‘થેન્ક યુ ડૉક્ટર…’

(સહુ પ્રથમ તો હર્ષના એક સમાચાર!
મારી વાર્તા ‘પિતૃકૃપા’ જાન્યુઆરી ૨૦૧૦ના ખ્યાતનામ ગુજરાતી માસિક ‘અખંડ આનંદ’માં પ્રકાશિત થઈ છે. મને આ માહિતી પહોંચાડનાર અને ‘અખંડ આનંદ’માંથી કાળજીપુર્વક એને સ્કેન કરી મને મોકલવા માટે સાહિત્યપ્રેમી માનનિય નવિનભાઈ મોદીનો હું હાર્દિક આભારી છું.

‘ગંગાબા’, ‘સરપ્રાઈઝ’ બાદ મારી આ ત્રીજી વાર્તા  ‘અખંડ આનંદ’માં પ્રકાશિત થઈ એ આપણા સહુ માટે ગૌરવની વાત છે.

હવે માણો મારી સાવ નવિન વાર્તા થેન્ક યુ ડૉક્ટર… પ્રથમવાર મારા બ્લોગ પર…! આપના પ્રતિભાવ/કોમેન્ટ/સલાહ સુચન/અભિપ્રેરણાની અપેક્ષા સેવું છું.)

‘થેન્ક યુ ડૉક્ટર…’

ડો. મમતા દેસાઈએ વેનેશિયન બ્લાઈન્ડસ્ સહેજ ખસેડી બારીની બહાર નજર કરી. પીંજારો જાણે આકાશમાં બેસી રૂ પીંજી રહ્યો હોય એમ આકાશમાંથી પીંજાયેલ રૂ જેવો સ્નો સતત વરસી રહ્યો હતો. સેન્ટ મેરી હોસ્પિટલના ચોથા માળેથી ડો. મમતાએ પાર્કિંગ લોટમાં એક નજર કરી. સફેદ ચાદર છવાય ગઈ હતી એ લોટમાં પાર્ક કરેલ દરેક કાર પર, સડક પર…બસ સફેદીનું સામ્રાજ્ય…!!

-આ વરસે વિન્ટર બહુ આકારો જવાનો…! ડો. મમતાએ વિચાર્યું: હજુ તો જાન્યુઆરીની શરૂઆત જ થઈ ને આ સ્નો…!? આટલો સ્નો…!? પહેલાં જ બ્લિઝાર્ડમાં ત્રીસ વરસનો રેકર્ડ તૂટી જવાનો. મોટા ભાગના રસ્તાઓ બંધ થઈ ગયા હતા. એરપોર્ટ તો બંધ જ હતા.  ગવર્નર કોર્ઝાઈને સ્ટેટ ઑફ ઇમર્જન્સી ડિક્લેર કરી દીધી હતી. હજુ બીજા બારેક કલાક સુધી આવી જ પરિસ્થિતિ રહેવાની હતી.

વાઈબ્રેટર પર મૂકેલ એનો સેલ ફોન સહેજ ધ્રૂજ્યો. ડો. મમતાએ સ્ક્રીન પર નજર કરી.

-આઇ ન્યુ ઈટ…બબડી એમણે ફોનમાં કહ્યું, ‘આઈ ન્યુ ઈટ…!!’ સામે એને રિલિવ કરવા આવનાર ડો. રિબેકા હતી,  ‘હે…ડોક!! વ્હોટ કેન આઈ ડુ? આઈ એમ સોરી ડિયર! ધ રોડસ્‌ આર ક્લોઝ્ડ…!’ રિબેકા ફિલાડેલ્ફીયાથી આવતી હતી. સ્નોને કારણે આજે એ પણ આવી શકવાની નહોતી.

-ઓહ ગોડ…! હવે આજે પણ ડબલ શિફ્ટ કરવી પડશે! અઠ્ઠાવીસ વરસની ડો. મમતા સેન્ટ મેરી હોસ્પિટલમાં ગાયનેક તરીકે સેવા બજાવતી હતી. આ હોસ્પિટલમાં જ એણે રેસિડન્સી કરી હતી અને ગ્રેજ્યુએશન બાદ આસિસ્ટન્ટ ગાયનેક તરીકે નોકરી મળતા એમણે એ તક લઈ લીધી હતી. આજે હોસ્પિટલમાં અન્ય સ્ટાફની સંખ્યા પણ ઓછી હતી. ગાયનેક વૉર્ડમાં પણ એક જ નર્સ આવી હતી. એ તો સારું હતું કે આજે કોઈ ખાસ ઇમર્જન્સી ઊભી થઈ નહોતી. એના રૂમમાંથી બહાર આવી વૉર્ડમાં એણે એક આંટો માર્યો. આજે ત્રણ ડિલિવરી થઈ હતી અને કોઈ કોમ્પલિકેશન ઉભા થયા નહોતા. ત્રણમાંથી એક સિંગલ મધર હતી! એના બોયફ્રેન્ડે એને દગો દીધો હતો.

-આ અમેરિકન કલ્ચર પણ ખરું છે…!! કુંવારી માતાઓની તો કોઈ જ નવાઈ નથી રહી અહિં. આજ સુધીમાં એવા તો કેટલાય કેસ એણે જોયા.!

-જોજે, આ દેશનું આર્થિક દેવાળું તો ફૂંકાય ગયું છે એક દિવસ અહિં લાગણીઓનું પણ લિલામ થઈ જશે. લાગણીઓની, માયાની, ફિલીંગ્સની અહિં કોઈ કિંમત રહેશે નહિ. ડો. મમતાને એના પિતા મહેશભાઈના શબ્દો યાદ આવી ગયા.

-લેટ્સ ટોક ટુ ડેડ વિચારી કાંડા ઘડિયાળમાં નજર કરી એમણે ફોન જોડ્યો, ‘હાઈ ડેડ…! વ્હોટ યુ ડુઈંગ…?’

