બંટી કરે બબાલ(ભાગઃ ૧)

(ઘણા વખતથી હાસ્યકથા  લખવાનું વિચારતો હતો. અને એમાંથી જન્મી છે આ હાસ્યકથા…અને મારી વ્યથાને શબ્દસ્વરૂપ મળ્યું…! “બંટી કરે બબાલ…” ટ્રાયસ્ટેટમાં પ્રકાશિત થતા માસિક તિરંગામાં હપ્તાવાર ધમાલ મચાવી ચુકેલ છે. તિરંગાના વાંચકોએ માણેલ છે અને વખાણેલ છે.

આ માટે તિરંગાના પ્રકાશક અને માલિક શ્રી નિતિનભાઈ ગુર્જરનો ખુબ જ આભારી છું.

બંટીની બબાલ સહેજ લાંબી છે અને આજકાલ લાં…..બુ વાંચવાનો સમય નથી મળતો એટલે આપની સગવડતા માટે મેં બે ભાગમાં વહેંચેલ છે. એકી બેઠકે બંટીની બબાલથી ત્રાસી જાઓ તો બીજી બેઠકમાં પુરી કરવાની આપ મિત્રોને છુટ છે!! પહેલા ભાગની નીચે જ બીજો ભાગ છે.

હા, આપના અભિપ્રાય માટે હું તડપતો રહીશ એટલે એ માટે આપ સહુને વિનંતિ છે. તો બીજા ભાગને અંતે કોમેંટ કરશોજી…)

બંટી કરે બબાલ(ભાગઃ ૧)

આજનો દિવસ જ મારા માટે ખરાબ ઊગ્યો હતો. એક તો સવારે સવારે ઉઠવામાં મોડું થયું. હજુ તો શાવર લેવાનો બાકી હતો ને રાઈડ આવી ગઈ. પેંટ પર જલ્દી જ્લ્દી શર્ટ ચઢાવી બહાર આવી ગયો ને ઉતાવળમાં લંચ બેગ લેવાની પણ ભુલાય ગઈ.

‘નટુભાઈ…!! આવું રોજને રોજ આપણને નો હાલે…!!’ રાઈડ આપતો હતો એ મનુ માવાણી મ્હોંમાં માણિકચંદ વાગોળતા વાગોળતા બોલ્યો, ‘તમે તો ભઈસાબ રોજ રોજ બહુ હોર્ન મરાવો છો ને રાહ જોવડાવો છો!’ બારીનો કાચ ઉતારી એણે રોડ પર પિચકારી મારી.

‘સો…રી…! હોં મનુભાઈ!!’ હું વાનમાં અંદરની સીટ પર ગોઠવાતા બોલ્યો.

‘હવે જો આવું પાછું થાસે તો પછી તમે બીજી રાઈડ ગોતી લે’જો! મારે તમે કંઈ એકલા જ નથી. આ પાંચ પાંડવોને પણ સાચવવાના છે. એમને જોબ પર મોડું થાય તો એમનો ધોળિયો બોસ તો અડધા કલાકનો પગાર કાપી લે છે….!!’ મનુએ પાછળ ફરી વાનમાં બેઠેલ પાંચેય તરફ નજર કરી હસીને કહ્યું. એ પાંચમાંના બે જણ તો હજુ ય ઝોકાં ખાતા હતા. મને ય ઊંઘ તો આવતી જ હતી.

હું અહિં ગાર્ડન સ્ટેટ ન્યુટ્રીશનલ ઈનકોર્પોરેશનમાં  કામ કરું છું. જોબ પર આખો દિવસ પાવડર રૂમમાં કામ કરી કરીને થાકી ગયો…કંટાળી ગયો…બળ્યું અમેરિકા…!! હવે શું થાય ધોબીનો કૂતરો ન ઘાટનો….ને ન ઘરનો….!! સાંજે ફરી એ જ મનુ માણિકચંદની રાઈડમાં ઘરે આવ્યો. આજે શુક્રવાર એટલે મન્યાને રાઈડના વીસ ડોલર આપ્યા. મારો બેટો મન્યો…! અમેરિકામાં પણ માણિકચંદ ખાઈને ફાવે ત્યારે રોડ પર પિચકારી મારવાની મજા લે છે!! ઘરે આવ્યો ત્યારે જ ખ્યાલ આવ્યો કે સવારે ઉતાવળમાં ઘરની ચાવી લેવાનું તો ભુલી જ ગયેલ.  હવે…?? પછી યાદ આવ્યું કે મારી ભારેખમ ભાર્યાનો આજે ડે-ઓફ એટલે એ ઘરે જ છે. મેં ઘરના કોલબેલનું બટન દબાવ્યું….

– હા…ઉ… હા…ઉ… હા…ઉ… હા…ઉ…!!

માર ઘરમાંથી કૂતરાનો ભસવાનો અવાજ આવ્યો.

-મારૂં બેટું આ તો ગજબ થઈ ગયું!! આ કોલબેલ કોણે બદલ્યો?!

મેં ફરી બટન દબાવ્યું…

– હા…ઉ… હા…ઉ… હા…ઉ… હા…ઉ…!! મારા ઘરમાંથી કૂતરાના ભસવાની પાછળ પાછળ એક સ્ત્રીનો ઘોઘરો અસંમજસ અવાજ પણ સંભળાયો. એ મારી મધુનો જ હતો.

મારી જિજ્ઞાસાનો ફુગ્ગો મોટોને મોટો થવા લાગ્યો. બારણામાં લગાવેલ દૂરબીનમાંથી મેં ઘરમાં જોવાનો પ્રયાસ કર્યોઃ આ તે શી ગરબડ છે?!  એક તો એ  દૂરબીન થોડી ઉંચાઈએ હતું અને હું રહ્યો માંડ ચાર ફુટ બે ઈંચ..!! અંદર શું થઈ રહ્યું છે એ જોવા માટે બારણાને ચિપકીને પગના પંજા પર ઊંચા થઈ મેં ફરી અંદર જોવાનો મરણિયો પ્રયાસ કર્યો ને મધુએ ધડામ કરતું અચાનક બારણું ખોલી નાંખ્યુ અને હું મધુના ચરણકમળમાં ફ્લોર પર ફેલાઈ ગયો. સાષ્ટાંગ દંડવત્!! ધડામ કરતો ચટ્ટોપાટ ઓન ધ ફ્લોર…!! વુડન ફ્લોર…!! મારી આ અજબ પ્રક્રિયા નિહાળી એક નાનકડું સફેદ પ્રાણી હાઉ …હાઉ…કાંઉ..કાંઉ…વાંઊ… વાંઊ જેવાં વિચિત્ર અવાજો કરતું અંદરના બેડરૂમમાં જતું રહ્યું. મારા ચહેરા પર નાક સહુથી આગળ પડતું છે એટલે અઢી ઈંચનું નાક પહેલાં ફ્લોર પર ટિચાયું અને પાછળ પાછળ મારા નાનકડા કપાળે સાથ આપ્યો. નાકમાંથી લોહીનું ઝરણુ વહેવા લાગ્યું અને ગેસ પર ફુલકા રોટલી ફુલે એમ કપાળ પર ટેકરો ફુટી નીકળ્યો….બે મિનિટ પછી મને ભાન આવ્યું કે હું મારા જ ઘરના લિવિંગ રૂમમાં મોટા કાચબાની માફક પેટ પર તરફડતો હતો !!

