ગંગાબા

આપ સહુને દિવાળીની શુભ કામનાઓ અને નુતન વર્ષાભિનંદન

(સાસરે જઇ રહેલ મારી દીકરી શ્વેતા મહેતા-ટોપીવાલાની લાગણી અને માગણીને ધ્યાનમાં લઇ આપ સહુની સમક્ષ ગંગાબા દિવાળી-નૂતન વર્ષના શુભ પર્વ નિમિત્તે રજુ કરૂં છું. આશા રાખું છું કે, આપને ગંગાબાને મળીને આનંદ થશે..

ગંગાબા વાર્તાએ ડિસેમ્બર ૨૦૦૬માં એડિસન ન્યુજર્સીથી પ્રકાશિત થતા ગુજરાત દર્પણના પૃષ્ઠોને પાવન કરેલ છે. આ માટે હું ગુજરાત દર્પણના પ્રકાશક અને માલિક મુરબ્બી શ્રી શુભાષભાઇ શાહનો ખુબ જ આભારી છું. વિશેષ, લંડનથી પ્રકાશિત થતાં એક પણ જાહેરખભર વિનાના અનન્ય એવા ગુજરાતી માસિક ઓપિનિયનમાં પણ ગંગાબા ડિસેમ્બર ૨૦૦૭માં પ્રકાશિત થઇ છે. આ માટે ઓપિનિયનનાં તંત્રીશ્રી માનનિય વિપુલભાઇ કલ્યાણીનો પણ હું ઋણી છું.

આશા છે કે,‘ગંગાબાની કહાણી આપને પસંદ આવશે… આપને સહુને આપની અમુલ્ય કોમેંટ કરવા નમ્ર વિનંતી છે. આપના સુચનો, પ્રતિભાવ હંમેશ આવકાર્ય છે.)
ગંગાબા

‘હલ્લો…..!! અ….મી…!! ઈસ યોર મધર ઈન લૉ અટ યોર હોમ…??’ અમીના સેલફોન પર ગીતા મેનનનો ફોન આવ્યો.

‘નો….!!કેમ…??!’

‘શી આસ નોટ હીયર…!’ લગભગ રડી પડતાં ગીતા બોલી, ‘વહેર ઈસ શી….?!’

હવે ડરવાનો વારો હતો અમીનો… અમીના સિત્તેરેક વરસના સાસુ ગંગાબા ગીતાની છોકરીનું છેલ્લા ચારેક વરસથી બેબી-સિટીંગ કરતા હતા. એ ગુમ થયા હતા ગીતાના ઘરથી…સાવ અચાનક જ!!!

‘વ્હોટ?’ અમીના હ્રદયના ધબકારા વધી ગયા.

‘હા, હું જૉબ પરથી ઘરે આવી ત્યારે શી વોઝ મિસિંગ….!! કોઈ બીજી જ વુમન મારે ઘરે હતી અને એને તારી સાસુએ એક વીક માટે હાયર કરી છે…એન્ડ શી ઈસ નોટ હિઅર…!! વ્હોટ ઈસ ધીસ ??’ જરાક ગુસ્સે થઈ જતાં ગીતા બોલી.

‘આઈ એમ સોરી..!!’ એક ઊંડો શ્વાસ લઈ અમી બોલી, ‘આઈ એમ કન્ફ્યુસ્ડ !! મારી સાસુએ અમને કંઈ જ કહ્યું નથી… લેટ મી ટોક ટુ માય હસબન્ડ… આઈ વીલ કોલ યુ લેટર…!!’

અમીએ તરત એના પતિ આકાશને ફોન જોડ્યો…ગુસ્સાથી એનું માથું ફાટફાટ થતું હતું.

‘હ….લ્લો… આકાશ… !! યોર સ્ટુપિડ મોમ રેન અવે…..!! તારી ગંગાબા ભાગી ગઈ…!!!’

‘વ્હો…ઓ.. ઓ.. ઓ.. ટ !!’ આકાશ પણ ચમક્યો. ‘વ્હોટ ડીડ યુ સે….??’

‘સ્ટુપિડ ઓલ્ડ લેડી..!!!’ ગુસ્સાથી અમી ચીખી.. ‘ત્યાં લિકર સ્ટોર પર બેસી તું વ્હો ઓ ઓ ટ…. વ્હો ઓ ઓ ટ.. ન કર….!! તું સીધેસીધો ઘરે આવ…!! હવે એને શોધવી પડશે…!! કોણ જાણે…..ક્યાં….’ અમીએ વાક્ય અડધેથી કાપી ફોન પણ કાપી નાંખ્યો…

આકાશ અમી ઘરે ભેગાં થયા..બન્નેની મૂંઝવણનો કોઈ પાર નહોતો..અમીનો ક્રોધ જ્વાળામુખીની માફક ફાટ્યો હતો. એ ધમ ધમ કરતી અંદરના ઓરડામાંથી બહાર આવતા બોલી, ‘હર પાસપોર્ટ  ઈસ મિસિંગ…!!’ કપાળે ગુસ્સાથી હાથ ઠપકારતા ઠપકારતા એ બોલી, ‘ઓહ ગો…ઓ…ઓ..ડ….!! તારી બા પોતે તો ચેનથી જીવતી નથી ને મને જીવવા નથી દેવાની..!!’

