બંટી કરે બબાલ(ભાગ: ૨)

બંટી કરે બબાલ……(ભાગ ૨)

ઈન્સ્ટોલમેન્ટમાં આવેલ ટૂકડે ટૂકડે લીધેલ ઊંઘને કારણે સવારે ઉઠ્યો ત્યારે હું બેચેન હતો. કપાળ પરનું ગૂમડું પણ દુઃખનું હતું ને પગનો ઘાયલ અંગૂઠો કપાળને સાથ આપતો હતો. આમ માથાથી પગ સુધી બધે જ દુખાવો દુખાવો હતો મને…! આમ તો આજે શનિવાર…! વહેલાં ઊઠવાની કોઈ જરૂરિયાત નહિ…! અહિં યુએસએમાં શનિવાર એટલે…શાંતિનો દિવસ…!!ભલે તમારો શનિ ગમે એટલો નબળો હોય તો ય શનિવાર તો ઊજળો…સબળો…!! મારે પણ મોડે સુધી ઊંઘવું તો હતું જ…પણ બંટીના કૂંઈઈ…કૂંઈઈ…ફૂંઈ…ફૂંઈ…ફૂંઈઈ અવાજે મને સુવા ન જ દીધો…!મેં ઘડિયાળમાં નજર કરી તો સવારના સાત વાગવાની તૈયારી હતી. મારી ઊંઘ તો ઉડાડી જ દીધી બંટીએ..!! એ જાત જાતના અવાજ કરતો હતો…! મને એની ભાષામાં કંઈ સમજ પડતી ન્હોતી…!! અને બંટીની નવી બા એટલે કે મારી દ્વિતીયા… ભાર્યા…મધુ તો કુંભકર્ણ સાથે ઓલમ્પિક જીતવા ઊતરી હોય એમ ઘર..ર…ર…ર…ઘોરી રહી હતી…!! અને આ તરફ બંટીની બેચેની વધી રહી હતી…!!

કૂંઈઈ…કૂંઈઈ…ફૂંઈ…ફૂંઈ…ફૂંઈઈ…!!

મને ખ્યાલ આવ્યો કે હવે મારે જ બંટીને બહાર લઈ જવો પડશે નહીંતર…બંટી ઘરમાં જ એની નાની અને મોટી બન્ને ઉત્સર્ગ ક્રિયાઓ પતાવી દેશે…!! મને મારા સ્વર્ગસ્થ નયનસુખ નટખટિયાની શીખ યાદ આવી! લિવિંગ રૂમની દીવાલ પર ટીંગાડેલ એમની તસવીર પર મારી નજર પડી પણ એમની નજર ક્યાં પડતી હતી એની કોઈને ખબર ન્હોતી પડતી!! એઓશ્રી જ્યારે જીવિત હતા ત્યારે પણ એ એક રહસ્ય જ રહેલ કારણકે, એઓ ક્યાં નિહાળી રહ્યા એ કોઈને ખબર જ ન પડવા દેતા…કહીં પે નિંગાહે કહીં પે નિશાના…!! એટલે જ તો એમનું નામ હતું નયનસુખ…હા, તો નયનસુખજીએ મને સલાહ આપેલ કે, હે નટવરલાલ, અમેરિકામાં તમારે જો સુખી થવું હોય તો તમારે ત્રણ વસ્તુ શીખવી પડશે. ચાલશે…ફાવશે અને ભાવશે…!! ફક્ત આ શીખ જ એમણે મને દહેજમાં આપી હતી અને મને એમની ભેંસ જેવી બેટી મારા ગળે વળગાડી હતી…સોરી..સોરી…મને એમની બેટીના ગળે ઘંટની જેમ બાંધ્યો હતો…! વળી ઉપનિષદમાં પણ કહેલ જ છે ને કે, તમને જો કોઈ પરિસ્થિતિ કોઈ વ્યક્તિ અનૂકુળ ન હોય તો તમે જે તે પરિસ્થિતિને અનૂકુળ થઈ જાઓ..અનુરૂપ થઈ જાઓ તો કદી દુઃખી ન થશો…!! મારે હવે અનુરૂપ થવાનું હતું…બંટીને અનુરૂપ!! મેં બંટી તરફ એક નજર કરીને એક આળસ ખાધી. બંટી મારી પાસે આવી ગયો હતો… અને બહાર જવા માટે એ અધીર થઈ રહ્યો હતો…!! પગમાં સ્લીપર ચઢાવી બંટીના ગળામાં સુંવાળો ગાળિયો ભેરવી એના પર હાથ પસવાર્યો…બિચારું જનાવર…!! એની દોરી પકડી હું ઘરની બહાર યા હોમ કરીને પડ્યો. ફતેહ મળે કે ન મળે!!  એ મારા કરતાં આગળ આગળ દોડી ગયો. પણ પાછી ઘરની ચાવી લેવાનું હું ભૂલી જ ગયેલ એટલે દરવાજો લોક કરતાં પહેલાં ચાવી લીધી અને બંટી એના પેટમાંથી જે પદાર્થ કાઢશે તે મારે એકત્ર કરી લેવો પડશે એટલે એ માટે એક પ્લાસ્ટિકની કોથળી પણ મારા પાયજામાના ગજવામાં ખોસી…!!

