લાઈફ મિક્ષ્ચર….

( ‘લાઈફ મિક્ષ્ચર…’ સહેજ અનોખી લાગે એવી મારી આ વાર્તા એડિસન, ન્યુ જર્સી થી પ્રકાશિત થતા મારા મનપસંદ માસિક “તિરંગા”માં પ્રકાશિત થઈ ચુકેલ છે. આ માટે તિરંગાના માલિક/પ્રકાશક શ્રી નિતિનભાઈ ગુર્જરનો હું ખુબ જ આભારી છું.
આ વાર્તા વિશે આપના પ્રતિભાવ/કોમેન્ટનો મને ઈંતઝાર રહેશે.એ માટે આગ્રહભરી વિનંતી છે. આ માટે વાર્તાની નીચે વોટિંગ બાદ “પ્રતિભાવ” લખેલ છે ત્યાં ક્લિક કરવાથી કોમેંટ કરી શકાશે.
આભાર! )

લાઈફ મિક્ષ્ચર….

‘વ્હાય ડોંટ યુ વર્ક ફ્રીલાંસ?’ હું અને નંદુ રામાણી મારા હાઉસના બેકયાર્ડમાં બેસીને બિયર ગટગટાવી રહ્યા હતા. ગ્રીલ પર ચિકન સેકાઈ રહી હતી. હું અહિં ન્યુ જર્સી ખાતે આવેલ મહારાણા કેમિકલ્સમાં છેલ્લા દશેક વરસથી રિસર્ચ એંડ ડેવલપમેંટમાં સર્વિસ કરતો હતો અને હાલે હું આરએંડડીનો ચિફ સિઈઓ હતો. નંદુ રામાણી સાથે મારી ઓળખાણ મહારાણા કેમિકલ્સને કારણે જ થઈ હતી. એ મારા કેમેસ્ટ્રીના જ્ઞાનથી પ્રભાવિત થઈ ગયો હતો. એની વાતમાં ય દમ તો હતો જ!! મારી આવડત અને પહેલને કારણે જ મહારાણા કેમિકલ્સની ઉત્તરોત્તર પ્રગતિ થઈ હતી અને સ્ટોક ટુંક સમયમાં સોનાની લગડી બની ગયા હતા.
નંદુ સાથે મારે એક કોંફરંસ દરમ્યાન મુલાકાત થઈ હતી અને પછી એ પાકી દોસ્તીમાં પરિવર્તિત થઈ હતી.
‘જો વાસુ, તું કેમિકલ એંજિનિયર છે. તારામાં આવડત છે. યુ હેવ ગટ્સ. અને એનો  ગેરલાભ તારા દેશી શેઠિયાઓ લઈ રહ્યા છે. આજથી વિસ વરસ પહેલાં એ શું હતું?! નથ્થિંગ…! ધે વેર સપોસ્ડ ટુ બી બેંકરપ્ટ…!! ન્યુ જર્સીમાં પણ એનું કંઈ નામ ન્હોતું….અ…ને આજે  સ્ટેટસમાં વન ઓફ ધી બેસ્ટ કેમિકલ ફર્મ ગણાય છે. બિકોઝ ઓફ યુ…!!’
‘મને એનો લાભ પણ મળે છે ને…?!’ મેં બિયરનો સિપ લેતાં કહ્યું, ‘થ્રી હંડ્રેડ થાઉઝંડ્સ સેલેરી અને સ્ટોક ઓપ્શન…!! આ હાઉસ રહેવા માટે અને કંપની કાર…!!’
‘યહી તો માર ખા ગયા ઈંડિયા….!!’ આ નંદુનો તકિયા કલમ હતો. ન જાણે ક્યા હિન્દી મુવીમાંથી એણે ઉઠાવ્યો હતો, ‘તારી કેટલીય ફોર્મ્યુલા એટલી એડવાંસ છે કે યુ કેન મેઈક મિલિયન્સ ઓફ ડોલર…!!’
‘તું સપના વેચવાનું ચાલુ કર…!!’ ચિકન લેગ્સમાંથી બાઈટ ભરતા મેં હસીને કહ્યું.
‘….અને તું તારી ફોર્મ્યુલા વેચ…સમજ્યો..?’ કુલરમાંથી બિયરનું કેન લઈ એની ઠંડક માણતા એ ગંભીર રહી બોલ્યો.
‘યાર…!!  નોકરીનું એવું છે ને કે એની માયા થઈ જાય…’
‘પંખીને પિંજરની થઈ જાય એવી…! પરંતુ, તું એકવાર પિંજરામાંથી બહાર નીકળ…પછી જો કે આકાશ કેટલું વિશાળ છે.’
-અને મેં મહારાણા કેમિકલ્સમાંથી રાજીનામું મુક્યું ! શેઠિયા લોક દોડતા થઈ ગયા. બોર્ડસમાં લેવાની લાલચ આપી. સેલેરીમાં રેઈઝ….!! સ્ટોક ઓપ્શનમાં વધારો…!! નવું હાઉસ… જાત જાતની લોભામણી લાલચ આપી…પણ હું ટસનો મસ ન થયો તે ન જ થયો! મહારાણા કેમિકલ્સે આપેલ હાઉસ મેં એક વિક પહેલાં જ ખાલી કરી દીધું હતું અને એડિસન ખાતે ચાર બેડરૂમનું નવું હાઉસ લીધું હતું. એનુ ડીલ પણ  નંદુએ જ પતાવેલ.
‘યુ લુક અપસેટ…!’ ઉષ્માએ મારા ગળામાં એની સુંવાળી બાંહોનો હાર પહેરવાતા કહ્યું.
‘યુ નો ડાર્લિંગ…! આઈ ક્વિટ મહારાણા કેમિકલ્સ…!! આઈ એમ ફ્રી નાઉ…!! આઈ હેવ બિગ ચેલેંજ એહેડ…બટ આઈ એમ સ્યોર…આઈ વીલ ગેટ ગ્રેટ સક્સેસ…!’