‘હાઈ સની…!!’ એના પિતા એને સની કહીને જ બોલાવતા..મમતા એમનું એકનું એક સંતાન હતી. હસીને એમણે મમતાને પૂછ્યું, ‘ગૅસ…!!વોટ એમ આઈ ડુંઈગ?’

‘ડ્રિન્કીગ ટી??’ મમતાએ ધાર્યું.

‘રોંગ…!!’ હસીને મહેશભાઈએ કહ્યું, ‘આઈ એમ સોવલિંગ ધ સ્નો…! સફેદ કાદવ સાફ કરૂં છું!’ મહેશભાઈ સ્નોને સફેદ કાદવ કહેતા, ‘ગોરિયાઓના દેશમાં કાદવ પણ સફેદ જ હોયને…!!’

‘ડેડ…!! આજે મારે સ્ટ્રેઇટ ડબલ કરવી પડશે…! પેલી ડો. રિબેકાનો ફોન આવ્યો હતો.’

‘ધેટ્સ લાઇફ…સની…અમેરિકન લાઇફ…!’ હસીને એઓ બોલ્યા, ‘આમ પણ આજે તને ડ્રાઈવ કરી ત્યાં ક્લિફ્ટનથી એડિસન આવવામાં પણ ચાર-પાંચ કલાક તો થઈ જતે. પાર્કવે પર જ  ચાર એક્સિડંટ થયેલ છે. ઓલમૉસ્ટ બંધ છે. તું તો સવારે સવારે નીકળી ગયેલ એટલે સારું, બાકી હવે તો ડ્રાઈવ કરવું બહુ જ રિસ્કી છે. યુ ટેઈક ઈટ ઈઝી..! બ્રેક લેજે…! ડિડ યુ ઈટ સમથિંગ…?’

‘આઈ વિલ…ડેડ…!’ હસીને મમતા બોલી, ‘મોમ તો આજે તમારા ફેવરિટ કાંદાના ભજિયા ખવડાવશે તમને બરાબરને?!’

‘અફકોર્સ…! યુ ગોના મિસ ધ ભજિયા…!’ હસીને મહેશભાઈએ કહ્યું.

‘ડેડ…! ડુ નોટ સોવલ ટુ મચ…! ટેઇક અ બ્રેક…!’

‘ઓ..કે ડૉક્ટર…! યુ ઓલ્સો ટેઇક રેસ્ટ. આઈ લવ યુ સની…!!’

‘મી ટુ…! ડેડ ટેઇક કેર…!’ કહી મમતાએ ફોન ડિસકનેક્ટ કર્યો. રૂમમાંથી બહાર આવી સેન્ટ્રલ નર્સિંગ સેન્ટર પર આવી જોયું તો નર્સ માર્થા ડેસ્ક પર માથું રાખી આંખો બંધ કરી આરામ કરી રહી હતી. એ નિહાળી એના હોઠો મરકી ગયા. માર્થા કાબેલ નર્સ હતી. એણે પણ આજે સ્ટ્રેઇટ બીજી શિફ્ટ કરવી પડીઃ બિચારી માર્થા!! આખા વૉર્ડમાં આજે એઓ બે જ જણ હતા અને આ કોડ યલો ઇમર્જન્સી…!

‘માર્થા…!’ મમતાએ પ્રેમથી માર્થાના કપાળ પર હાથ ફેરવ્યો.

‘સો…રી…ડૉક્ટર…!’ જરા ઝબકીને માર્થા બોલી. પચાસેક વરસની માર્થા અનુભવી નર્સ હતી. સવારથી એ એક જ વૉર્ડમાં દોડધામ કરતી રહી હતી. ઘડાયેલ હતી. પરિસ્થિતિને સમજતી હતી.

‘એવરીથિંગ ઇસ ઓકે…! યુ રિલેક્સ…!’ માર્થાની સામે ખુરશી પર ગોઠવાતા મમતા બોલી.

‘ડોક…! ધિસ બ્લિઝાર્ડ ઈસ વેરી વર્સ્ટ…!’ કહીને માર્થા ઊભી થઈ, ‘આઇ વિલ ટેઇક અ રાઉન્ડ. જસ્ટ ચેક અપ…! ફોરઓટુ વોઝ કમ્પ્લેઇનિંગ ફોર પેઇન…! આઇ હેવ ગિવન હર ટાઈલૅનોલ.’

‘પ્લીઝ, લેટ મિ નો એનિથિંગ રોંગ.’

‘યા…’

ડો. મમતાએ કેસ પેપરોનું ક્લિપ બોર્ડ હાથમાં લઈ વિગતો જોવા માંડી. ફોરઓટુને એક દિવસ પહેલાં જ સી-સેક્સન કરેલ અને એને થોડું ઇનફેક્સન થયેલ હતું ને સહેજ ટેમ્પરેચર રહેતું હતું. એન્ટિબાયોટિક્સ્ ચાલુ જ હતી. એનું બાળક પણ સહેજ અન્ડરવેઇટ હતું. આમે ય સ્પેનિશ વિમન કમ્પ્લેઇન કરવામાં કાબેલ હોય છે! જરાય સહનશક્તિ નથી હોતી એઓમાં!!

રાત્રિના સાડા નવ થવા આવ્યા હતા. એક પાવર નૅપ લેવાનો વિચાર આવીને સમી ગયો ડો. મમતાના મનમાં. કોફી મશીન પાસે જઈ ડાર્ક-સ્ટ્રોંગ કોફીના બે ગ્લાસ બનાવ્યા. એક ઘૂંટ લઈ બીજો ગ્લાસ માર્થાને આપ્યો.

‘થેન્ક્સ…!’

‘યુ વેલકમ…’ સ્મિત કરી મમતાએ માર્થાને પૂછ્યું, ‘તારી ડૉટર કેમ છે?’

‘શિ ઇસ ફાઇન…! હવે તો એના ક્લિનિકલ્સના લેક્ચર શરૂ થઈ ગયા, ‘શી વોન્ટ ટુ બી એ વિઝિટિંગ નર્સ.’