અમેરિકાના સ્વતંત્ર આકાશ પર ન્યુ જર્સી ખાતે સુંદર સવાર ઊગી હતી. ભુરૂં ભુરૂં આકાશ, મંદ મંદ વાતો સુંવાળો સમીર.. જાણે કુદરતી એરકંડિશનર ચાલુ હતું..!! બહાર નીકળી મેં બંટીની દોરી વધારે ઢીલી કરી અને એને વધુ ફરવા માટે, એ જે મહાન ક્રિયાઓ માટે બહાર પડ્યો હતો તે માટે મેં એને અભિપ્રેરિત કર્યો. એના નાનકડાં પગો પર નાના પગલે આજુ બાજુ દોડી સૂંઘી નવી સવી જગ્યાથી પરિચિત થવા એ અથાક પ્રયત્ન કરી રહ્યો હતો…!!

‘ડુ ઈટ…! ડુ ઈટ…!! ડુ ઈટ…!!!’ હું એને પ્રોત્સાહન આપી રહ્યો હતો. પરંતુ  મારા  ડુ…  ડુ… ડુની એના પર કોઈ ખાસ અસર થતી ન્હોતી!! ટહેલતા ટહેલતા અમો બન્ને પાર્કમાં આવી પહોંચ્યા. સવારની શાંતિમાં પાર્ક બહુ રમણિય લાગી રહ્યો હતો. પાર્કમાં થોડા ડોસા-ડોસીઓ ચાલવા આવ્યા હતા પરંતુ ચાલવા કરતા એઓ રોમાંસ વધારે કરી રહ્યા હતા…!!! મારા બેટા બુઢ્ઢાઓ…!! વાયગ્રાની નવી ઓલાદ…! બંટીએ હજુ ન તો એકી કરી હતી ન બેકી…!! એને પણ મારી માફક જ બંધકોષની તકલીફ હોવી જોઈએ…!! કંટાળીને હું પાર્કમાં વચ્ચે ગોઠવેલ બાંકડા પર બેસી પડ્યો. બંટીની દોરી વધુ લંબાવી એને જરા સ્વતંત્રતા આપી કે એ આજુબાજુ ફરી શકે…! પરંતુ…એ પણ મારા પગ પાસે એની જીભ લટકાવતો બેસી પડ્યો ને મારા તરફ પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યો.. જાણે મને પુછતો હતો કે, શું વિચાર છે? મેં અગાઉ કહ્યું એમ સુંદર મજાની સવાર હતી. વાતાવરણમાં મીઠી મીઠી થંડક હતી. મારો શો વાંક…!? મારી આંખ ક્યારે મળી ગઈ એની મને  ખબર જ ન પડી…!!

કોઈ મારા ખભા પર ટપલી મારી રહ્યું હતું.

‘એ…ઈ…ઈ મિસ્ટર…!!’

માંડ માંડ મેં મારી જાતને નિંદ્રાદેવીના સુંવાળા પાલવ તળેથી હળવેથી બહાર કાઢી મારા નાનકડા મગજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો.

‘સુ…વા…દેને…!!’ હું બબડ્યો.

‘વેઈક અપ સ…ર…!’ અવાજ જરા મોટો થયો. મારા કાનના દરવાજે કોઈ દસ્તક દેતું હતું, ‘સ…ર…!! વેઈક અપ…સ..ર…!’

ઝબકીને હું જાગી ગયો. પહેલાં તો મને ખ્યાલ જ ન આવ્યો કે હું ક્યાં છું…!!પાર્કના બાંકડા પર હું કેમ સુતો છું ?! શું મને મધુએ લાત મારી ઘરમાંથી બહાર કાઢી મુક્યો !? હું હોમલેસ કેવી રીતે થઈ ગયો?!

‘હાઉ આર યુ સ…ર…?’ સામે છ ફૂટ્યો કદાવર ધોળિયો પોલીસ ઈન્સપેક્ટર કાળો યુનિફોર્મ પહેરી કમર પર બન્ને હાથ રાખી બન્ને પગો પહોળા કરી ઉભો હતો.

‘હું….ઉં…અહિં…!?’ હજીય હું નિંદ્રાદેવીના વશીકરણ હેઠળ જ હતો. બન્ને હાથોએ મેં મારી આંખો ચોળી. હવે હું બાંકડા પર બેઠો થઈ ગયો હતો.

‘ઈસ ધીસ યોર ડોગ…!?’ ધોળિયો પોલીસ જરા મોટેથી બોલ્યો.

‘નો, ધીસ ઈસ નોટ માય ગોડ…!!’ સવારે અજાણી જગ્યાએ આવેલ ઊંઘના એટેકને કારણે મારી થોડી ઘણી જે બુધ્ધી હતી તે બહેર મારી ગઈ હતી.

‘નોટ ગોડ…! મિસ્ટર, આઈ એમ આસ્કિંગ એબાઉટ ડોગ…ડી…ઓ…જી ડોગ…!!’ પોલીસ મને સમજાવતો હોય એમ ધીમેથી બોલ્યો. મારા પગ પાસે સફેદ સહેજ મોટું સસલાં જેવું જનાવર બેઠું હતું. મને એકદમ બત્તી થઈ. બત્રીસ કોઠે દિવા થઈ ગયા…!! અરે..!! આ તો બંટી છે…!!