‘આ શું છે….!?’ મધુ બરાડી, ‘આ શું છે….!? આવું તે કંઈ થાય…!?’ એના અવાજમાં ભારોભાર ગુસ્સો હતો. મારા તરફ ધ્યાન આપવાને બદલે મને ટેકો આપી ઉભો કરવાને બદલે એ પેલા પ્રાણીની પાછળ પાછળ હાથણીની માફક ધસી ગઈ!

સંસાર અસાર છે…ને આ સંસારમાં મારૂં કોઈ નથી એમ માની હું જ જાતે પોતે મારા પોતાના પગ પર જેમ તેમ ઉભો થયો અને મધુ હાથમાં નાનકડા પ્રાણીને તેડીને હસતી હસતી લિવિંગ રૂમમાં આવી.

‘ન…ટુ..!! તેં તો બિચારા બંટીને ગભરાવી મુક્યો..!! યુ સ્કેર હિમ…!!’

બંટી મારા તરફ જોઈ જોઈને જોરથી જોરથી ભસવા લાગ્યો…

– હા…ઉ… હા…ઉ… હા…ઉ… હા…ઉ…!!

મને પણ એના તરફ જોઈને જોરથી ભસવાનું મન થઈ આવ્યું… પણ પછી યાદ આવ્યું કે મને તો ભસતા આવડતું જ નથી. મારે ભસવાની જરૂર નથી. મારે તો બરાડો પાડવાનો છે: ‘…ચુ…ઉ…ઉ…ઊ…ઊ…પ…!!’ મેં અદનાન સામીની જેમ મોટેથી બુમ પાડવાનો પ્રયાસ કર્યો પણ છેલ્લાં કેટલાંક સમયથી મોટેથી વાત કરવાની આદત છુટી ગયેલ એટલે હિમેશ રેશમિયા જેવો તીણો સુર નાકમાંથી નીકળ્યો…

‘નો…નો…નો…બંટી…!! ડોન્ટ વરી…!! ઈટ્સ ઓકે…!! ઓકે….!!’ મધુએ સાચવીને બંટીને ફ્લોર પર મુકતા મુકતા કહ્યું. ‘નટુ, તું શું આવા ચિત્ર-વિચિત્ર ચાળા અને અજીબો-ગરીબ અવાજ કરે છે…!?’

ફ્લોર પર બંટી મધુની બાજુમાં ઉભો રહી મારા તરફ સાશંક નજરે નિહાળી રહ્યો હતો અને ધીરે ધીરે ઘુરકતો હતો કે પછી મધુ શ્વાસ લેતી હતી એનો ઘુરકાટ હતો મને કંઈ સમજ પડતી ન્હોતી !!

‘આ શું છે…?!’ મારી પીડા દબાવી મેં ગુસ્સે થવાનો પ્રયત્ન કરતા કહ્યું.

‘બં…ટી…!! છેને ક્યુટ…!?’ મધુએ મારા તરફ તુચ્છ નજર કરતાં રૂઆબથી કહ્યું.

માંડ માંડ એક ફુટ બાય સવા ફુટનું ચાર પગનું સફેદ વાળવાળું જનાવર બંટી નામનો કૂતરો હતો..એ તો બરાબર…પણ મારા ઘરમાં એ શું કરતો હતો?? ને શા માટે ભસતો હતો..?? એના કપાળ પર એટલા બધાં વાળ હતા કે એની આંખ મને દેખાતી ન્હોતી. નહિતર હું એની આંખમાં આંખ પરોવી એને ભસ્મ કરી દેત…!!  વાળ પાછળ આંખો સંતાડી બંટી પણ કદાચ એવાં જ વિચારો કરતો હોય એમ મને લાગ્યું.

‘આ બંટી હવેથી આપણા ઘરે જ રહેશે…!!’

‘શું…ઉં…ઉં…ઉં…?!’ મારાથી એકદમ મોટેથી પુછાય ગયું. ને માંડ માંડ શાંત પડેલ બંટી પાછો મારા તરફ નિહાળી ફરી હા…ઉ… હા…ઉ… હા…ઉ… કરવા લાગ્યો.

‘તું ભાઈસા’બ સખણો રહેશે…?!’ મધુએ મારા પર ફરી ગુસ્સે થતાં કહ્યું… પછી એણે બંટીને પ્રેમથી ઉંચકી લીધો, ‘નો…દીકુ…નો…બકા…ઈટ્સ ઓકે…!! ઈટ્સ ઓકે…!!’

‘પણ આ….???’

મારી વાત અધડેથી કાપતા મધુ બોલી… ‘….આ બંટી મને મારી ફ્રેંડ ફ્લોરાએ ગિફ્ટમાં આપ્યો છે!’ બંટી પર વ્હાલથી હાથ ફેરવતા ફેરવતા એ બોલી, ‘હાઉ ક્યુટ હી.!! પેટ સ્ટોરમાં લેવા જાવો તો થાઉઝંડ ડોલરમાં પણ આવો ક્યુટ બંટી ન મળે!’

‘પણ તારે મને કહેવું તો જોઈતું હતું…!’

‘હું તને સરપ્રાઈઝ આપવા માંગતી હતી…!’

-અરે…! તારાથી મોટી બીજી સરપ્રાઈઝ શી હોય શકે દુનિયામાં…!? પણ હું કંઈ ન બોલી શક્યો.

વાળ પાછળ ચુંચી આંખે બંટી મને જોઈ રહ્યો હતો. ને મુંઝાઈ મુંઝાઈને હું એને…!! થોડો વખત આમ જ અમારી નૈનસે નૈન મિલાઓની રમત ચાલી…!

ટ્રીન…ટ્રીન…ટ્રીન.. ..એટલામાં ફોનની રિંગ વાગી.

‘હ…લ્લો….!’ મેં ફોન ઉપાડ્યો.

‘મિ ફ્લોરા…!’ સામે છેડે મધુની સખી ફ્લોરા હતી, ‘કોમૉ એસતાસ…!’ ફ્લોરા સ્પેનિશ હતી.

‘વેઈટ, આઈ વીલ ગિવ ટુ મધુ!’ મેં મધુને બુમ પાડી, ‘મ….અ…ધુ..ઉઉઉ…!’ ને મારા કરતાં બંટીએ મોટેથી બુમો પાડવા માંડી: હા…ઉ…હા…ઉ….હા…ઉઉઉ!!!!

‘હ…લો ફ્લોરા…!’ મધુએ ફોન લીધો, ‘હાઉ આર યુ…?’

‘……………….’

‘યસ…યસ…બંટી ઈસ ફાઈન…!! નો…નો…! હિ ઈસ ઓકે વિથ બંટી…! યા…યા…!! હિ લવ્સ બંટી…!!’