‘ધેટ્સ ગ્રેઇટ…!’ એટલામાં જ ઇન્ટરકોમની રિંગ વાગતા મમતાએ રિસીવર ઊંચકી કહ્યું, ‘ડો. મમતા હિયર…!

‘…………….’ રિસીવર ક્રૅડલ પર મૂકી મમતાએ ઊંડો શ્વાસ લઈ માર્થાને કહ્યું, ‘ગેટ રેડી…! વિ આર ગેટિંગ પેશન્ટ. ઇમર્જન્સીમાંથી કોલ હતો. કોઈ ડ્રગિસ્ટ લેડી અન્ડર ઇન્ફ્લુઅન્સ છે. બટ શી ઇસ ઓલ્સો કેરિંગ એન્ડ મે બી ડિલીવર એનીટાઇમ એટલે અહિં ટ્રાન્સ્ફર કરે છે. વેરી ઑકવર્ડ કેઇસ…!’

લિફ્ટ ચોથા માળે આવીને અટકી. અંદરથી હોસ્પિટલ બેડ બહાર સરકાવતો વોર્ડબોય બહાર આવ્યો. એણે માર્થાને પૂછ્યું, ‘વ્હેર ડુ યુ વોન્ટ?’

‘પુટ હર ઈન ઍક્ઝામિનેશન રૂમ!’ માર્થાએ વોર્ડબોયને બેડ ખસેડવામાં મદદ કરતા સહેજ મ્હોં મચકોડી કહ્યું, ‘હાઉ ડીડ શી ગેટ ઇન?’

‘કોપ…! પોલીસ બ્રોટ હર…’

ડો. મમતા ઍક્ઝામિનેશન રૂમમાં દાખલ થઈ. પેશન્ટ પર નજર પડતા જ એ ચમકી. પોતાના હાવભાવ ત્વરિત કાબુ મેળવી એણે પેલી સ્ત્રીના ધબકારા સાંભળવા સ્ટેથોસ્કૉપ એની ઊંચી નીચી થતી છાતી પર મૂકી ધબકારા ગણવાની શરૂઆત કરી. ધબકારા બહુ અનિયમિત હતા. ચિંતાની એક લકીર મમતાના કપાળ પર ખેંચાય ગઈ, ‘ચેક ધ પ્રેશર…!’ એ જરા મોટા અવાજે બોલી. માર્થાએ પ્રેશર માપવા માંડ્યું.

મમતાએ સ્ત્રીના ઊપસેલ પેટ પર સ્ટેથોસ્કૉપ મૂકી અંદર રહેલ બાળકના ધબકારા સાંભળ્યા. એ સાંભળી એને થોડી રાહત થઈ.

‘લિવ મી અલોન…!’ ડ્રગ્ઝના ઓવરડોઝના નશા હેઠળ પેલી સ્ત્રી ગમેતેમ લવારા કરતી હતી. એના હાથ પગ પછાડતી હતી. એનાં મ્હોંમાંથી લાળના રેલા એના ગાલ પર રેલાતા હતા…! એનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો હતો. હોઠો ફાટી ગયા હતા અને એના પર લોહીના ટસિયા ફૂટી નીકળ્યા હતા.

‘કામિની…પ્લિસ…બિહેવ…!’ પેલી સ્ત્રીના ગાલ થપથપાવતા ડો. મમતાએ મોટેથી કહ્યું, ‘કામિની…! યુ આર ઇન ધ હોસ્પિટલ…! યુ આર સેઈફ…!’

‘ડુ યુ નો હર…?!’ માર્થાને નવાઈ લાગી.

‘યસ…! આઈ નો હર…વેરી વેલ…! શી ઇસ કામિની…! વન્સ અપોન અ ટાઈમ શી વોઝ માય ફ્રૅન્ડ…’ જાણે ભૂતકાળમાં નિહાળી બોલતી હોય એમ ડો. મમતા બોલી, ‘માય ક્લોઝ ફ્રૅન્ડ…!’

આવી વિષમ કટોકટીમાં પણ વરસો પહેલાની વાત ડો. મમતાને યાદ આવી ગઈ. ત્યારે એ અને કામિની હાઈસ્કૂલમાં સિનિયર યરમાં હતા. ગોરિયા મિત્રો કામિનીને કમીની કહી બોલાવતા એટલે ખીજવવા મમતા પણ એને ક્યારેક કમીની કહેતી! બન્ને વચ્ચે ભારે બહેનપણાં…! ને એક દિવસ મમતા ચોંકી ગઈ હતી કામિનીને નિહાળીને…! એ સિગારેટ પી રહી હતી. એડિસન હાઈસ્કૂલની નજદીક એક સ્ટ્રીટ હતી. ત્યાં સ્કૂલના સમય દરમ્યાન અને ક્યારેક સમય બાદ તોફાની,માથાફરેલ વિદ્યાર્થીઓ ભેગાં થતા એ ટોળામાં કામિનીને સિગારેટ ફૂંકતી જોઈ મમતાને આઘાત લાગ્યો હતો.

‘કામિની… વ્હોટ યુ ડુઇન??’ મમતાએ કામિનીને સમજાવતા કહ્યું, ‘વિ આર હિયર ફ્રોમ ઇન્ડિયા નોટ ટુ સ્મોક સિગારેટ…! વિ આર ઇન્ડિયન…!’

‘સો…વ્હોટ રોન્ગ ઇન સ્મોકિંગ…? ઈટ ઇસ રિલેક્સિંગ…! ઇટ ઇસ કુલ…!’

‘યુ ફુલ…!’ ગુસ્સે થઈ જતા મમતા બોલી, ‘ઇટ ઇસ નોટ કુલ…! કા..મિ..ની..!!કામિની.., પ્લીઝ, તું સમજવાની કોશિશ કર. તારી સામે ઉજ્જ્વળ ભવિષ્ય છે. યુ આર ગુડ ઇન સ્કૂલ!’