‘યય…યસ..!! ઓફિસર ધીસ ઈસ માય ડોગ.’ બંટી પણ મારા તરફ નિહાળી ધીમું ધીમું  મરકતો હોય એમ મને લાગ્યું!

‘ગુ…ડ…!! સો ઈટ ઈસ યોર ડોગ…!?’ પોલીસ ઓફિસરને હજુ પણ શંકા હતી.

‘યસ્…યસ્…બંટી..હિસ નેઈમ ઈસ બંટી…!’ પછી બંટી તરફ જોઈ મેં પ્રેમથી બુમ પાડી, ‘બં…ટી…ઈ….ઈ….!!’ ને બંટી પણ મને સાશ્ચર્ય જોવા લાગ્યો.

‘સર…! યુ સી ધોસ ફ્લેગ્સ…!’ પોલીસ ઓફિસરે પાર્કમાં લોન પર ઘાસ પર થોડે થોડે અંતરે વાંસની નાનકડી લાકડી ઉપર લગાવેલ નાનકડી પીળી ધજા ધરાવતી પાંચ-છ ઝંડીઓ બતાવી. મેં એ જોઈ…! પોલીસ ઊંડો શ્વાસ લઈ બોલ્યો, ‘યોર ડોગ બંટી પુપ્ડ એવરી પ્લેઈસીસ ઈન ધ પાર્ક…!’

હું ઊંઘતો હતો ત્યારે બંટીએ એ સર્વ જગ્યાએ બેકી કરી હતી.

‘ઈટ ઈસ એ સ્ટેટ લો…! ધેટ યુ હેવ ટુ સ્કુપ યોર ડોગ્સ પુપ…! એકોર્ડિંગ ટુ હેલ્થ કૉડ સેક્સન વન સિક્સટિન સબ સેક્સન થ્રી…!’

-માર્યા ઠાર….! આ બંટીએ તો ભારે બબાલ કરી નાંખી હતી.

‘ડુ યુ કમ એવરીડે હિયર ટુ વોક યોર ડોગ..?!’ ઈંસ્પેક્ટરે તીવ્ર નજર કરી મારા પર અને ધીમા પણ મક્કમ અવાજે મને પુચ્છ્યું.

‘નો…નો…! સર…! આઈ કમ ફર્સ્ટ ટાઈમ ને લાસ્ટ ટાઈમ…!’ મારી જીભ ત…ત…પ…પ થવા લાગી…

‘યુ નો સર…! વી ગોટ લોટ ઓફ કમ્પલેઈંટ્સ એબાઉટ પુપીંગ ઓફ ડોગ્સ ઓવર ઓલ ઈન ધીસ પાર્ક…!’

-તો વાત આમ હતી…! કોઈના કૂતરાનુ રોજનું કારસ્તાન આજે બિચારા બંટીના નામે ચઢી ગયું! છીંડે ચઢ્યો તે કૂતરો…બંટી…! પોલીસ ઓફિસરે એના ખભા પર લગાવેલ વાયરલેસ માઈક્રોફોનમાં વાત કરી. એ કઈંક બેકઅપનું કહી રહ્યો હતો. સવારે સવારે બંટીને વેળાસર વહેલો બહાર લાવવાની બબાલમાં હું ખુદ પેશાબ કરવાનું ભુલી જ ગયેલ. મને એમ કે પાંચેક મિનિટમાં તો બંટીને ફેરવીને પાછો આવી જઈશ!! અ…ને હવે મારું મુત્રાશય વધુ ભાર સહન કરી શકે એવી સ્થિતિમાં રહ્યું ન્હોતું! અચાનક આવેલ ઊંઘ હવે સંપુર્ણ ઉડી ગઈ હતી. અને પોલીસ મને જમ જેવો લાગતો હતો. હજુ હું બાંકડા પર જ બિરાજમાન હતો ને પોલીસ બે પગ પહોળા કરી મારી બરાબર સામે ઉભો રહી ઘુરકતો હતો. જો થોડી વધુ વાર થઈ તો પાયજામો ભીનો થઈ જાય એવી ગંભીર પરિસ્થિતિ આકાર લઈ રહી હતી!

-લાગી…લા…ગી….લા….આ…ગી…ઈ….ઈ….ઈ….ઈ! હિમેશ રેશમિયાએ ગાયેલ ગાયન ગાતા ગાતા ઓફિસરના બે પગો વચ્ચે થઈને રેસ્ટરૂમ તરફ દોડી જવાનું એકદમ મન થઈ આવ્યું. મેં માંડ માંડ મારી જાત પર કાબુ રાખ્યો હતો.