‘……………….’

‘યુ મીસ બંટી…!’

‘……………….’

‘ડુ યુ વોન્ટ ટુ ટોક વીથ બંટી…? આઈ વિલ ગીવ ટુ બંટી…!!’

-તો ફ્લોરા બંટીની મા હતી…

‘કમ ઓન બંટી!! ટોક ટુ ફ્લોરા…!!’ બંટીને પ્રેમથી ઉંચકીને મધુએ કોડલેસ ફોનનું રિસિવર બંટીના મ્હોં-કાન પાસે ધર્યું.

‘……………….’

– હા…ઉ…. હા…ઉ…. હા…ઉ…. હા…ઉ….!!

બંટીએ ફ્લોરા સાથે વાત શરૂ કરી દીધી. બંટી કોણ જાણે કેવી રીતે એના નાનકડા શરીરમાંથી આવડો મોટ્ટો અવાજ કાઢી શકતો હશેઃ હા…ઉ…. હા…ઉ…. હા…ઉ…. હા…ઉ….!! મધુના હાથમાંથી બંટીએ છટકવાની કોશિષ કરી. કદાચ, એ ફોનમાં ઘુસી ફ્લોરા પાસે જવા માંગતો હતો!! એને સાચવવા જતાં મધુએ ફોનનો હેંડસેટ પાડી નાંખ્યો. ફ્લોર પર પડતાની સાથે જ એના સ્પેરપાર્ટ છુટા પડી ગયા. એ તુટી ગયો. ચાલો.!! ફોનનો ખર્ચો વધાર્યો..!! મેં ક્ષત-વિક્ષિત થઈ ગયેલ રિસીવરની લાશના અંગ ઉપાંગો ભેગાં કરી ફરી જોડવાના વ્યર્થ પ્રયાસો કરવા માંડ્યા. બંટી હજુ મારા તરફ સાશંક નજરે નિહાળી રહ્યો હતો. મને એના પર ખુબ જ ગુસ્સો આવતો હતો. એક તો આવતાની સાથે જ એણે મારા જ ઘરમાં મને ભોંય ભેગો કરી દીધો હતો. બંટીની પાછળ કોઈ ચોક્કસ જગ્યાએ જોરદાર લાત મારવાની  મને તીવ્ર ઈચ્છા થઈ આવી…! ધીરેથી ચાલીને હું એની પાછળ બરાબર ઉભો રહ્યો. પણ એ ફરી ગયો. મેં ઝડપથી મારી પોઝિશન બદલી. મારી સર્વ તાકાત એકત્ર કરી સોકર-ફુટબોલનો ખેલાડી પેનલ્ટી કિક મારે એવાં ધ્યાનથી, જમણા પગથી , જોર  કરી મેં લાત ઝીંકી જ દીધી…પણ હાય રે નસીબ…! ચપળ બંટી ત્વરાથી ખસી ગયો…! અને મારો પગ લિવીંગ રૂમમાં વચ્ચે મુકેલ ભારેખમ કોફી ટેબલના મજબુત પાયા સાથે જોરથી અથડાયો…!

‘ઓય….. ઓય….. ઓય….. ઓય….’ અસહ્ય પીડાને કારણે મારાથી રાડ પડાય ગઈ. એક પગે હું ભાંગડા કરવા લાગ્યો. બંટીએ પણ એનો બેસુરો સુર મારા સુરમાં મેળવ્યો… હા…ઉ…. હા…ઉ…. હા…ઉ…. હા…ઉ….!!

‘વોટ હે…પં…ડ દીકુ…!?’ અંદરથી મારી ભાર્યા દોડતી દોડતી આવી. હું રાજી થયો. પણ એ તો ગઈ સીધી બંટી પાસે…!! મારા જમણા પગનો અંગુઠો સુજી ગયો.

સા….એ બીજી વાર મને ઘાયલ કરી નાંખ્યો. બંટી આજે તો મને છેતરી જ ગયો. હવે હું પગથી માથા સુધી ઘાયલ થઈ ચુક્યો હતો. પીડાનો માર્યો કરાંઝતો  હું સોફા પર બેસી પડ્યો. દર્દને કારણે મારાથી ઊંહકારા નીકળી જતા હતા. અને બંટી ઝુલ્ફા પાછળ એના નયનો સંતાડીને મારા તરફ વિજયી નજરે નિહાળી રહ્યો હતો. હું આખો દિવસનો થાકેલ  હતો. વળી બે બે વારનો ઘાયલ!! આપને મારી પીડાની શી ખબર! ઘાયલકી ઘાયલ જાને!! સોફા પર જ બેઠાં બેઠાં મેં મારી આંખો બંધ કરી. અને મને સરસ મજાનું ઝોકું આવી જ ગયું.

-અ હા…હા…હા…હા….!! કેટલું સારું લાગી રહ્યું હતું…..!!

મારા દુઃખતા અગુંઠા પર કોઈ ઠંડુ પાણી રેડી રહ્યું હતું…! મારી પીડામાં  મેં રાહત થતી મહેસુસ કરી..!! કોઈ મારા પગ પખાળી રહ્યું હતું!! લગ્ન વખતે મારી સાસુએ મારા પગ ધોયા હતા…પખાળ્યા હતા…ત્યારબાદ કોઈએ પણ પાદ પ્રક્ષાલન કર્યું ન્હોતું!! જરા વધુ ભીનું ભીનું લાગતા મારી આંખો એકદમ ખુલી ગઈ…! હું ચમકીને એકદમ જાગી ગયો. અને મને નરી વાસ્તવિકતાનું ભાન થયું: સા…..બંટી એનો પાછલો પગ મારા ઘાયલ પગ પર ઊંચો કરી ગયો હતો..!! એના પેશાબ વડે મને પવિત્ર કરી ગયો હતો…!! એક તો અગુંઠાની પીડા…અને ઉપરથી બંટીના પેશાબની પિચકારી….!!

‘મ….ધુ….ઉ …ઉ….ઊ!!’ મેં મોટ્ટેથી બુમ પાડી. ક્રોધથી મારો અવાજ ફાટી ગયો ‘જો…ઓ..ઓ….!! તારા બંટીએ શું કર્યું…!? સા….એ મારા પર પેશાબ કર્યો…!!’

‘હા…હા….હા…!!’  હસતા હસતા મધુ લોટપોટ થઈ ગઈ. એને નિહાળી બંટી પણ એની પૂંછડી પટપટાવવા લાગ્યો અને ખુશ થતો થતો મારા તરફ જોવા લાગ્યો…! બંટી ખુશ હુઆ…!!

‘યુ નો નટુ…!’ મધુએ એના હાસ્ય પર માંડ કાબુ મેળવતા મેળવતા કહ્યું, ‘બંટી વોંટ ટુ ડુ ફ્રેંડશિપ વિથ યુ…!  હિ લવ્સ યુ…!!’

‘તો….ઓ…ઓ…!? સો વો…ઓ…ટ…!?’ હું ચિઢાયને બોલ્યો, ‘હું શું કરું એમાં…!?’