‘આઇ નો.. !’ હસીને કામિની બોલી, ‘બટ નોબડી લવ્ઝ મી!’ સહેજ અચકાયને એ બોલી, ‘ યુ નો. માય પૅરન્ટ હેઇટ્સ મી.. ! ધે વોન્ટેડ અ સન.. એન્ડ આઇ બોર્ન- એ ગર્લ!’ એની આંખો સહેજ ભીની થઈ આવી, ‘મારા માટે ઘરમાં કોઈ સ્થાન નથી. માય ડેડ…..’અટકીને એણે એક ધ્રૂસકું મૂક્યું.

‘ઓ… ડિયર .. !’ મમતાએ એના આંસું લૂંછતા કહ્યું, ‘તારે એ પુરવાર કરવાનું છે કે તું છોકરી થઈ તો શું થયું? અહિં અમેરિકામાં સિકસ્ટી પરસન્ટ વુમન કામ કરે છે અને એઓ મેન કરતા વધુ કમાય છે. થર્ટી પરસ્ન્ટ વુમન આર મેકિંગ મોર મની ધેન મેન ઇન યુએસ. વુમન આર સ્માર્ટર ધેન મેન! તું જો આવું કરશે તો પછી એ કેમ ચાલે.. ? આવા ફ્રેન્ડસ‍ની ફ્રેન્ડશીપ છોડી દે તું…! એઓના જીવનનું કોઈ ધ્યેય હોતું નથી! તું હુંશિયાર છે. સ્માર્ટ છે. પ્લીઝ, ક્વિટ ધીસ ટાઈપ કમ્પની..!’

‘બટ ધેર પૅરન્ટ લવ્ઝ ઘેમ!’ કામિનીએ દલીલ કરી, ‘જ્યારે મારા પૅરન્ટ…’

દિવસે દિવસે કામિનીના મનમાં એના સગા મા-બાપ માટે તિરસ્કારના થોર પાંગરતા જ રહ્યા. ડોલર પાછળ દોડતા એના માબાપને દીકરીની લાગણીની ભૂખની સમજ ન પડી. એની મા બે વાર સગર્ભા થઈ પણ બન્ને વખતે ભ્રૂણ પરીક્ષણમાં દીકરીની ઓળખ થતા એમણે ગર્ભપાત કરાવી દીધો. કામિની સમજતી હતી. કામિનીએ જ્યારે એ જાણ્યું ત્યારે એ એના મા-બાપને ધિક્કારવા જ લાગી. એના માબાપની પુત્ર એષણાની તીવ્ર ઈચ્છાએ એકની એક પુત્રીને એક દિવસ ખોઇ દીધી. કામિનીના પપ્પાનો ફોન આવ્યો મમતા પર, ‘કામિની ક્યાં છે?! ગઈ કાલે એ ઘરે નથી આવી! અમે બધે તપાસ કરી..કદાચ તને કંઈક જાણ હોય તો…!’

મમતા અવાક્‍ થઈ ગઈ. એને કંઈ જાણ નહોતી. એને અંદર અંદર થતું હતું કે એક દિવસ કામિની ગૃહત્યાગ કરશે જ. પણ આટલું જલદી કરશે એવી એને આશા ન્હોતીઃ અરે! હમણાં હમણાં તો એ ખૂબ ખુશ રહેતી હતી! પણ એ ખુશી પાછળ એક તરસ છુપાઈ હતીઃ હૂંફની.. પ્રેમની.. પ્યારની પ્યાસ! મમતાએ એના મિત્રવર્તુળમાં તપાસ કરી. કામિનીએ મિડલસેક્સ કાઉન્ટી કૉલેજમાં ઍડ્મિશન લીધું હતું  જ્યારે મમતાએ રટગર્સ યુનિવર્સિટીમાં! એમ તો કામિનીએ પણ રટગર્સ યુનિવર્સિટીમાં જ ભણવું હતું પરતું એના પપ્પાએ રટગર્સની ફી ભરવા માટે પોતાની તૈયારી ન બતાવી અને કામિનીએ કાઉન્ટી કૉલેજમાં જવું પડ્યું! ત્યારે કામિનીએ કહ્યું, ‘યુ સી મમતા..ઈફ આઈ વોઝ ધેર સન.. આઇ કુલ્ડ ગેટ ઈન રટગર્સ..બટ આઈ એમ નોટ સન.. આઈ એમ ધેર ડેમ ડોટર..!!’

કેટલાય દિવસો સુધી કામિનીની કોઈ ભાળ ન મળી. મમતાએ એને ઘણી ઇમેઈલ પણ કરી. કદાચ, કોઈ જવાબ આપે…! પણ એનો કોઈ રિપ્લાઈ ન આવ્યો. લગભગ દોઢેક વરસ પછી સાવ અચાનક કામિની એક દિવસ મળી ગઈ એને ગાર્ડન સ્ટેટ મોલ પર. મોલના પ્રવેશદ્વાર પાસે એના કહેવાતા મિત્રો સાથે એ બેઠી હતી. એ સાવ બદલાય ગઈ હતી. લાલ રંગે એણે એના કેશ રંગ્યા હતા. હાથો પર ઘણા બધા છૂંદણા છૂંદાવ્યા હતા. કાનમાં જાત જાતના કુંડળો.. અને હાથમાં સિગારેટ..! પહેલાં તો મમતા એને ઓળખી જ ન શકી.

‘હાય… ! કામુ..ઊ..ઊ..!? કામિની…!?’મમતાએ એના આશ્ચર્યના ભાવો માંડ સંતાડતા કહ્યું, ‘આઈ ડીડ નોટ રેક્ગ્નાઈઝ યુ..! હાઉ યુ ડુઇન..?’

‘ઓ.. મમ્મુ..ઉ..ઊ..!! મ.મ..તા..!!’કામિની દોડીને મમતાને પ્રેમથી ભેટી પડી, ‘આ..ય..મ ફાઇન..! હાઉ એબાઉટ યુ? તારી સ્ટડી કેમ છે..?’

‘સરસ…! તું ક્યાં ગુમ થઈ ગયેલી?’