‘સ્યોર…હની…નો ડાઉટ્સ એબાઉટ ઈટ….!!’ મને એક ગાઢ ચુંબન કરતાં ઉષ્મા બોલી.
ત્રણ વરસના મધુરા રોમાંસ અને ડેટિંગ પછી અમારો પ્રેમ પરિયણમાં પરિવર્તિત થયો હતો અને પ્રેમનું બીજ ઉષ્માના ઉદરમાં પાંગરી રહ્યું હતું.
‘આ કર્ટન કેવા લાગ્યા તને…?!’
‘ઓ..હ!! સોરી ડિયર…!! આ નોકરી છોડવાની રામાયણમાં આપણા નવા હાઉસની સજાવટ મારી નજરમાંથી સરકી ગઈ.’
‘ઈટ્સ ઓકે…!! પણ ભવિષ્યમાં તું મને ભુલી ન જતો નહિંતર તારી નજરમાંથી હું સરકી ન જાઉં ક્યાંક!!’
‘હાઉ કેન આઈ…??’ ઉષ્માને એક દીર્ઘ ચુંબન આપતા મેં કહ્યું, ‘તું જ તો મારું સર્વસ્વ છે..!!’
****    ****    ****   ****
મારા પ્રથમ સાહસની શરૂઆત બહુ જ સારી થઈ. સિંથેટીક કાપડ માટે તડકામાં વિવિધ કલર બદલે એવી ડાઈની ફોર્મ્યુલા મેં ડેવલેપ કરી અને એ મેં એક મોટા ટેક્ષટાઈલના ગ્રુપને વેચી. એની સારી એવી ઈંક્મ થઈ. મારા હાઉસની બહાર આવેલ આઉટહાઉસમાં મેં મારી નાનકડી લેબોરેટરી બનાવી હતી. એમાં હું પ્રયોગો કરતો. નવી નવી ફોર્મ્યુલા  બનાવતો. હવે મારા પર કોઈ નિંયત્રણ ન્હોતું અને મારા મૌલિક અખતરાઓ કરવાની મને મજા પડતી. ધીરે ધીરે કેમિકલ્સ કલ્સનટંટ તરીકે મારી નામના થવા લાગી. એક એંટિએજીંગ ફેઈસક્રીમની ફોર્મ્યુલા દુનિયાની સહુથી મોટી કોસ્મેટિક કંપની આપી અને એમાંથી મને રોયલ્ટી સહિત સારા એવા પૈસા મળ્યા. ડોલર પાછો ઘરમાં ઠલવાવા માંડ્યો. મોટી કેમિકલ્સ ફર્મ્સ, રિફાઈનરીઓ, પેટ્રો-કેમિકલ્સને સારા કેમિકલ એડવાઈઝરની હંમેશ જરૂર રહે છે. એનો મેં લાભ ઉઠાવ્યો. શિકાગો, બોસ્ટન, એલએ, લંડન, પેરિસ, ટોકિયો શાંગહાઈ, દિલ્હી, મુંબઈ દેશ પરદેશમાં ટૂંક સમયમાં મેં મારી શાખ જમાવી દીધી. મારે વારેઘડીએ એ દેશોના પ્રવાસે જવાનું થવા લાગ્યું! મારા ક્લાયંટસ્ ને મારી જરૂર પડતી…ઘણાએ તો મને જોબ પણ ઓફર કરી…પણ ના, મારે હવે પિંજરે પુરાવું ન્હોતું…! મુક્ત બની મહાલવું હતું…!!
જિંદગી સુખોથી તરબતર થવા માંડી. નવી મર્સિડીઝ લઈ લીધી. ડોલરના ડુંગરો થવા લાગ્યા. ઉષ્માએ જ્યારે રવિનો જન્મ આપ્યો ત્યારે તો સર્વ સુખોની જાણે પરાકાષ્ટા આવી ગઈ. નંદુએ મોટી પાર્ટી આપી રવિના જન્મ પર…!! મારા સાહસ અને સફળતામાં નંદુ રામાણીના સાથ-સહકારે મને ઘણો જ આધાર આપ્યો. થોડું અઘરૂં હતું આમ સાવ નવી જ ક્ષિતિજે વિહરવાનું…!! પણ નંદુએ મને ઘણો જ સપોર્ટ કર્યો. મહારાણા કેમિકલ્સના શેઠિયાઓ મારી વિરૂધ્ધ ઘણો જ પ્રચાર કરેલ પણ નંદુના કનેક્સનોને કારણે એઓએ હાર માનવી પડી અને મારી સાથે સુલેહ કરવી પડી. મારી સલાહ માટે મને કરગરવું પડ્યું!! નંદુ રામાણીએ જ મને ફ્રિલાંસર બનવા માટે મોટિવેઈટ કર્યો હતો. એનો આભારનો ભાર કોઈ પણ રીતે ઓછો કરવાનો હું પ્રયત્ન કરતો રહેતો.
આજે સવારે  જ હું સ્વિટ્ઝરલેંડથી આવ્યો હતો. સ્વિસ ઓર્ગેનિક ઈંકોર્પોરેશન સાથે મારે ત્રણ વરસનો કોંટ્રેક્ટ હતો એટલે  મહિને એક વાર મારે ત્યાં દશ પંદર દિવસ માટે જવું પડતું. જ્યારે પરદેશ હોઉં ત્યારે ઘરે તો એક વાર ફોન કરૂં જ!! પછી ભલે ને ગમે એટલો વ્યસ્ત કેમ ન હોઉં. અને પરદેશથી અહિં આવ્યા બાદ નંદુને તો અવશ્ય મળું જ! ક્યાં એ ઘરે આવે અથવા તો પબ-૯૯માં અમે બન્ને ભેગા થઈએ.!
‘ધીસ ફોર યુ!’ નંદુ સાંજે ઘરે આવ્યો ત્યારે રોલેક્સ ગોલ્ડ વોચ એને આપતા મેં કહ્યું.
‘વા….આ…ઊ…!!’ આશ્ચર્યથી એનું મ્હોં પહોળું થઈ ગયું, ‘ફેંટાસ્ટિક…!! સિમ્પલી સુપર્બ…!!’