‘બાને કંઈ સમજ ન પડે…એનાથી કંઈ ઈન્ડીયાના વીસા ન લેવાઈ ને ઈન્ડીયાની ટિકિટ બાય ન થાય..!’

‘તો…..શું કર્યું હશે…ડોસલીએ…..!!?? વી શુલ્ડ ઇનફોર્મ પોલીસ..!!’

‘પો…લી…સ…?’ આકાશ વધુ મૂંઝાયો, ‘લેટમી થિન્ક…!’

એક ઓરડામાંથી બીજા ઓરડામાં થોડા આંટા માર્યા આકાશે.. પછી થોડું વિચારી એણે હળવેકથી ફોન ઊંચક્યો ને પોલીસને ફોન ડાયલ કર્યો…….

* * * * * * * *

ગંગાબા !!!

અહિં એડિસન, ન્યુ જર્સી આવ્યાને કેટલાં વરસો થઈ ગયા ગંગાબાને ??

જૂઓને, વિશાલનો જન્મ થવાનો હતો ત્યારે એમના પુત્ર આકાશનો પત્ર આવેલ..ફોન આવેલ…

– બા, તમો આવો અમેરિકા. હવે દેશમાં છે પણ કોણ ? બાપુજી પણ નથી… અમને તમારી ફિકર થયા રાખે…તમે દેશમાં એટલે દૂર દૂર..!! તમને કંઈ થયું તો કોણ..?? અમને તમારી ચિંત્તા થયા કરે એના કરતાં તો હવે અહિં આવી જ જાઓ….

ઘણો વિચાર કરી કરી ગંગાબાએ હા પાડી હતી. અમેરિકા આવવા માટે!!

એમનો એકનો એક પુત્ર હતો આકાશ. પેટે પાટા બાંધીને ઉછેર્યો હતો એને. ભણાવ્યો…એંજીનિયર બનાવ્યો… અમી અમેરિકાથી આવી હતી. અમેરિકન સિટીઝન હતી. એનું માંગું આવ્યું, આકાશ માટે. અમેરિકા જવાની અમૂલ્ય તક!! અમી સાથે ધામધૂમથી પરણાવ્યો આકાશને.. એ અમેરિકા ઊડી ગયો…આકાશ એકનું એક સંતાન હતો ગંગાબાનો.

આકાશ જ્યારે નવ-દશ વરસનો હતો ત્યારે એના પિતા હરકિશનભાઇને સ્કૂટરનો અકસ્માત થયો….અને આકાશે છત્ર-છાયા ગુમાવી પિતાની…ગંગાબા યુવાન વયે વિધવા થયા…હરકિશનભાઇ દેના બેંકમાં નોકરી કરતા હતા. ગંગાબાને પ્યુનની નોકરી મળી બેંકમાં..એઓ ફક્ત ફાઇનલ પાસ હતા. સાત ચોપડી જ ભણેલ હતા.

કેટ કેટલી મુશ્કેલીઓ વેઠી આકાશને હેતથી ઊછેર્યો હતો! પિતાની જરાય ખોટ પડવા દીધી નહોતી હતી એને. જ્યારે આકાશ અમેરિકા ગયો ત્યારે સાવ એકલા પડી ગયા હતા ગંગાબા. પરન્તુ, એઓ ઘણા આઘાત પચાવતા આવ્યા હતા જિંદગીભર..એ એકલતાની તો શી વિસાત.. વળી એ તો એમના પુત્રની પ્રગતિ હતી.

આકાશના અમેરિકાથી પત્રો આવતા..પૈસા આવતા..એ લખતો કે બા હવે તો બેંકની પ્યુનની નોકરી છોડી દો.. પરન્તુ, ગંગાબા એમ તે શી રીતે માને..?! વળી આ નોકરી સાથે તો એક નાતો હતો એમનો..!! એક અતૂટ સંબંધ..એમના પ્રાણપ્યારા સ્વર્ગસ્થ પતિની આગવી દેન હતી એ…!!

આકાશે ધીરે ધીરે અમેરિકા ખાતે ખાસ્સી પ્રગતિ કરી..એ નિયમિત પૈસા મોકલાવતો..દેશમાં ગંગાબાને ફોન પણ લઈ આપ્યો..મહિને-બેમહિને એના ફોન આવતા. મોટે ભાગે તો આકાશ જ વાતો કરતો.. અમી ખાસ વાત ન કરતી. આકાશ ખુશ હતો. સુખી હતો..ગંગાબાને એનો આનંદ હતો.
છેલ્લા થોડા સમયથી આકાશના ફોન વધી ગયા…આગ્રહ વધી ગયો હતોઃ બા, તમો ત્યાં એકલા…સાવ એકલા..!! અમે રહ્યા તમારાથી માઇલો દૂર…તમો અહિં આવો, આવો ને આવી જ જાઓ…વિ મિસ યુ..!!

– અને ગંગાબા આવી પહોંચ્યા અહિં ન્યુ જર્સી…એડિસન ખાતે… !!

આકાશ અમી બન્ને એમને લેવા આવ્યા હતા જે એફ કે પર…વરસો પછી પોતાના એકના એક લાડકવાયાને ભેટીને મન મૂકીને રડ્યા હતા ગંગાબા…!! આનંદથી… ખોયેલ દીકરાને જાણે પાછો આપ્યો હતો કાનુડાએ….પ્રભુ, તું મહાન છે…!! મનોમન ગંગાબાએ પ્રભુનો આભાર માન્યો!!