‘ઈટ્સ એ લોન્ગ સ્ટોરી…!’ સિગારેટનો છેલ્લો દમ મારી રસ્તા પર ફેંકી એના ઠૂંઠાને પગ વડે કચડતા એ બોલી, ‘વી વિલ સીટ ડાઉન સમ ડે..!’સિગારેટના એ ઠૂંઠાની સાથે જાણે એણે પોતાનો ગુસ્સો પણ કચડ્યો!

મમતા એના ભાવશૂન્ય ચહેરાને જોતી જ રહી. ક્યારેક ક્યારેક આમ જ એની ઊડતી મુલાકાત થઈ જતી કામિની સાથે. કામિનીના મા-બાપે પણ પોતાની પુત્રીના નામનું નાહી નાંખ્યું હતું. ક્યારેક ક્યારેક મમતાને એની યાદ આવી જતી. અને આજે એ કામિની એની સામે હોસ્પિટલના બેડ પર પડી હતી સાવ બેહાલ…! પ્રેગ્નન્ટ…! ટોક્સિકેટેડ..!!!

માર્થાએ મથીને કામિનીને હોસ્પિટલના પેશન્ટ માટેનો ગાઉન પહેરાવી દીધો હતો. એને ઓક્સિજન આપવાનું શરૂ કરી સેલાઈન ડ્રિપ ચાલુ કરી દીધી હતી. એણે બ્લડ સૅમ્પલ લેબમાં મોકલાવેલ તો રિપોર્ટ આવી ગયો એ એણે ડો. મમતાને આપ્યો.

‘હ. .. મ્મ્‍મ્‍મ!!’ કામિનીનો બ્લડ રિપોર્ટ જોતા મમતાના ભવાં તણાયા. હિમોગ્લોબિન ઘણું જ ઓછું હતું. એણે જે નશો કરેલ એના અંશો ઘણા વધારે પડતા હતા. જે ઘણા જ જોખમી હતા. ન જાણે નશા માટે એણે શું લીધું હશે?! એ કારણે એના બ્લડ પ્રેસરમાં ભારે ફેરફારો થઈ રહ્યા હતા. હ્રદયના ધબકારા પણ સાવ અનિયમિત હતા. એન્ટિડોટનો મોટો ડોઝ સલાઈન સાથે આપવા માટે એણે માર્થાને કહ્યું. મમતા એ બ્લડ રિપોર્ટ ફરી જોયો. એને એક મોટી રાહત એ થઈ કે કામિનીને એઇડ્સ નહોતો! આ વાતની એને નવાઈ પણ થઈ! અ..રે!! એસટીડી ટેસ્ટ પણ નીલ હતો! સ્ટેથોસ્કૉપથી એ સતત કામિનીના ધબકારા સાંભળી રહી હતી. મોનિટર પર એને જાણે વિશ્વાસ નહોતો કે પછી એ એની સખીથી અલગ થવા માંગતી નહોતી. જાણે કામિનીની હ્રદયની વાત સીધેસીધી સાંભળવી હતી એણે એના અનિયમિત ધબકતા હ્રદયમાંથી…!

સલાઈન સાથે દવા લોહીમાં ભળવાથી કે પછી કોઈ અન્ય કારણ હોય પણ કામિનીના ધમપછાડા ઓછા થઈ ગયા. ક્યારેક આંખો ખોલી એ ચકળવકળ જોતી અને થાકીને પાછી આંખો બંધ કરી જતી. મમતા કામિનીના માથા પાસે પલંગ પર બેસી એના કપાળ પર સ્નેહથી હાથ પસવારવા લાગી. કામિનીની હાલત નિહાળી એની આંખ ભીની થઈ ગઈ. કામિનીએ હળવેકથી આંખો ખોલી! એક અજીબ શૂન્યાવકાશ તરતો હતો એની ઊંડી ઊતરી ગયેલ આંખોમાં. અગમમાં નિહાળતા ધીરેથી હોઠ ફફડાવી એ બોલી, ‘આ…આ…ઇ ડોન્ટ વોન્ટ ટુ ડાઈ…!!’

એનો અવાજ એટલો ધીમો હતો કે શબ્દો પકડવામાં તકલીફ પડતી હતી.

‘એવરીથિંગ વીલ બી ઓકે…’ મમતાએ એની હથેળી થપથપાવતા કહ્યું.

માર્થા હોસ્પિટલની વિંગ્સમાં આંટો મારવા ગઈ.

‘કામુ…! કા…મિ…ની…!’ મમતાએ આંખ બંધ કરી ગયેલ કામિનીના કાનમાં ધીમેથી કહ્યું, ‘હું તારી ફ્રૅન્ડ. મમતા..! ડુ યુ રિમેમ્બર..? મમતા?’

સહેજ આંખો ખોલી કામિનીએ મમતા તરફ એક નજર કરી. એની અર્ધ ખૂલી આંખોનો નર્યો ખાલીપો મમતાને ડરાવી ગયો. કામિનીના હોઠો ફફડતા હતા. પણ એમાંથી અવાજ નીકળતો નહોતો. મમતાએ ચમચી વડે એને પાણી પાયું.

‘પપ્પા…!’ એક ઊંડો શ્વાસ લઈ કામિની બોલી, ‘આઈ લવ યુ… પ..પ્પા…!’

ચોંકી ગઈ મમતાઃ આ છોકરી એના પપ્પાને કેટલું ચાહતી હતી…કેટલું ચાહે છે? ઓ પ્રભુ…!

‘કામિની હુ ઈસ ફાધર ઑફ યોર ચાઈલ્ડ?’ સહેજ વિચારી મમતાએ પૂછ્યું, ‘તારા આ બાળકનો પિતા કોણ છે?’

સવાલ સાંભળી કામિની સહેજ છટપટી. એના શ્વાસોશ્વાસ થોડા તેજ થયા.

‘પ્લીઝ ટેલ મી…! મને કહે કોણ છે તારા આ બાળકનો પિતા?’ મમતાએ ફરી એને પૂછ્યું, ‘એ ક્યાં રહે છે?’