‘ઈટ ઈસ રિયલ ગોલ્ડ…! કસ્ટમ મેઈડ…! મારી લાસ્ટ વિઝિટે વખતે મેં ઓર્ડર કરેલ…!’
‘નંદુજી…’ રવિને તેડીને ઉષ્મા સામેના સોફા પર ગોઠવાઈ, ‘વાસુને હું કહું છું હવે નંદુજી માટે પણ કોઈ પરફેક્ટ ટેન છોકરી શોધી કાઢવી જોઈએ….!’
‘ઓહ…ઉષ્મા..!! આઈ ડોંટ વોંટ ટુ મેરી…!! તમને મારી સ્વતંત્રતા શું નડે છે….?!’
‘શું વાત કરે છે યા…ર…! ઉષ્માને મળવા પહેલાં હું પણ આવું જ વિચારતો હતો. પરતું, કોઈ ગુલપરી મળી જશે ને ત્યારે તારા બધા ચક્કરો બંધ થઈ જશે!!! અને લફરાં સદનમાં તાળું લાગી જશે.’
‘યહી તો માર ખા ગયા ઈંડિયા…! આપણા કિસ્મતમાં ઉષ્માજી જેવી  વાઈફ ક્યાં….?!’
‘હવે તમે બન્ને ભેગા મળી મારી ફિરકી લેવાનું બંધ કરશો…’ વોકરમાં રવિને બેસાડતા ઉષ્મા બોલી.
ચિવાશ રિગલ વ્હિસ્કીના બે પેગ લગાવી થોડી વાર બેસી થોડી બિઝનેસ, થોડી ઈકોનોમીની અને થોડી આડીતેડી વાતો કરી નંદુ રામાણી ગયો.
‘નંદુની વાત એકદમ સાચી છે!’ ઉષ્માને આલિંગનમાં લેતાં મેં કહ્યું, ‘આઈ એમ રિયલી લકી…!!’
‘બસ બસ હવે મસ્કાબાજી બંધ…!’ મને એની સ્નેહ ભીંસમાં લેતા ઉષ્મા બોલી, ‘તું જ્યારે મહિના બે મહિના માટે બહાર રહે ત્યારે મારી શી વલે થતી હશે તારા વિના!! એ તો સારૂં છે કે આ રવિ છે ન…હિં…ત….ર…!!’
‘આ રવિને બહુ મોડે સુધી જાગવાની ટેવ પડી ગઈ છે ને કંઈ….?!’ ઉષ્માને પથારીમાં ખેંચતા મેં કહ્યું.
‘અ….રે….રવિબાબાની રાત પડે ત્યારે સવાર ઊગે…!! આજે કંઈ એ થોડો વ્હેલો સુતો…એ પણ ડેડીની જરૂરિયાત સમજેને….?!’ ઉષ્માએ એના નરમ નરમ હોઠો મારા પ્યાસા ગરમ હોઠો પર ચાંપ્યા ત્યારે ઘડિયાળમાં રાત્રિનો એક વાગી રહ્યો હતો.
બે દિવસ તો ઝપાટાભેર વિતી ગયા. એડિસન, ન્યુ જર્સી ખાતે તો જાણે હું મહેમાન હોઉં એમ મને લાગતું! મારે એલએ જવાનું હતું. એલએ ફોન કરી પાર્ટી સાથે મારી મુલાકાત કન્ફર્મ કરી. મેરિયટ પર ફોન કરી મોટલનું બુકિંગ કરાવી દીધું. ત્રણ દિવસ એલએ માથઝીંક કરી રાતની ફ્લાઈટમાં એક દિવસ વહેલો હું નુવાર્ક લિબર્ટી ઈંટરનેશંલ એરપોર્ટ પર ઉતર્યો. લિમો કરી ઘરે પહોંચ્યો.
‘તું…?!!’ મને ઘરમાં એક દિવસ વહેલો દાખલ થતો નિહાળી ઉષ્મા એકદમ ચોંકી.
‘કે…મ…?? વ્હાય…!! હું એક દિવસ વહેલો આવી ન શકું?!’ મેં મારી બેગ ફગાવી ઉષ્માને બાથ ભરી.
‘ના…ના…વ્હાય નોટ…?!’ થુંક ગળતા મારી બાંહોમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરતા એ બોલી, ‘તારી તબિયત તો બરાબર છે ને…?!’
‘આઈ એમ ઓલરાઈટ !! કમ્પલિટલી ફીટ….!!’ શર્ટના બટનો કાઢતા મેં કહ્યું, ‘ફ્લાઈટ બે કલાક લેઈટ થઈ અને બોર થઈ ગયો…!!’
‘તારે મને રિંગ તો કરવી જોઈતી હતી….!!’
‘આઈ વોંટ ટુ સરપ્રાઈઝ યુ….!!’
શાવર લઈ નાઈટગાઉન પહેરી હું મારા નાનકડા બાર પાસે ગયો. બ્લ્યુ લેબલનો પતિયાલા પેગ બનાવ્યો. ચિવાશ રિગલની એક બોટલ પડી હતી. મને લાગ્યું કે એમાંથી થોડું પ્રવાહી ઓછું થયું હતું!! કોઈએ વ્હિસ્કી પીધી હોય એમ લાગતું હતું!!
-કોણ આવ્યું હશે…?!
મેં બોટલ ફરી નિહાળી. હું કેમિસ્ટ છું. બોટલમાંના પ્રવાહીને આંખથી માપી લઉં છું! બોટલમાંથી વ્હિસ્કી જરૂર ઓછી થઈ હતી. કેમ ઓછી થઈ હતી…?!
‘ઉષ્મા…’ મારા ગ્લાસમાંથી ચુસકી ભરતા મેં ઉષ્મા તરફ નિહાળી પુછ્યું, ‘રવિ ક્યાં છે ?!