આકાશની આલીશાન કારમાં બેસી ઘરે આવ્યા.. મોટ્ટું હાઉસ હતું એમના બેટાનું…ચાર બેડરૂમનું..મોટો હૉલ…ડાયનિંગ રૂમ…વિશાળ કિચન…!!આવું સરસ ઘર નિહાળીને ગંગાબાને સવા-શેર લોહી ચઢ્યું…પોતાની મહેનત ફળી હતી..એમની તપશ્ચર્યા સફળ થઈ હતી….આકાશ આજે આ જગ્યાએ પહોંચ્યો…!!

‘જો બા, આ તારો રૂમ છે…અહિં તારા બાથરૂમ-સંડાસ…આપણા ગામ જેવું નથી એ તો તને ખબર જ છે… અહિં કમોડ છે..! શરૂઆતમાં તકલીફ પડશે..અહિં પાણી નથી સાફ કરવા..આ ટિસ્યૂ…બાથરૂમ ટિસ્યૂ…એનાથી લૂંછી નાંખવાનું…!!’ આકાશે ગંગાબાને સમજાવ્યા, ‘તને કદાચ અત્યારે ઊંઘ ન આવશે…તારું શરીર અત્યારે દેશના સમયે ચાલે છે…ત્યાં અત્યારે દિવસ ઊગ્યો એટલે….! પછી ટેવાય જવાશે..તને કંઈ તકલીફ ન પડશે..સવારે ઊઠે ત્યારે તું ઘરમાં એકલી જ હોઇશ..!!’

‘કે…એ…એ…મ…?’

‘બા, આ અમેરિકા છે!! હું અને અમી બન્ને કામ પર ગયા હોઇશું. હું સવારે છ વાગે નીકળી જાઉં છું…અ…..ને અમી સાડા છએ….!!’

– અને પછી તો ગંગાબા ટેવાવા માંડ્યા..પેપર ટિસ્યૂથી…ફ્રોઝન ફુડથી… ઠંડીથી….હીટથી…માણસોથી…

અમી ગર્ભવતી હતી. વિશાલનો જન્મ થયો. ગંગાબા રાજીના રેડ થઈ ગયા. અમી કંઈ ખાસ ખુશ હોય એમ લાગતું નહોતું…આમેય અમીનું મ્હોં હંમેશ ચઢેલ જ રહેતું…એ ગંગાબા સાથે ખપ પુરતી જ વાત કરતી…આકાશ સમજાવતોઃ પ્રેગ્નન્સીને કારણે…ડિલિવરીને કારણે…જોબને કારણે….બા, બાકી અમીના મનમાં કંઈ નથી…!

– પરંતુ કંઈક હતું …જરૂર કંઈક હતું અમીના મનમાં !!

પંદર દિવસના વિશાલને ગંગાબાના સહારે મૂકી અમી ફરી કામે ચઢી ગઇ. ગંગાબાએ કાળજી લેવા માંડી વિશાલની.

– કેમ છે વિશાલ એણે દૂધ પીધું.

– દૂધની બોટલ બરાબર બોઇલ્ડ કરજો… સ્ટરીલાઇઝ કરજો…

અમીના ફોન આવતા. અમી કદી એમને બા ન કહેતી…કોઈ પણ જાતના સંબોધન વિના વાત કરતાં શીખવું હોય તો અમી પાસે જવું…!!!

– આજે તુવરના દાણા-વેંગણનું શાક બનાવજો….!!

– આજે ભીંડાના રવૈયા….!!

– આજે તો રસાવાળી ચિકન ને રાઇસ…!!

– આજે મારી બહેન આવવાની છે તો એના માટે પચાસેક રોટલી બનાવી રાખજો!

ગંગાબા સમજી ગયા.. ત્યાં દેશમાં એમની પટાવાળાની નોકરી હતીઃ અગિયારથી છની…!! જ્યારે અહિં…ચોવીસ કલાકની…!! ત્યાં પગાર મળતો…અહિં રહેવાનું-ખાવાનું અને ઉપરથી એક ખૂલી કેદ…!! ક્યાંય બહાર ન નીકળાય…એકલા ન નીકળાય…ક્યારેક, શનિ-રવિ આકાશ મંદિરે લઈ જતો…પણ એમાં ય એની ભક્તિ કરતાં તો ભૂખ જ વધારે હતી…આરતીમાં એક ડોલર ચઢાવી ત્રણ જણા સાંજે મહાપ્રસાદી લઈને, જમીને જ ઘરે આવતાં..!! ત્યારે ગંગાબાને રસોઈ ન બનાવવી પડતી.. બાકી દરરોજ કંઈને કંઈ રસોઈ કરવાની…આખા હાઉસમાં વેક્યૂમ કરવાનું…બાથરૂમો સાફ કરવાના…દર બે દિવસે લોન્ડ્રી કરવાની….વિશાલની કાળજી રાખવાની…રાત્રે વિશાલ રડે તો ઊઠવાનું…ડાયપર બદલાવવાનું…દૂધ પિવડાવવાનું….અમી તો જાણે વિશાલની જણીને સાવ વીસરી જ ગઇ હતી…ગંગાબા માટે હંમેશ કંઈ ને કંઈ કામ….કામ…કામ…ને કામ હોય જ…!!

