પિતૃકૃપા

આપ સહુને થેંકસગિવિંગની લાખ લાખ શુભ કામનાઓ અને એ પર્વ નિમિત્તે આપનો સહુનો ખુબ ખુબ આભાર.

(આશરે પચ્ચીસ વરસ પહેલાં ‘પિતૃકૃપા’ લખેલ. એ સમયે એક પ્રમાણિક કર્મચારીના સંપર્કમાં આવવાનું થયેલ. અને આ વાર્તાનું બીજ રોપાયેલ. સંજોગો હજુ પણ ખાસ બદલાયા નથી.

‘પિતૃકૃપા’ એડિસન, ન્યુજર્સીથી પ્રકાશિત થતા ‘તિરંગાના પૃષ્ઠો પર વરસી ચુકેલ છે.આ માટે હું ‘તિરંગા’ના પ્રકાશક અને માલિક શ્રી નિતિનભાઇ ગુર્જરનો ખુબ જ આભારી છું.

આશા છે કે, ‘પિતૃકૃપા’ આપને પસંદ આવશે… આપને સહુને આપની અમુલ્ય કોમેંટ કરવા નમ્ર વિનંતી છે. આપના સુચનો, પ્રતિભાવ હર હંમેશ આવકાર્ય છે.)

‘પિતૃકૃપા’

૩. પિતૃકૃપા

– વસુદેવ સુતમ્ દેવમ્………

હરિભાઇનું ધ્યાન આજે પૂજામાં લાગતું નહોતું… પ્રાર્થનાથી સ્થિર થવાને બદલે મન વધુ વિચલિત થઈ રહ્યું હતું…ચંચળ મનની અસ્થિરતાથી એ થોડા વ્યાકુળ થઈ ગયા હતા.. મ્હોંમાંથી યંત્રવત્ શ્લોકની સરવાણી અસ્ખલિત વહેતી હતી.. એઓ વિષાદ યોગમાંથી પસાર થઈ રહ્યા હતા. સર્વ મિથ્યા લાગી રહ્યું હતું. મન બેચેન હતું. વેર-વિખેર થઈ ગયુ હતું. કેટલાય સમયથી કુરુક્ષેત્ર બની ગયું હતું…એઓ ખુદ લડી રહ્યા હતા પોતાની સાથે જ!!

પોતે જ સારથી હતા અને પોતે જ પાર્થ હતા…

નાહી-ધોઈ દરરોજ અડધો કલાક પ્રભુ ભક્તિ કરવી એ હરિભાઇનો નિત્ય ક્રમ હતો. પરંતુ ભક્તિ પ્રત્યેની આસક્તિમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો હતો… ઉંમર વધે એમ સામાન્યતઃ ભક્તિ વધે…. પણ અહીં ઊલટો ક્રમ બની રહ્યો હતો….એવું નહોતું કે એમને પ્રભુમાં શ્રદ્ધા નહોતી…પ્રભુમાં એમને અખૂટ શ્રદ્ધા હતી…વિશ્વાસ હતો… પ્રાર્થના તો જીવનનું અમૃત છે એવું એઓ માનતા હતા…અન્યથા શરણમ્ નાસ્તિ…ત્વમેકમ્ શરણમ્ મમ….એમના જીભના ટેરવે રમતું રહેતું…રામનું નામ એમના હૈયે ને હોઠે રહેતું…પણ લાગતું હતું કે એ નામ પણ હવે કોઈ કામ આપતું નહોતું… આરામ આપતું નહોતું…

એક સામાન્ય ક્લાર્ક તરીકે ઇન્કમ ટેક્ષ  વિભાગમાં હરિભાઇએ નોકરીની શરૂઆત કરી હતી. મેટ્રિક પાસ થયા બાદ નાની-મોટી નોકરી કરતાં કરતાં ઇન્કમ ટેક્ષ ખાતાનું ઇંટરવ્યુ આવ્યું હતું અને આજે એઓ ઇન્ક્મટેક્ષ ઑફિસરનો માતબર હોદ્દો શોભાવતા હતા..હરિભાઇ પોતાની નોકરી, પોતાના હોદ્દા વિશે વાત કરતાં અચકાતા…! ક્ષોભ અનુભવતા હતા.!!

હોદ્દાનો એક રુતબો હતો…. માન હતું પણ હરિભાઇને એ હોદ્દો હવે એક બાણશય્યા સમાન લાગતો હતો… હરિભાઇના ક્ષોભ અંગે આપે એવું ધારી લીધું ને કે હરિભાઇને ઉપરની બે નંબરી આવકને કારણે ક્ષોભ થતો હશે…!!

– ના….એવું હરગિજ નથી… હા, આપની આ ધારણા સાવ ખોટી છે….!!!

પરંતુ, એમનો એક દોષ અવશ્ય હતો….એઓ એક નખશિખ પ્રમાણિક સંનિષ્ઠ અને ચોખ્ખા કર્મચારી હતા..!!! અને આજના આ કળિયુગમાં એ જ એમનો સૌથી મોટો અવગુણ હતો… સહકર્મચારીઓ એમને ઘાસની ગંજી પર બેઠેલ શ્વાન કહેતાં: પોતે તો ખાતો નથી અને બીજાને પણ ખાવા નથી દેતો….!! પરતું હરિભાઇને કોઈની પડી નહોતી… ઑનેસ્ટી જ એમની બેસ્ટ પોલિસી હતી…!!!

– શું આપ્યું હતું પ્રમાણિકતાએ?!

વિષ્ણુ સહસ્ર નામાવલિનું રટણ કરતા કરતા એમના વિચારો અટકતા નહોતા.

– કેટકેટલી બદલીઓ થઈ ગઈ ?? અરે !! મળવાપાત્ર પ્રમોશન પણ કેટલું મોડું મળ્યું હતું!! કોઈ પણ કારણ વિના ફક્ત કરચોર વેપારીઓ, બિલ્ડરો, ચાર્ટડ-એકાઉન્ટન્ટ અને ટેક્ષ કન્સલ્ટટન્ટની ખોટી ચઢાવણીને કારણે લાંચિયા ઊપરી અધિકારીઓએ એમના સી. આર રિપોર્ટ બગાડ્યા હતા.

