાંતા…..!!! એમનાથી ઑવરહેડ સ્ટોરેજ તરફ એક નજર થઇ ગઇ. એમાં મુકેલ સેમ્સોનાઇટ બેગમાં હતી…કાંતા…!!!અસ્થિ સ્વરૂપે…!! ઓમ શાંતિ…ઓમ…લખેલ સરસ રીતે પેક કરેલ બોક્ષમાં સમાઇ હતી કાંતા…!!

એક નિઃશ્વાસ નંખાઈ ગયો એમનાથી… જવું હતું તો કાંતા સાથે દેશમાં ચારધામની યાત્રાએ..એની ખાસ ઇચ્છા હતી.. દુનિયાના ઘણા દેશો ફરી લીધા હતા…આખું અમેરિકા…યૂરોપ….ઓસ્ટ્રેલિયા…આફ્રિકા…બસ, ઘણા લાંબા સમયથી દેશ જવાયું ન હતું.

ધીરૂભાઇ આજથી બેતાલીસ – તેતાલીસ વરસ પહેલાં અહીં યૂએસ આવ્યા હતા અને આજે એઓ છાસઠના થયા.

-કેટલો લાંબો સમય થઇ ગયો…??!!

છાસઠ વરસની ઉમર એમના શરીર પરથી લાગતી ન હતી..એકવડું પોણા છ ફૂટનું ચુસ્ત કદ….એમણે શરીરને બરાબર જાળવ્યું હતું…બસ, એક ચશ્મા હતા…નખમાં ય રોગ ન હતો… હા, વાળ જરૂર ઓછા થઇ ગયા હતા… પણ માંડ પચાસના લાગતા હતા..

‘વી આર રેડી ટુ ટેઇક ઓફ….’ પાઇલટ કેપ્ટન સિન્હાનો ઘેરો અવાજ પીએ સિસ્ટમમાં ગૂંજ્યો, ‘પ્લીસ ફાસન યોર સીટ બેલ્ટ….!!’

-હિયર વી ગો કાંતા!!  ધીરૂભાઇ સ્વગત બબડ્યા….સીટ બેલ્ટ બાંધી બેક રેસ્ટ એમણે યથા સ્થાને ગોઠવ્યું.

જમ્બો વિમાન ટરમેક પરથી ધીમેથી બેક-અપ થયું…રનવે પર ગોઠવાયું, દોડ લગાવી પલકવારમાં હવામાં અધ્ધર થયું….થોડાં સમયમાં તો ત્રીસ-બત્રીસ હજાર ફુટની નિર્ધારીત ઊંચાઈએ પહોંચી ગયું…

સીટ બેલ્ટની સાઇન ઑફ થઇ.

ચપળ એર હોસ્ટેસ એમની પાસે આવી, ‘વોટ વિલ યૂ લાઇક ટુ ડ્રીંક….??’

‘બ્લેક લેબલ ઓન ધી રોક્સ…!!!’

ચળકતા ક્રિસ્ટલ ગ્લાસમાં આઇસ ક્યુબ ભરી, બ્લેક લેબલ વ્હિસ્કીથી ગ્લાસ ભરી એર હોસ્ટેસ બીજાં પ્રવાસીઓની સરભરામાં પરોવાઈ…

વ્હિસ્કીનો ઘૂંટ ચૂસતા ચૂસતા ધીરેથી ગળા નીચે ઉતારી ધીરૂભાઇએ આજુ-બાજુ સહ પ્રવાસીઓ તરફ નજર કરી.

-સહુ કેટકેટલાં પાસે હતા..!! છતાં પણ જાણે પોત પોતના કોચલામાં પૂરાયેલ હતા… ટોળામાં જાણે સહુ એકલવાયા…!!! અને હવે તો ધીરૂભાઇ પણ સાવ એકલવાયા જ થઇ ગયા હતાને ?? નવેક મહિના પહેલાં મધ્યરાત્રિએ કાંતાને અચાનક હાર્ટ-એટેક આવ્યો. પોતે તો ભર ઊંઘમાં હતા…નિંદ્રાદેવીનું એમને વરદાન હતું. કાંતાએ જેમ તેમ કરીને ઢંઢોળ્યા. જાગ્યા…નાઇન વન વન….પાંચ મિનિટમાં તો એમ્બ્યુલંસ આવી ગઇ….પણ કાંતાનું હ્રદય બે-ત્રણ મિનિટ માટે ધબકવાનું ચૂકી ગયું. ઇએમએસ વાળાએ વાળાએ જંપ આપ્યો…શોક આપ્યો ને..હ્રદય ફરી ધબકવા તો માંડ્યુ પરતું, કાંતા ફરી ધબક્તી ન થઇ… ફેફસામાં પાણી ભરાઈ ગયું…વળી મગજને લોહી ન મળતાં મગજમાં ક્લોટ થઇ ગયો…ફેફસાએ જવાબ આપી દીધો…રેસ્પિરેર્ટર- લાઇફ સપોર્ટ પર મૂકી દેવાઇ…જિંદગીમાં પુર્ણવિરામ પહેલાં કોમા આવે એ ત્યારે ધીરૂભાઇએ જાણ્યું….દશ દિવસ બાદ નિર્યણ લેવાનો હતો.

-શું કરવું….??

પણ કાંતાએ એ પ્રશ્ન જ ઉભો ન થવા દીધો..

પોતે જ હરિના મારગે ચાલી નીકળી….ધીરૂભાઇને સાવ એકલા મૂકીને….

દશ દિવસ એ બેહોશ રહી..ધીરૂભાઇ કાંતા પાસે બેસી રહેતા એ આશામાં કે ક્યારેક તો આંખ ખોલે….કઈંક બોલે…એની આખરી ઇચ્છા કહે….પણ…!!!

કાંતા ધાર્મિક હતી. એની ખાસ ઈચ્છા હતી કે એક વાર દેશમાં ચારધામની યાત્રા કરવી…ધીરૂભાઇને એવું પસંદ ન હતું. મંદિરોની લાંબી લાંબી લાઇનો…મંદિરોની ગંદકી…ઘેરી વળતા પંડાઓ…ખોટા ખોટા શ્લોક બોલતાં બ્રાહ્મણો….એમને પસંદ ન હતા. એઓ નાસ્તિક ન હતા…પરંતુ, ધર્મની એમની વ્યાખ્યા સાવ અલગ હતી….

માનવ ધર્મ !! ધર્મ માટે મંદિરના પગથિયા ચઢવા જરૂરી ન હતા એમના માટે….

લો’રિયાલ કોસ્મેટિકમાં સિનિયર કેમિસ્ટથી શરૂ કરેલ ત્રીસ વરસની કારકિર્દિને અંતે રિસર્ચ એંડ ડેવલેપમેંટના વાઇસ પ્રેસિડેંટ તરીકે ધીરૂભાઇ રિટાર્યડ થયા. હવે તો બસ કાંતા સાથે આખી દુનિયા ફરવી એવા એઓના અરમાન હતા. રિટાયર  થયાના બીજા અઠવાડિયે તો ત્રણ આઠવાડિયાની ક્રુઝ-દરિયાઇ મુસાફરીએ જવાનું નક્કી જ હતું…પણ પ્રભુને કંઈ જુદું જ મંજૂર હતું. કાંતા સ્વર્ગના કદી ય પાછા ન ફરનારા પ્રવાસે ચાલી નીકળી એકલી…ધીરૂભાઇને  એકલા મૂકીને…!

ધીરૂભાઇને બે પુત્રો હતા…મોહન – મેક કે જે ન્યુ જર્સી ખાતે ફાઇઝર ફાર્માસ્યુટિકલ્સમાં  ક્લિનીકલ ટ્રાયલ્સનો હેડ ઓફ ધ ડિપાર્ટમેંટ હતો…જ્યારે નાનો નીક કેલિફોર્નિયા ખાતે માઇક્રોસોફ્ટમાં પ્રોડેક્ટ ડેવલપમેંટનો પ્રેસિડેંટ હતો… બંને પરણીને ઠરી-ઠામ થઇ ગયા હતાઃ મેક સીતાને અને નીક ઇટાલિયન છોકરી મારિયાને….!! બંનેને ધીરૂભાઇ ખૂબ જ ભણાવ્યા હતા… બંન્નેના પોતાના આલિશાન ઘરો હતા…બાળકો હતા…કાંતાના અવસાન બાદ બંને એ ધીરૂભાઇને. એઓના ઘરે આવી સાથે રહેવા કહ્યું….અરે…!! મારિયાએ તો ઘણો જ આગ્રહ કર્યો… પણ ધીરૂભાઇએ સહુને નમ્રતાથી ના પાડી અને પોતે એકલા જ જીવવાનુ નક્કી કર્યું. એઓ માનતા હતા: શરૂઆતમાં તો સહુને સારું લાગે પણ સમય જતા પોતાનાનો પણ સ્વજનને બોજ લાગવા માંડે….અતિ નિકટતા આકરી લાગે…નડતર લાગે…. એના કરતાં દૂર રહીને વધુ પ્રેમ પામવો જ સારો….!!! પૈસાનો તો એમને કોઇ સવાલ જ ન હતો…રિટાયર થયા ત્યારે પણ સારા એવા પૈસા મળ્યા….સ્ટોક ઓપ્શન….સ્ટોક માર્કેટમાં પણ એમણે સારૂં રોકાણ કરેલ હતું….પેન્શન અને સોશિયલ સિક્યુરિટીના પણ પૈસા આવતા હતા…. છોકરાઓને તો એમના પૈસાની કોઇ જરૂર ન હતી… એઓ પોતે જ ખૂબ કમાતા હતા !!