‘વ્હોટ આર યુ થિકિંગ સર…?!’ મારા ચહેરા પરની જાત જાતની ચિતરામણો થતી નિહાળી પોલીસને વધારેને વધારે શંકા થતી હતી. જ્યારે મને લઘુશંકા લાગી હતી…અને હવે તો કદાચ ગુરૂશંકા પણ…!! એટલામાં જ સાયરન વગાડતી લાલ ભુરી લાઈટો ઝબકાવતી બીજી કાળી પોલીસ કાર પણ બાગના પાર્કિંગ લોટમાં આવીને પહેલાંથી ઉભેલ સફેદ પોલિસકારની બાજુમાં ઉભી રહી. એમાંથી એક શ્યામ જાડિયો પહાડ જેવો પોલીસ ધીરેથી ઉતર્યો. પહોળો પહોળો ચાલતો ધીમે ધીમે ડગલા ભરતો એ અમારી નજદીક આવ્યો. એ નાનો હશે ત્યારે એની મા એને સાઈઝ કરતાં વધુ મોટું ડાયપર પહેરાવતી હશે એટલે એને પહોળા પહોળા ચાલવાની ટેવ પડી ગઈ હોય એમ લાગતું હતું! કદાચ, અત્યારે પણ એણે ડાયપર પહેરલ હોય એમ લાગતું હતું!! એ વધુ કાળો હતો કે એનો યુનિફોર્મ એ કહેવું મુશ્કેલ હતું! એના ડાલમથ્થા જેવાં માથા પર એક પણ વાળ ન્હોતો. એની ચકચકતી ટાલ પર અસ્ત્રો ફેરવી એ સીધો અહિં આવી પહોંચ્યો હોય એમ લાગી રહ્યું હતું! એની ટાલ પર સુર્યના કિરણો પડતા હતા એથી વધુ ચમકતી હતી. મારા કરતાં ય અઢી ફુટ હશે એ કાળિયો કૉપ…! મારી એકદમ નજદીક આવી એ પહોળા પગ કરી ઉભો રહ્યો. એની જમણી આંખ એકદમ ઝીણી હતી. અને એનો બદલો લેવા જાણે ડાબી આંખનો ડોળો મોટ્ટો થઈ ગયો હતો અને સો વોટના દુધિયા બલ્બની જેમ ચમકતો હતો. કાળા મેસ જેવા આખા ચહેરા પર ફક્ત એ ડોળો જ નજર ખેંચતો હતો.

‘વો…ટ ઈસ ગોઈંગ ઓન…!?’ કમરપટા પર લટકાવેલ ગન, બેટરી અને અન્ય જાતજાતની ચીજો સાથે લટકાવેલ હાથકડી સરખી કરતાં ઘોઘરા અવાજે એ બોલ્યો. જાણે ઓસામા બિન લાદેનને પકડ્યો હોય અને ઓબામા એમને બન્નેને પ્રમોશનનું પડીકું પકડાવી દેવાનો હોય એમ બન્ને પોસરાતા હતા. દશ-બાર વરસથી અમેરિકામાં છું પણ મારે પહેલી વાર કોઈ પોલીસ સાથે પનારો પડ્યો!! એ પણ એક નહિં બબ્બે…ગોરા ઔર કાલા…!! બંટી તો લોન પર ગુજરાતી સાતડાના આકારમાં કોકડું વળી ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. પાર્કમાં હવે ઘણા માણસો વર્તુળાકારે અમારી ફરતે ટોળે વળ્યા હતા અને એ વર્તુળના કેન્દ્રમાં હતાઃ હું અને બંટી…!!

‘વ્હો…ટ ઈસ યોર નેઈમ…!? સ..ર…!!’ કાળિયા ઓફિસરે મારા જમણા ખભા પર એનો હાથ મુક્યો. પાંચ મણના પંજાથી મારો ખભો ત્રીસ અંશના ખૂણે ઝુકી ગયો.

‘નટુ…!!’ પેશાબ કરવાની તીવ્ર ઈચ્છા માંડ દબાવી ધીમા અવાજે હું બોલ્યો. મારો અવાજ એટલો ધીમો હતો કે એના ચિમળાયેલ નાનકડા કાન સુધી ન પહોંચ્યો. એના આવડા મોટાં ડબલ સાઈઝના માથા પર કાન આટલા નાના કેમ રહી ગયા હશે…!

‘વ્હો…ઓ…ટ…?!’

‘નટુ…ઉ…ઉ…!’ મેં મારો અવાજ મોટો કરી કહ્યું, ‘ઓફિસર, આઈ નીડ ટુ યુઝ બાથરૂમ…!! કેન આઈ…!?’

‘અફકોર્સ..!! બટ ફ્યુ ક્વેશ્ચન ફર્સ્ટ…!!’

‘સર…પ્લીઝ…!!’ પહેલાં ધોળિયા તરફ અને પછી શ્યામસુંદર તરફ મેં વિનવણી કરી.

ધોળિયાએ કંઈક કહ્યું અને કાળિયાએ મારો જમણો હાથ બાવડાથી પકડી મને લગભગ ઉંચકી જ લીધો. પછી મને મારા પગ પર ઉભો કરી દીધો. એણે મારા ગજવા તપાસ્યા…બન્ને હાથ ઊંચા કરાવી મારી બન્ને બાજુ એના પહોળા પંજાઓ ફેરવી માથાથી પગ સુધી તલાશી લીધી. એમને એમ કે મારી પાસે કોઈ ગન છે…!! પણ મારી બીજી જ ગન ફૂટવાની તૈયારીમાં હતી!

‘ઓ…કે…લેટ્સ ગો ટુ રેસ્ટરૂમ…!!’

-હા….શ…!! બંદૂકમાંથી છુટતી ગોળીની માફક લંગડાતો લંગડાતો હું રેસ્ટરૂમ તરફ દોડ્યો.