– ઓહ….! ઓહ !! ઓહ !!! ગંગાબા ગૂંગળાતા…ગૂંચવાતા…મૂંઝાતા….ક્યારેક, ઓશીકામાં મ્હોં છુપાવી રડી પડતાં.

આકાશ અને અમી કામ કરી મોડી સાંજે ઘરે આવતા.

આકાશ ક્યારેક વાતો કરતો.

– કેમ છે બા ?

– કેમ છે વિશાલ બહુ રડતો તો નથીને… ?! તને હેરાન તો નથી કરતોને…?!

– તારી તબિયત તો સારી રહેતી છેને….? વાયટામિનની ગોળીઓ સમયસર ગળતી છેને..??

ટૂંકા સવાલો કરી, સંવાદો કરી આકાશ પોતાના રૂમમાં ભરાય જતો…કે પછી કમ્પ્યુટર પર બેસી જતો…. કે ટીવી ચાલુ કરી બેસતો…અમી તો ઘરમાં હાજર હોય તો પણ ન હોવા બરાબર હતી…કે પછી અમી માટે ગંગાબાની હાજરી હોવા છતાં ય નહોતી…ફક્ત એક વ્યક્તિ બની ગયા હતા ગંગાબા અમી માટે…એક બેબીસિટર એના પુત્ર માટે…!! બસ, બાકી કંઈ નહિ!

અહિં કોઈને પણ સમય નહોતો એમના માટે…કોઈને પણ સમય નહોતો કોઈના માટે…સહુની પોતપોતાની એક નાનકડી દુનિયા હતી…જાણે એક કવચ કે જેમાં સહુ પુરાયેલ હતા…નરી એકલતા, વસમી વિવશતા વેઠતા હતા ગંગાબા! પણ વિશાલ હતો એમની સાથે…એમના માટે..એઓ નાનકડા વિશાલ સાથે વાતો કરતા રહેતા..વિશાલ હસતો કાલુ કાલુ !! ત્યારે ગંગાબાના હ્રદયમાં બટ મોગરા ખીલી ઊઠતા…વિશાલને લઈને એઓ ફરતાં રહેતાં… એક કમરામાંથી બીજા કમરામાં ! વિશાલે પા…પા… પગલી માંડી ત્યારે એક માત્ર સાક્ષી હતા ગંગાબા એના પહેલાં કદમના!! જ્યારે એ પહેલો સ્પષ્ટ શબ્દ બોલ્યો…બા….ત્યારે ગંગાબાના હૈયામાં હેતની હેલી ઊઠી હતી….વિશાલને પણ ન ચાલતું ગંગાબા વિના. ગંગાબાની હૂંફાળી ગોદમાં એની દુનિયા હતી…એક એ જ સમજતો હતો ગંગાબાને…કે પછી એને સમજતા હતા ગંગાબા…

– કેટલો સમય પસાર થઈ ગયો….!!

– જાણે એક યુગ….!!

વિશાલ હવે તો મોટો થઈ ગયો હતો…અમેરિકાના કાયદા પ્રમાણે હવે એ એકલો રહી શકે એટલો મોટ્ટો…!! ભણવામાં એ ખૂબ જ હોશિયાર હતો. ગંગાબા વિના હજુ ય એને જરા પણ ન ચાલતું !! પરંતુ એની મમ્મી અમીને એ પસંદ નહોતું: ગંગાબાની સાવ ખોટી વળગણ!! હી શુલ્ડ બી ગ્રોન અપ..!! અમી વિચારતી.

‘જો આકાશ !’ અમી આકાશને કહેતી.. ‘વી હેવ ટુ ડુ અબાઊટ ધીસ..!’

‘અબાઊટ વ્હોટ ?!’

‘યોર મોમ…!! ઈટ ઈસ ટુ મચ…!!’

‘વ્હોટ ટુ મચ….??’

‘એ વિશાલને મોટો જ થવા નથી દેતી…!’ અમી ચિંત્તાતુર અવાજે બોલી, ‘…..અને વિશાલ પણ આખ્ખો વખત બા…બા…બા… કર્યા રાખે છે…!! સાવ માવડિયો બનાવી મૂક્યો છે તારી ગંગાબાએ…..!!’

‘બાએ મોટો કર્યો છે એને…’

‘સો વ્હોટ….?’ અમી સહેજ ચીઢાયને બોલી, ‘…..તેથી શું આઆ….ખ્ખી જીંદગી એને ગળે વળગાડીને ફર્યા કરવાનો..?!’

‘શું બાને ઇન્ડિયા મોકલી દેવી છે…?!’ આકાશે અમીને બાહોમાં લેતાં તરફ પ્રશ્નાર્થ નજરે પૂછ્યું, ‘ડુ યુ વોન્ટ ટુ સેન્ડ હર બેક…?’

‘લેટ મિ થિંક…!!’ કંઈક વિચારી અમી બોલ, ‘આઈ વીલ ફાઇન્ડ આઉટ સમ વે…! આઈ નો હાઉ ટુ ટેકલ વિથ યોર મોમ…!!’ પડખું ફરીને અમી સૂઈ ગઇ.