કાંતાના સ્વર્ગવાસ પછીના શરૂઆતના દિવસો તો ઝડપથી પસાર થયા. પણ પછી ધીરે ધીરે ધીરૂભાઇને એકલતા સતાવવા લાગી. પળ કલાક જેવી અને દિવસ યૂગ જેવો લાગતો…. થોડાં સમય પહેલાં ખૂબ જ પ્રવૃત્ત હતા. પોતાના કામને કારણે- વાઇસ પ્રેસિડેંટ ઓફ આર એંડ ડીના કારણે…દિવસની બેત્રણ તો મિટિંગો હોય….બસો અઢીસો ઇમેઇલ…વિડિયો કોન્ફરંસ….વરસમાં ચાર-પાંચ વાર તો હેડ્ક્વાર્ટર ફ્રાંસ – પેરિસના આંટા થતા! દર વખતે કાંતા તો સાથે જ હોય….!!પણ હવે એઓ સાવ એકલા થઇ ગયા હતા..

નિયમિત કસરત, યોગાસન, પ્રાણાયમ – મેડિટેશન મારફતે તન-મન તંદૂરસ્ત રાખ્યું હતું. પણ કાંતા વિના જાણે હવે બધું ય નકામું હતું…એના સરળ સહવાસ વિના એઓ મુંઝરાતા, મુંઝાતા, અકળાતા છટપટતા હતા… ખરે સમયે જ કાંતા છેહ દઇ ગઇ…!! આવી અસીમ એકલતા આમ વેંઢારવી પડશે એવી કલ્પના તો સ્વપ્નેય ન હતી…!! પોતાના પુત્રો સાથે રહેવા જવું ન્હોતું…ટીવી, કોમ્પ્યુટર, ઇંટરનેટથી પણ સમય કપાતો ન્હોતો…કાંતા સાવ છેતરી ગઇ હતી…એના વિના જીવન જાણે એક સજા લાગતી હતી…જીવવું આકરૂં લાગતું હતું !!!

ફ્લાઇટમાં ડિનર સર્વ થયું..ડિનર પત્યા બાદ ધીરુભાઇએ લૅપટોપ ચાલુ કર્યું… ઇમેઇલ ચેક કરી.. મારિયાની ઇમેઇલ હતી… મારિયા નાની પુત્રવધુ રોજ એકાદ ઇમેઇલ તો કરતી જ! એને છેલ્લી ઇમેઇલમાં ધીરૂભાઇએ પુછ્યું હતું કે ઇંડિયાથી એના માટે શું લાવવું?? એણે જવાબ આપ્યો હતોઃ સરપ્રાઇઝ મિ!!! એના આ જવાબથી ધીરૂભાઇ હસી પડ્યા…બીજી ઇમેઇલ નવસારીથી હોટલ સૌરસના મેનેજરની હતી…એમના રિઝર્વેશનનું કન્ફરમેશન અંગે હતી… મુંબઇના સહાર એરપોર્ટ પર એરકંડિશન કાર એમને લેવા આવનાર હતી તેનો રજીસ્ટ્રેશન નંબર અને ડ્રાયવરનું નામ હતું.. છેલ્લાં કેટલાંય વરસોથી એઓ દેશ ગયા ન હતા. નવસારીની બાજુમાં આવેલ ગામ જલાલાપોર એમનુ વતન હતું…ત્યાં એમનું ઘર હતું.. જે વરસો પહેલાં વેચી દીધેલ… એ ઘર જોવું હતું… ગામ જોવું હતું…જે મહોલ્લામાં વરસો પહેલાં ક્રિકેટ રમેલ એ મહોલ્લાની ધૂળ કપાળે ચઢાવવી હતી..!! શક્ય હોય, બને તો જે ઘરમાં એમનું બાળપણ વીત્યું હતું…જે ઘરમાં યૂવાનીમાં પ્રથમ ડગ માંડ્યો હતો એ ઘરમાં એક ડગ માંડવો હતો….!!

જ્યારે ધીરૂભાઇએ અમેરિકા જવાનું નક્કી કર્યું અને ઘરમાં જણાવ્યું ત્યારે એમના પિતા હરિભાઇ ખૂબ જ નારાજ થયા હતા. એમની માએ તો રડવાનું ચાલુ કરી દીધું. ધીરૂભાઇ એમનું એકનું એક સંતાન હતા. એઓ એમને આમ અમેરિકા મોકલવા રાજી જ ન હતા. ધીરૂભાઇને એમ કે બા-બાપુજી તો માની જશે….સમજી જશે…!! પરતું હરિભાઇ ન માન્યા તે ન જ માન્યા…!! ધીરૂભાઇએ માતા-પિતાને અમેરિકા બોલાવવા માટે ય ઘણા પ્રયત્નો કર્યા. પણ હરિભાઇ શાના માને…?? પછી તો હરિભાઇએ ધીરે ધીરે પુત્ર પર પત્ર લખવાનું ય બંધ કરી દીધું અને ધીરૂભાઇને પણ લખી નાંખ્યુ કે આપણા સબંધ આટલે જ થી અટકી જાય તો સારૂં !! તારે અમારી સાથે સબંધ રાખવા હોય તો દેશ આવીને રહે અમારી સાથે…!!! પિતાએ જાણે જાકારો જ આપી દીધો….!!! ધીરૂભાઇ ઘણું કરગર્યા!!  કાલાવાલા કર્યા….!!  પણ હરિભાઇ એક ના બે ન થયા તે ન જ થયા અને ધીરૂભાઇ અમેરિકા છોડીને દેશ આવી ન શક્યા….!! ધીરૂભાઇને મા-બાપને નારાજ કર્યાનો ઘણો જ વસવસો રહી ગયો હતો…એમના મા-બાપનું ઘડપણ એઓ સાચવી ન શક્યા….એમની સેવા-ચાકરી ન કરી શક્યા….એમની અંતિમ ક્ષણે એઓ હાજર ન રહી શક્યા….!!મા-પિતાએ જે ઘરમાં છેલ્લો દમ તોડ્યો એ ઘરમાં જઇને રડવું હતું…!! માત-પિતાને નામે વૃધ્ધાશ્રમમાં દાન કરી, થાય એવું તર્પણ કરવું હતું…

મુંબઇના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર પ્લેન હળવેકથી ઊતર્યું….ગ્રીન ચેનલમાંથી ધીરૂભાઇ આસાનીથી કસ્ટમ ક્લિયર કરી બહાર આવી ગયા… બિઝનેસ ક્લાસની મુસાફરીને કારણે એમને પુરતો આરામ મ્ળ્યો હતો એટલે તરો-તાજા લાગતા હતા… મુંબઇની મધ્યરાત્રીની હવામાં જાન્યુઆરી મહિનાની માદક ઠંડક હતી… એરાઇવલની લોંજમાં ડ્રાઇવર એમના નામનું પ્લેકાર્ડ લઇને ઉભો હતો તેના તરફ હાથ હલાવી ઇશારો કરી ધીરૂભાઇએ હાસ્ય કર્યું.

‘ધીરૂભાઇ….??’ ડ્રાવયરે પૂછ્યું. એ પચ્ચીસેક વરસનો યુવાન હતો, ‘માયસેલ્ફ ઇસ સતીશ. સર!! હાઉ ડુ યૂ ડુ…??’

‘ફાઇન!! થેન્ક યૂ!!’

ધીરૂભાઇના હાથમાંથી બેગની ટ્રોલી સતીશે પોતે લઇ લીધી, ‘હાઉ વોઝ યોર ફ્લાઇટ…?’

‘વેરી ગુડ…!’ ધીરૂભાઇએ હસીને કહ્યું, ‘સતીશ, મને ગુજરાતી આવડે છે અને આપણે ગુજરાતીમાં જ વાત કરીશું….’

‘ઓકે…..!!’ હસી પડતાં સતીશ બોલ્યો, ‘આપણે ચારેક કલાકમાં નવસારી પહોંચી જઇશું.. તમો આરામ કરજો… તમારે તો આત્યારે અમેરિકાના ટાઇમ મુજબ દિવસ ચાલે છે.. બરાબરને…??’

‘હં !!!’

સતીશે વ્હાઇટ હુંડાઇ સોનાટાનો પાછળનો દરવાજો સલૂકાઇથી ખોલ્યો..ધીરૂભાઇએ વિચાર્યું: નાઇસ કાર….!!!

સતીશે સામાન ડિકિમાં ગોઠવ્યો.. કુલરમાંથી મિનરલ વોટરની એક બોટલ કાઢી. પાછળ આવેલ બોટલ હોલ્ડરમાં ગોઠવી…

‘નીકળીશું…?’

‘યસ….સ…તી…શ…!!’ ધીરૂભાઇ હસીને બોલ્યા..

‘રસ્તે એક-બે ચેકપોસ્ટ આવશે…પાસપોર્ટ તૈયાર રાખશો…ઉપરનું બીજૂં બધું હું સંભાળી લઇશ….એમનો ભાવ નક્કી જ છે…પાસપોર્ટ દીઠ પાંચસો….!!’

‘પાંચસો…??’

‘હા,  પોલિસને આપવા પડે….લાંચ…!!’