‘હે…ઈ…ઈ…ઈ….ઈ….ઈ…!!’ કરતો શ્યામસુંદર પણ મારી પાછળ પાછળ લાંબા ડગલા ભરતો આવ્યો અને કૂં…ઈ… કૂં…ઈ… કૂં…ઈ…કરતો બંટી પણ એના નાના ડગલે દોડ્યો. રેસ્ટરૂમમાં એ પોલીસ બરાબર મારી પાછળ જ ઉભો રહ્યો. પુખ્ત થયા પછી જિંદગીમાં પ્રથમવાર કોઈના સુપરવિઝન હેઠળ હું લઘુશંકા કરી રહ્યો હતો!! તે પણ પોલીસના પહેરા હેઠળ. દબાણ એટલું વધારે હતું કે પેશાબ શરૂ કરતાં પણ મને વાર થઈ અને પુરો કરતા પણ…!!

‘વોટ આર યુ ડુ…ઈં…ઈં…ઈંગ…મે..ન…!?’

-સા….શાંતિથી પેશાબ પણ નથી કરવા દેતો…! આંખો બંધ કરી બરાબર ધ્યાન લગાવી મેં મારી ઉત્સર્ગક્રિયા પુરી કરી…હા…આ…આ…શ…! પેશાબ કરવામાં પણ આટલી મજા હોય તેની પણ આજે મને પ્રથમવાર જાણ થઈ…! એ પતાવ્યા બાદ હું પાછો વળ્યો ત્યારે મને ખ્યાલ જ નહિં કે બંટી પણ અમારી પાછળ પાછળ જ આવેલ તે મારા પગમાં ભેરવાયો ને હું ગબડ્યો…! બધું પલકવારમાં થઈ ગયું! હું કેમ પડ્યો એ તો મને પછી ખ્યાલમાં આવ્યું. રેસ્ટરૂમાના ગંદા ફ્લોર પર હું તરફડીને પડ્યો!! બંટીને પણ થોડું ઘણુ વાગ્યું હશે એટલે કૂં…ઈ… કૂં…ઈ… કૂં…ઈ…કરતો રેસ્ટરૂમની બહાર દોડી ગયો. બંટીએ મને બીજી વાર ભોંય ચાટતો કરી દીધો હતો!! કાળિયા ઓફિસરે બે હાથો વડે મને અળસિયાની જેમ ઊંચક્યો અને જોર કરી મને ફરી મારા પગ પર ઉભો કરી દીધો.

‘વ્હોટ રોંગ વિથ યુ? આર યુ ડ્રંક…!?’ ચહેરા પરનો ડાબી આંખનો સો વોટનો બલ્બ બસ્સો વોટ કરતાં ય વધુ ટગટગાવતા એ બોલ્યો. એ મને પીધેલો માનતો  હતો.

‘નો…!!’ મારી પીડા દબાવતા મેં કહ્યું.

મારો જમણો હાથ કોણી ઉપરથી જોર કરી પકડી લગભગ ઘસડતો એ મને રેસ્ટરૂમમાંથી બહાર લઈ આવ્યો. બીજો ઓફિસર બહાર અમારી રાહ જોતો ઉભો હતો. બંટી એની બાજુમાં ઉભો ઉભો બધું જોઈ રહ્યો હતો અને હવે શું કરવું એનું પ્લાનિંગ કરી રહ્યો હતો.

‘સ…ર…!’ ધોળિયો ઓફિસર મારી પાસે આવ્યો, ‘લેટ્સ સ્ટાર્ટ ઓલ ઓવર…! ઈસ ધીસ યોર ડોગ…!?’

‘ય…સ..!!’

‘યુ નો હી પુપ્ડ ઓલ ઓવર ઈન ધ પાર્ક…!’ ધોળિયાએ કાળિયાને ઈશારો કર્યો એટલે એ બધું નાનકડી નોટમાં ટપકાવવા લાગ્યો, ‘વ્હેન યુ વેર સ્લિપીંગ ઈન ઘ પાર્ક..! ધીસ ઈસ હિસ પુપ…!’ પ્લાસ્ટિકની એક થેલી બતાવતા એ બોલ્યો.

‘આઈ એમ સોરી સ…ર…!!’

‘ધેર ઈસ અ સ્ટેટ લૉ…! સ્કુપ ધ પુપ…!ડુ યુ નો…!?’

‘યસ..સર…!’

કાળિયો એના ખભા પરના માઈક્રોફોનમાં કંઈ બોલી રહ્યો હતો.

‘વ્હેર ઈસ યોર લાયસંસ ફોર ડોગ…?’

‘લાયસંસ ફોર ડોગ…!!??’

‘ય..સ..! યુ મસ્ટ ગેટ લાયસંસ ફોર ડોગ ફ્રોમ સ્ટેટ અંડર હેલ્થ કૉડ સેકશન વન સિકસ્ટી વન સબ સેક્સન ફોર…!’

‘ડુ યુ હેવ લાયસંસ…??’

‘યસ સર..! આઈ ડુ…!’

‘નોટ ડ્રાયવિંગ લાયસંસ…!!’ ધોળિયો ચિઢાયો, ‘આઈ એમ નોટ ટોકિંગ એબાઉટ ડ્રાયવિંગ લાયસંસ…!! આઈ એમ આસ્કિંગ એબાઉટ ડોગ લાયસંસ…!!’

‘નો સર…!’ મેં નીચી નજરે કહ્યું.

‘હાઉ લોંગ યુ હેવ અ ડો…ગ…??’