‘નેઈબરને ત્યાં…!!’ શ્વાસ લઈ એ બોલી, ‘નેઈબરની ડોટર જુલિયા સાથે બહુ ભળી ગયો છે. બન્નેને બહુ ફાવે…’
‘કોઈ આવ્યું હતું આપણે ત્યાં…?’
‘ના…!!’
-તો ઉષ્મા કંઈ છુપાવે છે…!! એક અગમ્ય બેચેની મારા મનને ઘેરી વળી…
રવિ પડેશમાંથી રમીને આવી ગયો. મને નિહાળી લગભગ દોડતો મારી પાસે પા….આ…પા કરતો દોડી આવ્યો. હવે બરાબર ચાલતા શિખી ગયો હતો. રવિને જોતાં જ મારો બધો થાક અંજપ દુર થઈ ગયો. રવિ સાથે હું રમવા લાગ્યો. મારી સાથે રમીને બાર વાગ્યે એ માંડ સુતો…!! મારી જિંદગીની સહુથી સુખી ક્ષણો રવિ સાથે જ પસાર થતી. અલબત્ત, આવી અમુલ્ય ક્ષણો બહુ જ ઓછી ફાળવી શકતો….!!
બે પેગ પીવા છતાં મારી નિંદ્રા વેરણ થઈ હતી અને આંખમાં ઊજાગરો અંજાય ગયો.
-ચિવાશની બોટલમાંથી વ્હિસ્કી જરૂર ઓછી થઈ હતી.
-કેમ ઓછી થઈ હતી…? કોણે પીધી…? ઉષ્મા તો પીતી નથી…!! ક્યારેક, પાર્ટીમાં એ વાઈન પીએ…પણ વ્હિસ્કી…??
-મારા આમ એક દિવસ વહેલાં આવવાથી ઉષ્મા શા માટે ચોંકી ગઈ…?!
-કે એ પછી મારો વ્હેમ છે…!!
મેં ઉષ્મા તરફ નજર કરી. નાઈટલેમ્પના આછા બ્લ્યુ કલરના ઊજાસમાં વિનસની સુતેલ મૂર્તિ જેવી સૌંદર્યવાન ભાસતી હતી એ…!!
-શું આ ચુંબકિય સૌંદર્ય પાછળ કંઈ કપટ તો નથી છુંપાયુંને…?!
-કેમ આજે આવા વિચારો આવે છે….??
હું પડખું ફરીને સુતો…પણ આ વિચારોએ પડખું ન ફેરવ્યું. બેડરૂમમાંથી હું લિવિંગ રૂમમાં આવ્યો….મારા કદમો  બાર પાસે મને અનાયાસ લઈ ગયા. અવાજ ન થાય એ રીતે મેં ચિવાશ રિગલની બોટલ બહાર કાઢી. બોટલમાં વ્હિસ્કીના સુવર્ણ રંગની સપાટી જ્યાં હતી ત્યાં બોટલના લેબલ પર નખ વડે હળવી નિશાની કોતરી જેથી વ્હિસ્કી  ઓછી થાય તો કોઈને પણ ખબર પડ્યા વિના મને તો ખબર પડે જ…!! ન જાણે કેમ મારા મનમાં શંકાના સુંવાળા સાપોલિયા રમવા લાગ્યા.
****    ****    ****   ****
લંડનની એક મહિનાની મારી બિઝનેસ ટુર પતાવી વિસ દિવસે હું ઘરે આવ્યો. આ વખતે લંડનની ટુર બહુ સફળ રહી હતી. લંડનથી જ્યારે જ્યારે મેં ઉષ્માને ફોન કર્યો ત્યારે એ મને ફોન પર મળી હતી. ઘરે આવતાની સાથે ઉષ્માના ગરમ ગરમ ચુંબનોએ મને નવડાવી દીધો.
સવારે ઉઠીને મેં નંદુને ફોન જોડ્યો. પણ એ ન મળ્યો. સેલ પર પણ વોઈસમેઈલ આવી ગયો. મેં વિચાર્યું: હી મસ્ટ બી બિઝી!! હિથરો પરથી વેટ-૬૯ વ્હિસ્કીની પ્રિમિયમ રિલિઝ લીધેલ તે મુકવા માટે મેં બારની કેબિનેટ ખોલી. અને મારી નજર ચિવાશની બોટલ પર ચોંટી ગઈ. વ્હિસ્કીનું પ્રવાહી ઓછું થયું હતું!! જરૂર ઓછું થયું હતું!! નખથી મેં જે નિશાની કરેલ એ કરતાં વ્હિસ્કી ઓછી થઈ હતી…!! યસ્…! સમથિંગ ઈસ રોંગ…!! રિયલી રોંગ…!!
-મારે ઘરમાં ધ્યાન આપવું જોઈએ….!!
-શું ઉષ્માએ મારી ગેરહાજરીમાં પીવાનું ચાલું કર્યું છે….
-ના…!! એવું હોય તો એ છુપાવે તો નહિં જ…
-આમે ય એ મને ક્યારેક કંપની આપતી તો હતી. તો પછી…??
-કે પછી નંદુ…??
-તો ઉષ્મા છુપાવે શા માટે…??
-કે પછી મારી ગેરહાજરીમાં નંદુ મારી પુર્તતા કરે છે….?!
આ વિચારો પણ કેવા હોય છે. એના પર ક્યાં કોઈનો કાબુ હોય છે…?!
વાળ પર લાગેલ પાણી ખંખેરતો હોઉં એમ મેં બે-ત્રણ વાર માથું હલાવ્યું પણ વિચારો થોડાં એમ ખંખેરાય જાય…?? મેં સીધી આડકતરી રીતે ઉષ્માને પુછી જોયું પણ એણે મગનું નામ મરી ન પાડ્યું…
-નંદુ…!નંદુ…!! નંદુ…!!!
નંદુ પરની મારી શંકા વધતી જતી હતી….!
-નંદુ ક્યાં ડાર્ટ બિયર પીએ ક્યાં ચિવાશ…!
-હા…યાર…!! મેં મારા મનને સ્વગત્ કહ્યું ચિવાશ જ તો એની ફેરવિટ બ્રાંડ છે….!