ધીરૂભાઇ હસી પડ્યા…. ‘પોલિસને પાંચસોનો ચાંદલો કરવાનો એમ કહેને….!!’

મુંબઇના અંધેરી પરાને પસાર કરી સોનાટા હાઇવે નંબર આઠ પર  આવી ગઇ.. રસ્તામાં કોઇ તકલીફ ન પડી…વહેલી સવારે તો નવસારી પહોંચી ગયા. હોટલ સૌરસનો રૂમ પણ સરસ હતો…ચેક-ઇન થયા પછી મેનેજર પણ રૂબરૂ આવીને મળી ગયો…

શાવર લઇ ધીરૂભાઇ હળવા થયા..રૂમ સર્વિસથી કોફી મંગાવી કોફી પીધી…કફની-સુરવાલ પહેરી એ નીચે ફૉઇઅરમાં ગયા.

‘ગુડ મોર્નિંગ સર…!!’ મેનેજરે હસીને કહ્યું, ‘યૂ શુડ ટેઇક રેસ્ટ…!!!’

‘ઇટ્સ ઓકે…!! આઇ એમ ફાઇન….!! મારે તમારી પાસેથી થોડી વિગતો મેળવવી છે… મારે અહીં ખાસ કોઇ રિલેટિવ્સ, સગા-સબંધી નથી…ને મારે થોડાં કામો વ્યવ્સ્થિત રીતે પતાવવાના છે.. સમયનો સવાલ નથી. આઇ હેવ ઓપન ટિકિટ…!!!મારે જે કંઇ કરવું છે તે વ્યવ્સ્થિત કરવું છે…..!!’

‘જેમકે…??’

‘એક તો મારે હરદ્વાર જવું છે….અસ્થિ વિસર્જન માટે…બીજું, મારે થોડાં વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે..!! ત્યારબાદ, જો મન થાય તો દેશમાં ફરીશ….!!’ સહેજ અટકીને એ બોલ્યા, ‘અ….ને અફકોર્સ !!  આજે જ બપોરે, લંચ બાદ મારે જલાલપોર જવું છે…સતીશ ઇસ ગુડ…!! જો એની સાથે….!!’

‘એ આવશે..એના મોબાઇલ પર રિંગ કરી દઉં છું…અમારા એન. આઇ. આર મહેમાનો માટે અમે એને રિઝર્વ જ રાખ્યે છીએ…એ ભણેલ છે…એ સ્પેશ્યલ છે…..!!’

‘મને પણ એનો નંબર આપો…હું પણ મારા સેલમાં એંટર કરી દઉં….!!!’

સતીશનો નંબર મોબાઇલમાં એંટર કરી ધીરૂભાઇએ અમેરિકા મેક -નીકને ફોન કરી દીધા પોતે સુખરૂપ નવસારી પહોંચી ગયા છે એમ જણાવી દીધું.

‘તમારા હરદ્વાર અને ભારત દર્શન માટે ‘ઓમ ટ્રાવેલ’ના મેનેજરને સાંજે બોલાવીશ…ધે આર વેરી ગુડ….!! ધે વીલ મેનેજ એવરીથિંગ….!!’

‘ગુ…..ડ….!!’

‘સતીશને ત્રણ વાગ્યાનું જણાવી દઉં??’ મેનેજરે પૂછ્યું…

બપોરે હળવું લંચ લઇ ધીરૂભાઇએ વામકુક્ષી કરી… જેટ-લેગની કોઇ ખાસ અસર લાગતી ન હતી… બપોરે ત્રણ વાગ્યે સતીશ તાજો-માજો થઇ હાજર થઇ ગયો.

‘આપણે જલાલપોર જવાનું છે…!! કેટલું રોકાવું પડે તે કંઇ ખબર નથી…!! જલાલપોર મારૂં વતન છે….મારી જન્મભૂમિ….!!પણ વરસોથી જઇ શકાયું નથી…બસ, એક આંટો મારવો છે….કોઇ ઓળખીતું-પારખીતું મળવાના તો કોઇ ચાંસ નથી….તારે કોઇ એપોઇંટમેન્ટ તો નથીને….??’

‘ના….ના… મેનેજરે મને તમારા માટે જ રિઝર્વડ રાખ્યો છે…!!’

લગભગ સાડા-ત્રણ વાગ્યે તો જલાલપોર પહોંચી પણ ગયા….રસ્તો તો એ જ હતો…રસ્તાની આજુબાજુ મકાનોની હારમાળામાં વચ્ચે વચ્ચે ચાર-પાંચ માળના એપાર્ટમેંટ ઊગી નીકળ્યા હતા.

‘ક્યાં લેવાની છે….??’

વાણિયાવાડમાં પોતાના જુના ઘરના આંગણામાં રસ્તાની બાજુ પર ધીરૂભાઇએ કાર ઉભી રખાવી…કારની પાછળ ધૂળનું એક નાનકડું વાદળ ઊઠીને સમી ગયું..

કારની બારીમાંથી બહાર નજર કરી તો જોયું કે એમના જુના ઘરની જગ્યાએ બે માળનુ મકાન ઉભું થઇ ગયું હતું….એમનું જુનું ઘર તો એક માળનું બેઠા ઘાટનું હતું.. થોડો વિચાર કરી કારનો દરવાજો હળવેકથી ખોલી ધીરૂભાઇ કારની બહાર આવ્યા… એક ઊંડો શ્વાસ લઇ વતનની તાજી હવા ફેફસામાં ભરી એમણે આંખો બંધ કરી…બાપુજીની યાદથી હૈયું ભરાય આવ્યું. રિમલેસ ચશ્મા કાઢી, પેપર ટિસ્યુથી આંખમાં તરી આવેલ ભીનાશ લૂંછી ચશ્મા પાછા પહેરી મહોલ્લામાં એક નજર દોડાવી…થોડે દૂર આવેલ દેરાસરના શિખર પર ધજા મંદ મંદ ફરકતી હતી…મહોલ્લામાં પણ બીજાં ત્રણ ચાર કાચા મકાનોની જગ્યાને મોટાં પાકા મકાનો બની ગયા હતા… ધૂળિયા રસ્તાની જગ્યાને આલ્સ્ફાટનો રોડ થઇ ગયો હતો….

-હવે ??

-પોતાનું ઘર પારકાનુ મકાન બની ગયું હતું….!!

થોડો વિચાર કરી એઓ ઓટલાના ચાર પગથિયાં ચઢ્યા. એટલાંમાં જ ઘરમાંથી એક યૂવાન બહાર આવ્યો.

‘આ….વો….!!’ ધીરૂભાઇના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંગણામાં ઉભેલ સોનાટા જોઇ યૂવાને એમને આવકાર આપ્યો…

‘થેં….ક્સ…..!!!’ ચંપલ ઓટલા પર બહાર કાઢી ધીરૂભાઇ સહેજ ખંચકાઈને બેઠક ખંડમાં દાખલ થયા.

‘અહીં હીંચકો હતો…!!’ એમનાથી સહજ બોલાય ગયું.

‘આપની ઓળખાણ ન પડી….અંકલ…!!!’

‘ઓ….હ…!! આઇ એમ સોરી…..!!’ ધીરૂભાઇએ પોતાની ઓળખાણ આપતા કહ્યું, ‘માયસેલ્ફ ધીરૂભાઇ…!!’ બેઠકખંડમાં મુકેલ લાકડાના સોફા પર બેસતા ધીરૂભાઇ બોલ્યા, ‘તમો મને ઓળખતા નથી…હું ન્યુજર્સી… અમેરિકાથી આવું છું….!!’ જરા અટકીને એ બોલ્યા, ‘તમને તકલીફ આપવા બદલ સોરી….!!! મારાથી રહેવાયું નહિં !! વરસો પહેલાં આ અમારું ઘર હતું….ડુ યૂ નો….વોટ આઇ મીન ટુ સે….!!!’

‘ઓ…..હો….!!! તો તમે અહીં રહેતા હતા….?!’ યૂવાને સાશ્ચર્ય કહ્યું…

‘હા!! વરસો પહેલાં…!!!’

એટલામાં એક સ્ત્રી અંદરથી ગ્લાસમાં પાણી લઇ આવી ધીરૂભાઇને પાણી આપ્યું. ‘થેં…ક્સ….!!’ બે ઘૂંટ પી ધીરૂભાઇ અટક્યા, ‘મીઠા કૂવાનું…..??’

‘હં…!!’ સ્ત્રી હસીને બોલી, ‘પણ હવે તો નળ આવી ગયા છે….મીઠા કૂવાનું જ પાણી મોટર મારફતે આવે છે….!!’

‘ઓ…હ…!! ગુડ…ગુડ…!!’ ધીરૂભાઇએ ગ્લાસ ખાલી કરી ધીમેથી બાજુની ટિપાઇ પર મૂક્યો, ‘તમો અહીં કેટલા વખતથી રહો છો….?? તમો જ ઘરના માલિક છો કે પછી ભાડે…..!!’

‘અમો ઘણા વખતથી છીએ….!! મારા પપ્પાનો નવસારીમાં હીરાનો બિઝનેસ છે….!!અમે જુનું તોડી નવું ઘર બંધાવ્યું હતું….!!’