‘વન…ડે…!! યુ સી ઓફિસર માઈ વાઈફ ફ્રેંડ ફ્લોરા ગેવ ગિફ્ટ ધીસ ડોગ ટુ માય વાઈફ યસ્ટરડે…!!’

‘આર યુ મેરિડ…?’ એને એ પણ શંકા પડી.

‘ય…સ…!’

‘વ્હોટ ઈસ યોર નેઈમ…?’

‘નટુ…’ સહેજ અટકીને હું બોલ્યો, ‘નટવર મહેતા…’

‘ઈંડિયન…?’ કલ્લુએ અચાનક પુચ્છ્યું.

‘યસ, આઈ એમ ઈંડિયન એંડ પ્રાઉડ ટુ બિ એન ઈંડિયન…!!’

‘હે…મેન..!! કામ ડાઉન..!! કામ ડાઉન…! યુ નો ધેટ યુ આર ઈન ટ્રબલ. બિગ ટ્રબલ.’

હું ઢીલો થઈ ગયો…શાંત થઈ ગયો.

‘કેન યુ વોક ઓન ધીસ લાઈન…!?’ પાર્કિંગ લોટમાં કાર પાર્ક માટે દોરેલ સફેદ પટ્ટાને બતાવી કાળિયો બોલ્યો.

‘યસ…! આઈ એમ નોટ ડ્રંક…!’ હું જાણતો હતો કે પીધેલાની પહેલી કસોટી સીધી ચાલ છે અને હું ક્યાં પીધેલ હતો !? પણ હું એ ભુલી ગયેલ કે, હું પગથી માથા સુધી ઘવાયેલ હતો. વળી પાંચ મિનિટ પહેલાં જ બંટીએ મને ગબડાવ્યો હતો ત્યારબાદ મને લાંબુ ચાલવાની કોઈ તક મળી જ ન્હોતી. એણે બતાવેલ ધોળા પટા પર હું વળી સહેજ ઝડપથી ચાલવા ગયો પણ જમણા પગના સુજી ગયેલ અંગુઠાએ મને દગો દીધો. અને રેસ્ટરૂમમાં ગબડ્યો હતો ત્યારે મારા ડાબા ઘુંટણ પણ માર લાગેલ એટલે મારા કદમો ડગમગ્યા. હું લથડ્યો.

‘વે…ઈ….ઈ….ટ સર…!’ લાઈન વોકમાં હું નપાસ થયો. મારો જમણો હાથ પકડી મારૂં નાનકડું મસ્તક એના ડાબા હથે નમાવી જોર કરી કાળિયાએ મને એની પોલિસકારમાં પાછળ બેસાડી દીધો! મારૂં બધું જ જોર…સર્વ શક્તિ જાણે નિચોવાય ગઈ. હું પોલિસકારમાં…!? મારો ગુન્હો શો હતો…!? મારે મોટેથી પુછવું હતું…પણ હું કંઈ બોલી ન શક્યો…બંટી મને ક્યાંય ન દેખાયો. કાળિયો ઓફિસર ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો.

‘આર યુ એરેસ્ટિંગ મી…!?’ મેં ડરતા ડરતા ધીમેથી પુચ્છ્યું.

‘વ્હોટ ડુ યુ થિંક…!?’ ડાબો બલ્બ તગતગાવતા સહેજ હસીને એ બોલ્યો. એનું ચાલે તો ડાબો ડોળો બહાર કાઢી એ મારૂં એનલાઉંટર જ કરી નાંખે! ધોળિયો પોલિસ મારી બાજુમાં બેઠો. એના હાથમાં બંટી હતો. જે એણે બહુ કાળજીપુર્વક ઉંચક્યો હતો. એના હાથમાંથી બંટી છીનવી લઈ એની ગળચી દબાવી દેવાની મને તીવ્ર ઈચ્છા થઈ આવી. મને એ સમજ પડતી ન્હોતી કે એ બન્ને શું કરવા માંગતા હતા.

‘ઓ…કે….! મિ. નત્વર…!’ બે ગોરા ઓર કાલા ઓફિસરો મને સ્વર્ગે કે નરકે લઈ જવા માટે આવેલ યમદૂત જેવા લાગતા હતા. બંટી તો ધોળિયાના ખોળામાં આરામથી સુઈ ગયો હતો.

‘ડુ યુ હેવ આઈડી વિથ યુ…!?’

‘નો ઓફિસર! યુ સિ. આઈ જસ્ટ કેઈમ ટુ વોક માય ડોગ!! આઈ લીવ નિયર બાય!’

‘વ્હોટ ઇસ યોર ફોન નંબર? હોમ ફોન નંબર ?’

મેં એને મારા ઘરનો ફોન નંબર  કહ્યો.

પોલિસ ક્રુઝરના કમ્પ્યુટરમાં એ સર્વ માહિતી એંટર કરી રહ્યો હતો.

‘સોશ્યલ સિક્યુરીટી નંબર…?’

હું મૌન રહ્યો.

‘ડુ યુ હેવ સોશ્યલ સિક્યુરીટી નંબર…?’

‘ય્…સ..!’ થોડી વાર મૌન રહી હું પ્રશ્નસુચક એની તરફ જોતો રહ્યો.