– અરે!! પેલા ઇન્કમ ટેક્ષ કમિશનર અડવાણીએ તો એમની સામે ખાતાકીય તપાસનો મોરચો પણ માંડ્યો હતો!! પરંતુ, પોતે શુદ્ધ હતા!! સો ટચના સોનાની માફક એઓ ઉજ્જ્વળ બનીને બહાર નીકળ્યા હતા…કોઈ દાગ લાગ્યો નહોતો એમના દામન પર…!!

પરંતુ, હવે એ ખુદની જ કસોટીમાંથી ઊણા ઊતરી રહ્યા હતા….! નિષ્ફળ જઈ રહ્યા હતા…!! હારી રહ્યા હતા….!!

રિટાયર થવાને હવે ચાર-પાંચ જ વરસ બાકી રહ્યા હતા…

– આટલા વરસની નોકરી બાદ શું હતું એમની પાસે. ??

– ન પોતાનું ઘર…! ન તગડું બેંક બેલંસ… !!

– અરે!! પ્રોવિડંડ ફંડમાં પણ ઉપાડને કારણે તળિયું આવી ગયું હતું….!!!

– જ્યારે એમના સહ કર્મચારીઓ કેવા તાગડ-ધિન્ના કરતા હતા….!!?

– પેલો ત્રિવેદી..?! એમનાંથી પાંચ-છ વરસ જુનિયર…છતાં શહેરમાં બે બે તો ફ્લેટ..!! જમીનના બેનામી પ્લૉટ….ભાઇના નામે કાર રાખી પોતે ફેરવે… અને સ્કુટરોની તો લંગાર….!!

– કેવી રીતે…? કેવી રીતે…??  લોકો કેવી રીતે લાંચ લેતા હશે….?? એમના આત્માને કંઈ દુઃખ ન થતું હોય…?!

– ત્રિવેદી કહેતોઃ હરિલાલ, કદી માંગવું નથી પડ્યું….!! ફક્ત ના નહિ પાડવાની….ના પાડતા શીખવું નહિ…નન્નો ન ભણવાનો….!! અને લક્ષ્મી માતા ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ચોખ્ખું રાખવાનું….સાફ રાખવાનું….!!

– શું છે આપણી ઘરે..?? એમના પુત્ર મનુના શબ્દો એમના કાનમાં ગુંજ્યા રાખતા…

– મનુનો પણ શો દોષ…?

– પિતાજીએ જો ધાર્યું હોત તો આજે આપણી ઘરે બધું જ હોત…!! પ્રમાણિક હોવું કંઈ ખોટું નથી. પણ પ્રમાણિકતાનું આવું ખોટું વળગણ…?? પ્રમાણિકતાની જળો જાણે કુટુંબને ચૂસી રહી હતી…મનુ હંમેશ એની માતા શાતાંબેન પાસે પિતાજીની ફરિયાદ કર્યા રાખતો એની હરિભાઇને જાણ હતી.

– મોટી પુત્રી મધુના લગ્ન પ્રસંગે કેવી ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ હતી…?!

ભૂતકાળની ગર્તામાં ડૂબી રહ્યા હતા હરિભાઇ…

પ્રોવિડન્ડના પૈસા આવતા ખાસો સમય નીકળી ગયો હતો…લગ્નની તિથિ નજીક આવી રહી હતી… મધુને કન્યાદાનમાં આપવા માટેના ઘરેણાં તો પત્નીના જુના ઘરેણા તોડાવી બનાવ્યા…. પણ બીજા ખર્ચનું શું….??

પ્રોવિડન્ડના પૈસા પોતાના જ હતા…પોતાની કપાત હતી તે પણ લેવા માટે કેટલા ધમપછાડા કરવા પડ્યા….!! એ તો વેવાઇ ઘણા જ સારા હતા, સમજુ હતા… એમણે પચાસ હજાર રૂપિયા આપ્યા અને પ્રસંગ સુખરૂપ પત્યો…પ્રોવિડન્ડના પૈસા આવી જતા વેવાઇને પૈસા પરત કર્યા હતા…

હરિભાઇ માનતા હતા પ્રભુ મદદ પહોંચતી કરે જ છે…. જે રીતે નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી એમ પ્રભુ પોતાના ભક્તોને વહારે ધાય છે…પરતું,  હવે એઓ પ્રભુની મદદની ચાતક નજરે રાહ જોઇ રહ્યા હતા… એમની હૂંડી કોણ સ્વીકારશે? મોટો પ્રશ્ન હતો એમનો…એમનો એકનો એક પુત્ર મનુ છેલ્લા  બે વરસથી સાવ બેકાર બેઠો હતો… સાયકોલોજી સાથે એમ.એ. થયો હતો એ…!! નોકરીઓ માટે કેટકેટલીઓ અરજીઓ કરી હતી એણે….?! કેટલાંય ઇન્ટર્વ્યૂ આપ્યા હતા… પણ એની નોકરીનું કંઈ ઠેકાણું પડતું ન હતું…હરિભાઇ ફક્ત એક ઇશારો કરે તો તુરંત ક્યાંક ને ક્યાંક નોકરી મળી જ જાય….પણ હરિભાઇને ઇશારો કરતાં ક્યાં આવડતું હતું….??

હરિભાઇ ખુદને પણ થતું હતું કે એમણે કંઈ કરવું જોઇએ મનુ માટે….!! મનુ પણ ખૂબ જ નિરાશ થઈ ગયો હતો.. ઘરે પણ એ અનિયમિત આવતો…આખો દિવસ ક્યાંક કોઈ મિત્રોને ત્યાં રહેતો… અને મોડી સાંજે તો ક્યારેક રાત્રે મોડો ઘરે આવતો.. ‘છોડી દો તમારા ખોટા નીતિ-નિયમો…’ મનુની બાએ એમને કહ્યું, ‘અરે…મનુની ઊંમરે તો તમે એક છોકરીના બાપ બની ગયા હતા..!! હવે મનુને ઠેકાણે પાડવો પડશે..એને નોકરીએ લગાડવો પડશે….’

‘હં….’ હરિભાઇએ ધીમેથી ઊંહકારો ભણ્યો., ‘પણ હું શું કરું…?’

‘તમે કોઈને કહી શકો… કેટ કેટલી ઓળખાણ છે તમારી…!! બધા જ કહે છે કે વાંક તમારો જ છે…!! અને આમાં ક્યાં કોઈની પાસે પૈસા લેવાના છે…?! ફક્ત વાત જ કરવાની છે….મનુની નોકરી માટે….!!’