-ઓ…હ…..!! નો…!!
-ઓ…હ…..!! યસ..!! હું મનોમન વાતો કરવા લાગ્યો….
-હું લાંબો સમય ઘરથી દુર રહું અને ઉષ્માની જિસ્માની પ્યાસ નંદુ છિપાવે છે…!!
-ના…ઉષ્માનો કોઈ દોષ નથી….!નંદુ છે જ એવો…! એની વાતમાં કોઈપણ આવી જાય…!
-આઈ મસ્ટ કંફર્મ…!
મારા શંકાના સાપોલિયા મોટાને મોટા થવા લાગ્યા…!! હું છટપટતો હતો…! સળવળતો હતો…! ઉષ્માની વર્તણૂંક પહેલાં જેવી જ સામાન્ય હતી…! સ્માર્ટ વુમન…! નંદુ દુર ભાગતો હોય એમ લાગતું હતું!! બે-ત્રણ વાર અમારી મુલાકાત થઈ….! પબમાં બેઠાં…! ખૂબ જ બિયર પીધો…પીવડાવ્યો….! પણ નંદુએ કોઈ ઈશારો ન આપ્યો…તે ન જ આપ્યો…! મારી શંકાને સમર્થન મળવું ખુબ જ જરૂરી હતું….! કદાચ, હું ખોટો પણ હોઉં…! શંકાશીલ માણસ અંધ હોય છે…!! અંધ બની જાય છે…!!
-પણ ના હું અંધ ન્હોતો…! મારી શંકાને સમર્થન મળી ગયું…! દોઢ મહિના માટે જ્યારે હું યુરોપની ટુર પર હતો ત્યારે નંદુ ત્રણ વાર મારી ઘરે ગયો હતો…!! રાત્રે દશ પછી એ મારે ઘરે જતો…! મારી ગેરહાજરીમાં…!! રાત્રે…!! અ…ને મોડી રાત્રે કે પછી વહેલી સવારે એ એ ઘરેથી નીકળી જતો…! આ માટે મેં એક ખાનગી ડિટેક્ટીવ…જાસુસને એસાઈનમેંટ આપેલ…! અને મારી શંકાને સમર્થન મળી ગયું….!
-ઓ…હ…!! કાશ મારી શંકા ખોટી હોત…!! કા…શ…!!
-અ…રે…! ઉષ્માએ સહેજ સંકેત કર્યો હોત તો બન્નેની રાહો પર ગુલાબ પાથરી દેત…!!
-એ બન્નેએ મને ધરાર છેતર્યો….! એમના વાસનાકાંડમાં મારા પવિત્ર પ્રેમની બલિ ચઢી ચુકી હતી…! વાસાનાએ પ્રેમને પરાજીત કરી દીધો…!! હું વેરાગ્નિમાં બળવા લાગ્યો…!! પરંતુ, એ આગ મેં મારી અદર જ સમાવી દીધી…!! ઉષ્માનો કોઈ દોષ ન્હોતો…!! એ મને પ્રેમ કરે છે…!! હજુ ય પ્રેમ કરે છે….!! એ તો નંદુએ એને ફસાવી છે…!! લલચાવી છે…પોતાનો શિકાર બનાવી છે….!! એણે મારી ઉષ્માને છીનવી લીધી…!! હું એની જિંદગી છીનવી લઈશ…!!
-નંદુ રામાણી…!! તારા એવા તો રામ રમાડી દઈશ…કે રામને પણ જાણ ન થાય…!! આઈ વિલ કીલ યુ….!!
નંદુને ખતમ કરી દેવાની તીવ્ર ઈચ્છા મારા મનને ઘેરી વળી…! યસ.., હિ મસ્ટ ડાઈ…!! હિ મસ્ટ…!!
-હા…ઉ….!! હાઉ  કેન હિ ડાય…?!
કોંટ્રેક્ટ કિલિંગ…!!
-નો…! એમાં તો જોખમ…! ઈટ ઈસ રિસ્કી….!
-તો…
-યસ…! લાઈફ મિક્ષ્ચર…!! કેમેસ્ટ્રીની મારી વિદ્યા જ મને કામે આવી…! ટોક્સિકોલોજી…!! મારી લેબમાં ત્રણ ચાર સ્લો પોઈઝન ભેગાં કરી મેં બનાવ્યું લાઈફ મિક્ષ્ચર…!!રંગ ગંધ સ્વાદ રહિત લાઈફ મિક્ષ્ચર…!! વેદનારહિત મૃત્યુલોકના ચિરંતર પ્રવાસી બનવાનો અકસીર કીમિયો….! પેઈનલેસ ડેથ…!! શરીરમાં ગયા બાદ દશેક કલાક પછી પોઈઝન એની કરામત બતાવી શરીરમાં ડિકોમ્પોઝ થઈ જાય એટલે ઓટોપ્સીમાં…પોસ્ટમોર્ટમમાં કંઈ પણ ન આવે…! અને મોત સાવ કુદરતી લાગે…!! નેચરલ ડેથ…!! યસ…!!
મેં મારી વર્તણૂંકમાં, રીત-ભાતમાં કોઈ ફેરફાર ન થવા દીધો…! સાવ સામાન્ય રહ્યો હું!! એઓને કંઈ પણ જાણ ન થવા દીધી કે હું બધું જ જાણી ચુક્યો છું.
મારી સિંગાપોર-હોંગકોંગના વીસ દિવસના પ્રવાસની આગલી રાત્રે ચુપકીદીથી  ચિવાશની બોટલમાં માફકસરનું લાઈફ મિક્ષ્ચર મિશ્ર કરી દીધું. બે-ત્રણ પેગ ગટગટાવ્યા ને દશેક કલાક પછી રામ બોલો ભાઈ રામ…!! સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટ એકદમ રેગ્યુલર હતી. મારી મર્સિડિઝમાં ઉષ્મા અને રવિ મને એરપોર્ટ મુકવા આવ્યા હતા.