‘લુક મિસ્ટર…!’ ધોળિયાએ મોગામ્બોની માફક બંટી પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું, ‘એસ પર હોમલેંડ સિક્યુરીટી એક્ટ યુ મસ્ટ હેવ યોર આઈડી વિથ યુ. યુ આર બ્રેકિંગ ટુ મેની લોઝ એટ અ ટાઈમ!! ઈફ યુ ડુ નોટ વોંટ ટુ કોઓપરેટ વિથ અસ ઈટ ઈસ ઓકે વીથ અસ. બટ ઈફ યુ વિલ કોઓપરેટ વિથ અસ ઈટ ઈસ ગુડ ફોર યુ એંડ અસ…! ઈસ ધેટ ક્લિયર?’

‘ઓ…કે….!’ મેં એને મારો સિક્યુરીટી નંબર કહ્યો. કાળિયો ઓફિસર મારી માહિતી કોમ્પ્યુટરમાં દાખલ કરી રહ્યો હતો. આ પોલિસ કમ્પ્યુટર એક એવી અજીબ ચીજ છે કે એમાં અમેરિકામાં રહેતા કોઈ પણ માણસનો સિક્યુરીટી નંબર દાખલ કરીએ ને થોડાં બટનો દબાવતા જે તે વ્યક્તિની કરમ કુંડળી પલકવારમાં સ્ક્રિન પર આવી જાય.

‘યોર એડ્રેસ પ્લીસ…?’ થોડી મિનિટો પછી કાળિયો બોલ્યો. મેં એને મારૂં એડ્રેસ આપ્યું.

કમ્પ્યુટરમાં બધી માહિતી એંટર કરી વાયરલેસ પર એણે થોડી સુચના આપી. વાતો કરી. મને પોલિસ કારમાં જ રાખી મારી બાજુમાં બંટીને સુવડાવી  બન્ને બહાર નીકળ્યા. ધોળિયો એની કારમાં ગયો. થોડી જ વારમાં બીજી પોલિસ જીપકાર આવી. એ કાર જોઈને મને ખ્યાલ આવ્યો કે એ પેટ પોલિસની કાર હતી. પ્રાણીઓની પોલિસ…! એમાંથી એક ચાર ફુટ બે ઈંચની ગોરી ટુંકા વાળ વાળી યુવતી ચપળતાપુર્વક કૂદીને ઉતરી. ધોળિયાએ મારી કારનો દરવાજો ખોલ્યો. ઊંઘતા બંટીને ઉંચક્યો. મારા તરફ નિહાળી કહ્યું, ‘સોરી મિસ્ટર નાતુ….! વિ કેન નોટ ગીવ ધીસ ડોગ ટુ યુ ટુડે!!’

-હા….આ…શ….! મને એક બહુ મોટી નિરાંત થઈ ગઈ. ગઈ કાલ સાંજથી બંટી નામનો નાનકડો પહાડ મારા માથે ઊંચકીને ફર્યા કરતો હતો તે એકદમ ઉતરી ગયો. બલા ટળી…!

‘વી વિલ કીપ એટ એનિમલ સેંટર…!’ એણે બંટીને પેલી ત્રીજી કારમાં આવેલ ફુટડીને સોંપ્યો.

-બાય…બાય… બંટી!! મને બંટી પર એકવાર, છેલ્લી વાર હાથ ફેરવવાનું મન થઈ આવ્યું. હજુ હું પોલિસ કારમાં જ હતો. મને જાત જાતના વિચારો આવતા હતા. મારૂં શું થશે…? ઘરેથી નીકળ્યાને પણ ચાર-પાંચ કલાક થઈ ગયા! મારી છપ્પરપગી શું વિચારતી હશે? ઘરનો ફોન તો તુટી ગયો હતો. અમારી પાસે એક જ ફોન હતો. મધુએ મને શોધવાની કોશિષ કરી હશે…!? મારી પાસે કે એની પાસે સેલ ફોન પણ ન્હોતો. એના પૈસા જ કોની પાસે છે?  શું મારી ધરપકડ થઈ છે? મને કસ્ટડીમાં પુરી દેશે…!? આજે શનિવાર હતો…! મારે કેટલાં દિવસ કસ્ટડીમાં રહેવું પડશે..? મને બેઈલ ક્યારે મળશે..? મધુ મને કેવી રીતે છોડાવશે…!? સા….બંટી…! મને બંટી પર ભારે ગુસ્સો આવતો હતો.

ત્રણે પોલિસે બહાર ઉભા રહી ઘણી ચર્ચાઓ કરી. કારમાં બેસી હું હવે કંટાળી ગયો હતો. બંટીને લઈને એનિમલ પોલિસની કાર જતી રહી હતી. બન્ને ગોરા ઓર કાલા મારી પાસે આવ્યા. ગોરા પાસે ત્રણ કાગળો હતા.

‘વિ વીલ ડ્રોપ યુ એટ યોર હોમ…!’

-હા….આ…આ..શ..! તો મારી ધરપકડ નથી કરી એઓએ…અને કેવી રીતે કરે…!?

‘ધીસ ઈસ યોર ટિકિટસ્…!!’ એણે ત્રણ અડધિયા મને આપ્યા.