‘એ..એનું નામ ધરમેશ પટેલ છે…! ધરમ…!’ કામિની હાંફી ગઈ, ‘હિ કિક્ડ્‍ મી આઉટ…! હિ ડમ્પ્ડ મી…!’ કામિની આંખો બંધ કરી ગઈ. જાણે એની શક્તિ સાવ નિચોવાય ન ગઈ હોય..!

-તો શું કોઈ દેશી સાથે…પટેલ સાથે એ રહેતી હતી?! મમતાએ વિચાર્યું. એણે એને કેમ છોડી દીધી હશે? કદાચ, એને બાળક ન જોઈતું હોય..! કોણ હશે આ ધર્મેશ પટેલ?? ક્યાં શોધવો એને?!

મોનિટર પર વધઘટ થતા બ્લડ પ્રેસરના આંકડાઓ એ જોઈ રહી. એક ડ્રીપ પુરી થવા આવી એટલે એણે બીજી ડ્રીપ ચાલુ કરી અને થોડી ઝડપ વધારી. એક વાર બ્લડ પ્રેસર કન્ટ્રોલમાં આવે તો સિસેક્સન કરી શકાય. એને એકદમ યાદ આવ્યું કે, એ અને માર્થા એકલા જ હતા. એવા સંજોગોમાં સર્જરી કરવી અને એ પણ લગભગ મરવા પડેલ કામિનીની…! ઓહ…! વ્હોટ શુલ્ડ આઈ ડુ? વ્હોટ કેન આઈ ડુ? એને ચિંતા થઈ આવી. આવા સંજોગોની તો કલ્પના જ ન કરી હતી કદી એણે.

રાત્રિના સાડા અગિયાર વાગવા આવ્યા હતા. ડો. મમતાએ બીજા વિભાગોને ફોન જોડવા માંડ્યા. ક્યાંક કોઈ ડૉક્ટર મળે તો એને બોલાવી લેવાય. કોઈ સર્જન મળી જાય તો હેલ્પ માટે બોલાવી લેવાય. એમ તો એણે ઘણી સિસેક્સન સર્જરી કરી હતી. પણ ત્યારે કોઈને કોઈ બીજી મદદ મળી રહેતી હોય, સાથે બીજા ડોક્ટરો પણ હોય અને પેશન્ટની હાલત પણ સારી હોય. કામિની પાસેથી ખસવાનું મમતાનું મન થતું નહોતું. લૉબીમાંથી કોઈ સ્ત્રીના અવાજો આવવા લાગતા એ ઝડપથી લગભગ દોડીને બહાર આવી. માર્થા અને ઈએમએસનો સ્ટાફ અન્ય એક સ્ત્રીને પલંગ પર લાવી રહ્યા હતાઃ ઓહ…! આ વળી બીજો કેસ…! એ પેલી સ્ત્રી પાસે ગઈ અને ચોંકી ગઈ અરે…આ તો મધુ…! એનું જ પેશન્ટ…!

‘વ્હોટ હેપન્ડ મધુબેન?’ બેડને લેબર રૂમમાં લાવવામાં મદદ કરતા એણે પૂછ્યું, ‘હજુ તો તમારે વાર છે.’ પલંગ પર મૂકેલ ફાઈલના કાગળો જોતાં ડો. મમતા બોલી, ‘ યુ આર ડ્યુ ઓન થર્ટી ને આજે તો હજુ બીજી તારીખ થઈ…!’

‘ઓ.. ડૉક્ટર તમે છો..?!’ પીડાથી કણસતા માંડ માંડ મધુએ કહ્યું, ‘હું પડી ગઈ…!’

‘ઓહ…! કેમ કરતા?’

‘પ્લીઝ …!’ મધુએ મમતાનો હાથ પકડી કરગરતા કહ્યું, ‘પ્લીઝ મને બચાવી લો..મારા બાળકને કંઈ ન થવું જોઈએ…!’ મધુ રડી પડી.

‘હિંમત રાખો..! તમને મેં કમ્પ્લીટ રેસ્ટ લેવાનું કહેલને?’ મમતાએ મધુને સમજાવતા કહ્યું, ‘કહો મને જોમ, શું થયું?’

રડતા રડતા મધુ બોલી, ‘હું ગાર્બેજ નાંખવા બહાર ગઈ તે પગથિયાં ઊતરતા સ્લિપ થઈ ગઈ…!’

‘હવે રડો નહિ!’ સહેજ મોટા અવાજે મમતા બોલી, ‘ક્યાં દુઃખે છે? કેવી રીતે પડ્યા? આઈ મિન પીઠ પર કે પેટ પર..! આગળ કે પાછળ..?’ મમતાએ મધુની નાડીના ધબકારા ગણતા પૂછ્યું, ‘માર્થા ગેટ હેલ્પ ફ્રોમ અધર ડિપાર્ટમેન્ટ..! વિ નીડ ટુ ઓપરેટ એએસપીએસ…એટલિસ્ટ એનેસ્થિસિયન…’ માર્થા બહાર દોડી ગઈ.

મધુના ઊપસેલ પેટ પર સ્ટેથોસ્કૉપ મૂકી મમતા એના ગર્ભમાંના બાળકના ધબકારા ગણવાનો પ્રયત્ન કરવા લાગી. મધુ હજુ કલ્પાંત કરી રહી હતી, ‘મધુબેન, પ્લીઝ ક્વાઈટ…પ્લીઝ…!’ મધુ એકદમ ચુપ થઈ ગઈ.

‘વ્હેર ઇસ યોર હસબન્ડ?’ મમતાએ સાવ અચાનક પૂછ્યું.

‘એ તો એલ.એ ગયા છે. આજની ફ્લાઇટ હતી પણ સ્નોને કારણે કૅન્સલ થઈ.’

‘ઓહ…! તમે કેટલા વાગે પડી ગયા હતા?’