‘પૈસાનો સવાલ નથી….’ હરિભાઇએ ધીમેથી શ્વાસ લઈ કહ્યું, ‘આજ સુધી……….!’

હરિભાઇની વાત વચ્ચેથી તોડી લેતા મનુની બાએ ક્રોધિત થતાં કહ્યું… ‘આજ સુધી….!!આજ સુધી…!!’ નિઃશ્વાસ નાંખી એ બોલી, ‘શું થયું આજ સુધી…?? અરે…!! પ્રમાણિકતાનું પૂંછડું પકડી તમે વૈતરણી તો તરી જશો…પણ સંસારમાં ડૂબી જ જશો….!! જીવતે જીવ ડૂબી જ જશો એનો કેમ ખ્યાલ નથી આવતો તમને….? તમારે ગમે તેમ કરીને મનુને ઠેકાણે પાડવો પડશે….એક જ તો છોકરો છે આપણો…આપણે એના માટે ઘર તો નથી મૂકી જવાના…ક્વાર્ટર તો નોકરી છે ત્યાં સુધી… !!પછી શું…?? ક્યાં રહીશું આપણે…?? ક્યાં રહેશે એ…?? કદી વિચાર કર્યો છે તમે..?? ને હવે તમને રિટાયર થવાને વાર પણ ક્યાં છે….?! દિવસો તો પાણીની માફક વહી રહ્યા છે….હવે હાથ પર હાથ ધર્યે બેસી રહેશો તો રસ્તે રઝળવાનો વારો આવશે….હું તો આગળ વિચારી પણ નથી શકતી….!’

રાત્રે મનુનો વિચાર કરતાં કરતાં, મનુની બાનો વિચાર કરતાં કરતાં હરિભાઇને ઊંઘ ન આવી..આમે ય ઊંઘ પ્રવાસી પક્ષીઓની માફક કોઈ દૂર દેશ ઉડી ગઈ હતી….

ઘડિયાળમાં મધરાતના બેના ટકોરા પડ્યા…પલંગ નીચે મૂકેલ તાંબાના લોટામાંથી હરિભાઇએ બે ઘૂંટ પાણી પીધું… શરીરમાં જરા અસુખ જેવું લાગતું હતું…પરસેવે શરીર તરબોળ થઈ ગયું….એઓ ગાયત્રી મંત્ર બોલવા લાગ્યા….ઓ..મ ભુર્ભવઃ સ્વઃ…….

– કેમ આજે આમ થાય છે…..?? મંત્ર મ્હોંએથી યંત્રવત રટાતો હતો…. પણ મન કંઈક જુદું જ વિચારતું હતું…

– કેમ આજે આમ થાય છે ??  મનુને કઈ રીતે ઠેકાણે પાડવો એની ચિંત્તા વીસરી હરિભાઇ પોતાની તબિયત વિશે વિચારવા લાગ્યા… છાતીમાં સણકા મારી રહ્યા હતા.. જાણે હ્રદય નિચોવાઈ રહ્યું હતું…

– મનુની બાને જગાડુ…?!

એમણે મનુની બા તરફ નજર કરી..

– ના, એની ઊંઘ શા માટે અમસ્તી બગાડવી…!?

– ઓ ઓ ઓ….હ…..!!! હરિભાઇએ પથારીમાંથી ઉભા થવાની કોશિશ કરી…પણ પીડાથી ઊંહકારો નીકળી ગયો…

– આ તો આમ જ મરી જવાશે…

એમને મોતનો વિચાર એક વાર આવી ગયો…

– ઓ ઓ  ઓ હ…….!! મારા મનુનું શું થશે….?

હરિભાઇ કોકડું વળી ગયા…. કપડાં પરસેવે રેબઝેબ થઈ ગયા….

– શું આ એટૅક તો નથી….હાર્ટ એટૅક …!!

– તો……!!??

– હરે….એ…..એ!!  રા આ આ આ …..મ…..!!

છેક મળસ્કે હરિભાઇની આંખ મળી. સવારે છના ટકોરે ઊઠી જનારા હરિભાઇને શાંતાબેને સાત વાગ્યે ઉઠાડ્યા, ‘કેમ આજે કંઈ બહુ ઊંઘ્યા….!!’

– ઓ……ઓ……હ….હરિભાઇને રાતની પીડા યાદ આવી. શરીર કળતું હોય એમ લાગ્યું…એ હળવેક થી બોલ્યા, ‘રાત્રે ઊંઘ મોડેથી આવી હતી….!!’

‘આજે મનુનો શિક્ષકનો ઇન્ટર્વ્યૂ છે….!’ મનુની બાએ હરિભાઇને ચાનો કપ આપતા કહ્યું, ‘મનુ તો હજુ ઊંઘે છે. ઇન્ટર્વ્યૂ આપવા જવાની પણ એ તો ના પાડે છે. એ પણ શું કરે…!!’

‘હં….!’ હરિભાઇએ ચાનો ઘૂંટ ભરતા કહ્યું.

‘સ્કૂલના શિક્ષકનું તો એ ભણ્યો પણ નથી…કહેતો હતો કે બી એડ થયેલ હોય તો પણ નોકરી માટે બે-અઢી લાખ રૂપિયા તો ઉપરથી આપવા પડે સ્કૂલના ટ્રસ્ટીઓને….!!ને શિક્ષણ અધિકારીને ખવડાવવા પડે… !!’

‘જમાનો બહુ ખરાબ છે…’ હરિભાઇએ ચાનો કપ પૂરો કરતા કહ્યું, ‘હું મનુ માટે બહુ જ જલદી કંઈક વ્યવસ્થા કરીશ…એને સમજાવજે…મારી સાથે તો એ વાત પણ ક્યાં વધારે કરે છે…?’