* * * * * * * *

બીજા રૂમમાં ગંગાબાના ખોળામાં માથું રાખી વિશાલ ઊંઘી ગયો હતો. શ્રવણની કથા સાંભળતા સાંભળતા….ગંગાબાને કારણે એ ઓળખતો હતો સહુને: શ્રવણને-ધ્રુવને, રામને- રાવણને, શબરીને-શુર્પંખાને, કૃષ્ણને-કંસને, યશોદાને-દેવકીને, રાધાને-ગોપીને, શિવને-પાર્વતીને, ગણેશને-કાર્તિકેયને, યુધિષ્ઠિરને-દુર્યોધનને, માનવને-દાનવને…!!

ગંગાબાને કારણે એ એનું નામ લખી શકતો હતો ગુજરાતીમાં… ગંગાબા એને કહેતા અને કાનો આ…. ને આકાશ હસતો, ને કહેતો : બા કા’નો તો રાધાનો ને ગોપીનો…!!

ને ગંગાબા હસી પડતા એની એ મીઠી મજાક પર….! વિશાલના ક્રુ કટ વાળમાં ગંગાબા હળવે હળવે હાથ ફેરવતા હતા. વિશાલ ઘસઘસાટ ઊંઘી ગયો હતો…ખોળામાંથી કાળજીપુર્વક એનું માથું તકિયા પર મૂકી ગંગાબાએ એના કપાળ પર એક ચૂમી ભરી… જો વિશાલ ન હોત તો કદાચ ગંગાબા પાગલ થઈ ગયા હોત.!! હવે ગંગાબાને થાક લાગતો હતો જિંદગીનો…અહિં રહે કે દેશ રહે કોઈ ફરક પડતો નહોતો…! અહિં દીકરો સાથે હતો પરન્તુ પાસે નહોતો.. વહુ આગળ .દીકરાનું કંઈ ચાલતું નહોતું !! ને વહુનું મન કળવું એ અભિમન્યુનો આઠમો કોઠો જીતવા જેવું હતું!!

‘દીકરા..!! મારે દેશ જવું છે… !’ એક દિવસે ગંગાબાએ આકાશને કહ્યું, ‘અહિં આવ્યાને કેટલા વરસો થઈ ગયા..!!’

‘કેમ બા આવું કહે છે..?!’ આકાશ બોલ્યો.. ‘તું ત્યાં એકલી! એટલે દુ…..ર….! ત્યાં તું માંદી સાજી થાય તો તારી કાળજી કોણ રાખે… ? સારવાર કોણ કરે… ? અહિં તો તારી બધી જ સારવાર થઈ શકે…!!’

ગંગાબા અમેરિકન સિટીઝન થઈ ગયા હતા.. મેડીકેર – મેડીકેઇડ હતું એટલે કોઈ ફિકર નહોતી ગંગાબાની માંદગીની…સારવારની….!! વળી વાસ્તવમાં ગંગાબાએ પોતાની તંદુરસ્તી જાળવી હતી… નિયમિત જીવન, સાદી રહેણીકરણી અને સંતોષી જીવને કારણે માંદગીને અને ગંગાબાને જોજનોનું અંતર રહેતું હતું…ક્યારેક શરદી-ઉધરસ થઈ આવતા તો ગંગાબા ઉપવાસ કરી નાંખતા… મસાલાવાળી ચા પીતા અને બે-ત્રણ દિવસમાં તો પાછા સારા સાજા સમા થઈ જતા. ગંગાબાને સારવારની જરૂર પડતી નહોતી….

સારવારને હું શું કરું? મારે તો પ્યાર જોઇએ…તમારો પ્યાર… !!

પણ ગંગાબા કંઈ જ બોલી ન શક્યા.. અને પ્યાર ક્યાં માંગવાથી મળે છે કોઈને…?

ગંગાબા ગુંગળતા હતા. ફક્ત વિશાલ વાતો કરતો રહેતો…સ્કૂલની…ટીવીની…હેરી પૉટરની…સ્પાઇડરમેનની…બેઝબોલની…એના ફ્રેન્ડસની…અને ક્યારેક છોકરીઓની પણ……ગંગાબાને જાણે જીવવાનું એક કારણ હતો વિશાલ. એમનો એકનો એક પૌત્ર….પ્યારો પૌત્ર…!! સ્કૂલેથી આવીને વિશાલ સીધો ગંગાબાને જ શોધતો…એની મોમ અમી સાથે તો એ બહુ ઓછી વાતો કરતો…અને અમી પાસે પણ ક્યાં સમય હતો વિશાલ માટે ?!

આકાશે લિકર સ્ટોર ખરીદ્યો…એટલે નોકરી પછી એ સીધો લિકર સ્ટોર પર જતો… ક્યારેક તો રાત્રે અગિયાર વાગ્યે એ ઘરે આવતો…ત્યારે સહુ તો પોઢી ગયા હોય…ફક્ત ગંગાબા જાગતા હોય…એ આકાશને પ્રેમથી જમાડતા…ગમે તો ય એમનું લોહી હતો આકાશ!! સાચું જ કહ્યું છે ને કે, છોરું કછોરું થાય માવતર કંઈ કમાવતર થાય…?!!

* * * * * * * *

‘જો આકાશ આઇ ગોટ વર્ક ફોર યોર મોમ..!! આમ પણ એને હવે ઘરે આઆ…ખ્ખો…દિવસ કંઈ કરવાનું રહેતું નથી !! બસ વિશાલને લાડકો કર્યા રાખે છે…!!’ અમીએ એક ઠંડી રાત્રિ આકાશના પડખામાં ભરાતા કહ્યું. અને પછી એના હોઠો પર એક ચુંબન કર્યું. અમીને બધા જ શસ્ત્રો સજાવતા આવડતું હતું…અજમાવતા આવડતું હતું….