‘આઠ વાગે…!! મેં તરત જ નાઇન વન વનને રિંગ કરેલ પણ બિકોઝ ઑફ સ્નો…એમ્બ્યુલન્સ લેઇટ આવી. કેમ ડૉક્ટર? પ્લીઝ, મારા બાળકને બચાવી લો…! એને જો કંઈ થયું તો હું તો મરી જ જઈશ..’ ધ્રૂસકે ધ્રૂસકે મધુ રડવા લાગી.

‘તમે આમ રડો નહિ અને ડરો નહિ. સિઝેરીયન કરવું પડશે. એવરીથિંગ વિલ બી ઓકે. બિ કરેજીયસ એન્ડ કોઓપરેટ વિથ મી. આજે ડૉક્ટર ઓછા છે. પણ તમે ફિકર ન કરો.’

મમતા ઝડપથી વિચારવા લાગી. મધુનો કેસ એની પાસે જ હતો. મધુની આ ચોથી પ્રેગનન્સી હતી પણ બાળક પહેલું જ હતું! અગાઉ ત્રણેય વાર એને મિસ્કૅરિજ થઈ ગયું હતું. ગર્ભાવસ્થાના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જ કોઈ અગમ્ય કારણોસર ત્રણ ત્રણ ગર્ભપાત થઈ ગયા હતા એને. હવે પહેલી વાર જ આ ગર્ભાવસ્થા આટલી ટકી હતી. આ ગર્ભાવસ્થા બાદ ફરી વાર સગર્ભા થવાની અને એ ટકવાની તક ઓછી હતી.

‘તમારી સાથે કોઈ ન આવ્યું?’

‘કોણ આવે?’ આક્રંદ માંડ રોકી મધુ બોલી, ‘મારી સાસુમા તો ઘરડા છે. અબાઉટ સેવન્ટી..’

‘ઓહ…!’ મમતાને થયું કે આજનો દિવસ એની જિંદગીમાં યાદગાર થઈ જવાનો. એણે મધુનો ગાઉન ઊંચો કરી એના પેટની ત્વચા પર સ્ટેથોસ્કૉપ મૂકી ફરી ધબકારા સાંભળવાના પ્રયત્નો કર્યા. એના આંખના ભવા તણાયા. એની ભ્રૂકુટિ તંગ થઈ ગઈ. મધુના ગર્ભજલમાં મૌન પડઘાતું હતું!! એક એક પળ હવે કિંમતી હતી. મધુની જિંદગીનો પણ હવે તો સવાલ ઊભો થઈ રહ્યો હતો. મધુનો પલંગ એણે ઝડપથી ઓપરેશન થિયેટર તરફથી ધકેલવા માંડ્યો. હેન્ગિગ લાઈટની નીચે બરાબર ગોઠવી એણે ઓપરેશનની તૈયારીઓ કરવા માંડી. મધુએ મોટે મોટેથી ગાયત્રી મંત્રો બોલવા માંડ્યા.  એ ભગવાનનું નામ લેવા લાગી…! એણે આંખો બંધ કરી દીધી.

એ જ ત્વરાથી મમતા ફરી ઍક્ઝામિનેશન રૂમમાં આવી અને કામિનીનો પલંગ ધકેલી એ ઓપરેશન થિયેટરમાં લઈ આવી! કામિની તો જાણે ગાઢ નિદ્રાના પાલવ તળે સંતાય ગઈ હતી. મમતાએ ઓક્સિજનનો સપ્લાય ચેક કરી મધુના બન્ને નસકોરામાં એ સપ્લાય ટ્યૂબ ભેરવી. કામિની તો ઓક્સિજન પર જ હતી. ઓપરેશન કરવા માટેની સર્વ તૈયારી થઈ ગઈ.

લગભગ દોડતી માર્થા ઓપરેશન થિયેટરમાં આવી, ‘ગુડ ન્યૂસ…ડૉક્ટર મમતા! વિ વિલ ગેટ હેલ્પ ઑફ ડો. એંજલ…! હિ ઈસ કમિંગ…!’

‘ઓહ ગોડ…!’ મમતાને રાહત થઈઃ ડો. એંજલ ગરેરો…હી ઇસ રિયલ એંજલ ફોર અસ ટુડે…!!

સ્ટરીલાઇઝ્ડ ગાઉન પહેરી, હાથમાં ગ્લોઝ ચઢાવી સ્કૅલપલ સાથે મમતા અને માર્થા તૈયાર જ હતા. ડો. એંજલ હસતા હસતા આવ્યા, ‘રિલેક્સ એવરીવન…! ધેર ઇસ નો ફિયર વ્હેન ડો. એંજલ ઇસ હિયર…!’ સાંઠેક વરસના એ પાતળા ડૉક્ટર, ડાક્ટર કરતા દેવદૂત વધારે લાગતા હતા, ‘વ્હોટ ઇસ યોર નેઈમ હની?’ મધુની પાસે જઈ એની આંખમાં આંખ પરોવી એમણે પૂછ્યું..

‘મ…મ…ધુ…ઉ…!’

‘ઓકે…મઢુ…! ક્લોઝ યોર આઇઝ…યુ વિલ ગેટ અ ગુડ સ્લિપ…હિયર યુ ગો…!’ કહી એમણે મધુને ઇન્ટ્રાવીનસ ઇન્જેક્ષન આપી કહ્યું, ‘ગો બેબી…!’ અને મમતાને ઇશારો કર્યો, ‘ ઓલ યોર્સ…ડૉક્ટર…!’

ડો. મમતાની કુશળ આંગળીઓ ફરવા માંડી. થોડી જ  પળોમાં તો મધુના પેટ પરના એ નાનકડા ચીરામાંથી નવજાત બાળક મમતાના હાથમાં બહાર આવી ગયું. રક્ત સોસી લેવા માર્થાએ ઝડપથી માટે કોટન પેડ મૂક્યા…!! નાળ કાપી મમતાએ બાળકની પીઠ ઠપઠપાવી…! મ્હોં વડે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાના પ્રયાસો કર્યા…બાળકને રડાવવાના..ધબકતા કરવાના સર્વ પ્રયાસ કર્યા. હાય રે…નસીબ…! માર્થાએ મધુના ઘા સીવી લેવા માટે ટાંકાઓ મારવા માંડ્યા…!