‘એ તો લાગે જ છે….!!! અમારૂં જુનું ઘર તો એક જ માળનું હતું…!!! મારી એક રિક્વેસ્ટ છે….વિનંતી છે….!! જો તમને કોઇ વાંધો ન હોય તો મારે આ ઘરમાં એક આંટો મારવો છે..ઇફ યૂ ડોન્ટ માઇન્ડ…!!’

‘અ…..રે…..!!! અમને શું વાંધો હોય…?? આવો…અંદર આવો….’ સ્ત્રીએ રાજી થતાં કહયું….’તમે ચા-કોફી શું લેશો….??’

‘બ….સ….,  કંઇ નહિ…!! તમે મને ઘરમાં દાખલ થવા દીધો એ જ વધારે છે !! આમ અચાનક આવીને મેં તમને મૂંઝવણમાં તો નથી મુક્યાને….??’

‘ના…..રે…!’ યૂવાને ધીરૂભાઇને ઘરમાં દોરતા કહ્યુ, ‘આવો અંદર આવો…!’

ધીરૂભાઇ બેઠક-ખંડમાંથી અંદરના ઓરડામાં ગયા….

-અહીં બાનો ખાટલો રહેતો….!!

જાણે પ્રદક્ષિણા ફરતાં હોય તેમ ધીરૂભાઇએ ત્યાં એક આંટો માર્યો…બાનો હેતાળ ચહેરો મન-દર્પણ પર ઉપસી આવ્યો….એમની આંખ એમની જાણ બહાર ફરી ભીની થઇ ગઇ…!!

રસોડું પાછળ પેજારીમાં રહેતું ત્યાં માર્બલનું રસોડું થઇ ગયું હતું…ત્યારે વાડામાં એક નાળિયેરીનું વૃક્ષ હતું ….આજે એ વાડામાં પથ્થરો જડાઈ ગયા હતા..ત્યારે લાકડાનો દાદર હતો, હવે પથ્થરનો…!! એ દાદર ચઢી ધીરૂભાઇ ઉપરના માળે ગયા…એમની પાછળ પાછળ યૂવાન અને સ્ત્રી સાશ્ચર્ય દોરવાતા હતા…ઉપર આગળનો ઓરડો હવે તો ખાસો મોટો લાગતો હતો…

-આ જ ઓરડામાં બાપુજીનો પલંગ રહેતો….

-કદાચ!!! બાપુજીએ છેલ્લાં શ્વાસ અહીં જ લીધા હશે…!

-ઓહ…બાપુજી….!! મને માફ….કરજો….!!!

પિતાને યાદ કરતા આવેલ હીબકું ધીરૂભાઇએ માંડ માંડ રોક્યું…

થોડાં ડગલા ચાલીને એઓ બારી પાસે ગયા. બારીમાંથી બહાર મહોલ્લામાં નજર કરી.

-આ રહ્યું સામે જમુભાઇ ફોજદારનુ ઘર….! આ પેલો હસુ વાણિયાનો બંગલો…!! ને આ રહી પાનાચંદકાકાની હવેલી….!!

ધીરૂભાઇની નજર પાનાકાકાની હવેલી પર આવીને જાણે અટકી જ ગઇ…હવેલી હજુ એવી ને એવી જ હતી…સમય જાણે અટકી ગયો હતો એ હવેલી માટે….!! ઊંચા ઓટલા પર ધૂળના થરના થર બાઝી ગયા હતા…દીવાલ પર પોપડા ઊખડી ગયા હતા અને પીપળાનું ઝાડ ઊગી ગયું હતું….

-કેવી ભવ્ય જાહોજલાલી હતી એ હવેલીની !!!

એમની નજર હવેલીની બંધ બારીઓ પર પડી ને ત્યાં જ ચોંટી ગઇ !!

-વરસો પહેલાં એ બારીઓ ખુલ્લી રહેતી!!!

-એમાંથી એક નજર કાયમ એમને તાકી રહેતી…એમને માટે તડપતી રહેતી…. તરસતી રહેતી…

-ઓહ….!

-સરલા… સરળ સરલા..!!! મુગ્ધ…મનોહર… મધુરી… સરલા.. !!!

જાણે હજુ ય એ બંધ બારીઓમાંથી સરલા તાકી રહી હોય એવું આજેય અનુભવ્યું ધીરૂભાઇએ !!

-સ..ર…લા…..!

સરલાની યાદનુ બીજ મનની માટીમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઇ ગયું હતું તે એકદમ જાણે સ્ફુરિત થઇ ગયું….

પોતાના શરીર પરના રોમ રોમમાં એક આછું કંપન અનુભવ્યું ધીરૂભાઇએ….!!!

બે હાથો વડે બારીની બારસાખ પકડી લીધી. ધીરૂભાઇએ….!

એમની વ્યાકુળ થઇ ગયેલ નજર હવેલીની એ બંધ બારીઓ  પરથી હટતી જ ન હતી…!

‘આ પાનાકાકાની હવેલી કેમ બંધ છે…?’ હવેલીની બારીઓ પરથી નજર માંડ હટાવી એ બોલ્યા.

‘અમને કંઇ ખબર નથી…એમની એક છોકરી થોડા સમય રહી હતી પણ હાલે ક્યાં છે એની અમને કંઇ ખબર નથી…!!’

‘સ…..ર…..લા…!’ એક એક શબ્દ છુટ્ટો પાડી એ બોલ્યા.

‘હા, એવું જ કંઇ નામ હતું પણ એ બાઇ કોઇ સાથે બહુ ખાસ વાત ન હતી કરતી…અને હવે તો એ હવેલી પણ પડું પડું થઇ રહી છે…!!’

ધીરૂભાઇએ ફરી વાર એ બંધ બારીઓ પર એક નજર કરી : કાશ….!!હવાના ઝોકાંથી એ બારીઓ ખુલી જાય ને…….!!!

એક ઊંડો નિઃશ્વાસ નાંખી માંડ એ બારીઓથી દૂર ખસી દાદર ઉતરી એઓ નીચેના બેઠકખંડમાં આવ્યા.

‘થેંક યૂ વેરી મચ…!! આપનો ખૂબ ખૂબ આભાર….!!! હું હવે નીકળીશ….!! મેં તમારો ઘણો સમય લીધો…..!!’

ઓટલા પરથી ચંપલ પહેરી ધીરૂભાઇ કારમાં ગોઠવાયા…અહીંથી જાણે નીકળવાનું એમને મન થતું જ ન્હોતું….ન જાણે કેમ વતનની હવાથી મન પ્રફુલ્લિત થવાને બદલે ગમગીન થઇ ગયું !!

-સ…ર….લા……!!!

સરલાએ આચાનક મન પર કબજો જમાવી દીધો….

આજ સુધી કદી ય સરલાના વિચારો આવી રીતે આવ્યા ન હતા..!!

-સ…ર….લા……!!!

યૂવાનીમાં ડગ માંડતી સરલાના મનમાં ધીરૂભાઇ વસી ગયા હતા..ધીરૂભાઇ કરતાં પાંચ-છ વરસ નાની હતી એ….સહેજ ભીને વાન…નમણી…નાજુક…યૂવાનીના સૌંદર્યથી શૃંગારિત સરલા….!!એના કપાળમાં દેરાસરના કેસરનું નાનકડું તિલક એને વધુ આકર્ષક બનાવતું!! એના મોહક સૌંદર્ય અને તિરછી નજરોથી કોઇ પણ યૂવાન ઘાયલ થઇ જાય એવી સુંદર સરલા….!! પણ ધીરૂભાઇ ઘાયલ ન થયા તે ન જ થયા…!! ધીરૂભાઇએ તો ગમેતેમ કરીને  પરદેશ જવાનું ધ્યેય રાખ્યું હતું….અને એ હાંસલ કરવામાં એમને કોઇ અવરોધ જોઇતો ન હતો….કોઇ અંતરાય એમને રોકી શકે એમ ન હતો…!!

સરલા ધીરૂભાઇની દિવાની હતી….!! એમનો પડ્યો બોલ ઝીલવા તૈયાર….!! એ ધીરૂભાઇને દિલો-જાનથી ચાહતી….ખૂબ જ પ્રેમ કરતી…!!

ધીરૂભાઇ એને સમજાવતાઃ હું તારા નસીબમાં નથી સરલા …

સરલાએ હસીને કહેલું: ધીરેન, ભલે તું મારા નસીબમાં નથી..પણ હું તારા નસીબમાં જરૂર છું !! તારૂં નસીબ જાગશે ને તું મારી પાસે આવવા ભાગશે….!!!

-ઓહ સરલા!! મારૂં નસીબ તો જાગી ગયું છે. પણ તું છે ક્યાં…??? બસ એક વાર મળવું છે તને…!

‘તમે કંઇ કહ્યું સ…ર…??’ સતીશે ધીરૂભાઇને પુછ્યું…ધીરૂભાઇના મનના વિચારો એમની ધ્યાન બહાર જ એમના હોઠો પર આવી ગયા એની ખુદ એમને ય જાણ ન થઇ.

‘ઓહ….!!! નો…..નો…!!’ ધીરૂભાઇને જાણે વર્તમાનમાં આવવું જ ન હતું.