‘દોસ્તી કરી લે એની સાથે…!!’ બંટી તરફ એક પ્રેમાળ નજર કરી મધુ રસોડામાં જતી રહી. પાછળ પાછળ એનો પ્યારો-દુલારો બંટી પણ એને પગલે પગલે રસોડામાં ગયો. જતાં પહેલાં મારા તરફ ઘુરકિયું કરવાનો એ ન ચુક્યો…!!

ઘાયલ તૈમુરલંગની માફક લંગડાતો લંગડાતો હું બાથરૂમ તરફ ગયો. બંટીએ ભીનો કરેલ મારો પેંટ મેં કાઢી નાંખ્યો. આ બંટીનું મારે કંઈ કરવું પડશે. પરંતુ, હું જાણતો હતો કે મારાથી કંઈ થઈ શકવાનું ન્હોતું!! આ બલા એમ કંઈ સીધે સીધી ટળવાની ન્હોતી. વળી મારા ઘરમાં મધુ આગળ મારૂં કંઈ જ ચાલતું ન્હોતું. મારા ઘરમાં એનો શબ્દ એટલે કે જાણે સોનિયા ગાંધીનો આદેશ…!! વળી એમાં એને બંટીનો સાથ મળ્યો. બાથરૂમના અરિસામાં હું મને નિહાળી જ રહ્યો…! મારા સપાટ કપાળ પર એક નાનકડો ટાપુ ઉગી નીકળ્યો હતો. મારૂં સુંદર નાક વંકાઈને વાંકુ થઈ ગયું હતું. શું હાલ બેહાલ થઈ ગયો હતો હું…!?

મને યાદ આવ્યું કે મારે શાવર લેવાનો તો બાકી જ છે. બંટીની બબાલમાં એ તો હું ભુલી જ ગયેલ. શાવર કર્ટન હઠાવી હું બાથ-ટબમાં પ્રવેશ્યો. મારા શાવર જેલની જગ્યાએ કોઈ ભળતી જ બોટલ હતી. મેં એ હાથમાં લીધી. ડોગ શેમ્પુ ફોર વ્હાઈટ ડોગ…!! મારા શાવર જેલની જગ્યાએ ડોગ શેમ્પુની બોટલ ગોઠવાઈ ગઈ હતી!!  શાવર જેલ વિના જ ફકત પાણીથી શાવર લઈ જલ્દીથી ટુવાલ વિંટાળી હું બાથરૂમની બહાર આવ્યો. હજુ તો બાથરૂમની બહાર પગ જ મુક્યો ને ક્યાંકથી અચાનક બંટી ફૂટી નીકળ્યો… ને….મારા ટુવાલનો છેડો એનાં નાનકડા મ્હોમાં પકડી જોરથી ખેંચ્યો….ને…ટુવાલ છુટી ગયો…! ટુવાલ લઈને ઝડપથી બંટી ક્યાંક અલોપ થઈ ગયો. ને હું સાવ દિંગાબરાવસ્થામાં બુમો પાડવા લાગ્યો, ‘હે….એ..એ..ઈ…ઈ….ઈ…!! હે….એ..એ..ઈ…ઈ….ઈ…!!’

‘શું છે પાછું…?’ ધમ ધમ પગ પછાડતી મધુ કિચનમાંથી બહાર આવી. ને મને સાવ દિંગાબરાવસ્થામાં જોઈને જોરથી ચીખી, ‘ન…ટિ…યા…યા…યા…!! આ શું છે…!? તને કંઈ શરમ-બરમ છે કે નહિં….!! શેઈમ ઓન યુ…!! બંટીના દેખતાં બધાં કપડાં કાઢી નાંખ્યા…!!’

‘અ…રે…!! મારી માડી…!!’ મેં મારા ખાસ ખાસ અંગો સંતાડવાનો પ્રયાસ કરતા કહ્યું, ‘તારો બેટો બંટી મારો ટુવાલ ખેંચીને ભાગી ગયો…!!’

એટલામાં જ બંટી પાછો અમે પેસેજમાં ઉભા હતા ત્યાં મ્હોંમાં ટુવાલ લઈ એનું પરાક્રમ બતાવવા  આવ્યો. એને નિહાળી મધુ બોલી, ‘….તે…ભાગે જ ને…!! એનો ટુવાલ તેં જો વાપરેલ…!! તને તારો ટુવાલ વાપરતા શું થાય…!?’

ભુલથી બાથરૂમમાં મુકેલ બંટીનો ટુવાલ વિંટાળી લીધેલ!! અરે…!! એ જ ટુવાલથી ઓ મેં મારૂં ગુલબદન લુંછેલ…!! હવે પાછો શાવર લેવો પડશે…!! પણ વોટર બિલ વધારે આવશે એમ વિચારી મેં બીજી વાર નહાવાનું માંડી વાળ્યું. હવે વળી બંટી પણ રોજ રોજ શાવર લેશે તો વોટરબિલ તો આમ પણ વધવાનું જ છેને…!! જલ્દી જલ્દી મારા રૂમમાં જઈ ક્લોઝેટમાંથી મારા કપડાં લઈ ઝડપથી પહેરી લીધાં…!! આમ કરવાથી હું પણ બંટીની માફક જ હાંફવા લાગ્યો..! ફક્ત મારી જીભ જ લટકતી ન્હોતી…!!

જેમ તેમ બે છેડા ભેગા કરી, બે-બે સેન્ટ બચાવી..! કુપનો કાપી-કાપી, કુપનોનું લાવી, સવારનું સાંજે અને સાંજનું બચાવેલ સવારે ખાઈ ખાઈને તાણી-તુસીને મેં આ દોઢ બેડરૂમનું હાઉસ લીધેલ…! ટીશર્ટ પહેરતાં હાથ ઊંચા કરીએ તો છતને હાથ સ્પર્શી જાય એટલી ઊંચી તો એની છત હતી! બેડરૂમમાં ક્વિન સાઈઝનો બેડરૂમ સેટ મુકતા બેડની આજુ-બાજુ માંડ દોઢ બે ફૂટની જગ્યા રહેતી હતી. મોટે ભાગે તો હું લિવિંગ રૂમમાં જ સુતો!  મારા માટે મધુની બાજુમાં જગ્યા ન્હોતી રહેતી. વળી જ્યારે એ ઊંઘી જાય ત્યારે જાત જાતના સુરો એના નાક કાન ગળામાંથી નીકળતા હોવાથી મારી ઊંઘ ઉડી જતી. હવે એમાં આ બંટીનો ઘુરકાટ ભળવાનો…!!

-શું થશે હવે.મારૂં….!?

હું લિવિંગ રૂમમાં આવ્યો તો જોયું તો બંટી મહાશયે સોફા પર આસન જમાવ્યું હતું અને એઓશ્રી ટીવી પર ડિઝની ચેનલ નિહાળી રહ્યા હતા. ટીવી સ્ક્રિન પર પ્લુટોના પરાક્રમો નિહાળી ભવિષ્યમાં શું ધમાલ મચાવવી તેનું આયોજન કરી રહ્યા હતા. મેં રિમોટ કંટ્રોલ વડે ટીવી ચેનલ બદલી.