‘બે- અઢી વરસ થઈ ગયા ઘર બેઠાં….! તમે કહ્યા રાખો છો પણ કરતાં કંઈ નથી….એ તો કહેતો છે કે એના કરતા તો ભણ્યો જ ન હોત તો સારું…!! કૈંક રિક્ષા કે એવું ચલાવીને કમાણી તો કરી શકતે…’

હરિભાઇ મૌન જ રહ્યા…શરીર કળતું હતું…બેચેની લાગતી હતી…

– રાતના એટૅકની વાત મનુની બાને કરૂં કે ન કરૂં…હરિભાઇ અવઢવમાં જ રહ્યા…

સ્નાનાદિથી પરવારી હરિભાઇ પ્રાર્થના માટે બેઠાઃ વસુદેવ સુતમ્ દેવમ્………

*       *       *       *       *       *       *       *

દિવસો તો પાણીના પ્રવાહની જેમ પસાર થયા…મનુની બેકારી કાયમ રહી ને હરિભાઇની બેચેની વધતી જતી હતી…

– એમનો સ્વભાવ એઓ કેમ બદલી શકે….!! આટલા વરસોથી પાળી  રહેલ પોતાના વ્રતને તે એ કેમ કરીને તોડે….?

એમાં એમની તબિયત અચાનક ઑફિસમાં હતાને જ બગડી…! પોતાની પીડા એ લાખ કોશિશ કરવા છતાં ય છુપાવી ન શક્યા. સહકર્મચારીઓ ઑફિસની જીપમાં જ એમના કહેવાથી એમને ઘરે ઉતારી ગયા..

‘શું થયું….??’ શાતાંબેન ચિંતામાં પડી ગયા.

‘કંઈ નથી થયું…!!’ હરિભાઇ માંડ બોલ્યા, ‘તું જરા મસાલાવાળી ચા બનાવ… ! આ તો રાત્રે બરાબર ઊંઘ નથી આવતી એટલે…!!’ હરિભાઇએ વાત ઉડાવી પથારીમાં પડતું મૂક્યું…

પીડાથી હરિભાઇ તૂટી રહ્યા હતા… પણ મનમાં તો આનંદ છવાયો હતોઃ હવે તો મોત આવે તો  સારૂં !!! મંગલ મંદિર ખોલો …દયામય… મંગલ મંદિર ખોલો…!!!! હવે અંતિમ પ્રવાસની તૈયારી થઈ ચુકી છે….!!

‘સાંભળો છો….?’ ચાનો કપ અને બામની બાટલી લઈ શાંતાબેન પલંગ પર બેઠાં, ‘લો, ચા પી લો…પછી બામ લગાવી આપું… કોણ જાણે મનુ પણ સવારનો ક્યાં ગયો છે…!? દાકતરને બોલાવી…….’

‘ના….ના….. એવું કંઈ જરૂરી નથી…’ હરિભાઇ પીડા દબાવી બોલ્યા…રકાબીમાં ઠારેલ ચા પીતા ન ફાવતા સીધી કપમાંથી જ ચા પીવી પડી…સ્વગતઃ બબડ્યા…દાક્તર આવશે ને નકામી દવાઓ આપશે ને આ જિંદગીનો ભાર વધારશે…. આ જિંદગી હવે વ્યર્થ લંબાવવી નથી….!! એમણે ગમે તેમ કરી શાંતાબેનને દાક્તર ન બોલાવવા માટે મનાવી લીધા…

તબિયત વધુ બગડવા છતાં હરિભાઇને અંદર અંદર આનંદ થતો હતો…શરીર કળતું હતું પણ મનડું મરકતું હતું…મૃત્યુ તો મહાપર્વ છે … એક સનાતન યાત્રા…જન્મથી શરૂ કરેલ દરેક પ્રવાસ મૃત્યુની સમીપે જઈને પૂર્ણતાને પામે. છે…. કેટલું જીવ્યા એ અગત્યનું ક્યાં છે….?? કેવું જીવ્યા એ અગત્યનું છે….!! અને પોતે પોતાની રીતે જીવ્યા…પ્રમાણિકતાના માર્ગે ચાલ્યા.. આ પ્રવાસ  કેડી એમણે પોતે કંડારી હતી…!! ઘણું જીવી લીધું પોતાની રીતે…!! હવે ભલે આવતું મૃત્યુ….!!

‘જો બેટા…’ એક સાંજે નોકરી પરથી ઘરે આવ્યા બાદ હરિભાઇએ મનુને પોતાની પાસે બેસાડ્યો, ‘તારા માટે હું વ્યવસ્થા કરી રહ્યો છું કોઈ સારી નોકરી માટે…!! થોડાં દિવસોમાં જ ખબર પડી જશે…! તને મારા સ્વભાવની તો ખબર છે….એ કારણે આપણે અને ખાસ કરીને તારે ઘણું સહન કરવું પડ્યું… પણ જો દીકરા, પૈસા-સંપત્તિ એ કંઈ બધું જ નથી ..સર્વસ્વ નથી…! અને તારા માટે હું કંઈ વધારે મૂકી પણ નથી જવાનો….’ હરિભાઇની આંખ ભરાઈ આવી અને એમનો અવાજ ભીનો થઈ ગયો…એ કંઈ વધુ બોલી ન શક્યા…

મનુ વિચારતો થઈ ગયો… પિતાજીને થતું દુઃખ સમજી ન શકે એટલો એ નાદાન ન હતો…

પિતાજીની તબિયતની એને પણ ચિંતા થતી હતી…બાએ પણ એને એ માટે વાત કરી હતી… પિતાશ્રીને કોઈ સારા દાક્તરને બતાવવાનું એણે નક્કી કર્યું: પિતાજી આ રીતે તો કદી વાત કરતા નહોતા….

શહેરના સારામાં સારા ગણાતા ડો. દેસાઈની મનુએ એપોઇંટમેંટ નક્કી કરી અને જીદ કરીને એ હરિભાઇને એમને ત્યાં લઈ ગયો. ડો દેસાઈ પણ હરિભાઇને ઓળખતા હતા. એમણે હરિભાઇને બરાબર તપાસ્યા. બ્લડ યુરિન…કાર્ડિયોગ્રામ… બ્લડ પ્રેશર…કૉલોસ્ટીરોલ…!!!

‘નથિંગ ટુ વરી….!’ રિપોર્ટ તપાસી ડૉક્ટર બોલ્યા, ‘એવ્રિથીંગ ઇસ ઓલરાઇટ એન્ડ પરફેક્ટ!! યુ આર એબસોલ્યુટલી નૉર્મલ… હિમોગ્લોબિન સહેજ બોર્ડર પર છે…બટ ઇટ ઇસ નોટ એ કોઝ….! તમને કોઈ વાંધો નથી…. એંજોય યૌર સેલ્ફ… ખાઓ પીઓ ને ખુશ રહો..!!’ હસતા હસતા ડો દેસાઈએ હરિભાઇને કહ્યું.