કેમેસ્ટ્રીમાં એમ એસસી થયા બાદ ધીરૂભાઇએ અમેરિકન કંપનીઓમાં નોકરી માટે અરજીઓ કરી…એમના એક પ્રોફેસર અમેરિકા સ્થાયી થયા હતા એમનો પણ સંપર્ક કર્યો…અને એક કંપની તરફથી એઓ પસંદ થઇ ગયા…એ કંપનીએ એમ્પ્લોયમેંટ વાઉચર મોકલતા એમને યૂએસ કોન્સુલેટ જનરલે અમેરિકાના વિઝા આપ્યા… ને ધીરૂભાઇ પોતાના ધ્યેયમાં સફળ થયા. એમના પિતાશ્રીનો તો ઘણો જ વિરોધ હતો…પરતું ધીરૂભાઇની જીદ આગળ કોઇનું કંઇ પણ ન ચાલ્યું તો બિચારી સરલાના પ્યારની દીવાલ તો એમને કેવી રીતે રોકી શકે…..??

સરલા મળવા આવી હતી ધીરૂભાઇ અમેરિકા જવાના તેની આગલી રાતે..

રડી રડીને એની આંખોમાં જાસૂદ ઊગી ગયા હતા.

‘મેં તને કહ્યું હતું સરલા….’ ધીરૂભાઇ પતરાની પેટીમાં પોતાના કપડાં-સામાન મૂકી રહ્યા હતા, ‘મને તું પ્યાર ન કર…પ્રેમ ન કર…!! ભૂલી જા મને….!! અને સાચુ કહું તો તું મને થોડાં જ વખતમાં ભૂલી પણ જશે…!!’

સરલા એ ડૂસકું ભર્યું, ‘ધી…..રે……ન…..!! પોતાના આંસુ માંડ માંડ ખાળી રડતા રડતા ભીના અવાજે એ બોલી,  ‘ધી…..રે……ન….. હું તારી રાહ જોઇશ…!!!’

‘એવી ભૂલ તો કરતી જ નહિં…!!’ હસીને ધીરૂભાઇ બોલ્યા, ‘એને બદલે કોઇ સારૂં ઘર ને સારો વર જોઇને પરણી જજે…!!’

‘ધી…રે….ન…!’ સરલાના આંખમાં સરોવરો સહેજ વધુ છલકાયા, ‘લે…, આ….’ સાથે લાવેલ એક બંધ પરબીડિયું-કવર એણે ધીરૂભાઇને આપ્યું, ‘લે….!!  આ, ત્યાં અમેરિકા જઇને વાંચજે…!!’ પછી એ દોડીને ઘરની બહાર જતી રહી….બસ…ફરી કદી ય ન મળી…!!

ધીરૂભાઇને ઘણા કામો હતા…ને  સમય ઓછો હતો…નારાજ મા-બાપને રાજી કરવાના હતા…સામાન પેક કરવાનો હતો….વહેલી સવારે વીરમગામ પેંસેજર પકડી મુંબઇ જવાનું હતું…એમણે સરલાએ આપેલ કવર કપડાં સાથે બેગમાં મૂકી દીધું…

અમેરિકા અવ્યા બાદ લગભગ બે-ત્રણ અઠવાડિયા પછી એ પત્ર એમને હાથે ચઢ્યો…પત્ર ખોલ્યો…ધીરૂભાઇએ વાંચ્યો….

આપણારસ્તાઓહવેસાવજુદાથઇગયા
હતાતમોમારાસનમ, હવેખુદાથઇગયા.

પત્ર લખ્યો હતો સરલાએ….પ્રેમ-પત્ર…!! પત્રના શબ્દે શબ્દે નીતરતો હતો નર્યો પ્રેમ…!!

હસી પડ્યા ધીરૂભાઇ: ગાંડી…!! મને, એક નાચીઝને, ખુદા બનાવી દીધો….!!પગલી..!!

‘ઓ….પ્રભુ…!’ ધીરૂભાઇથી મોટેથી બોલાઈ ગયું.એક નિઃશ્વાસ નંખાઈ ગયો એમનાથી…

‘સ…ર….!! તમને કં…ઈ થાય છે…?? આર યૂ ઓકે….!!’ સતીશને ચિંતા થઈ આવી…એણે કારની ઝડપ ઓછી કરી.

‘ના…..ના…. આઇ એમ ફાઇન….!! આ તો પુરાણી યાદોએ મને વિહ્વળ બનાવી દીધો…!! આઇ એમ ઓકે….!!!’

સૌરસ હોટલ આવી ગઈ..સતીશને પાંચ હજાર રૂપિયા આપી પોતાના રૂમમાં ગયા. જાણે પોતે માઇલોની મેરેથોન દોડી આવ્યા હોય એમ એમને લાગતું હતું…ખાસ તો સરલાએ જે રીતે એમના મન પર કબજો જમાવી દીધો એનાથી એઓ વિચલિત થઇ ગયા….એ વિશે એમને ખુદને નવાઈ લાગતી હતી…

-સરલાનો પ્યાર એક તરફી હતો…!! સાવ યૌવન સહજ આકર્ષણ!!

-કે પછી ધીરૂભાઇ પણ અંદર અંદર સરલાને ચાહતા હતા કે શું.. ?? એમના મને એમને તીક્ષ્ણ સવાલ પૂછ્યો….!!

-ના, એવું નથી…

-તો પછી આટલા વરસ પછી સરલા કેમ આમ યાદ આવવા લાગી…?? સતાવવા લાગી….??

-એક વાર બસ એક વાર મળવું છે એ…ને…!!

-ક્યાં શોધવી હવે એને…??

સાથે લાવેલ બ્લેક લેબલ ની બોટલમાંથી અડધો ગ્લાસ વ્હિસ્કી ભરી, ગ્લાસ આઇસ ક્યુબથી ભરી દીધો…રૂમના ખૂણામાં રાખેલ સોફા પર બેસી એક ઘૂંટ ભર્યો….એમને વરસોથી સાંજે નિયમિત બે પેગ વ્હિસ્કી પીવાની આદત હતી..

-ફરગેટ હર….!! હવે તો કોણ જાણે ક્યાં હશે એ…..??!! કોક વેપારી વાણિયાને પરણીને ઠરી-ઠામ થઇ ગઈ હશે….!!

એટલામાં ફોન રણક્યો….સૌરસના મેનેજરનો જ ફોન હતો..ઓમ ટ્રાવેલનો મેનેજર આવી ગયો હતો….એમને બન્નેને ઉપર રૂમમાં આવવાનું જણાવતા બન્ને ધીરૂભાઇના રૂમમાં આવ્યા. હાય…હલ્લો થયું…ધીરૂભાઇએ વ્હિસ્કીની ઓફર કરી હસીને કહ્યું, ‘આઇ હેવ પરમિટ….લિકર પરમિટ…!! માટે ડરતા નહિ…આઇ નો…!! ગુજરાત ડ્રાય સ્ટેટ છે…!!!’

બન્નેએ નમ્રતાપુર્વક ના પાડી….

ઓમ ટ્રાવેલ્સના મેનેજરને ધીરૂભાઇએ પોતાના પ્રવાસની માહિતી આપી…ત્રણ-ચાર દિવસમાં  આઇટેનરી સાથે એર અને કાર મારફતે પ્રવાસની પૂરી માહિતી સહિત ફરી મળવા અંગે જણાવ્યું.

‘સર…!’ સૌરસના મેનેજરે પુછ્યું, ‘આપ કંઇ વૃધ્ધાશ્રમ અંગે કહેતા હતા…!!’

‘હા…, મારે થોડાં વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે. કોઈ વ્યસ્થિત ચાલતા  આશ્રમમાં બહુ હો- હા કર્યા વિના દાન કરવું છે… !! પણ એ પહેલાં, મારે જાતે એ વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે..એની પ્રવૃત્તિઓ વિશે જાણવું છે….!!’

‘સ…મ…જી ગયો….!! અહીં વલસાડ નજીક તિથલ ‘ખાતે દીકરાનું ઘર’ કરીને એક આશ્રમ છેલ્લા કેટલાંક વરસોથી ચાલે છે. મને એની ખાસ માહિતી ન હતી. પણ આપના ગયા બાદ તપાસ કરાવી તો મને થયું કે……’

‘તો પછે ત્યાં….થી જ શરૂઆત કરીએ…!’ હસીને ધીરૂભાઇએ કહ્યું, ‘શુભસ્ય શીઘ્રમ….!! કાલે સવારે તિથલ જઇશ…અગાઉથી જાણ કરવાની કે દાનની વાત કરવાની નથી…નહિતર ખરી હકીકત જાણવા ન મળે ….!!’

‘બ..રા….બ….ર……!!!’  મેનેજરે સમજી જતાં કહ્યું… ‘સવારે કેટલા વાગે નીકળવું છે…?? તિથલ પહોંચતા કલાક-સવા કલાક થાય….!’

‘તો પછી અહીંથી સાત સવા સાતે સતીશ સાથે નીકળીશું…તો નવેક વાગ્યે તો ત્યાં…!’

બીજો પેગ પી ડિનર લઈ ધીરૂભાઇ નિંદ્રાધીન થયા.

કોઈ દિવસ નહિ ને આજે સપનામાં પણ સરલા આવી !!  આજ સુધી કદી ય સરલાનું સ્વપ્ન આવ્યું ન હતું…સદાય પ્રફુલિત ઊઠનારા ધીરૂભાઇનું મન સવારે ઊઠ્યા ત્યારે બેચેન હતું !! હોટલની હેલ્થ ક્લબમાં અડધો કલાક વર્ક આઉટ કરી આવ્યા…શાવર લઇ ડબલ ઑમલેટ-બ્રેડ, ઓરેંજ જ્યૂસનો નાસ્તો કરી તૈયાર થયાને સતીશે બારણે ટકોરા માર્યા.