-ઓહ ગોડ…!! માર્યા ઠાર….!! એ ત્રણ અડધિયા ટિકિટ હતી!!  દંડની ટિકિટ…જિંદગી પ્રથમવાર ટિકિટો મળી…!! એ પણ એક નહિ..! ત્રણ..ત્રણ..કુલ્લે નવસો ડોલરનો દંડ ઠોક્યો હતો!!  હેવિંગ ડોગ વિધાઉટ લાયસંસ…!! નોટ સ્કુપિંગ ધ ડોગ પુપ…અને…મિસબિહેવિયર માટે….!

ક્યારે પોલિસકાર મારા ઘરના બારણામાં આવીને ઉભી રહી તેની મને ખબર પણ ન થઈ! જતાં જતાં મારો બેટો બંટી નવસો ડોલરનો ચાંદલો ચોંટાડી ગયો હતો…!! હું સાવ નંખાય ગયો. મારા આખા મહિના પગાર કરતાં પણ વધારે…!! આ મોંઘવારીના, મંદીના જમાનામાં મારા તન, મન, ધનની પત્તર ખાંડી ગયો  હતો બંટી…!!

‘હેવ એ ગુડ ડે સર…!’ કહી પોલિસ મને ઉતારી ગયો પણ મારો તો ભવ બગાડતો ગયો. યંત્રવત્ ચાવી વડે મેં મારા ઘરનું બારણું ખોલ્યું. લિવિંગરૂમના સોફા પર હું ફસડાય પડ્યો! હું સાવ નિચોવાય ગયો હતો.

‘ક્યાં મરવા પડ્યો હતો…!?’ મને જોઈ મધુ હાંફતા હાંફતા અંદરના ઓરડામાંથી ધસી આવી. એણે એના મ્હોં પર હળદળનો લેપ લગાવ્યો હતો એટલે એ વિફરેલી વાઘણ જેવી વધુ લાગતી હતી, ‘ક્યાં મુકી આવ્યો મારા બંટીને…??’

‘ખબરદા…આ…ર…!!’ હું બરાડ્યો…ખરેખર ખુબ મોટ્ટેથી બરાડ્યો…!! મારા ઘરની પાતળી પેપર જેવી દિવાલો મારા બરાડાથી ધ્રુજી ઉઠી. દિવાલ પર લગાવેલ સ્વર્ગસ્થ સસરાની તસવીર પણ પડી ગઈ. એનો કાચ ખણ્ણણ કરતો તુટી ગયો.

‘ખ…બ..ર…દા…આ…ર…!!’ હું બીજી વાર જોરથી બરાડ્યો. મધુના કાનમાં પણ ધાક પડી ગઈ. છતાં એ સહેલાયથી  મારી ખાલ છોડે એમ ન્હોતી.

‘ક્યાં છે બંટી ?’

‘બંટી… બંટી… બંટી… બંટી… બંટી…!!’ હું બરાડ્યો…બંટીના નામની ઘંટી મારા મગજમાં વાગવા લાગી હતી. ભલે મારૂં મગજ નાનું હતું પણ હવે એ જાણે ફૂલીને મોટુંને મોટું થઈ રહ્યું હતું!! અને હવે એ ફાટી પડશે એમ લાગતું હતું!! હું મારા જ કાબુમાં ન્હોતો રહ્યો…!

‘બંટી… બંટી… બંટી…અહિં આવ આપું તને તારો બંટી…!’ હું સોફા પરથી જેમતેમ ઉભો થયો. મધુ ગુસ્સે થતી મારી પાસે આવી!! ઘુરકતી આવી

‘ક્યાં છે બં…ટી…?’

‘આ….લે…!!’ સટાક કરતો સણસણતો એક તમાચો મેં મધુના જમણા ગાલ પર ઝીંકી  જ દીધો. જાણે ધરતીકંપ થઈ ગયો…!! ‘ખબરદાર!!  જો બીજી વાર બંટીનું નામ મારા ઘરમાં  લીધું છે તો…!! બંટીને તો મેં લાત નથી મારી પણ તને તારી પાછળ ચોક્કસ જગ્યાએ લાત મારી ઘરની બહાર તગેડી મુકીશ…સમજી….!?’ બાર બાર વરસથી સંગ્રહી રાખેલ જ્વાળામુખી ફાટી પડ્યો…

‘બં….ટી…ઈ….ઈ….ઈ….ઈ…!!’ નામની મોટ્ટેથી પોક મુકી મધુ બેડરૂમમાં દોડી ગઈ.

છેલ્લાં પંદર-વીસ કલાકથી જે પરિસ્થિતિમાંથી હું પસાર થઈ રહ્યો હતો એણે મને સાવ નિચોવી દીધો હતો. મારા માથામાં શૂન્યવકાશ છવાયો…!! પાવર ઑફ…!! ટોટલ બ્લેક આઉટ…!! સોફા પર ફસડાયને હું પડ્યો ને બેહોશ થઈ ગયો…!! હજુ પણ બેહોશ છું…!! અરે..!! કોઈક તો લાવો મને ભાનમાં…!! અરે…ભા..આ..ઈ…!! એ ભાઈ…!! કોઈક તો છાંટો પાણી…ભાઈ…એ..ભાઈ…!! એ..ભાઈ…!! એ..ભાઈ…!!  એ…..

(સમાપ્ત)

“બંટી કરે બબાલ ભાગ: ૨” ના પીડીએફ ફોરમેટ માટે
અહિં ક્લિક કરો
.
આપના કમ્પ્યુટર પર સાચવો.
પ્રિંટ કરો. મિત્રોને મોકલાવો.