તો પછી પેલો દુખાવો…!! પણ હરિભાઇ કંઈ બોલી ન શક્યા…

‘પણ ડૉક્ટર…!’ મનુથી ન રહેવાયું, ‘પિતાજીને એકવાર બહુ ગભરાટ થઈ આવ્યો હતો…!! ઓફિસે જ છાતીમાં દુઃખી આવ્યું હતું…ગભરાટ થઈ આવ્યો હતો…!!’

‘તે કદાચ ગેસ્ટ્રીક પેઇન હશે…કોઈ વાર ગેસને કારણે એવું જ પેઇન થાય…કદાચ, મસ્ક્યુલર પેઇન પણ હોઈ શકે …કોઈ વજન ઊંચકી લીધું હોય ને મસલ્સ ખેંચાય ગયેલ હોય ત્યારે ખબર ન પડે પણ પાછળથી ક્યારેક અચાનક દુખાવો થાય…એમનો ઇસીજી…ઇકેજી નૉર્મલ છે…હાર્ટ ઇસ પરફેક્ટ….! બીપી નૉર્મલ છે….માટે ચિંતા કરવા જેવું કંઈ નથી…આ થોડી દવા લખી આપું છું…ખાસ તો વિટામિન જ છે… ફેરસની ટેબલેટસ્ છે….ને બી કોમ્પલેક્ષ છે….અને એક ડાયજેસ્ટિવ છે… આમ જોવા જાવ તો એની પણ ખાસ જરૂર તો નથી પણ યુ સી…!! અમે રહ્યા ડૉક્ટર એટલે કંઈક તો લખી જ આપવું પડે…!!’ પ્રિસ્કિપ્સન લખતા લખતા ડો. દેસાઈ હસીને બોલ્યા, ‘નહિતર પછી ડૉક્ટરની વેલ્યૂ શી રહે…સમજી ગયાને તમો…?!’

‘હું તને કહેતો ન હતો…?!’ હસવાનો અભિનય કરતા હરિભાઇએ મનુને કહ્યું, ‘મને નખમાંય રોગ નથી…!’

પરંતુ, એઓ અંદર અંદર સહમી ગયા…સળગી રહેલા રૂની માફક એ અંદર અંદર સળગી ઊઠ્યા…એમને કોઈ જ રોગ ન હોવાને કારણે આનંદ થવાને બદલે દુઃખના દાવાનળમાં સળગી રહ્યા હરિભાઇ…!!

– ઓ ઓ હ…!! આ શું કરવા બેઠો છે તું ઓ.. પ્રભુ….!!

હરિભાઇ કંઈ સમજી શકતા ન હતા..

બહુ ઊંચે ઊંચે ઊડતા હતા અ….ને ડો. દેસાઇએ એમના નિદાન મારફતે એમને ભોંય ભેગાં પટકી દીધા….!!

– કેટલુંય વિચારી દીધું હતું એમણે….?!

– પોતે પ્રભુને પ્યારા થઈ જશે…ચાલુ નોકરીએ મરણ થાય તો ખાતાના નિયમાનુસાર મનુને ઇન્કમ ટેક્ષ  ડિપાર્ટમેંટમાં જ નોકરી મળી જાય….!!

– મનુની બેકારી ટળે અને પોતાનું જીવ્યું ફળે….પણ…

– ઓહ પ્રભુ….!! તું પણ ખરો છે….!!!

– હાય રે…..નસીબ….!! ન માંગે દોડતું આવે…ન વિશ્વાસે કદી રહેજે….!!

*       *       *       *       *       *       *       *

‘જો…તોઓ….ઓ…. મનુ…!’ મનુની બા શાંતાબેને મનુને ઊઠાડ્યો, ‘તારા પિતાજીને કંઈ થયું કે શું….!!! કેટલુંય ઊઠાડ્યા પણ જોને…. !!’

મનુ ઝબકીને જાગી ગયો…બાના અવાજની કંપારી મનુને પણ ધ્રુજાવી ગઈ…

એ ઝડપથી પિતાજીની પથારી પાસે ગયો…એમને ઢંઢોળ્યા…જગાડ્યા….બૂમો પાડી…પણ પિતાજીનું નિશ્ચેત શરીર તે કંઈ જવાબ આપે…?!

મોટેથી પોક મુકાઈ ગઈ મનુથી, ‘પિ…તા….આ……આ    જી……..!!!’

હરિભાઇ હરિના મારગે ચાલી નીકળ્યા હતા..ફેમિલી ડૉક્ટરને બોલાવ્યા: કંઈ નથી….હાર્ટ બેસી ગયું હોય એમ લાગે….!! ક્યારેક ઊંઘમાં જ એવું થાય…..!!!

સગા-વહાલા, સ્ટાફ મિત્રો, વેપારીઓ..ચાટર્ડ એકાઉન્ટન્ટ….ટેક્ષ કન્સલટન્ટ સ્મશાનયાત્રા… સહાનુભૂતિના શબ્દો….ક્રિયાકર્મ….બારમું-તેરમું…બેસણું… મનુએ ભારે હૈયે  બધું પતાવ્યું…

‘જો મનુ….! તારા ફાધર ઇન્કમ ટેક્ષ  ડિપાર્ટમેંટમાં એક પ્રમાણિક સંનિષ્ઠ એમ્પ્લોઇ હતા…’હરિભાઇના ઊપરી અધિકારી પુરોહિત સાહેબ એમના સાથી કર્મચારીઓ સાથે ખરખરે આવ્યા હતા, ‘આજના કળિયુગમાં એમના જેવા ઑનેસ્ટ રહેવું એ પાણીમાં ડૂબકી મારી કોરા રહેવા જેવું કામ હતું…પણ એ કોરા જ રહ્યા..!! એઓ અજોડ હતા….!! બેજોડ હતા….!!’ પુરોહિત સાહેબે હરિભાઇના વખાણ કરતાં કહ્યું, ‘એમના આમ અચાનક ચાલ્યા જવાથી તમારા કુટુંબ પર પણ મુશ્કેલીઓ આવી પડી…તારી પાસે પણ કંઈ કામ નથી…અમારી સિમ્પથી તમારી સાથે જ છે…જો, આ અમારા યુનિયનનો શોકદર્શક ઠરાવ છે… અને આ અમારા ડિપાર્ટમેંટમાં તારી જોબ માટેની એપ્લિકેશન છે….’ પુરોહિત સાહેબે ટાઇપ કરેલ ત્રણ કાગળો ફાઈલમાંથી કાઢી મનુને આપ્યા, ‘અહીં તારી સિગ્નેચર કર….!! નિયમ મુજબ અને યુનિયનની સાથે થયેલ સમજૂતી પ્રમાણે તને અમારા ડિપાર્ટમેંટમાં જોબ મળી જવી જોઇએ….આઇ વિલ ટ્રાય માય બેસ્ટ ફોર યુ…’