– હા…ઉ…. હા…ઉ…. હા…ઉ…. હા…ઉ….!! કિચન તરફ નિહાળી બંટીએ ફરિયાદ કરી.

‘અરે ભલા માણસ..!! વોટ રોંગ વિથ યુ…?!’ કિચનમાંથી જીભ લટકાવતી લટકાવતી ધમ ધમ કરતી મધુ બહાર આવી. મારા હાથમાંથી રિમોટ કંટ્રોલ છીનવી ફરી ડિઝની ચેનલ મુકી, ‘એને રોજ બેથી ત્રણ કલાક ટીવી જોવાની આદત છે. અંડરસ્ટેંડ….?!’ મારા તરફ એની ઝીણી ઝીણી આંખોના મોટાં મોટાં ડોળા તગતગાવતા મધુ ઘુરકી, ‘ઓ…ઓ…કે…!!’ પછી બંટી પર હાથ પસવારી બોલી, ‘ગુડ બોય… લ….વ…યુ….!!’

-મારો બેટો બંટી!! હવે મારે ટીવી પણ ન જોવાનું…!!

બંટીને ટીવી જોતો મુકી હું હળવેથી રસોડામાં ગયો. મધુ ભારે રસથી કુકિંગ બુકમાં જોઈ જોઈને કોઈ નવી જ વાનગી બનાવી રહી હતી!! ગેસના સ્ટવ પર મોટાં તપેલામાં કંઈ ઉકળી રહ્યું હતું. મેં તપેલી પરનું ઢાંકણ હળવેકથી હટાવી તપેલાંમાં નજર કરી તો હું ચોંકી ગયો. તપેલાંમાં મધુ કોઈ પ્રાણી બાફી રહી હતી!!

‘કીપ ઈટ ક્લોઝ…!’ મારા પર નજર પડતાં જ મધુ બરાડી…

‘આ શું છે…?!’ મેં ધીમેથી પુચ્છ્યું.

‘લો…બ…સ્ટ…ર…!!’ મધુએ એક એક અક્ષર છુટો પાડી મને સમજાવતા કહ્યું.

‘લોબસ્ટર…?!’ મારા આશ્ચર્યનો પાર ન રહ્યો.

‘હા…! લોબસ્ટર….!!’ ચોપડીનું પાનું ઉથલાવી મધુ બોલી, ‘બંટીને લોબસ્ટર બહુ જ ભાવે છે. એટલે મેં….’

‘કેટલા મોંઘા આવે છે લો..ઓ…ઓ…બસ્ટર…..??!’ મારી જીભ લોચા વાળવા લાગી.

‘આઈ નો!!  ચાલિસ ડોલરનો એક…પણ વિકમાં હવે એક બે વાર તો લાવવા જ પડશે…!! બિચારા બંટી માટે….!!’

‘વિકમાં એ…એ…ક બે…વાર…?!’ મારી આંખોએ પહોળી થઈ ગઈ. સહેજ વધુ પહોળી થાત તો મારા બન્ને ડોળાં ઉછળીને લોબસ્ટરના તપેલામાં જ પડતે!! માંડ મારી જાત પર કાબુ રાખતા હું બોલ્યો, ‘બંટીના એકવારના ખાવામાં તો આપણુ વિકનું ખાવાનું થઈ જાય…!’ મારાથી ગણતરી થઈ ગઈ.

‘સો વોટ…?! આવો ક્યુટ બંટી પણ ક્યાં એમને એમ ફ્રી મળવાનો છે ?? સાવ મફતમાં…!!’

‘તને ખબર તો છે ને કે મને સી ફુડની એલર્જી છે તે…?’ મેં બીજ દલીલ  કરી.

‘તારા માટે તો મેં ખીચડી ભાજી ક્યારની બનાવી નાંખી છે. પણ મને હમણા બંટી માટે આ ડીશ બનાવી લેવા દે…! હજુ દશ મિનિટ માટે બોઈલ્ડ કરી પછી ફિફટી ગ્રામ બટર લગાવી પોણા પાંચ મિનિટ મેરીનેટ થવા દેવાનું છે…!’

મધુની વાતો સાંભળી મારી તો ભુખ જ મરી ગઈ. આ બંટીની બબાલમાંથી કેમ છુટવું…! મને કંઈ સમજ પડતી ન્હોતી. પગમાં સેંડલ લગાવી હું ઘરની બહાર નીકળ્યો. માર ઘરની નજીકમાં એક નાનકડો પાર્ક છે ત્યાં હું કોઈ કોઈ વાર વોક લેવા જાઉં છું.

-થિંક પોઝિટિવ..!!બી પોઝિટિવ…! મેં માર મરકટ મનને ટપાર્યું. હું પાર્ક તરફ અસમંજસ ચાલે ચાલી નીકળ્યો. ઓગષ્ટ મહિનાની ખુશનુમા સાંજ હતી. પાર્કમાં ઘણા આમ તેમ ટહેલતા હતા. પ્લે પ્લેઈસમાં થોડાં બાળકો રમતા હતા અને રમવા કરતા અવાજો વધુ કરતા હતા. કેટલાંક માણસો પોતાના કૂતરાને લઈને ફરવા આવ્યા હતા તો કેટલાંક કૂતરા માણસોને ફરાવવા આવ્યા હતા…!! હું મારી વિંટબણાના વિચારોના વમળમાં અટવાતો અટવાતો ખોવાયેલ ખોવાયેલ ચાલી રહ્યો હતો. એટલાંમાં કૂતરાના સામુહિક ભસવાના અવાજોએ મને વર્તમાનમાં લાવી દીધો. મોટે ભાગના શ્વાનો મારા તરફ નિહાળી સમુહમાં ભસી રહ્યા હતા. આ પણ બંટીના જ સગા-વ્હાલાઓ લાગતા હતા. એક જાડી હિંડબાછાપ કાળી હબસણનો કદરૂપો કાળિયો કૂતરો તો મારી નજદીક આવવા ભારે જોર લગાવી રહ્યો હતો. અને જાડી જોર કરી એ બુલડોગને મારાથી દુર કરવાના સર્વ પ્રયાસ કરતી કૂતરા કરતાં વધારે હાંફી રહી હતી. લોહચુંબક તરફ જેમ ટાંકણીઓ ખેંચાય આવે એમ નાના-મોટાં, જાડાં-પાતળા, કાળા-ધોળાં સર્વે કૂતરાંઓ મારા તરફ આકર્ષાય રહ્યા હતા. એક નાનકડું પુડલ તો છેક મારી પાસે આવી મને સુંઘીને ડરીને દુર જઈને જોર જોરથી ભસવાનો પ્રયત્ન કરતું હતું પણ એના મ્હોંમાંથી અવાજ જ નીકળતો ન્હોતો. કૂતરાં સાથે આવેલ નર-નારીઓ કૂતરાં કરતાં વધુ કૃધ્ધ નજરે મને નિહાળી રહ્યા હતા.