‘ડાર્લિંગ…!’ મેં ઉષ્માને ચુંબન કરતાં કહ્યું, ‘ધીસ ઈસ માય લાસ્ટ ટ્રીપ ટુ ફાર ઈસ્ટ…! આઈ વોંટ ટુ વાઈંડ અપ! સો આઈ વિલ બી વેરી બિઝી. અને ટાઈમ ડિફરન્સ પણ નડશે.’
‘ઓ…હ હની..!! આઈ વિલ મિસ યુ…!!’ એની આંખમાં ઝળઝળિયા આવ્યાં.
-ઓહ…!! હવે તો બંધ કર આ નાટક…!! અને જલ્દી બોલાવ તારા શૈયાસાથીને જેથી નિકાલ આવે વાતનો અને તું ય છુટે એનાથી અને હું પણ…! પણ હું મુંગો જ રહ્યો.
રવિને એક ચુંબન કરી હું ઝડથી ચેક-ઈન થયો.
‘બા…ય…!’ ટિસ્યુ વડે નાક સાફ કરતાં ઉષ્મા બોલી.
એક અઠવાડિયું સિંગાપુર રોકાઈ હું હોંગકોંગ આવ્યો. હોંગકોંગમાં મારે કંઈ ખાસ કામ ન્હોતું. બસ, મારા જુના સંપર્કોને મળવા લાગ્યો. મારે ફક્ત એક ફોનની રાહ હતી. નંદુના મોતના સમાચાર આપતા ફોનની…!! મારો જીવ ઊંચો-નીચો થતો હતો.
એક સાંજે નો-ડિસ્ટર્બની સાઈન ડોર પર લટકાવી મારી હોટલના રૂમમાં બિયર ગટગટાવતો બેઠો હતો. બહાર વાતાવરણમાં બાફ હતો. દરિયાની ખારી હવાનો ઊકળાટ હતો. હજુ સુધી ફોન ન આવ્યો એટલે મને બેચેની થતી હતી. શું લાઈફ મિક્ષ્ચરની ફોર્મ્યુલા ફેઈલ થઈ ગઈ…!! ના…! એ  મારી ફોર્મ્યુલા હતી …ફેઈલ તો કેવી રીતે થાય…?!
બે દિવસ એમ જ પસાર થઈ ગયા…! મેં જ્યારે જ્યારે ઉષ્માને ફોન કર્યા ત્યારે એ ફોન પર મળી હતી. અને રિંગ વાગી મારા સેલ ફોનની…! મારી પાસે ઇંટરનેશનલ રોમિંગ ફ્રી સેલ ફોન હતો…! મેં જોયું કે ઘરનો જ નંબર હતો…!
-ય…સ…! ઈટ વર્ક્સ…! મેં ધ્રુજતા હાથે ગ્રીન બટન દબાવ્યું. મારા મનમાં એક અજાણ્યો અંજપો ઉગી નીકળ્યો. ધીરેથી મેં કહ્યું, ‘હ….લો…!’
‘………………!’  સામેથી કોઈ અવાજ ન આવ્યો…પણ એક ડૂસકું સંભાળાળ્યું.
‘હ…લ્લો…! ઉષ્મા…?!’
‘હલો..!!’ સામેથી નંદુ રામાણીનો અવાજ આવ્યો…
-ડેમ ઈટ….! સાલો હજુ જીવતો છે….!
‘……………..??’ ગુસ્સાથી મારું મગજ ફાટ ફાટ થવા લાગ્યું. મારા શબ્દો હવા થઈ ગયા.
‘હ…લ્લો…!’ નંદુનો અવાજ પણ કાંપતો હોય એવું મને લાગ્યું…
‘ય…સ…! નંદુ…આઈ એમ હિયરીંગ…!’ ઊંડો શ્વાસ લઈ હું બોલ્યો, ‘નંદુ લાઈનમાં ગરબડ હોય એમ લાગે છે…!’
‘લિસન વાસુ…! વિ નીડ યુ અરજંટ…!’
હું ચમક્યો…! ‘વ્હાઈ…??’ મારાથી લગભગ રાડ પડાય ગઈ…
સામે છેડે એક ઊંડો નિશ્વાસ…
‘વ્હોટ હેપંડ…??’
‘લિસન…’ થોડી પળ અટકી નંદુ બોલ્યો, ‘તું હમણાં જ નીકળી શકશે…?!’
‘કે..મ..?!’ પળભરમાં મને હજારો વિચાર આવી ગયા, ‘ઉષ્મા ઓલરાઈટ છે ને…??’
‘શી ઈસ ઓકે…’ અટકીને હળવેથી નંદુ બોલ્યો, ‘બટ રવિ….’
‘શું થયું રવિને…?! શું થયું મારા રવિને…?!’
‘…………………!!’ સામે છેડે એક ગહેરી ખામોશી…
‘પ્લીસ…! કોઈક તો બોલો…!’ હવે હું રીતસરનો ધ્રૂજવા લાગ્યો. એરકંડિશન્ડ રૂમમાં પણ મારે કપાળે પરસેવાના બુંદ બાઝી ગયા.
‘લિ…સ…ન…!’ કોઈ નાના બાળકને સમજાવતો હોય એમ નંદુ બોલતો હતો, ‘બિ કરેજીયસ…! રવિ ઈસ નો મોર…!’
મારા હાથમાંથી ફોન પડી ગયો. હોટલનો રૂમ ગોળ ગોળ ફરતો હોય એમ લાગ્યું. મને વિશ્વાસ જ પડતો ન્હોતો.
‘હ…લ્લો…! હ…લ્લો…વાસુ…?? ડીડ યુ હિયર મી…??હલ્લો…!!’ નીચે પડેલ ફોનમાંથી સતત નંદુનો અવાજ આવી રહ્યો હતો.
ધ્રૂજતા હાથે મેં ફોન ઉપાડ્યો અને કાંપતા સ્વરે કહ્યું, ‘યસ…આઈ એમ કમિંગ…! રડી પડતા હું બોલ્યો….‘આઈ એમ ક…મિં…ગ…!!’