‘ગુડ મોર્નિંગ સર…!! મને મેનેજરે કહ્યું કે તિથલ જવાનું છે…કો…ઇ આશ્રમમાં…?’

‘હા…. તને સરનામું આપ્યું..??’

‘હા…, કંઇ લેવાનું છે સાથે…? મિનરલ વોટર તો ગાડીમાં છે જ…..’

‘બ…સ,   તો ચાલો….!’

જાન્યુઆરી મહિનાનો સુરજ પુર્વાકાશમાં ઘૂંટણિયા કરી રહ્યો હતો…

સવા કલાકના પ્રવાસ બાદ તિથલના દરિયા કિનારાથી થોડે દૂર, એક કમ્પાઉંડની બહાર સતીશે હળવેકથી કાર ઉભી રાખી…

‘અંદર લેવી છે…?’ કમ્પાઉંડનો મોટો દરવાજો બંધ હોય સતીશે પુછ્યું.

‘ના….ના…… તું બહાર જ રાખ…! તારે અહીં કશે ફરવું હોય…., સાંઈબાબાના દર્શન-બર્શન કરવા હોય તો કરી આવ…મને કદાચ વાર લાગે…!! તારો સેલ નંબર તો મારી પાસે જ છે એટલે મને કાર જોઇશે ત્યારે રિંગ કરીશ…!!’ કારમાંથી ઉતરી ધીરૂભાઇએ કહ્યું

મોટા દરવાજાની બાજુમાં આવેલ નાનો ઝાંપો ખોલી ધીરૂભાઇ અંદર દાખલ થયા. બેઠા ઘાટનું પચ્ચીસેક ઓરડાનું, ત્રણેક એકરમાં પથરાયેલ મકાન હતું. કમ્પાઉંડમાં મકાન તરફ જતાં રસ્તાની બન્ને તરફ નાળિયરી અને આસોપાલવના વૃક્ષોની હારમાળા હતી…દરિયા પરથી ફૂંકાઈ રહેલ પવનમાં નાળિયેરી પાન હલવાને કારણે લયબધ્ધ સુરિલો અવાજ થતો હતો..પંખીઓને મધુરો કલરવ વાતાવરણમા સંગીત રેલાવી રહ્યો હતો. ધીરૂભાઇએ શાલ બરાબર ઓઢી…આજે ઠંડક વધારે હતી…થોડાં વૃધ્ધો કંમ્પાઉંડમાં ગોઠવેલા બાકડાં પર, તો કેટલાંક આરામ ખુરશીમાં બેસી તડકામાં શરીર તપાવી રહ્યા હતા.. તો કેટલાંક વડીલો સળગી રહેલ તાપણાની આજુબાજુ બેસી ઠંડી ઉડાડી રહ્યા હતા… અંદર ક્યાંક વાગી રહેલ ભજનની મધુરી સુરાવલિ સંભળાઇ રહી હતી : અબ તો આવો ગિરધારી….લાજ રાખો હમારી…..!!

થોડું વિચારી ધીરૂભાઇ વૃધ્ધોના ટોળાં પાસે ગયા…

‘જે શ્રી કૃષ્ણ…..!!’

‘જે…..જે….ભાઇ…!’ એક બોખાં વડીલે સહેજ હસીને પુછ્યું, ‘આવો…આવો….!! દાખલ થવા આવ્યા…એકલા….?! છોકરો ઊતારીને જતો પણ રહ્યો….?!’ વૃધ્ધે કારને જતી જોઇ હતી, ‘અંદર પણ ન આવ્યો….!! જમાનો બહુ ખરાબ આવી ગયો, ભાઇ…..!!’

ધીરૂભાઇને એમના બાપુજીની તીવ્ર યાદ આવી ગઈ….

‘ચા…લો…!! ચા…લો…!! દાદા…!!’ અંદરથી એક બાર-તેર વરસનો છોકરો સ્ટીલની થોડી તાસકોમાં નાસ્તો લઇ ઝડપથી આવ્યો, ‘આજે…તો મહારાજે શીરો બનાવ્યો છે…!! ટેસ્ટી…!! ગરમાગરમ…!! તમારે ચાવવાની જરૂર જ નહિ….!! ગળા નીચે ઊતરી જાય સીધો સડસડાટ…!!’

અચાનક છોકરાની નજર ધીરૂભાઇ  પર પડી ને અજાણ્યાને જોઇ એ ચમક્યો, ‘ત…મે….?? કોને મળવું છે….??’

‘મારે મેનેજરને મળવું છે…!! જો…હોય તો…’

‘આવો….., તમે ઓફિસમાં બેસો….’ ધીરૂભાઇને એક ઓરડા તરફ દોરતાં એ બોલ્યો., ‘અહીં બેસો…હું મોટાબેનને મોકલું છું…’

છોકરાની પાછળ પાછળ ધીરૂભાઇ એક ઓરડામાં બનાવવામાં આવેલ ઓફિસમાં ગયા. એક મોટા ટેબલની આગળ ત્રણ ખુરશી અને પાછળ એક ખુરશી ગોઠવેલ હતી. ટેબલ પર ખાદીનો ટેબલક્લોથ પાથરેલ હતો. બારી પર સહેજ ઝાંખા પડી ગયેલ ખાદીનાં પડદા લટકતા હતા. દીવાલ પર બંધ પડી ગયેલ ઘડિયાળમાં સમય જાણે થીજી ગયો હતો..દીવાલ પર ગાંધી, જવાહર અને સરદાર  પટેલની તસ્વીર લટક્તી હતી.. ધીરૂભાઇ ટેબલ આગળની એક ખુરશી પર હળવેકથી ગોઠવાયાં….

‘હું બા-બહેનને મોકલાવું છુ..!! તમે બેસો….!’ કહી છોકરો બહાર દોડી ગયો…

થોડાં  સમય પછી એક બહેન ઓફિસમાં આવ્યા…એમણે ગુલાબી કોટન સાડી પહેરી હતી…

‘ન….મ…સ્તે….!! હું અહીં ઓફિસનું તથા દેખ-ભાળનું કામ કરૂં છું.. !’ બહેને બે હાથ જોડી નમ્રતાપૂર્વક નમસ્કાર કરતા કહ્યું…

ઉભા થઇ ધીરૂભાઇએ બે હાથો જોડ્યાં..અ…..ને..એમના હાથ જોડેલ જ રહી ગયા….!!

ધીરૂભાઇને લાગ્યું કે, એમનુ હૃદય એક વાર ધબકવાનું ચૂકી ગયું અને પછી બમણા જોરથી ધબકવા લાગ્યું…ધક… ધક… ધક… ધક… ધક…!!!

‘બે….સો…!’ ટેબલ પાછળ ગોઠવાયેલ ખુરશીમાં સાડીનો પાલવ બરાબર વીંટાળી ગોઠવાયા…એમને ઠંડી લાગી રહી હોય એમ લાગતું હતું…

ધબ દઈને ખુરશી પર બેસી પડ્યા ધીરૂભાઇ…!!

એમણે ઓઢેલ કાશ્મિરી શાલ પણ ખભા પરથી સરી ગઈ. સ્વયમ્‍ પર જાણે કોઈ કાબૂ જ ન રહ્યો ધીરૂભાઇનો….!!!

‘બો…..લો.. શું કામ પડ્યું….? આશ્રમનું…?!’ ટેબલ પરના કેટલાંક અસ્ત-વ્યસ્ત પત્રો વ્યવ્સ્થિત કરતાં એ બહેન બોલ્યા, ‘આપને આશ્રમની કોઇ માહિતી જોઇએ છે….? કોઈને આશ્રમમાં મૂકવા હોય તો….’

‘…………………!!’  ધીરૂભાઇ અવાક…નિઃશ્બ્દ….!! શબ્દો જાણે હવા થઇ ગયા…!!

‘હાલે અહીં જગ્યા નથી…! હાલે બાવીસ વૃધ્ધો અને પંદર માજીઓ છે…!!  જે પણ વધારે છે….!!’

-એ જ ર…ણ….કા….ર…..!!! એ જે વીંધી નાંખનારી કાતિલ નશીલી નજર…!! ઘંઉવર્ણા ચહેરા પર થોડી કરચલીઓ જરૂર પડી ગઇ છે….!! પણ એ કરચલીઓ ચહેરાની આભામાં વધારો કરી રહી છે….!! ને કપાળમાં પેલું એ જ ટ્રેડમાર્ક સમું દેરાસરના કેસરનું તિલક..! એ જ છે….!! એ જ છે….!!!

-સરલા જ છે….!! એમનું મન કહેતું હતું…સરલા જ છે….!! ઓહ…!! પણ એ અહીં ક્યાંથી…!?

-શું એણે મને ઓળખ્યો હશે…!?

-પણ ક્યાંથી ઓળખે….?! ત્યારે તો મને કાળ દેવાનંદ સ્ટાઇલના ઘુંઘરાળા વાળ હતા અને  હ…વે ટાલ….!!

ધીરૂભાઇ શબ્દ્શઃ ધ્રૂજતા હતા…. ઉત્તેજનાથી…! કોઇ અગમ્ય આવેશથી!! શબ્દો મળતા ન હતા એમને….!!