‘ઓ…ઓ મેન…ગો હોમ…! ટેઈક એ શાવર….!!’ હિપોપોટેસની મોટીબેન હોય એવી એ હબસણે હાથણી જેવાં અવાજે મને જોરથી કહ્યું, ‘યુ સ્ટિંક….!!’

-હવે મને બત્તી થઈ…! બંટીના ટુવાલથી મેં મારૂં શરીર લુંછેલ એટલે બંટીની ગંધથી હું તરબતર થઈ ગયો હતો. સર્વ કૂતરાઓને પણ એ અચંબો થયો કે આ માણસના શરીરમાંથી અદ્દલ કૂતરાની ગંધ કેવી રીતે આવે…! માણસના સ્વરૂપમાં શ્વાન….!! દરેક કૂતરાંને એ સંશોધનમાં ઊંડો રસ પડ્યો હતો…ને બધાનાં મ્હોંમાંથી લાળ ટપકતી હતી. જલ્દી જલ્દી લંગડાતો લંગડાતો હું મારા ઘર તરફ ભાગ્યો. મારા ઘાયલ શરીરની પીડા પણ હું ક્ષણભર તો વિસરી ગયો. ઘરનું બારણું અંદરથી બંધ હતું. મેં કોલબેલ વગાડ્યો.

– હા…ઉ…. હા…ઉ…. હા…ઉ…. હા…ઉ….!! બંટી ભસવા લાગ્યો.

થોડીવાર રહીને મારી રંભાએ ગુસ્સાથી બારણું ખોલ્યું, ‘તને ચાવી લઈ જતાં શું ગોદો વાગે છે??  બિચારા બંટીની માંડ માંડ આંખો મળી હતી. તેં એની ઊંઘ ઉડાડી દીધી.’ બંટી પર હાથ પસવારતા એ બોલી, ‘એક તો એના માટે નવી સવી જગ્યા. માંડ એને ઊંઘ આવી ને એમાં તું ટપકી પાડ્યો…!!’ બંટીને વ્હાલ કરતાં એ બોલી, ‘ગો ટુ સ્લિ…પ…બેબી…!! ગુડ બોય….!!’ બંટીને ધીમે ધીમે થપકારતાં એ કલિસનું ગીત એના બેસુરા રાગે ગાવા લાગી, ‘માય મિલ્ક શેઈક બ્રિંગ્સ ઓલ ધી બોયસ ઈન ધ યા…યા….યા…ર્ડ….!!’ નવી જ લાવેલ સુંવાળી બ્લેંકેટ પર બંટી મહોદયે લંબાવ્યું હતું અને સુવાનો પ્રયત્ન કરતા હતા.

-ઓ….હ…ગો….ડ…!! મારાથી એક ઊંડો નિઃસાસો નંખાઈ ગયો. અને એ સિવાય બીજું હું કરી પણ શું શકું…!? બંટીને સુવરાવી મધુ મારી પાસે આવી, ‘ભાણુ કરું છું તારૂં… જમી લે…!’

‘તું પણ જમવાનીને…?’

‘મેં તો બંટીને કંપની આપી !!  એને મેં રાંધેલ બટરસ્કોચ લોબસ્ટર ખુબ જ ભાવ્યા. મોટો લોબસ્ટર આખે આખો પટ પટ ખાઈ ગયો. હી વોસ સો હે…પી…!!’

-બટ આઈ એમ વેરી અનહેપ્પી….! પણ મારાથી કંઈ બોલી ન શકાયું. ઠરી ગયેલ ખીચડી અને બેસ્વાદ ભાજીના લુસ લુસ કોળિયા મેં જેમ તેમ ગળે ઉતાર્યા. મારે સામ દામ દંડ ભેદથી…રાહુલ, સોનિયા-મનમોહનની નિતીથી પગલાં ભરવા જરૂરી હતાઃ આ બંટીની બબાલથી બચવા…બંટીની બબાલથી છુટવા…!!

‘જો ડા…આ…ર્લિં…ગ…!!’ ડાર્લિંગ શબ્દને મેં થાય એટલો સુંવાળો કરતાં કહ્યું, ‘તું સમજ…!!ડિયર…!!’ જમ્યા પછી બધાં વાસણ સાફ કરવાની શરૂઆત કરતાં કહ્યું, ‘તું સમજ જરા. આ બંટી આપણને ના પોસાય…!’

‘કેમ ન પોસાય…?!’ મારૂં બરાબર સાફ કરેલ તપેલું સિંકમાં પાછું મુકતા મધુ બોલી, ‘આ તપેલું બે વાર સાફ કર! એમાં બંટી માટે રસોઈ બનાવવાની છે.’ રોજ બધાં વાસણો સાફ કરવાની કામગીરી મારે જ શિરે હતી.

‘એનો ખર્ચો કેટલો…?’

‘ખર્ચો શાનો…?! એવું લાગે તો વિકમાં બે વાર તું ઓવરટાઈમ કરજે…!’

‘પણ બંધ ઘરમાં બંટી રહેશે તો ગંધાશે…!’ પછી એના તરફ ફરી હું એને સમજાવતા બોલ્યો, ‘હાલે તો સમર છે એટલે વિંડો ખુલી રહે પણ વિંટરમાં…બારીઓ બંધ રહેશે તો ગંધાશે…!!’

‘એ તો પછી ટેવ પડી જશે….!! મને તારી પડી જ ગઈ છે ને…?!’ ધીમે ધીમે મરકતા મધુ બોલી, ‘મેં કદી ફરિયાદ કરી છે એની…?!’

‘પણ…’ મેં વિનવણીનું મોણ નાંખતા કહ્યું, ‘એની કેટલી કાળજી રાખવી પડશે…!’

‘આઈ નો…! વિ વિલ મેનેજ…! યુ નો આખા અમેરિકામાં દરેક ઘરે કોઈને કોઈ પ્રાણી પાળેલ હોય છે…!’

-આપણી ઘરે એક તું છે એ કંઈ ઓછું છે…?! પણ મારે વધુ ભડકો સળગાવવો ન્હોતો. હું મૌન મૌન વાસણો સાફ કરતો રહ્યો. મધુએ એની બંટીની વકિલાત આગળ વધારતા કહ્યું, ‘ગઈ કાલે  સીએનએન પર પેલો આપણો ઈંડિયન ડોક્ટર સંજય ગુપ્તા પણ કહેતો હતો કે પાળેલ પ્રાણી પર હાથ પસવારીએ તો આપણુ બ્લડ પ્રેશર વગર દવાએ પણ કાબુમાં રહે!’

-પણ મારૂં તો બે કલાકમાં બમણું થઈ ગયું એનું શું….?!

‘પ્રાણીઓ આપણી લાગણી સમજે…! નિર્દોષ પ્રાણી આપણને જીવવાનું બળ પુરૂં પાડે. એની કોઈ ખોટી માંગણીઓ નહિં…!!’