અ….ને  સ્વર્ગસ્થ પિતાની પચ્ચીસ વરસની સંનિષ્ઠ સેવાને ધ્યાનમાં લઈ નિયમાનુસાર ઇન્ટર્વ્યૂમાં સફળ થવાની શરતે મનુને ઇન્કમ ટેક્ષ  ડિપાર્ટમેંટમાં નોકરી મળી ગઈ…

દિવસો પસાર થતાં દુઃખ નામક ઝેરી રસાયણની સાંદ્રતા ઓછી થતી જાય છે… ઘટતી જાય છે… ઇન્ટર્વ્યૂમાં મનુ સફળ થઈ ગયો…પુરોહિત સાહેબની સહાનુભૂતિ પણ કામ આવી..ને મનુ કાયમી બની ગયો ઇન્કમ ટેક્ષ  ડિપાર્ટમેંટમાં… ફાઇલોના ઢગલામાં ઘેરાયો….

‘અરે…!! મનુભાઇ…!!’ રોયલ કેમિસ્ટનો સેલ્સમેન એમના ઇન્કમ ટેક્ષના કામે ઓફિસે આવ્યો હતો… ‘કેમ છો…!!? તમે તો હરિભાઇ સાહેબના છોકરાને….??’

‘હા….!!’ ફાઇલોના કાગળોમાંથી નજર હટાવી મનુએ એના તરફ નજર કરી….

‘બહુ જ સારા હતા હરિભાઇ…!! એમના જેવા ઓફિસર કોઈ ન મળે આજના જમાનામાં…!! હંમેશ સાચ્ચી જ સલાહ આપતા…અમારા શેઠ મહેશભાઇનો ગૂંચવાયેલ ગયેલ કેસ એમણે જ ઊકેલ્યો હતો…એમને તો હાઈ બીપી હતુંને….??!!’

‘ના…!!’ મનુએ સાશ્ચર્ય પૂછ્યું, ‘કેમ પૂછવું પડ્યું…?’

‘એ…તો એમણે અમારા મેડિકલ સ્ટોર પરથી છએક મહિના પહેલાં હાઈ બીપી માટે ગોળીઓ લીધી હતી…! એ તો પ્રિસ્કિપ્શન પણ ભૂલી ગયેલ…અરે…!! દવાનું નામ પણ એમને ખાસ યાદ નહોતું…મેં જ એમને ગોળીઓ આપેલ એટલે બરાબર યાદ રહી ગયું છે મને…!!’

‘એ…એ…એ………મ…!’  મનુના આશ્ચર્યનો ગુણાકાર થતો હતો, ‘પિતાજીએ કદાચ…કોઈ બીજા માટે……..!!’

‘બની શકે….પણ બિલ તો એમણે એમના નામનું જ બનાવેલ…!! રસીદ મેં જ ફાડેલ….! મહેશભાઇએ તો એના પૈસા લેવા ચોખ્ખી ના જ પાડેલ…પણ હરિભાઇ એમ શાના માને…? નવ પત્તા લીધેલ….મેં દશ આપવા કહેલ તો એમણે ના કહેલ… ત્રણ મહિના ચાલે એટલી ગોળીઓ લીધી હતી…તમારી ઘરે કદાચ બચી પણ હશે….!!’

વિચારતો થઈ ગયો મનુ….

– હાઈ બ્લડ પ્રેસર ….??!! પિતાજીને….હાઈ બીપી….??!!

– ડો. દેસાઈએ તો છાતી ઠોકીને કહ્યું હતું: કંઈ નથી….

– તો પછી દવા…હાઈ બી….પીની…?? ત્રણ મહિના ચાલે એટલી….એવું હોય તો બા તો વાત કરેજને…?? પિતાજી બાને તો દરેક વાત કરે જ…..ને બાએ મને તો એ વાત કરી જ હોય….

– હાઈ બીપી…..!!

– હાઈ બીપી…. હાઈ બ્લડ પ્રેસર મટાડવાની દવા….!!

– એ દવા પ્રેશર ઓછું કરે….બ્લડ પ્રેસર ઘટાડે…પ્રેસર લો કરે….!!

– ત્રણેક મહિના ચાલે એટલી ગોળીઓ….નવ પત્તા…નેવું ગોળીઓ….!!

– સારો માણસ આટલી ગોળીઓ એક સામટી ગળે…તો બ્લડ પ્રેસર એકદમ લો થઈ જાય…ઓછું થઈ જાય….ઘટી જાય…અને હાર્ટ બેસી જાય….!! કોઈને કંઈ ખબરે ય ન પડે…!! કંઈક સમીકરણો મંડાતા હતા મનુના મનમાં ને આપોઆપ ઉકેલાતા હતા….

– ઓહ…..!! તો પિતાજીએ..

સમજી ગયો મનુ….પિતાજીએ કહ્યું હતું: હું તારા માટે કંઈક વ્યવસ્થા કરૂં છું….

– આવી વ્યવસ્થા કરી તમે મારે…. માટે…..??

– ઓ………હ………..!! પિ…..તા……..જી…..!!!!

મનુની આંખ આસુંઓથી છલકાય ગઈ…..પિતાજીનો પ્રેમાળ ચહેરો મનદર્પણ પર પ્રતિબિંબિત થઈ ગયો…..ડૂસકે ડૂસકે રડ્યો છે મનુ….હજુ સુધી રડતો જ રહ્યો છે… રડતો જ રહ્યો છે…. રડતો જ રહ્યો છે…. રડતો જ રહ્યો છે…..