‘આઇ ડીડ નોટ અંડરસ્ટેન્ડ!! બા માટે કામ…?!’ આકાશે અમીને આઘોષમાં લેતાં કહ્યું, ‘ડીડ યુ થિંક અબાઊટ હર એઇજ….?? શી ઇસ મોર ધેન સિકસ્ટી સિક્સ…!!’

‘સો વ્હોટ….?? શી ઇસ હેલ્ધી..વેરી હેલ્ધી.!!’

‘લિસન ડાર્લિંગ…!! ઈટ વીલ લુક બેડ…!!!’

પણ એમ શાની માને અમી ??

એક સાંજે અમી સાથે એક યુવતી આવી ગીતા મેનન !! ગીતા અમી સાથે જ કામ કરતી હતી…! એની મૅનેજર હતી.

‘જુઓ, આ છે ગીતા….’ અમીએ ગંગાબાને ગીતાની ઓળખાણ કરાવતા કહ્યું, ‘ગીતા મારી સાથે જ કામ કરે છે….’

‘હલ્લો…!!’ ગીતાએ ગંગાબા તરફ નિહાળી કહ્યું…ગંગાબાએ ગીતાને નમસ્કાર કર્યા ને પછી પોતાના રૂમમાં જતાં રહ્યા.

‘વીલ ડુ!!’ ગીતાએ અમી તરફ જોઇ હસીને કહ્યું, ‘હું કાલે સાંજે આવીશ…ગેટ હર રેડી…આઇ વીલ પે યુ થ્રી હંડ્રેડ ડોલર પર વીક !!’

‘ડોંટ વરી!! શી વીલ બી રેડી!!’ રાજી થતાં અમી બોલી, ‘બટ વિક એન્ડમાં તો તારે એને મારા ઘરે ડ્રૉપ કરવા પડશે….ડ્રૉપ હર ફ્રાઇડે ઇવનિંગ અને સન્ડે ઇવનિંગ પીક હર અપ…!! વીક એન્ડ ફોર મી…!!’

‘ડી…લ….!?’

ગીતા મેનનને ત્રણ મહિનાની પુત્રી હતી..એની બેબી-સિટર દેશ જતી રહી હતી અને એટલે એને તકલીફ પડતી હતી છોકરી સાચવવા માટે!! ગીતાનો પતિ ડૉક્ટર હતો. પુત્રી માટે બેબી-સિટરની એને તાતી જરૂરિયાત હતી..એણે અમીને વાત કરી. અ…..ને અમીને તો ઘર બેઠાં ગંગા મળી ગઈ ગંગાબા માટે…!! ગંગાબાને પૂછવાની જરૂર પણ ન લાગી અમીને… અમીએ ત્રણ જોડી કપડાં ભરી ગંગાબાની નાનકડી બેગ પણ તૈયાર કરી દીધી.

‘જુઓ…, ગીતાને જરૂર છે તમારી…! આમ પણ તમે જ કહો છો કે, તમને એકલા એકલા ગમતું નથી…ગીતાની છોકરી પણ સચવાશે અને તમારો સમય પણ સારી રીતે પસાર થશે… વળી ગીતાનો હસબન્ડ ડૉક્ટર છે.. એટલે માંદે-સાજે તમને કામ આવશે…!!’

‘પણ અહિં વિશાલ ….??’

‘વિશાલ તો હવે મો…ટ્ટો થઈ ગયો છે…!! આવતા મહિને તો એનું હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન પણ છે. પછી તો એ બહાર ભણવા જવાનો છે… લોયરનું…વકીલનું વોશિંગ્ટન ડીસી…હાર્વર્ડમાં..મોટી યુનિવર્સિટીમાં..!! તમે એને લેલે-પોપો કરીને બહુ લાડકો કરી દીધો છે…!!’ અમી પાસે દરેક પ્રશ્નોના ઉત્તરો હતા…

– હું ક્યાં તમને નડું છું…?! ક્યાં તમને ભારી પડુ છું…?! રાંધુ છું… ઘર સાફ કરૂં છું…લોન્ડ્રી કરું છું…!!! પણ ગંગાબા કંઈ જ બોલી ન શક્યા…સહેજ વિચારી ધીમેથી ઊંડો શ્વાસ લઈ એ બોલ્યા, ‘આકાશને પૂછ્યું….?!’

‘એમાં આકાશને શું પૂછવાનું !?’ સહેજ ચિઢાયને…ક્રુદ્ધ થઈને અમી બોલી, ‘એમાં આકાશને શો વાંધો હોવાનો….?? અને…ગીતા દરેક વિક એન્ડમાં તો તમને મૂકી જ જવાની છે અહિં…!!’

– તારી ઘરે કામ કરવા માટે..ગંગાબાએ નિસાસો નાંખ્યો : કામવાળી છું…!! તમારા બધાની..!! ગંગાબા કંઈ બોલી ન શક્યા…બોલવાનો કંઈ અર્થ પણ ક્યાં હતો..?? ગંગાબાને રડવાનું મન થઈ આવ્યું…

સાંજે જ્યારે વિશાલ સ્કૂલેથી આવ્યો ત્યારે વિશાલને ભેટી ગંગાબા ખૂબ જ રડ્યા…

‘વોટ હેપન્ડ બા…?’ વિશાલે ગંગાબાને પાણી આપતાં કહ્યું…

‘કંઈ નહિ બેટા..!! તું તારા મા-બાપ જેવો ન થઈ જતો….!!’ ગંગાબા બબડીને રહી ગયા.