-બસ લંચને ડિનરમાં લોબસ્ટર જોઈએ….!

‘….અને વિચાર તો કર…! આપણે ક્યાં બંટી માટે એક સેંટનો પણ ખર્ચ કરવો પડ્યો…??! સાવ મફતમાં મળ્યો છે બ્યુટિફુલ બંટી..!!’

-મફતમાં મળેલ મોન્સ્ટર….!

‘સમજ જરા…!’ એની વાતો વડે એ મને આંજી દેવાનો પ્રયત્ન કરતી હતી, ‘વળી બંટી ઘરમાં હોય તો મોંઘી દાટ સિક્યુરીટી સિસ્ટમ લગાવવાની જરૂર જ નહિં…!’

-આવડું અમસ્તું કૂતરૂં શું સિક્યુરિટી કરવાનું…?! એને જ ચોર પહેલાં ઉપાડી જશે…!

હજુ વધુ ફાયદાઓ ગણાવે એ પહેલાં જ એનો બેટો બંટી ધીમેથી રસોડામાં પ્રવેશ્યો. આળસ મરડી પણછની જેમ એનુ શરીર તાણ્યું. મારા તરફ એક ઉડતી નજર કરી રોફથી એ મધુ પાસે ગયો.

‘ઉઠી ગયો બકા..?!’ મધુએ એને ઉંચકી લીધો. પછી એના હોઠોં સાથે હોઠ મેળવી જોરદાર ફ્રેંચ કિસ કરી!! બંટીએ પણ એની લાંબી લાંબી પાતળી પાતળી સુંવાળી જીભ મધુના કાચ પેપર જેવાં ખરબચડાં ગાલો પર ફેરવી!! પણ એનાં મ્હોંમાં જરૂર કોઈ વિચિત્ર સ્વાદ આવી જતાં જોરથી છીંક ખાધી…!!

-ઈં….છી…છી….ઈં….ઈ….

‘બ્લેસ યુ…!’ મધુએ ફરી બન્ને હાથથી જોરથી પકડી એનું મ્હોં પાસે લાવી પ્યારી પપ્પી કરી, ‘ડુ યુ વોંટ ટુ ગો આઉટ…?! યુ વોંટ ટુ ગો આઉટ…?!’

-આંઉ….આંઉ….આંઊ…આંઊં…આંઊ…ઊ…ઊ…કરતો બંટી પૂંછડું પટપટાવવા લાગ્યો. મધુએ એને નીચે ઉતાર્યો. ગળામાં સુંવાળો પટો બાંધ્યો. એની સાથે પાતળી દોરી હતી તેનો છેડો પકડી બારણું ખોલી બંટીને બહાર દોર્યો. પછી મારા તરફ નિહાળી બંટીને કહ્યું, ‘સે…ગુડ બાય ટુ નટુ….!!’ પણ બંટી તો મને છેક અવગણી બહાર દોડી ગયો. કદાચ, લોબસ્ટરનું એનાં પેટમાં ભારે દબાણ હશે. મધુ પણ એની પાછળ પાછળ ઘસડાતા પગે ઘસડાઈ…!  બન્નેના જવાથી મારા ઘરમાં જરા શાંતિ થઈ. પણ મારી મુંઝવણ તમને શી રીતે સમજાવું…એ તો બંટી જેવી બલા સાથે પનારો પડે તો જ તમને ખ્યાલ આવે.

દુઃખતા પગના અંગુઠા પર બેનગે એકસ્ટ્રા સ્ટ્રેંથ ઓઈંટમેંટનું માલિસ કરતાં કરતાં મેં ટીવીની ચેનલો બદલવા માંડી. ટીવી પર પણ બધે જ કૂતરાં-બિલાડાના કાર્યક્રમો આવી રહ્યા હતા…!!  મારૂં બસ ચાલે તો આખી અવનિ શ્વાન વિહોણી કરી નાંખુ….!!દશ પંદર મિનિટ પછી બંટી અને બલા બન્ને ઘરે પાછા આવ્યા. બંટી હળવો થઈ ગયો હોય એમ મને લાગ્યું મધુએ બાંધેલ પટ્ટો છોડ્યો એટલે એ સીધો એનાં નવા નવા બ્લેંકેટ પર જઈને ચાર ટાંટિયા છત તરફ ઊંચા કરી સુવાની કોશિષ કરવા લાગ્યો. મધુએ પણ બકાસુરની માફક મોટ્ટેથી બગાસું ખાધું…! જાત જાતના ચિત્ર-વિચિત્ર અવાજો કર્યા…! એ પણ બેડરૂમમાં ગઈ અને એનાં નાક, કાન ગળાનાં વાંજિત્રો સજાવી, સુર મેળવી નસકોરાં વગાડવાનો પ્રયાસ કરવા લાગી અને થોડી જ વારમાં એનો ઘોરવાનો ઘરઘરાટ આખા ઘરમાં ગુંજવા લાગ્યો…!!(આ ઘરઘરાટ વિશે આપને ક્યારેક વધુ કહીશ)

આખી દુનિયામાં હું જ એક કમનસીબ જાગતો હતો. નવ-સવા નવ થવા આવ્યા હતા. મારી તો જિંદગીભરની ઊંઘ ઉડી ગઈ હતી. મેં ફરી ટીવીના રિમોટ સાથે રમવા માંડ્યુ. સીએનએન પર લેરી કિંગ લાઈવમાં ઓ. જે. સિમ્પસન ઈન્ટરવ્યુ આપી રહ્યો હતો. ઓજેએ એની પત્નીને પતાવી દીધી હતી…! પોતાની પત્નીનું ઠંડે કલેજે ખૂન કર્યું હતું….! બધાં એ જાણતા હતા…ખૂન કર્યા પછી ટીવી પર એને ભાગતા લાઈવ બતાવેલ…!! છતાં પણ એ નિર્દોષ છૂટી ગયો હતો…!! પછી તો એણે એના પરથી  પુસ્તક પણ લખી નાંખ્યું: ઈફ આઈ ડીડ ઈટ…!! એવો ઓજે આજે લેરી કિંગ લાઈવમાં વાત કરી રહ્યો હતો. અને લેરી ઓજે પાસેથી પોતાની નવી સવી પત્નીને મારવાનું શીખી રહ્યો હતો. મને પણ રસ પડ્યો…! કદાચ, મને ઓજેમાંથી પ્રેરણા મળે તો બંટી અને બલા બન્નેને બતાવી દઉં …. પતાવી દઉં…!! લેરી પણ ઓજેથી અંજાય ગયો હતો. પ્રોગ્રામ જોતાં જોતાં સોફા પર ધીરે ધીરે  મેં પણ લંબાવી દીધું અને ક્યારે ઊંઘી ગયો એની મને જાણ પણ ન થઈ. સોફામાંથી હું સીધો સીએનએન પર લેરી કિંગ સામે ગોઠવાય ગયો.

‘સો..ઓ…નાતુ…!’ લેરીએ એના ઘોઘરા અવાજે મારી સાથે વાત શરૂ કરી, ‘હાઉ યુ ડુઈંગ…!! હાઉ આર યુ….!?’