પોતાના જ હ્રદયના ધબકાર કાનમાં સંભળાઈ રહ્યા હતા…. ધક… ધક… ધક…!!!

જીભ લોચા વાળતી હતી…

‘પા…..પા….આ…આ….ણી મળશે પીવા માટે…?!’ સામે ટેબલ પર મિનરલ વોટરની બોટલ હોવા છતાં ધીરૂભાઇએ પાણી માંગ્યુ.

આટલી ઠંડીમાં ય એમને પરસેવો વળી ગયો… જે મનમાં હતી…જે ક્યાંક દિલમાં સંતાયેલ હતી… સ્વપ્નમાં સતાવતી હતી એ સરલા આજે સામે હતી…રૂબરૂ હતી…!જેની હતી જૂત્સજૂ થઈ ગઈ હતી એ અચાનક રૂબરૂ…! હૂબહૂ…!!

‘ચો…ક્ક…સ…!!’ થોડી નવાઇ સાથે બહેન ઉઠીને બહાર ગયા. ઓટલા પર મૂકેલ માટલામાંથી ગ્લાસમાં પાણી ભરી,  જાતે લઇ આવી ધીરૂભાઇને આપ્યું.

-તો મને નથી ઓળખ્યો…!!

-અને ઓળખે પણ કેવી રીતે….??

-પણ એ અહીં ક્યાંથી….!?એ પણ આ વૃધ્ધાશ્રમમાં….!?

પ્રશ્નોની ધાણી ધીરૂભાઇના મનમાં ફૂટી રહી હતી..જમણા કાન પાછળ પરસેવાનો રેલો ધીમેથી ઉતરી રહ્યો હતો…શરીર પાણી પાણી થઇ ગયું હતું….

‘આપને કંઈ થાય છે…?’

‘ના…ના..!! આઇ એમ ઓકે…!!’ એકી ઘુંટે ગ્લાસ ખાલી કરી ધીરૂભાઇ બોલ્યા…એઓ હાંફતા હતા…શ્વાસ માટે જાણે વલખાં મારતા હતા….

‘અહીં આશ્રમમાં અઠવાડિયામાં બે વાર ડોકટર આવે છે…!! આ….જે…..!!’

‘વેઈટ અ મિનિટ….!!’ બહેનને વચ્ચેથી અટકાવતા મોટેથી ધીરૂભાઇએ અચાનક કહ્યું, ‘વેઈટ અ મિનિટ….!!’ પણ પછી શું કહેવું-કરવું એ સમજ ન પડતા એઓ સાવ મૌન થઇ ગયા!

‘બો……લો…!’ એમના મોટા અવાજને કારણે બહેન પણ સહેજ ચમક્યા!

ખુરશી પરથી ધીરૂભાઇ ધ્રુજતાં ધ્રુજતાં ઉભા થયા. હાથ પર સરકી ગયેલ શાલ હળવેકથી ખુરશીના હાથા પર મૂકી, ત્રણેક ડગલા પાછળ હટીને, બારણાની વચ્ચે ટટાર ઉભા રહી ધીમેથી સંયત અવાજે બોલ્યા, ‘મને ન ઓળખ્યો…સરલા…?! તા…રા….ધીરેનને….?’

હવે ચમકવાનો વારો હતો સરલાનો…!

‘ધી……રે….એ….એ…..ન…??!!  ઓ પ્રભુ….!! તું…??’

સરલા ચમકી…ઝડપથી એ ખુરશી પરથી ઉભી થઇ. ધીરૂભાઇ કંઈ સમજે તે પહેલાં તો એણે આગળ વધીને નમીને ધીરૂભાઇના ચરણસ્પર્શ કર્યા, ‘પ્ર…ભુ આવ્યા મારે આંગણે ને હું પામર એને જ ન ઓળખી શકી…!!’ સરલાની આંખમાંથી શ્રાવણ – ભાદરવો વહેવા લાગ્યો.. ધ્રૂસકે ચઢી એ ધીરૂભાઇને એકદમ ભેટી પડી…!! ધીરૂભાઇના નયનો પણ છલકાયા…સહેજ સંકોચથી ધીરૂભાઇએ સરલાની પીઠ પર હાથ ફેરવવા માંડ્યો…

સમય જાણે થંભી ગયો.

ડૂસકાં ભરતી સરલા ખુરશી પર ફસકાઈ ગઈ… ધીરૂભાઇ એની બાજુની ખુરશી પર બેસી ગયા…હજુ ય એ માની જ શકતા ન હતા કે એઓ સરલા સાથે બેઠાં છે….! સરલા પાસે બેઠાં છે…!!

‘ધી…..રે…એ….ન…..!!! ધી…..રે…એ….ન…..!!’ ધીરૂભાઇની આંખમાં આંખ પરોવી રડતા રડતા હસી પડતા સરલા બોલી, ‘મને ખાતરી હતી….!! મને શ્રધ્ધા હતી, તું આવશે….જરૂર આવશે…જ !!’ રડતા રડતા ભીગી ભીગી આંખે હસી રહેલ સરલા દિવ્ય લાગતી હતી…ભવ્ય લાગતી હતી… અદ્ભુત લાગતી હતી….પ્યારી પ્યારી લાગતી હતી….!! હર્ષાશ્રુથી ભીંજાયેલ સરલા અદ્વિતીય લાગતી હતી…

‘પ….ણ….તું અહીં..?!વૃધ્ધાશ્રમમાં…??’ એના જમણા હાથનો પંજો પોતાના બન્ને હાથોમાં લઇ પંપાળતા પંપાળતા ધીરૂભાઇએ ઉત્સુકતાથી પૂછ્યું, ‘તારૂં ફેમિલી …??’

‘આ જ મારૂં ફેમિલી ….!! પણ તારી વાત કર મને….!! કેમ કરીને તેં મને શોધી કાઢી….??’

‘અ…..રે….ભા…ઇ!! હું તો આવ્યો હતો વૃધ્ધાશ્રમમાં દાન કરવા માટે….!!’ સહેજ અટકીને ધીરૂભાઇ બોલ્યા, ‘એમ જોવા જઇએ તો બાપુજીએ જ મેળવ્યા છે આપણને….!! એમની સ્મૃતિમાં, એમના નામે મારે દાન કરવું છે…હું બે જ દિવસ પહેલાં આવ્યો અમેરિકાથી….!!’

‘એ….ક….લો…?’ સરલાએ એકદમ પુછ્યું

‘હા….એકલો….! સાવએકલો…!!’ ધીરૂભાઇએ સાવ શબ્દ પર ભાર દેતાં કહ્યું, ‘પ…..ણ…!’ સહજ વિચારી એ અટકી ગયા….

‘કેમ અટકી ગયો…..?!’

‘હ…વે…મને તારી વાત કર…!’

‘મારી વાત…??’ સરલા અટકી ને સહેજ મરકતા બોલી, ‘મારી વાત તો તારી આગળ આવીને અટકી જાય છે ધીરેન…!! મેં તો તારી રાહ જોઈ જિંદગીભર…!! અ…ને…જો, તું આજે મારે આંગણે આવીને ઊભો છે….!’

‘શું વા……ત કરે છે…?!!’ ધીરૂભાઇ માની જ ન શક્યા…

‘મેં તને કહ્યું હતું ને કે હું તારી રાહ જોઈશ…..!! અ…..ને….મેં જોઈ તારી રાહ…..!!’

સાવ અવાચક જ રહી ગયા ધીરૂભાઇ…!!

-આવો ભવ્ય ત્યાગ….!! આ…વો અમર પ્રેમ….!!!