-ઓ…હ…ગોડ…!! હું ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. આ શું થઈ ગયું…!! મારો રવિ…! મારા કલેજાનો ટુકડો…! ઓ રવિ…! ઓ…ગો…ડ…!!
લગભગ બે કલાક સુધી હું રડતો જ રહ્યો. રડતો જ રહ્યો. થોડાં સમય બાદ ડેસ્ક પર ફોન કરી મારા માટે કોઈપણ ફ્લાઈટમાં વ્યવસ્થા કરવા માટે જણાવ્યું અને મને ત્રણ કલાક પછીની ફ્લાઈટમાં જગ્યા મળી ગઈ. અઢાર કલાકની લાંબી મુસાફરી પછી હું જેએફકે પર ઉતર્યો. મારી હોટલે માર ઘરે મેસેજ આપી દીધેલ એટલે  મને રિસિવ કરવા નંદુ એરપોર્ટ પર આવ્યો હતો.
રડતા રડતા હું એને ભેટીપડ્યો.
‘આઈ એમ સોરી…!!’ મારા વાંસા પર હાથ ફેરવતા ફેરવતા ભીના અવાજે એ બોલ્યો. એને ભેટતા મારો જીવ તો ન ચાલ્યો…! પણ એવા સમયે ક્યાં કોઈનો લાગણી પર કાબુ હોય છે….!
બીજા દિવસે ભારે હૈયે અને ભીની આંખોએ રવિની ફ્યુનરલ પતાવી. રાત્રે સુતો ત્યારે તો રવિ એકદમ સાજોસમો હતો. પણ સવારે ઊઠ્યો ત્યારે…! ઊંઘમાં જ…પ્રભુને પ્યારો થઈ ગયો…! પોલિસને ફોન કરેલ અને હોસ્પિટલે પણ લઈ ગયેલ…! ઓટોપ્સીમાં રિઝન ઓફ ડેથ લખ્યું હતું…અનયુઝઅલ એસ.આઈ. ડી. એસ…! સડન ઈનફન્ટ ડેથ સિન્ડ્રોમ…! સામાન્ય રીતે એ એક વરસથી નાના બાળકોમાં જોવા મળે પણ ક્યારેક થોડી મોટી ઉંમરના બાળકો પણ કોઈપણ કારણ વિના નિંદ્રાવસ્થામાં જ પ્રભુને પ્યારા થઈ જાય જેમ રવિ થઈ ગયો.
-ઓહ…!મારો રવિ તો સાજો સારો હતો…!એકદમ તંદુરસ્ત…! ફુલગુલાબી….!
-શા માટે રવિ…?!
મારા માથામાં સણકા મારતા હતા. રવિનો માસુમ ચહેરો નજર સામેથી ખસતો ન્હોતો. ઉષ્માને મેં સ્લિપીંગ પિલ્સ આપેલ એટલે એ નિંદ્રાધિન થઈ ગઈ હતી. મને ઊંઘ આવતી ન્હોતી. ધીરેથી ઉઠીને હું લિવિંગ રૂમમાં ગયો. દીવાલ પર  હસતા રવિની મોટી તસવીર લટકતી હતી…જાણે હમણા એ તસવીરમાંથી કૂદી પડશે અને કાલી કાલી બોલીમાં બોલી ઉઠશે…પા…પા…! પા…પા…!!
-પણ ના, તસવીર તે કંઈ બોલે…?!
એની તસવીરને હું ક્યાં સુધી તાકતો જ રહ્યો.
-સમથિંગ ઈસ રોંગ…! મારો અંતરાત્મા મને કહેતો હતો.
ઘસડાતા ડગલે ધીરેથી હું બાર પાસે ગયો. એક પતિયાલા પેગ પી હું મારા ગમને દુર કરવા માંગતો હતો. બારમાં ગોઠવેલ એક માત્ર ચિવાશની બોટલ પર મારી નજર પડી અને ત્યાં જ ચોંટી ગઈ…! હા, ચિવાશની બોટલ જાણે કંઈ બોલતી હતી. વ્હિસ્કી થોડી ઓછી જરૂર થઈ હતી પણ નંદુ રામાણી જીવતો હતો….! વ્હાઈ…?! વ્હાઈ….?! વ્હાઈ….?!
-શું મારી ફોર્મ્યુલા ફેઈલ થઈ…?!
-ના, એ કદી ફેઈલ ન જ થાય…! નેવર..!
-તો…?1
-તો…?!!શું આ ઝેરી ચિવાશે મારા રવિનો…..!!
-ઓહ નો…!
હું વિચારમાં પડી ગયો. મેં ફરી બોટલ તરફ નજર કરી. મારા કપાળે પરસેવાના બુંદ બાઝી ગયા. પરસેવાનો એક રેલો મારા જમણા કાનની પાછળ ધીરેથી ઉતરવા લાગ્યો. ગળું સુકાયું. બળતરા થઈ આવી. ધીરે ધીરે સમીકરણો ઉકેલાવા લાગ્યા. રવિને મોડે સુધી જાગવાની ટેવ હતી. રાત્રે તો જાણે એનો દિવસ ઉગતો. અને મોટે ભાગે રાત્રે જ નંદુડો મરવા પડતો. દશ વાગ્યા પછી!! નંદુ જ્યારે આવે ત્યારે રવિને વહેલો સુવડાવી દેવા ચિવાશ પીવડાવવામાં આવતી હશે…! હશે શું…?! એમ જ પીવડાવી દીધી હશે જેથી બન્નેને શૈયાસુખ માણવામાં અડચણ ન પડે. યસ…! અને લાઈફ મિક્ષ્ચર ઓટોપ્સીમાં ન આવે એટલે કોઝ ઓફ ડેથ દર્શાવ્યું: સડન ઈનફન્ટ ડેથ સિન્ડ્રોમ…!
-ઓહ….! મારા પ્રાણપ્યારા રવિના મોત માટે હું જ….
-મારા રવિની હત્યા મેં જ કરી હતી… રવિનું ખૂન માર આ હાથોથી થયું…!