‘યુ સી લેરી…!! આઈ એમ નોટ નાતુ…!! આઈ એમ નટુ… નટુ…!!’

‘ઓ.કે…!! નાટુ…! હાઉ યુ ડીડ ધીસ…?!’

‘સિમ્પલ…! વેરી સિમ્પલ…!!’

‘યુ કિલ્ડ યોર વાઈફ્સ ડોગ…!??’

‘યય….સ્સ…! આઈ  કિલ્ડ બંટી…! બંટી વોઝ એ સ્માર્ટ ડોગ…!! સાલ્લા કુત્તા….!!’

‘વ્હોટ ડીડ યુ સે…!?’ લેરી એના ચશ્મા સરખાં કરતાં ગુંચવાયો…

‘કુત્તા…! કુ…ઉ…ત્તા…આ..!!કુત્તા…!! યુ નો ડોગ…!?’ મેં એને સમજણ પાડતાં કહ્યું ‘આઈ રોટ ધીસ બુક ફોર ઓલ હસબંડ્સ ઈન ધ યુનિવર્સ….!’ મારા હાથમાંનુ પુસ્તક મેં ટીવી કેમેરા સામે ધર્યું બુકનું શિર્ષક હતું: આઈ કિલ્ડ માઈ વાએફ્સ ડોગ…!!

‘ઈંટરેસ્ટીંગ…!!’ લેરી બોલ્યો.

‘ડુ હેવ અ ડોગ…??’ મેં લેરીને પુચ્છ્યું.

ચશ્મા પાછળથી ડાઘિયા કૂતરાની માફક નજર ફેરવી ફેરવી મને જોવા લાગ્યો. પછી ઊંડો શ્વાસ લઈ એ બોલ્યો, ‘યુ સિ નાતુ…!  આઈ એમ યોર હોસ્ટ…! આઈ વીલ આસ્ક ક્વેશ્ચન…! યુ કેન ગીવ ઓન્લી આન્સરસ્…!!’

‘ઓ…કે…!! ઓ…કે…!! ડોંટ વરી લેરી…! ટેઈક માય કાર્ડ…!’ ગજવામાંથી બિઝનેસ કાર્ડ કાઢી મેં લેરીને આપ્યો, ‘માય કોંટેક્ટસ્…માય વન એઈટ હંડ્રેડ નંબરસ્.. આર ઓન માય કાર્ડ….! માય વેબસાઈટ્સ…માય ફેન ક્લબ…માય પર્સનલ બ્લોગસ્!! ઓલ આર લિસ્ટેડ ઓન માય કાર્ડ…!! વ્હેનએવર યુ નિડ માય હેલ્પ આઈ વિલ બી ઘેર…!! વ્હેનએવર યુ નિડ ટુ કિલ યોર ડોગ ઓર યોર વાઈફ્સ ડોગ…ગીવ મી એ રિંગ…!! આઈ વીલ ગિવ યુ ટેન પર્સેન્ટ ડિસ્કાઉન્ટ…!!’

લેરીએ કાર્ડ લઈ એના જેકેટમાં મુક્યો, ‘થેંકસ્… નાતુ….!!’ ત્યારબાદ એના સવાલોના કાર્ડ પર નજર કરી સવાલ શોધી એ બોલ્યો, ‘ટેલ મી!!  હાઉ ડીડ યુ કિલ બંટી??’

‘માણિકચંદ…!! આઈ ગેવ હિમ માણિકચંદ…!!’

‘માનિકચંદ…!? વ્હોટ ધીસ માનિકચંદ…!?’

‘ઈટ ઈસ ગુટખા…!! ફેમસ ગુટખા…!! ઊંચે લોગ કી ઊંચી પસંદ… માણિકચંદ…!! એ ફેમસ ગુટખા ઓફ અવર ગ્રેટ ઈન્ડિયા…!! આઈ ગેવ બંટી માણિકચંદ ઈન લોબસ્ટર ને ખેલ ખતમ…!!’

‘વા…ઉ…ઉ…!!’

‘ઈટ ઈસ ચીપ…!! ટુ ડોલર અ પાઉચ…!!’

‘ઈન લોબસ્ટર…!??’ લેરીને નવાઈ લાગતી હતી, ‘ડિડ યુ ગિવ ઈન લોબસ્ટર…!?’ લોબસ્ટરનું નામ લેતાં જ લેરીના મ્હોમાં પાણી આવતું હોય એમ લાગ્યું, ‘ડિડ યુ ટેસ્ટ લોબસ્ટર…??ડિડ યુ લાઈક ઈટ…??’

‘ઓ…ઓ…ગો…ઓ…ડ…!! ઈટ્સ ગુડ…! આઈ લવ ઈટ…!! જ્યુસી લોબસ્ટર…!!’ મારા મ્હોંમાં પણ પાણી આવી જ ગયું.  અને લાળ ટપકવા માંડી…! મારી જીભ હું મારા હોઠ પર ફેરવવા માંડ્યો…! ધીમે ધીમે મારી જીભ એકદમ લાંબી થઈ ગઈ અને મને લાગ્યું કે હું જ મારા ગાલ પણ ચાટવા લાગ્યો છું…. ચમકીને એકદમ હું જાગી ગયો…! લેરી કિંગ તો ટીવીમાં ઘુસી ગયો હતો…! પરંતુ, બંટી મારી છાતી પર ચઢી બેઠો હતો અને નિદ્રાવસ્થામાં મારા મ્હોંમાંથી ટપકી રહેલ સ્રાવને એ ટેસ્ટથી ચાટી રહ્યો હતો…મારા ચહેરાને….મારા સુંવાળા ગાલને ચાટી રહ્યો હતો એ…! લપક…! લપક…!! લપક…!!!

‘હટ્ટ…હટ…હટ…!! સા… હજુ જીવતો છે….!’

હું એકદમ ચમકીને સોફા પરથી ઉભો થઈ ગયો…! મારા પરથી બંટી ફરસ પર કુદી પડ્યો.. અને દોડીને એની મુલાયમ પથારી પર જઈ ચુપચાપ સુઈ ગયો…!!

બાથરૂમમાં જઈ હું મારૂં મ્હોં ધોઈ આવ્યો…! પણ મારા મ્હોં પરની ચિકાશ ઓછી ન થઈ….! મધુ તો ઘરર્…ઘરર્…ઘોરી રહી હતી એટલે મેં સોફા પર જ લંબાવ્યું…ધીરે ધીરે મારી આંખલડીઓ મિંચાઈ અને હું નિંદ્રાદેવીને શરણે પહોંચી ગયો….!!

(‘બંટી કરે બબાલ ભાગ:૧’ ના પીડીએફ ફોરમેટ માટે
અહિં ક્લિક કરો
.
આપના કમ્પ્યુટર પર સાચવો.
પ્રિંટ કરો. મિત્રોને મોકલાવો.)

( બંટી કરે બબાલ ભાગ-૨ વાંચવા અહિં ક્લિક કરો. આભાર…)