‘તું તો જતો રહ્યો હતો અમેરિકા મને પાછળ સાવ એકલી મૂકીને….!! તરફડતી છોડી ગયો હતો મને….!! પહેલાં તો મને થયું કે કેમ જીવાશે તારા વિના…!! પણ પછી મને રાહ મળી ગયો….જિંદગીનો…!!’પ્રેમભરી નજરે ધીરૂભાઇ તરફ જોતાં સરલા બોલી, ‘રસ્તો મળી ગયો જિંદગીનો….!! તારી યાદ….!!તારી મધુરી યાદ મારા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગઇ…!! જ્યાં જોઉં હું ત્યાં તને જ જોતી….!! શું કામ શોધું હું તને આસપાસમાં….?? તું તો વસ્યો હતો મારા શ્વાસે શ્વાસમાં….!! મીરાંએ માધવને ચાહ્યો છે એના કરતાં વધુ તીવ્રતાથી મેં તને ચાહ્યો છે…!! મીરાંએ તો વિષનો પ્યાલો પીધો હતો….જ્યારે મેં તો તારા અમર પ્રેમનો પ્યાલો પીધો….!! પ્રેમ કરીને તને હું તો થઈ ગઈ પાવન…..!!’ એક શ્વાસ લેવા સરલા અટકી….પણ એની નજર ધીરૂભાઇ પરથી જરાય હટતી ન હતી…એણે વાતનું અનુસંધાન કરતાં કહ્યું…. ‘પ્રેમ કરીને તને હું તો થઈ ગઈ પાવન….!! વસ્યો હતો દિલમાં મારા, સાજન મારો મનભાવન….!! મનોરોગીની કક્ષાએ જઈને મેં તને મહોબ્બત કરી છે…માણ્યો છે તને…!! તારી સાથે સવંનન કર્યું છે….તારી સાથે એકલી એકલી વાતો કરતી…લડતી, ઝગડતી રહી છું…!! અરે! પેટી ભરીને પ્રેમપત્રો લખ્યા છે તને…. કાવ્યો રચ્યા છે તારા અમરપ્રેમના ….!!’ ડૂસકું ભરવા સરલા અટકી….ધીરૂભાઇ સ્તબ્ધ બની જાણે કોઇ દિવ્ય વાણી સાંભળી રહ્યા હતા… ‘મોટાભાઈએ તો બહુ આગ્રહ કર્યો…! સમજાવી કે પરણી જા…!’સરલા પોતાના પિતા પાનાચંદકાકાને મોટાભાઈ કહેતી હતી, ‘પણ મારી જીદ મેં ન છોડી તે ન જ છોડી…!! ને તું જ કહે કેમ કરીને પરણું હું પારકાને જ્યારે મનથી વરી ચૂકેલ હું તને..?! કેમ કરીને છેતરું મને અને અન્યને…?!’ સરલાની આંખો વહેતી હતી, ‘પછી તો મને નોકરી મળી ગઈ ગામની સ્કૂલમાં શિક્ષિકાની. મોટાભાઇના સ્વર્ગવાસ પછી તો હું સાવ એકલી થઈ ગઈ…!!મોટાભાઈએ ખૂબ જ જીદ કરી હતી, મને પરણાવવા માટે….!!તારી યાદનો એક મજબુત સહારો હતો…!! એક તરાપો હતો ઝંઝાવાત ભર્યા જીવનસાગર તરી જવાનો…પણ ક્યારેક થઈ આવતું કે દીક્ષા લઈ લઉં….!! છોડી દઉં આ સંસાર….ને થઈ જાઉં સાધ્વી…!!’ સરલા સ્થાનકવાસી જૈન હતી, ‘વિરકત થઈ જાઉં સંસારથી..!! પણ એ મારૂં તપ ન્હોતું…એ તો એક બહુ સરળ ઉપાય હતો…ભાગી છૂટવાનો…!! …અને મેં તો તારા અમર પ્રેમની દિક્ષા લીધેલ તે કઈ રીતે લઉં હું બીજીવાર દિક્ષા..?!’

‘ઓ…હ સરલા…!!’ ધીરૂભાઇ ઉભા થયા અને નમીને ખુરશી પર બેઠેલ સરલાના લલાટે એક પ્રેમાળ ચુંબન કર્યું…!!

સરલા યંત્રવત ખુરશી પરથી ઉભી થઈ…પોતાના પગના પંજા  પર ઊંચી થઇ ધીરૂભાઇને પાગલની જેમ ચૂમવા લાગી..એમના કપાળ પર…ગાલ પર….આંખ પર….હોઠ પર…ગરદન પર…!! પાવન પ્રેમ….!! નર્યો સાત્વિક સ્નેહ નીતરતો હતો….!! સરલાના બધા બંધનો તૂટી ગયા…. પાવક પ્રેમની સરિતા બન્ને કિનારે વહેવા લાગી….!! ચૂંબનો કરતાં કરતાં સરલા   ક્યારેક હસતી હતી…તો ક્યારેક રડતી હતી…!! સાંઠ વરસની સરલા જાણે સોળ વરસની મુગ્ધા બની ગઈ !! ષોડશી બની ગઈ….!! હાંફતી હાંફતી સરલા પાછી ખુરશીમાં ફસડાય પડી….

‘ઓ…હ સરલા…!!! ઓ…હ સરલા…!!!’ એક અસીમ પસ્તાવાની આગમાં સળગવા લાગ્યા ધીરૂભાઇ… સરલાના બન્ને હાથના પંજાઓ પોતાના હાથોમાં પ્રેમથી જકડી ધીરૂભાઇ નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા…માંડ હીબકું ખાળી, આક્રંદ રોકી એ બોલ્યા, ‘તારે મને સહજ જાણ તો કરવી હતી પગલી…!! હું જ મૂરખ તારા અમર પ્યારને સમજી ન શક્યો….!! મને માફ કર સરલા…!!’

ધીરૂભાઇએ પહેરેલ ચશ્મા કાઢી ટેબલ પર મૂકી પોતાના પાલવથી ધીરૂભાઇના આંસુઓ સ્નેહથી લૂછતા સરલા સહજ મરકીને બોલી, ‘તારો કોઇ દોષ નથી ધીરેન !! તેં તો મને વારી જ હતી…પણ હું જ તારા પર વારી ગઇ હતી…!! રોજ તારા માટે મહાવીરસ્વામીને પ્રાર્થના કરતી…!! વિનવતી કે હે વર્ધમાન, મારા ધીરેનને એના જીવનમાં સફળતા આપજે…..!! એના ચરણકમળમાં સુખના સુમનો પાથરજે….!! તારો કોઇ જ દોષ નથી….!! બસ, મારા નસીબમાં એ જ લખેલ હતું !!  મોટાભાઇના ચાલી ગયા પછી મે હવેલી વેચી દીધી… સ્કૂલમાં હું મુખ્ય શિક્ષિકા બની ગઈ હતી એમાંથી રિટાયર થઈ….અહીં આશ્રમમાં માણસની-વ્યસ્થાપકની જરૂર હતી…ટ્ર્સ્ટીઓ મને ઓળખતા હતા…ને અહીં આવી ગઈ….સહુ વડીલોની સેવા માટે….!! બસ, મારી યૂવાનીમાં તારો એટલો જ સાથ હતો…. સહવાસ હતો…પણ…….’

‘પણ…….!!’ ધીરૂભાઇએ સરલાની વાતનુ અનુસંધાન કરતાં કહ્યું,  ‘હવે હું તને લેવા આવ્યો છું.. મારી સાથે તારે આવવાનું જ છે…!! અ…..ને જો તું ન આવી શકે તો, મને તારા આશ્રમમાં સ્થાન આપી દે…!!’ ગળગળા થઇ જતાં ધીરૂભાઇ સરલાના હાથના બન્ને પંજાઓ પકડી સરલાના પગ પાસે ફરસ પર જ બેસી પડ્યા. જાણે ભીખ ન માંગતા હોય…!!

ખુરશી પર બેઠાં બેઠાં જ સરલાએ એમના બન્ને હાથો પોતાની ભીની ભીની આંખોએ અંજલિ લેતી હોય એમ અડાડ્યા, ‘ધીરેન…. ધીરેન…. ધીરેન….!!’ સરલા ફરીથી રડી પડી…

યાચક નજરે ધીરૂભાઇ આતુરતાથી સરલાને જોતા હતા…ધ્રૂજતા હતા….

સરલાએ ધીરૂભાઇના બન્ને હાથ જોરથી પકડી રાખ્યા હતા તે એના હ્રદયે લગાવી સહેજ હસીને સરલા બોલી, ‘તારૂં સ્થાન તો અહીંયા છે…!!  મારા ઉરમાં…મારા હ્રદયમાં છે…!!’એની આંખમાથી અશ્રુધારા વહેતી હતી, ‘ઓ મારા પ્રાણનાથ, મેં તો તારે નામ મારી આ અને આવનારી હરેક જિંદગી કરી છે…આ આખી જિંદગી મેં તારી બંદગી કરી છે…ધીરેન, હવે….’ એ સહજ અટકી, ‘હવે તો જિંદગીની આ સફરમાં તારે ડગલે મારે મારૂં ડગલું ભરવું…ને તારી સાથે જ જીવવું ને તારી સાથે જ મરવું….!!’

‘મરવાની વાત ન કર…સરલા!! હવે જ તો શરૂ થાય છે…આપણી જિંદગીની ખરી સફર….!!’ સરલાને ખભાથી પકડી બે હાથો વડે ઊભી કરતાં ધીરૂભાઇ આભારપૂર્વક હેતથી ભેટી પડ્યા..

પછીની વાત તો છે….બહુ ટૂંકી !!!

સરલાએ વૃધ્ધાશ્રમ છોડ્યો… ધીરૂભાઇ સાથે ચારધામની યાત્રા કરી…ભારે હૈયે બન્નેએ કાંતાની અસ્થિનું ગંગાના પવિત્ર જળમાં વિસર્જન કર્યું…સરલાનો એક્સપ્રેસ પાસપોર્ટ તૈયાર થયો…એને સરળતાથી અમેરિકાના વિઝિટર વિસા મળી ગયા…ધીરૂભાઇએ મારિયાને ઇમેઇલ કરીઃ ગેટ રેડી ફોર સરપ્રાઈઝ…! ધ બીગ સરપ્રાઇઝ….!!!

વૃધ્ધાશ્રમમાં બાપુજીના નામે પચાસ લાખનું દાન કરી ધીરૂભાઇ અને સરલા આજે નૂવાર્કના લિબર્ટી ઈંટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરતા હતા….

(સમાપ્ત…..)

 

(સમાપ્ત…..)
‘જિંદગી એક સફર’ વાર્તા પીડીએફ ફોરમેટ માટે
અહિં ક્લિક કરો.
આપના કમ્પ્યુટર પર સાચવો. પ્રિન્ટ કરો. મિત્રોને મોકલાવો.

(‘જિંદગી-એક સફર‘ વાર્તા સાવ નવિન અંત સાથે પીડીએફ ફોરમેટ માટે
અહિં ક્લિક કરો
આપના કમ્પ્યુટર પર સાચવો. પ્રિન્ટ કરો. મિત્રોને મોકલો)