(સમાપ્ત)

(કુલ શબ્દોઃ ૨૮૧૨)

_______________________________________________________________________________________________________________________________________________

(“પિતૃકૃપા” વાર્તાના પીડીએફ ફોરમેટ માટે
અહિં ક્લિક કરો.
આપના કમ્પ્યુટર પર સાચવો. પ્રિન્ટ કરો. મિત્રોને ભેટ આપો.)


34 comments on “પિતૃકૃપા

  1. chetu કહે છે:

    Speech-lesss……!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  2. atuljaniagantuk કહે છે:

    બાબરનો પુત્રપ્રેમ યાદ આવી ગયો. જો કે હુમાયુ મરણ પથારીએ હતો અને પોતાના જીવનના બદલામાં બાબરે પોતાનો જીવ ખુદાને અર્પણ કરેલો. અહીં પુત્ર નીરાશાની ગર્તામાં ડુબી જવાની તૈયારીમાં જ હતો તેવે સમયે પીતાએ પુત્રને માટે કાઈક કર્યુ અને તે પણ સિદ્ધાંત સાથે બાંધછોડ કર્યા વગર.

    અલબત સમાજ માટે પણ આ વાર્તા લાલબત્તિ સમાન છે. જે સમાજ પોતાની વચ્ચે રહેલા સારા માણસોનું જતન નથી કરી શકતો તે સમાજ ધીરે ધીરે સડી જઈને પછી જીવતા જ મુઆ જેવો થઈ જાય છે.

    નટવરભાઈની સિદ્ધહસ્ત કલમને ફરી એક વાર શાબાશી અને શુભેચ્છાનો ગુલદસ્તો.

  3. સુરેશ જાની કહે છે:

    બહુ જ સરસ અને પ્રેરણાદાયી વાર્તા.

  4. Shweta Mehta-Topiwala કહે છે:

    Dear Dad,
    Another Jewel of your crown.
    Super story. I like it very much, but I do not like the end. But you are always having a mystical end in all stories.
    Readers can not judge what will be the end.
    Please keep writing and I sure you will have your lot of fans who will love your creations…
    Love you Dad!!
    Shweta Mehta-Topiwala

  5. Maulik કહે છે:

    I like all your stories, unusual end of story is your specialities but here end is undigestable.
    અંત ગળે ઉતારવો મુશ્કેલ છે.
    અંત ધારણાની વિરુધ્ધ્ છે. જે માણસ પોતાની આખી જીન્દગી કરપ્ટ લોકોની સામે જીંક જીલી શકે એ કાઈ આત્મહત્યાનો ખયાલ મનમા લાવી ન સકે.

  6. Bhadra Vadgama કહે છે:

    A very touching story of an honest man. The end is the best twist to the story. Well done. Look forward to your next story.

    Bhadra

  7. Ghanshyam Kothari કહે છે:

    Dear Natwar Mehta,
    It is a fantastic story.I always enjoy your story. I seek permission to redirect the story to my friends.
    Keep writing.
    Congratulation.
    Ghanshyam

  8. dhara shukla કહે છે:

    nice…….very nice!!!!!!!!!!!!!………………

    dhara

  9. MEHUL & RINKU કહે છે:

    Dear Mehta Uncle ,
    it is such a nice story & like it very much
    keep writing
    Congratulation
    MEHUL & RINKU VASHI

  10. યશવંત ઠક્કર કહે છે:

    સરસ વાર્તા. માણસનાં મનને કોણ કળી શક્યું છે! પોતાના પરિવારને રોજી રોટી મળી રહે એ ઈરાદાથી પરિવારનો મોભી આત્મહત્યા કરે એ વિષય પર આધારીત અન્ય વાર્તાઓ અને નાટકો રજૂ થયાં છે. પણ આપણે ઈચ્છીએ કે હકીકતમાં એવી ઘટનાઓ સમાજમાં ન બને. ઘણી વખત હકીકત કલ્પના કરતાં પણ વસમી હોય છે જેને પચાવી શકાતી નથી. એ સંવેદનશીલ મિત્રને હું સલામ કરું છું કે જે આ વાર્તાના અંત સાથે સહમત નથી.

  11. Brinda કહે છે:

    wonderful story indeed. am reminded of having read similar scriot 4-5 years ago.

    a quastion comes to my mind “for how long should parents look after their children?” here, Haribhai’s son was an educated adult. he could have struggled and earned his livelihood. but parents also want to live life larger than gods, so, keep sacrificing! i belieive, the responsibility of parents is to help the child get education and Kelavani, which gives sense of what is right & what is wrong. after that, children should be made independent to make their lives.

  12. kamlesh patel કહે છે:

    સુંદર હદયસ્પર્શી વાર્તા !

  13. Anita કહે છે:

    Dearest Kaka,
    As always, wonderfully written and touches the very aspects of the life…a family and its values. Happy to see the love that Father and Son share in this story. I agree with Shweta about the ending but overall exceptional.
    Love,
    Anita

  14. Hasmukh Bulsara કહે છે:

    I did not read this story in Tiranga. I got a chance to read it on your website.Very touchy for a parents who cannot see their kids unemployed after good education.Keep writing and surprize your fans

    Hasmukh Bulsara

  15. Bhumika કહે છે:

    I love everything you write dad
    Love youuuu!

  16. ગોવીંદ મારૂ કહે છે:

    ખુબ જ સુંદર હદયદ્રાવક અને પ્રેરણાદાયી વાર્તા છે. પ્રમાણિકતા પંથે ચાલનારો પીતા પુત્ર પ્રેમમાં પ્રમાણિકતા ના પંથે જ પુત્ર માટે આત્મહત્યાનો માર્ગ લીધો એ ખુબ જ કઠે છે.
    ગોવીંદ મારૂ
    http://govindmaru.wordpress.com/

  17. Hitesh કહે છે:

    Natubhai,
    Like this story perticularly ethics of Haribhai. Also like the subject and the description.Very touching.
    Not satisfied with the end of this story.