જોરથી દીવાલ પર હું મુક્કીઓ મારવા લાગ્યો…! રવિની તસવીરને ભેટીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. મને માફ કરી દે ર…વિ…બેટા…!! પ્લિ…સ…!!
-હવે શું રહ્યું છે આ જીવનમાં…?!
લાઈફ મિક્ષ્ચર વાળી ચિવાશની બોટલ કાઢી મેં બાર ડેસ્ક પર મુકી. થોડો સમય હું એને તાકતો રહ્યો. ગ્લાસ લઈ ગ્લાસ ભર્યો. વ્હાઈ શુલ્ડ આઈ લિવ…?! મેં રવિની તસવીર તરફ નજર કરી કહ્યું, ‘આઈ એમ કમિંગ ટુ મિટ યુ માય બોય….!’
-ના…!! મારી અંદરથી એક અવાજ આવ્યો. મારા અંતરાત્માનો…!
-યસ્..! ગ્લાસમાંથી વ્હિસ્કી મેં બેસિનમાં ધોળી દીધી. હું ગુન્હેગાર અવશ્ય હતો. પણ જો હું જ ન રહું તો એમનો તો ગુલશન ખીલી ઊઠે. એમને તો મોજા હી મોજા થઈ જાય…! ના, હું એમ તો હાર માનવાનો નથી. એમને સબક શિખવ્યા વિના…!
થોડાં ભારેખમ મહિનાઓ એમ જ પસાર થયા. ઉષ્મા થીજી ગઈ હતી. નંદુ સહમી ગયો હતો. હું તુટી ગયો હતો.  રોજ રોજ જાણે મરતો હતો. શ્વાસ લેના ભિ સજા લગતા હૈ અબ તો મરના ભી રવાં લગતા હૈ….! પરંતુ, મોત કંઈ એમ થોડું આવે…?! ન માંગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે….! મને કોઈના પણ વિશ્વાસ રહ્યો ન્હોતો. ખુદ પર પણ…!! આ જિવનમાં, આવા જિવવામાં કોઈ રસ રહ્યો ન્હોતો. ફક્ત એક તકની રાહ હતી.

-અને નંદુના વિવાહ નક્કી થયા. એની જ્ઞાતિની રેખા લાલવાણી સાથે એ ફરતો હતો. અને રેખાએ એને મનાવી લીધો હતો લગ્ન કરવા માટે….! બિચારી રેખા…!! નંદુને ન ઓળખી શકી…!! હું પણ ક્યાં ઓળખી શક્યો હતો…નંદુ રામાણીને…?? ઉષ્માને અને મને ખુદને…??
એના વિવાહમાં હાજરી આપવા અમને ઈન્વીટેશન આપવા નંદુ  આવ્યો હતો. આમ તો એ રેખા સાથે જ આવવાનો હતો. પણ રેખા એલએ ગઈ હતે અને એની ફ્લાઈટ કેંસલ થતા બીજે દિવસે આવવાની હતી એટલે એ સાંજે એ એકલો જ આવ્યો.
‘ગુડ ન્યુઝ…વેરી ગુડ ન્યુઝ…!! આઈ એમ વેરી હેપ્પી આફ્ટર અ લોંગ ટાઈમ…!!’ નંદુને ભેટી પડતા હું બોલ્યો, ‘બસ, એકવાર તું મંડાઈ જા…! કેમ ઉષ્મા ડાર્લિંગ…?? હવે તો તારી બરાબર કંપની જામશે…!! રેખા રામાણી સાથે….! શી ઈસ સો લકી ટુ ગેટ નંદુ….!! આ જ વાત પર સેલિબ્રેશન થઈ જાય…! એક-દો જામ; રેખા રામાણી કે નામ…!! નંદુ રામાણી કે નામ …!!’ બાર પાસે જઈ ચિવાશની બોટલ લેતાં કહ્યું.
‘નો…નો…!! મારે હજુ…’
‘હોય..કંઈ…?! ‘બાર પાસેની હાઈ ચેર પર મેં નંદુને બળપુર્વક બેસાડ્યો, ‘ઉષ્મા, પ્લિસ બ્રિંગ ધ આઈસ…!મંચિગસ્…! સમ કેશ્યુસ્…!! ચિઝ….!!’ ત્રણ ગ્લાસમાં વ્હિસ્કીનું સુવર્ણ પ્રવાહી ભરતાં કહ્યું, ‘આજે ઘણા દિવસ પછી …આફ્ટર અ લોં……ગ ટાઈમ…ઉષ્મા પણ આપણને કંપની આપશે…કેમ ખરુંને ઉષ્મા..?!’
લાઈફ મિક્ષ્ચરવાળી ચિવાસના મેં ત્રણ લાર્જ પેગ બનાવ્યા..
‘ઉષ્મા, તું પેપ્સી સાથે ટ્રાય કર…!’ ગ્લાસમાં ટીનમાંથી પેપ્સી ભરી ઉષ્માને ગ્લાસ આપતા મેં કહ્યું, ‘હું તો ઓન ધ રોક્સ જ લઈશ…’ મારા જામને બરફના ક્યુબથી ભરી દીધો, ‘અ…ને..વરરાજા…!! તમે તો દર વખતની માફક નીટ જ લેશો બરાબરને…?!’ નંદુને મેં એનો જામ પકડાવી દીધો…
‘ચિ….ય…ર્સ…!!’ મેં અને ઉષ્માએ અમારા જામ નંદુના જામ સાથે ટકરાવ્યા એનો રણકાર રૂમમાં ફરી વળ્યો..! રવિની તસવીર પર મેં એક ઉડતી તરફ નજર કરી.. અને અમે ત્રણેએ  લાઈફ મિક્ષ્ચર પીવાની શરૂઆત કરી….!!

(સમાપ્ત…)
‘લાઈફ મિક્ષ્ચર’ વાર્તાના પીડીએફ ફોરમેટ માટે
અહિં ક્લિક કરો.
આપના કમ્પ્યુટર પર સાચવો.
પ્રિન્ટ કરો.
મિત્રોને વંચાવો.