‘ઓ જીસસ…!’ ડો. એંજલે નિશ્વાસ નાંખ્યો. એ બાળકને રડતું કરવાના મમતાના પ્રયાસોને નકરી નિષ્ફળતા મળી…!

‘ કમોન…ક્રાય…ક્રાય…બેબી…ક્રાય…!’ મમતા મોટેથી બોલી..! પરન્તુ, એ નરબાળનો આત્મા એ જન્મે એ પહેલાં જ એનું ખોળિયું છોડી ગયો હતો!!

‘ડૉક્ટર એંજલ…! વિ હેવ અનધર પેશન્ટ…! બટ હર કન્ડિશન ઇસ વેરી ફ્રેજાઈલ…! વિ કેન ટેઈક ચાન્સ..! શિ ઇસ અન્ડર ઇન્ફ્લ્યુન્સ. હિયર ઇસ હર બ્લડ રિપોર્ટ…!’ મમતાએ ડો. એંજલને કામિનીનો બ્લડ રિપોર્ટ આપ્યો. ધેર આર ચાન્સીસ ટુ સેવ ચાઇલ્ડ..!’

‘ઓકે…કમોન…! વિ આર નોટ ગોડ બટ ગોડ ઇસ વિથ અસ…!’

ડો. એંજલે કામિનીને એક નાનકડો ડોઝ આપ્યો ને મમતાને ઇશારો કર્યો. કામિનીએ કોઈ પ્રતિક્રિયા ન કરી. આમેય એ તો ગાઢ નિદ્રામાં જ હતીને?

ફરી મમતાની કુશળ કરાંગુલિઓએ કરામત કરી. થોડી પળોમાં એક નવજાત શિશુ એના હાથમાં આવી ગયું. કામિનીએ ડચકા લેવા માંડ્યા. નાળિયો કાપી મમતાએ બાળકની પીઠ પર નાનકડા ધબ્બા મારી એને રડાવવાના પ્રયત્નો કરવા માંડ્યા તો ડચકા લઈ રહેલ કામિનીના બંધ પડી રહેલ હ્રદયને ધબકતું કરવા માટે ડો. એંજલે પોતાના બન્ને હાથોથી કામિની છાતી પર હ્રદય સ્થાને ચેસ્ટ કમ્પ્રેશન- ડિકમ્પ્રેશન કરવા માંડ્યું…! બાળકે મોટેથી ‘ઊં…ઊં…ઊં…વા..વા…’ કર્યું ને લગભગ એ જ ક્ષણે કામિની સાથે જોડાયેલ મોનિટર પર એક સીધી રેખા ખેંચાય ગઈ…મૃત્યુરેખા…! કામિનીની મૃત્યુરેખા…! જાણે એ બાળકનો જન્મ આપવા માટે જ  મોત સામે ઝઝૂમી રહી હતી…!

‘કામિની…કામુ..! યુ ગોટ ધ સન…!’ કામિનીના મોતથી અજાણ એવી ડો, મમતાએ કામિનીના પુત્રને એણે કામિનીના ચહેરા સમક્ષ ધર્યો…! કામિની ખૂલી રહી ગયેલ આંખો બંધ કરતાં ડો. એંજલે કહ્યું, ‘આઈ એમ સોરી ડો. મમતા. શી ઇસ નો મોર…! આઇ ટ્રાઈડ…! મે ગોડ બ્લેસ હર સૉલ…!’

સાવ અવાક્‍ થઈ ગઈ મમતા…!

થોડી જ પળોમાં મૃત્યુ દેવતાએ અજીબ ચાલ ચાલી હતી. જાણે સાવ યંત્રવત્ કોઈની દોરવાયેલ ચાલતી હોય એમ એણે કામિનીના પુત્રને મધુના પડખે પલંગ પાસે મૂક્યો અને મધુનો મૃત પુત્ર એણે કામિનીના નશ્વર દેહની બાજુમાં મૂકી દીધો. કોઈ કંઈ બોલ્યું નહિ…કોઈએ કંઈ કહ્યું નહિ…! મમતાની પીઠ પસવારી એના કપાળે વાત્સલ્યભર્યું એક મધુરું ચુંબન કરી ડો. એંજલ હળવેકથી ઓપરેશન થિયેટરની બહાર નીકળી ગયા. માર્થાએ મધુને રિકવરી રૂમમાં ખસેડી. એને ધીરે ધીરે ભાન આવી રહ્યું હતું. એ ભાનમાં આવી. એણે સહેજ કણસીને ડો. મમતા તરફ  પ્રશ્નાર્થ નજરે જોયું. મમતાએ એની ડોક હલાવી માર્થા તરફ ઇશારો કર્યો. આંખો નમાવી હકારમાં ગરદન હલાવી માર્થાએ અંદરના રૂમમાંથી સાફ કરી નવડાવેલ કામિનીના પુત્રને લઈ આવી મધુને આપ્યો, ‘યોર સન…!’

મધુની આંખમાં હર્ષાશ્રુ ફૂટ્યા…એના પલંગ પાસે સાવ નજદીક ઊભેલ મમતાના બન્ને હાથના પંજાઓ મધુએ પ્રેમથી પકડ્યા, સહેજ દબાવ્યા અને ભીના અવાજે કહ્યું, ‘થેન્ક યુ ડૉક્ટર…!!’

(સમાપ્ત)

(કુલ શબ્દોઃ ૩૪૯૯)
________________________________________________________________________________________________________________________________________________

‘ થેન્ક યુ ડૉક્ટર…’ વાર્તા પીડીએફ ફોરમેટમાં મેળવવા માટે
અહિં ક્લિક કરો.
આપના કમ્પ્યુટર પર સાચવો, સરળતાથી પ્રિન્ટ કરો,  મિત્રોને મોકલો.