  18. Jina કહે છે:

    આજે પહેલી જ વખત આપાના બ્લોગ પર આવી (અને કદાચ છેલ્લી વખત પણ… કારણ કે તમે તો પહેલી જ વારમાં ખૂબ જ રડાવી દીધી નટવરભાઈ) આટલું હૃદયસ્પર્શી, આટલું … મને શબ્દો નથી મળી રહ્યાં… પણ પિતા ખરેખર આવાં જ હોય છે… સંતાનો માટે કંઈ પણ કરવા તૈયાર… સદીઓથી માતા અને તેની મહાનતા વિશે કંઈ કેટલુંય લખાયું છે… પણ તમે એક (પ્રામાણિક) પિતાની પરિસ્થિતિ અને પ્રેમનું જે શબ્દારૂપણ કર્યું છે તે ખરેખર અદભૂત છે…

  19. Kaushik Amin કહે છે:

    આ વાર્તામાં આધ્યાત્મિકતાની ઊંચાઇ અને તીવ્ર હતાશાનું અદભુત મિશ્રણ છે. કૃષ્ણવંદે જગદગુરું થી શરૂ થતી વાર્તા ને અંતે ગતાશાની ઘોર ગર્તામાં ડૂબી ગયેલ હરિભાઇ મોત નોતરી દે છે એ પચાવવું અતિ મુશ્કેલ છે.
    પણ અતિ આધ્યાત્મિક વ્યક્તિ જલ્દીથી હતાશામાં સરી પડે એ પણ હકીકત છે. શરૂઆતમાં જ હરિભાઇને વિષાદયોગમાંથી પસાર થતા દર્શાવેલ છે.એટલે એમનું આમ આત્મહત્યા કરવું સમજી શકાય છે. આખી વાર્તાનો પ્રવાહ સરળ છે. ઝડપી છે. ઘણી વાત ગુહ્ય છે.ગુપ્ત છે એ બીજી વાર વાંચતા સમજ પડે.સુંદર વાર્તા.

  20. keval rupareliya કહે છે:

    very good,natversir.
    the end of story does not seem real.
    but it is good 4ever because this is story

  21. JITENDRA J. TANNA કહે છે:

    ખુબ જ સરસ વાર્તા. આપની વર્ણનશક્તિ અદભુત છે. ખુબ સરસ.

  22. Hardik કહે છે:

    Dear Sir,

    This is really a touching as well as heart-breaking story which made me cry as I completed it. Moreover coincidently today is a father’s day and I am reading this story today only 🙂

    મારા પૂજ્ય પિતાશ્રીને કોટિ કોટિ વંદન.. 🙂

    Thanks for such a story, Natver Sir.

    Regards,
    Hardik

  23. Veena Dave, USA કહે છે:

    very good and heart-touchy story. Thanks.

  24. Navin N Modi કહે છે:

    Dear Natwarbhai,
    I am a regular reader of ‘readgujrati.com’ site. Apart from reading the articles, I also enjoy reading comments. I love to read your constructive comments. In fact I search for your comments immediatly after reading an article. Your habbit of directing to your link for reading a similar article of yours is like two in one offer for me. Thanks a lot for that.
    Now about your story. It is very nice story presenting parental emotions. I respect the emotions. But how one can justify the sacrifice to the extent shown, and that too for a grown up youth? I will love to share with you the thoughts. However, this platform is not for that. If interested, be in touch with me thru e-mail.
    Navin Modi.

  25. shruti કહે છે:

    very nice story…. in this time u want find any honest offisor in incomtex department….

  26. Prabhulal Tataria'dhufari' કહે છે:

    શ્રી નટવરભાઇ
    મેં જે શબ્દો લખવા ધારેલ તે મારા પહેલા અતુલભાઇએ લખ્યા કે જેમ બાબરે પોતાના વ્હાલા દીકરાને જીવાડવા પોતાની જિન્દગી અર્પણ કરી તે જ પ્રમાણે હરીભાઇએ મનુ માટે કર્યું કુટુંબનું ભલુ ઇચ્છતા માવિત્રો ક્યારેક કેવા અજબ નિર્ણયો લેતા હોય છે તેનો સચોટ દાખલો આપની આ વાર્તાથી મળે છે,
    અભિનંદન

  27. parul mehta કહે છે:

    pitrukrupa….story khub saras hati….end ma thodu dukh thayu……pan Haribhai a chek sudhi potani pramanikta chhodi nahi a gamyu……..

  28. Madhukanta panchal કહે છે:

    (મૃત્યુ તો મહાપર્વ છે … એક સનાતન યાત્રા…જન્મથી શરૂ કરેલ દરેક પ્રવાસ મૃત્યુની સમીપે જઈને પૂર્ણતાને પામે. છે…. કેટલું જીવ્યા એ અગત્યનું ક્યાં છે….?? કેવું જીવ્યા એ અગત્યનું છે….!! અને પોતે પોતાની રીતે જીવ્યા…પ્રમાણિકતાના માર્ગે ચાલ્યા.. આ પ્રવાસ કેડી એમણે પોતે કંડારી હતી…!! ઘણું જીવી લીધું પોતાની રીતે…!! હવે ભલે આવતું મૃત્યુ….!!)…..આવું વિચાર​વા હરીભાઈ મજબૂર થયા કારણકે, આ પિતાનો પ્રેમ હતો.
    આજના જમાનામાં જ્યાં જુઓ ત્યાં બધે જ ભ્રષ્ટાચાર છે. બેરોજગારી અને મોંઘ​વારી છે. સામાન્ય કુટંબના અને પ્રામાણિક વ્યક્તિઓને દરેક જરૂરિયાત પૂરી કર​વી સહેલી નથી. દરેક માતા પિતા સંતાનોનું સારું જ ઇચ્છતા હોય છે પણ આજુબાજુની દેખાદેખીમાં ઉછરેલા સંતાનોને પોતાના માતાપિતાની પ્રામાણિકતા પચતી નથી.અને એટલે નજીવી બાબતે પણ એકબીજા સાથે મનદુઃખ થતું રહે છે. વાર્તા સરસ હતી. જીવતા જીવે પુત્રને પ્રામાણિક પિતાનો પ્રેમ સમજાયો નહીં પણ એક પિતાએ પોતાની પ્રામાણિકતા પણ સચ​વાય અને પુત્રનું કામ પણ ઉકેલાઇ જાય એ હેતુ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું..જ્યારે પુત્રએ પોતાના પિતાની પ્રામાણિકતાની પ્રશંસા સાંભળી અને મૃત્યુનું કારણ સમજાયું ત્યારે અફસોસ કર​વાનો અર્થ નહોતો.

Leave a reply to Anita જવાબ રદ કરો