‘આઈ પ્રૉમિસ યુ બા!’ વિશાલને કંઈ સમજ ન પડી. બાને આમ રડતા એણે પહેલી વાર જોઈ એથી એના તરૂણ માનસમાં જાત જાતના સવાલો ઊઠીને સમી જતા હતા : ધેર મસ્ટ બી સમથિંગ વીચ હર્ટ બા વેરી મચ…એન્ડ મોમ-ડેડ આર રિસ્પોન્સીબલ ફોર હર ટીયર..!! એણે ગંગાબાને પાછું પૂછ્યું, ‘ટેલ મી બા!! મને ન કહે, શું થયું…??’

‘કંઈ નહિ બેટા. ચાલ, ચા-પુરી ખાય લે…!!’ ગંગાબાએ પોતાના આંસું આંખમાં જ થીજાવી દીધા. વિશાલને ટોસ્ટ-બ્રેડ કરતાં પુરી વધારે ભાવતી…પિઝા કરતાં ખાખરા સારા લાગતા..ડોનટ કરતા જલેબી વધારે પસંદ પડતી…ને મોમ કરતા બા વધારે વહાલી લાગતી…

ગીતા મેનન આવીને ગંગાબાને લઈ ગઇ…ગંગાબાને આંસું પીવાની ટેવ હતી વરસોથી: જાણે હજુ ય કેટલા આંસું મને પિવડાવવાનો છે તું મારા પ્રભુ….!!! ગંગાબાએ એમના ગિરધર ગોપાલાને મનોમન યાદ કર્યો…જાણે એ પણ હવે તો બહેરો થઈ ગયો લાગે છે…!!

પછી તો ઘટમાળ ચાલુ થઈ ….

ગીતા-અમી…અમી-ગીતા… !!

હવે તો દર શનિવારે મંદિરે જવાનું પણ બંધ થઈ ગયું…ચાર પાંચ ચહેરા જ જોવા મળતા એમને…ગીતાની છોકરી મોટી થવા લાગી…ગંગાબાના નિર્મળ પ્રેમના સિંચનથી…પ્રેમનું ઝરણું કદી ક્યાં સુકાય છે…?! એ તો વહેતું જ રહે છે…એક દિલથી બીજા દિલ તરફ…એક અવિરત પ્રવાહ જેમાં આ દુનિયા હજુ ય તરી રહી છે…અને ટકી રહી છે…!!

વિકએન્ડમાં ગંગાબા ઘરે આવતા…એમના દીકરાના ઘરે…આખા વિકનું રાંધતા…અમી બધું ફ્રોઝન કરી દેતી… નાસ્તો બનાવી જતાં…આખા ઘરમાં વેક્યૂમ કરતાં…લોન્ડ્રી કરી જતાં…કપડાં ઘડી કરી સહુ-સૌના ક્લોઝેટમાં ગોઠવી જતાં…બાથરૂમો સાફ કરી જતાં…સિઝન સારી હોય ને તો વળી બાગકામ પણ કરી જતાં… વિકએન્ડમાં ઊલટું વધારે કામ કરવું પડતું…થાકીને લોથ-પોથ થઈ જતા…આકાશના ઘરે આવતા તોય એમનું દિલ ન લાગતું…વિશાલની ખોટ બહુ લાગતી…વિશાલ તો પહોંચી ગયો હતો… વોશિંગ્ટન ડીસી…હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે વકીલાતનું ભણવા…વકીલ બનવા… ભણવામાં તો એ પહેલેથી જ હોશિયાર હતો…એને ફેડરલ એઇડસમાંથી સ્કૉલરશિપ પણ મળી હતી… વિકમાં બે-ત્રણ વાર એ ગીતા મેનનની ઘરે ફોન કરી ગંગાબા સાથે લાંબી લાંબી વાતો કરતો ત્યારે ગંગાબાને પોતે જીવતાં હોય એમ લાગતું બાકી તો એઓ શ્વાસ-ઉચ્છવાસના સરવાળા બાદબાકી જ કરતા હતાને…!!

વિશાલ હવે તો વકીલ થઈ પણ થઈ ગયો હતો…એનું સ્ટેટનું વકીલાતનું લાયસંસ પણ આવી ગયું હતું…બહુ જ ખુશ હતો એ….એની ખુશી એ હંમેશ ગંગાબા સાથે વહેંચતો…માણતો…!! એની સાથે એના એપાર્ટમેન્ટ પર  હવે તો કોઈ છોકરી પણ રહેતી હતી…જાનકી…!! આમ તો એનું નામ જુલિયા હતું…પણ વિશાલ એને જાનકી જ કહેતો…!! જાનકી વિશાલ સાથે જ ભણતી હતી…મા-બાપ વિના ઊછરી હતી એ…!! જાનકીની વાત એણે કોઈને પણ કરી નહોતી…ફક્ત ગંગાબાને જ કરી હતી…એ વોશિંગ્ટન જ રહેતો… ભાગ્યે જ અહિં એડિસન, ન્યુ જર્સી આવતો… એના મોમ-ડેડ આકાશ-અમી સાથે જરાય ફાવતું નહોતું… ખાસ સંબંધો પણ નહોતા રહ્યા… સંબંધ જો રહ્યો હતો તો એક માત્ર ગંગાબા સાથે…!!

* * * * * * * *

પોલીસે તપાસ શરૂ કરી ગંગાબાની…!!

કોઈ પણ એરપોર્ટ પરથી કોઈ પણ એર-લાઇનમાં એઓ ચેક-ઇન થયા નહોતા…હોસ્પિટલોમાં પણ એમનાં જેવું કોઈ નહોતું…ક્યાં કોઈ ડેડ-બોડી પણ મળી નહોતી… આકાશ – અમીની મૂંઝવણનો કોઈ પાર નહોતો… સહુ સગા-વહાલાને ત્યાં પણ એઓએ સીધી આડકતરી રીતે તપાસ કરી….પરિણામ શૂન્ય…!!

શું થયું હશે…?? એક અઠવાડિયું પસાર થઈ ગયું!!!

ચિંત્તાતુર આકાશ ઘરે આવ્યો…મેઇલ બોક્ષમાંથી મેઇલ લીધી…આકાશ અમીના નામે સર્ટિફાઇડ મેઇલ હતી…જે એઓની સહી વિના ડિલીવર ન થાય એટલે મેઇલ મેન-ટપાલી નિયમાનુસાર પિન્ક સ્લિપ મૂકી ગયો હતો મેઇલ બોક્ષમાં…!! આકાશ પોષ્ટઓફિસ પર જઈ સહી કરી સર્ટિફાઇડ મેઇલ લઈ આવ્યો…

ઘરે આવી આકાશે એ પત્ર ખોલ્યો…

હક્કો-બક્કો જ રહી ગયો આકાશ…!!

માથે હાથ ધરી એ સોફા પર ફસડાય પડ્યો…સહેજ ચક્કર જેવા આવી ગયા એને….!!!

લોયરની નોટિસ હતી એ….!!

એટર્ની એટ લૉ….વિશાલ અમીનની…!! વિશાલ અમીનના લેટર હેડ પર…!! પોતાના વકીલ પુત્ર.ના લેટર હેડ પર…!!

– નોટિસ ઇન ફેવર ઑફ ગંગાબા..!! ઇન ફેવર ઑફ ગંગા હરકિશન અમીન….!!!

– ટેન મિલિયન ડોલરનો સ્યુ કર્યો હતો….!!

– દાવો માંડ્યો હતો ગંગાબાએ એમના પુત્ર આકાશ અમીન પર….!! પુત્રવધૂ અમી અમીન પર…..!! વકીલ પૌત્ર વિશાલ અમીન મારફતે….!!

– ટેન મિલિયન ડોલર……!!

-પચ્ચીસ–છવ્વીસ વરસથી ગંગાબાએ કરેલ સેવાઓ માટે….રસોઈ…હાઉસકિપીંગ…હાઉસ ક્લિનીંગ…લોન્ડ્રી….કુકિંગ….અબાઉઓલ બેબી-સિટીંગ ઑફ ગ્રાન્ડ સન…!!

વિશાલે ગંગાબાનો હાથ પકડ્યો હતો કે, જે હાથે એને ચાલતા શિખવાડ્યું હતું…! જે હાથ એના વાળમાં વહાલથી ફર્યો હતો….! જે હાથે એનાં આસુંઓને પ્રેમથી લૂંછ્યા હતા…! જે હાથે આંગળી પકડી એને લખતાં શિખવાડ્યું હતું…! જેના હાથોમાં એની દુનિયા હતી…! એનું સુનહરું બાળપણ પસાર થયું હતું…! જે હાથમાં હેતની અમીટ રેખાઓ હતી જે કદી કોઇએ જોઇ નહોતી.. એ જોઇ હતી વિશાલે…લાગણીઓનો મહાસાગર હતો જેના હૈયામાં એની જ લાગણીઓ સાથે ખિલવાડ થયો હતો… એમના જ એકના એક પુત્ર-પુત્રવધૂ મારફત….

– ટેન મિલિયન ડોલર……!!

નોટિસમાં સુસ્પષ્ટ હતું…એટર્ની વિશાલ પાસે પળેપળનો હિસાબ હતો : ગંગાબાના હેતની સાથે થયેલ રમતનો…વહાલની સાથે થયેલ છળકપટનો….મોરલ એબ્યુસિંગનો…લાગણી સાથે થયેલ ક્રૂર વહેવારનો… વર્તણૂકનો….!! ગંગાબાએ આપેલ પ્રેમનો….ગંગાબાના માતૃત્વનો….મમતાનો….!!

ગંગાબા વિશાલ સાથે હતા…જાનકી સાથે હતા..

આજે આકાશ-અમીએ બાની સાથે સાથે પુત્ર પણ ખોયો હતો….!!

(સમાપ્ત)

(કુલ શબ્દોઃ ૩૧૦૩)
______________________________________________________________________________________________________________________________________________

‘ગંગાબા’ વાર્તાના પીડીએફ ફોરમેટ માટે
અહિં ક્લિક કરો.
આપના કમ્પ્યુટર પર સાચવો, પ્રિન્ટ કરો, મિત્રોને મોકલો.